નંબર 10 માં કેર અને શેખચલ્લીનું સ્વપ્ન!

કપિલ દૂદકીઆ Tuesday 25th July 2023 14:22 EDT
 
 

ગત સપ્તાહ ભારે રસપ્રદ બની રહ્યું. ત્રણ ટોરી બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ જેના પરિણામોએ લિબરલ ડેમોક્રેટ્સ અને લેબર પાર્ટીને આનંદ દર્શાવવાનું અને ટોરી પાર્ટીને આત્મચિંતન કરવાનું કારણ આપ્યું છે. મથાળાઓ અને લેબર ગ્રૂપની ટીપ્પણીઓ જોઈને તો કોઈને એમ જ લાગે કે સ્ટાર્મર કેર વડા પ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા છે અને નંબર 10માં બેસી ગયા છે. જોકે, જીવન આટલું સરળ હોતું નથી. શેખચલ્લીના સ્વપ્નાઓ અલગ વાત છે અને જનરલ ઈલેક્શનમાં એ લાઈન પસાર કરી જવી તે તદ્દન અલગ બાબત છે.

પોતાની પાર્ટીને આ નોંધપાત્ર વિજય તરફ દોરી જવા માટે તમારે કેરને ચોક્કસપણે અભિનંદન આપવા જ પડે. એમ કહેવાય છે ને કે તમે જ્યાં સુધી વિજય હાંસલ કરો છો ત્યાં સુધી તે કેવી રીતે મેળવ્યો તેની કોઈ દરકાર રાખતું નથી. આની અંદર જ લેબર અને ટોરીઝ માટે ઉત્તર રહ્યો છે. ગત થોડા વર્ષોમાં લેબર પાર્ટીએ દરેકને બધું જ આપવાના વચનો આપ્યા છે. તેમણે ટેક્સ અને વધુ ટેક્સની નીતિઓ રજૂ કરી છે. તેઓ ધનવાનો પર ટેક્સ નાખશે, તેઓ કંપનીઓ પર વધુ ટેક્સ લાદશે અને આટલું પુરતું ન હોય તેમ તેમના પર ઘણા સફળ થવાની હિંમત દર્શાવવા બદલ વધુ ટેક્સ લાદશે. આ જ તો સ્પષ્ટ નીતિ છે કે લેબર પાર્ટી મોટા ભાગના લોકો અને કંપનીઓ પર તેમના મોત સુધી ટેક્સ લાદતી રહેશે અને આ નાણા એવા લોકોને વહેંચી આપશે જેઓ આળસુની માફક બેસી રહી કશું જ કરવા ઈચ્છતા ન હોય.

કેરે લેબર પાર્ટીનો ગુપ્ત ઈરાદો મતદારોથી ઘણી સારી રીતે છુપાવી રાખ્યો છે. મને આંતરિક સૂત્રોથી જાણવા મળ્યું છે કે તે કદાચ આપણને ફરી યરોપમાં લઈ જશે, બ્રિટિશ કાયદાઓ પર EHRCનો પ્રભાવ વધુ મજબૂત બનાવવાની છૂટ આપશે, દેશને બાનમાં લેવા યુનિયનોને આઝાદી આપશે, તાજેતરના ઈમિગ્રેશન લેજિસ્લેશન (જે ગેરકાયદે માઈગ્રન્ટ્સને અટકાવે છે)ને દૂર કરશે જેથી વધુ ગેરકાયદે વસાહતીઓ મોકળાશથી યુકેમાં આવી શકે, એક્સ્ટિંક્શન રીબેલિઅન, બ્લેક લાઈવ્ઝ મેટર, ક્લાઈમેટ ચેઈન્જના દેખાવકારો અને જસ્ટ સ્ટોપ ઓઈલ જેવાં બધાં બદમાશ ઉપદ્રવીઓને આપણી જિંદગીઓ વધુ ખરાબ કરવાની છૂટ મળે તે માટે પબ્લિક ઓર્ડર એક્ટ 2023ની કેટલીક જોગવાઈઓ દૂર કરશે, અને આ યાદી તો હજુ ઘણી લાંબી થતી જાય તેમ છે.

મેં તો એમ પણ સાંભળ્યું છે કે લેબર પાર્ટીમાં ઘણા લોકોનો ઈરાદો લંડન જેવા ULEZ ઝોન્સ સમગ્ર દેશમાં ફેલાવવાનો છે. એન્જેલા રેનેરે તો સ્વીકાર્યું છે કે બદનામ અલ્ટ્રા-લો એમિશન ઝોન ટેક્સ ‘સમગ્ર યુકેના ટાઉન્સ અને શહેરોમાં આવી રહ્યો છે’. આમ દરેક લેબર વોટિંગ હોટસ્પોટ લોકો પર ટેક્સ લાદી તેમને વધુ ગરીબ બનાવવાની આ મંદમતિ યોજનાના લક્ષ્યાંક બની જશે. આના વિશે જરા વિચારો, ટેક્સ ચૂકવવાના નાણા ધરાવતા લોકો જ આ વિસ્તારોમાં વાહનો હંકારી શકશે આનો અર્થ એ છે કે આ નીતિ ગરીબોને દરકિનાર કરવા માટે જ ઘડાઈ છે. શું પરંપરાગત લેબર મતદારના દિલોદિમાગમાં પણ આવું જ છે? રસપ્રદ બાબત એ છે કે બ્રેન્ટમાં કન્ઝર્વેટિવ કાઉન્સિલરોએ 10 જુલાઈએ વોકઆઉટ કર્યો કારણકે લેબર બહુમતી ULEZ બાબતે ચર્ચા કરવા દેવા માગતી ન હતી. આમ આ મુદ્દે ટોરીઝ સામાન્ય નાગરિકોના પડખે જ છે.

કેર અને લેબર પાર્ટી ચૂંટણીઓમાં ઘણા આગળ છે અને તેઓ બાય-ઈલેક્શન્સ જીતી રહ્યા છે. આટલા બધા આગળ રહેવા છતાં કોઈ પાર્ટી કદી સામાન્ય ચૂંટણી હારી નથી જેમાં એક અપવાદ 1992નો છે જ્યારે નિલ કિનોક સમગ્ર દેશમાં કેર સ્ટાર્મરની જ માફક જાણે તેઓ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા હોય તેમ દેશમાં બધા ઈવેન્ટ્સમાં પરેડ કરતા રહ્યા હતા અને પછી જ્હોન મેજર સામે પરાજિત થયા હતા. શું ઈતિહાસનું પુનરાવર્તન થઈ શકે છે? ખેર, આ તો સમય જ કહેશે.

ટોરીઝ નિશ્ચિતપણે પોતાના જ સૌથી ખરાબ દુશ્મન છે. ગત ત્રણ વર્ષના ગાળામાં એમ જણાય છે કે તેમને એક વખત પોતાના જ અંગૂઠા પર નિશાન સાધવામાં ખુશી આવે છે અને તેઓ આખો પગ ગુમાવી દે ત્યાં સુધી નિશાનબાજી કરતા રહે છે. આ પોતાની જ જાતે ઘા મારવાની સ્વપીડક ઘેલછા અને ક્ષમતાનો કદી અંત આવે તેમ લાગતું નથી. આગામી છ મહિના રાજકીય હુલ્લડબાજીના રહેશે. ટોરીઝ લડાયક રીતે બહાર આવશે તેમ હું જોઈ રહ્યો છું. તેઓ એવી નીતિઓ રજૂ કરશે જે તેમના અને લેબર પાર્ટી વચ્ચે સ્પષ્ટ ભેદરેખા દર્શાવશે. કેરને અનિચ્છનીય માર્ગે જવાની અથવા મૌન સાધીને ઉપહાસનો સામનો કરવાની ફરજ પડશે. ટોરીઝે બેઝિક્સ તરફ પાછાં ફરવું પડશે ત્યારે મારું માનવું છે કે લેબર માટે પણ જોખમ ઉભું રહેશે જેઓ પોતાનો પગ ખોડી શકે છે. કોઈક તબક્કે રેડ વોલના મતદારો લેબર પાર્ટીની સામે થઈ તેને પ્રશ્ન કરશે કે તેઓ શા માટે કટ્ટરવાદીઓ સાથે ઈશ્કબાજી ખેલતા રહે છે. શું તમે એમ ઈચ્છો ખરા કે આગામી બ્રિટિશ સરકારના ફ્રન્ટ બેન્ચના મિનિસ્ટર્સ કટ્ટરવાદીઓના સમર્થક હોય? અથવા એવાં સાંસદો હોય જેઓ એન્ટિસેમિટિઝમ અને હિન્દુવિરોધી લાગણીઓ બાબતે બહાનાબાજી કરતા હોય? અથવા એવા સાંસદો હોય કે જેઓ સમગ્ર દેશમાં હિંસાત્મક ઉપદ્રવો ફેલાવતી પાકિસ્તાની ગ્રૂમિંગ ગેન્ગ્સનો વખોડવાનો ઈનકાર કરતા હોય?

ગત સપ્તાહે મેં ઉલ્લેખ કર્યો હતો કે કેર સ્ટાર્મર હાઉસ ઓફ લોર્ડ્સમાં પોતાના પીઠ્ઠુઓને ભરી દેવાની યોજના ધરાવે છે. આના પછી, મેં સૂત્રો મારફત સાંભળ્યું છે કે 15 ઉમરાવપદ મુસ્લિમ કોમ્યુનિટીમાંથી વફાદારો માટે આરક્ષિત રાખી શકાય છે. હું શરત લગાવું છું કે 26 ક્રિશ્ચિયન બિશપો તેમના નવા અબ્રાહમી કોમરેડ્સને આવકારવા થનગની રહ્યા હશે. જો 2024માં દેશ ખોટા પક્ષને ચૂંટી લાવશે તો પાંચ વર્ષ નરકયાતનાનાં બની રહેશે જ્યારે આપણે બાસ્કેટ કેસ બની જઈશું. આજથી જ તમારા સંશોધનો શરૂ કરી દો, નીરિક્ષણ કરો અને ધ્યાન રાખો કે કોણ શું કહે છે અને ક્યારે કહે છે, અને આખરે એક સાદો પ્રશ્ન પૂછજો, ‘શું તમે દેશના જોખમે અને હિસાબે વોક વિચારધારાને આગળ વધારતી ફર્સ્ટ બેન્ચ ઈચ્છો છો?’

(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter