પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ૧૪ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ પ્રથમ વખત પાકિસ્તાન નેશનલ સિક્યુરિટી પોલીસી (NSP) ૨૦૨૨ – ૨૦૨૬ની શરૂઆત કરી. આ સર્વ-વ્યાપી, બહુપરિમાણીય ડોક્યુમેન્ટમાં નાગરિક - કેન્દ્રિત માળખાને સ્પષ્ટ કરાયું છે અને આર્થિક રીતે સ્થિતિસ્થાપક પાકિસ્તાનને સુરક્ષિત કરવા આર્થિક સુરક્ષાને તેના મૂળમાં સ્થાન અપાયું છે.
રાષ્ટ્રીય સુરક્ષાના મુખ્ય તત્વ તરીકે આર્થિક સુરક્ષાને મૂકીને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા હિતોની શ્રેષ્ઠ સેવા કરવામાં આવશે તેવો આ દસ્તાવેજમાં દાવો કરવામાં આવ્યો છે. NSP એ 'માર્ગદર્શક દસ્તાવેજ' અને કેટલીક બાબતોમાં મહત્વાકાંક્ષી હોવાનું કહેવાય છે. સાત વર્ષના વિશ્લેષણ અને પરામર્શ પછી તૈયાર કરવામાં આવેલ આ પોલિસી ડોક્યુમેન્ટ સતત વિકસિત થશે તેવી અપેક્ષા છે.
તેના પ્રારંભ અગાઉ પાકિસ્તાની મીડિયામાં ભારત અને અન્ય નજીકના પડોશીઓ સાથે શાંતિ સ્થાપવાની દેશની ઈચ્છા વિશે સંકેતો હતા. દ્વિપક્ષીય વાટાઘાટોમાં પ્રગતિ થાય તે શરતે કાશ્મીર મુદ્દાના સમાધાન વિના પણ ભારત સાથે વેપાર માટેના દરવાજા ખુલ્લા રખાયા હતા. પાકિસ્તાનના એક અખબારે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે નવી રાષ્ટ્રીય સુરક્ષા નીતિ હેઠળ નજીકના પડોશીઓ સાથે શાંતિ અને આર્થિક મુત્સદ્દીગીરી એ પાકિસ્તાનની વિદેશ નીતિનો મુખ્ય વિષય હશે. એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે પાકિસ્તાન આગામી ૧૦૦ વર્ષ સુધી ભારત સાથે દુશ્મનાવટ ઈચ્છતું નથી.
'નવી નીતિ નીકટના પડોશીઓ સાથે શાંતિ ઇચ્છે છે' તેવા સકારાત્મક લાગતા નિવેદનને લીધે તેના પ્રારંભ અગાઉ ડોક્યુમેન્ટના કવરેજ માટે સાનુકુળ વાતાવરણ ઉભું થાય. જોકે, તેની ટેક્સ્ટના જાહેર કરાયેલા સારાંશમાં આ હકારાત્મક અંદાજોનો ખ્યાલ ખોટો ઠર્યો હતો. પછી ભલે તે કનેક્ટિવિટીના સંદર્ભમાં હોય અથવા જમ્મુ અને કાશ્મીરના અથવા ભારતમાં શાસન વ્યવસ્થાના સંદર્ભમાં હોય, દસ્તાવેજનો સૂર અને વિગતો મિત્રતાને બદલે દુશ્મનાવટના હેતુસરની હોઈ શકે.
કનેક્ટિવિટીના સંદર્ભમાં, NSP એ પૂર્વ તરફની કનેક્ટિવિટી ભારતના પ્રતિગામી અભિગમના બાનમાં છે તે જોતાં ખાસ કરીને અફઘાનિસ્તાનના સંદર્ભમાં પશ્ચિમ તરફની કનેક્ટિવિટીના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો. તેમાં દ્વિપક્ષીય સંબંધો વિશે કહેવાયું છે કે કાશ્મીરના વણઉકલ્યા વિવાદ અને ભારતની આધિપત્યપૂર્ણ યોજનાના પરિણામે આ સંબંધોમાં અવરોધ ઉભો થયો છે.
જમ્મુ અને કાશ્મીર પરના પેરામાં ભારતના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (IIOJK)માં યુદ્ધ ગુના, માનવતા વિરુદ્ધના ગુના અને નરસંહારના કૃત્યો દ્વારા સતત માનવ અધિકારના ઉલ્લંઘન અને અત્યાચારનો ઉલ્લેખ કરાયો છે. તેમાં અન્ય નિશ્ચિતરૂપના બિનમૈત્રીપૂર્ણ ઉલ્લેખો વચ્ચે ભારતના હિંદુત્વ - સંચાલિત રાજકારણ વિશે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે. ભારત પ્રત્યે પાકિસ્તાનના મૈત્રીપૂર્ણ અભિગમ વિશે સંબંધિત અધિકારીએ કરેલા દાવાની લાગણી દસ્તાવેજમાં ક્યાંય પણ જોઈ શકાતી નથી.
બંધારણની કલમ ૩૭૦ની નાબૂદી અને તેના પરિણામે જમ્મુ - કાશ્મીરમાં થયેલા ફેરફારનો આડકતરો ઉલ્લેખ કરતા NSPમાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (POK) અને ગિલગિટ બાલ્ટિસ્તાનનો સમાવેશ કરવા માટે પાકિસ્તાને જે છળકપટ કર્યું તેની પુષ્ટિ કરવામાં આવી નથી.
ભૂતકાળની રીતરસમને જાળવી રાખતા પાકિસ્તાને કાશ્મીર પરના યુએનના ઠરાવનો ઉલ્લેખ કર્યો છે. જોકે, પાકિસ્તાની સૈન્યને પાછું ખસેડવા અને સામાન્ય રીતે જે લોકો કાશ્મીરના રહેવાસી ન હતા તેમને ત્યાંથી ખસેડવાનો અનુરોધ કરતા ઠરાવની પહેલી શરતનો અમલ કરવા પાકિસ્તાન ક્યારેય તૈયાર ન હતું તે વાતને તો આમાં નજરઅંદાજ કરવામાં આવી છે.
NSP માં તેના લોકોની સલામતી, સુરક્ષા અને સમૃદ્ધિને સુનિશ્ચિત કરતી માનવ સુરક્ષા વિક્સાવવાની જરૂર હોવાની વાત કરાઈ છે. પરંતુ, જાહેરમાં ઉપલબ્ધ તેની ટેક્સ્ટમાં પાકિસ્તાનની ભૂમિ પર ફૂલીફાલી રહેલા આતંકવાદી જૂથોની ભૂમિકાની અવગણના કરવામાં આવી છે. તેમાં ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની માગણીઓને સંતોષવા માટે લેવાનારા પગલાંની કોઈ રૂપરેખા અપાઈ નથી. પાકિસ્તાન સતત FATFના ગ્રે લિસ્ટમાં જ છે. FATF ગ્લોબલ મની લોન્ડરિંગ અને ટેરરિસ્ટ ફાઈનાન્સિંગ વોચડોગ છે જે આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવાના ઉદ્દેશ સાથે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો ઘડે છે. તે આ વર્ષે ફેબ્રુઆરી - માર્ચમાં પાકિસ્તાનની ભલામણોને ધ્યાનમાં લઈને પાકિસ્તાનની કામગીરીની સમીક્ષા કરે તેવી શક્યતા છે. NSP માં આ પરિસ્થિતિને છૂપાવવામાં આવી છે. નિવેદનમાં દાવો કરાયો છે કે ટેરર ફાઈનાન્સિંગને અટકાવવા માટે મજબૂત ફાઈનાન્સિયલ મોનિટરિંગ સિસ્ટમ વિક્સાવવા તરફના પાકિસ્તાનના સકારાત્મક પગલાને દુનિયાભરમાં સમર્થન મળ્યું છે.
પાકિસ્તાનનું અર્થતંત્ર છેલ્લાં થોડાં સમયથી કથળેલી હાલતમાં છે. ફુગાવામાં ભારે વધારો, તેના ચલણનું અવમૂલ્યન, વધતું દેવું, આર્થિક સૂચકોમાં ઘટાડાનું વલણ અને નષ્ટપ્રાય અર્થતંત્રને લીધે પાકિસ્તાને તેની આર્થિક પ્રોત્સાહનોની નીતિ પડતી મૂકવાની ફરજ પડી હતી. ગયા વર્ષના અંતે તે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) પાસેથી છ બિલિયન ડોલરનું બેલઆઉટ પેકેજ મેળવવા માટે વાટાઘાટો કરતું હતું. આ રકમ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બીન સલમાન દ્વારા ૪.૨ બિલિયન ડોલરની રોકડ સહાય ઉપરાંતની છે. ૬૨ બિલિયન ડોલરના ચીન – પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના ભાગરૂપ પાવર સેક્ટરના પ્રોજેક્ટ્સ પૂરા કરવા માટે જરૂરી નાણાં માટે પણ પાકિસ્તાન લોન મેળવવામાં ચીન પર આધારિત છે.
પાકિસ્તાને તેની નિષ્ફળતાઓની પ્રામાણિકપણે સમીક્ષા કરવી જોઈએ અને હોદ્દો સંભાળ્યો ત્યારથી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દર્શાવેલા મૈત્રીભાવનો પ્રતિભાવ આપવા સંનિષ્ઠ પ્રયાસ કરવો જોઈએ. પાકિસ્તાની લોકો દેશના વિકાસ અને સમૃદ્ધિ માટે તેમની સરકાર તરફથી નિષ્ઠાપૂર્વક પ્રયાસના અધિકારી છે, તેમ થશે તો જ તેના લોકોની પ્રતિભાનો હકીકતમાં ઉપયોગ થઈ શકશે.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
twitter @RuchiGhanashyam)


