નવા વર્ષે કોફીનો આસ્વાદ માણવા સાથે CAAની ગંભીર ચર્ચા

સી.બી. પટેલ Wednesday 08th January 2020 01:19 EST
 
 

આ ત્રીજી જાન્યુઆરીએ મારા મિત્રો અઝીઝ, વિકાસ અને આર્શ સાથે કોફીનો આસ્વાદ માણતા માણતા ઘણી રસપ્રદ વાતો થઈ. નવા વર્ષમાં અમારી પહેલી બેઠક હતી. અમારી ચર્ચામાં વિવિધ વિષયોને આવરી લેવાયા હતા. ક્રિસમસ-નવા વર્ષની રજાઓમાં અઝીઝે સ્પેનનો પ્રવાસ ખેડ્યો હતો અને વિકાસ ભારત મુલાકાતે પરત આવ્યો હતો. આર્શે સ્થાનિક મુલાકાતો લીધી હતી અને મેં આરામથી સમય વીતાવ્યો હતો. નિશ્ચિતપણે ભારતમાં નવા CAA - સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (નાગરિકતા સંશોધન કાયદા)ની ચર્ચા થવી સ્વાભાવિક હતી.

અઝીઝને ચિંતા હતી પરંતુ, તેણે સીધો પ્રશ્ન પુછ્યો નહિ. તેણે મને ભારતના મુસ્લિમો માટે CAA ની કાનૂની જોગવાઈઓ અને તેના પ્રત્યાઘાતો વિશે પૂછ્યું. મારા માટે તો આ સારી તક જ નહિ પરંતુ, તાજેતરમાં આ મુદ્દે ભારતમાં અને વિદેશમાં જે ગેરમાહિતી ફેલાઈ છે તેને દૂર કરવાની મારા મિત્રો પ્રત્યેની ફરજ પણ હતી. જોકે, આર્શ ભારતીય ડાયસ્પોરા વિશે નિષ્ણાત છે અને વ્યવસાયે ઈમિગ્રેશન લોયર હોવાથી મને લાગ્યું કે આનો ઉત્તર તેણે આપવો જોઈએ. આથી, મેં આર્શને આ વિષયે અમને માહિતગાર કરવા વિનંતી પણ કરી.

આર્શે સ્મિતસહ કહ્યું કે CAA નાગરિકતા આપવાનો કાયદો છે, તેને ખૂંચવી લેવાનો નહિ. તેણે અઝીઝને સધિયારો આપતા કહ્યું કે,‘ભારતના કોઈ પણ નાગરિકે, તેની આસ્થા કે ધર્મને ધ્યાને લીધા વિના, CAA હેઠળ તેમની નાગરિકતા છીનવાઈ જશે તેવો ડર રાખવાની જરૂર નથી. નાગરિકતા સંશોધન કાયદો ભારતના કોઈ પણ નાગરિકને લાગુ પડતો જ નથી. આથી, આના વિપરીત હોય તેવો કોઈ પણ રિપોર્ટ ગેરમાહિતીના પ્રચારનું અભિયાન જ છે. આ કાયદામાં આપણા ત્રણ પડોશી દેશમાંથી સ્થળાંતર કરીને આવેલા છ લઘુમતી ધાર્મિક સમૂહોને નાગરિકતા આપવા સંબંધી જોગવાઈ જ કરાઈ છે.’

વિકાસે તો ઉત્સાહથી આંગળીના વેઢાં ગણાવી કહ્યું,‘ પાકિસ્તાન, બાંગલાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ક્રિશ્ચિયન, સાચી વાત?’

આર્શે હકારમાં માથું હલાવવા સાથે ઉમેર્યું કે,‘ આ ત્રણ દેશમાંથી અત્યાચાર-દમનના કારણે ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ સુધીમાં ભારતમાં સ્થળાંતર કરીને આવેલા આ છ લઘુમતી સમૂહમાંથી કોઈ પણ વિદેશી CAA કાયદા હેઠળ ભારતની નાગરિકતા મેળવાવાને પાત્ર રહે છે. CAA આવા ઈમિગ્રન્ટ્સ માટે નેચરાલાઈઝેશન થકી ભારતીય નાગરિકત્વ હાંસલ કરવાના કાનૂની અધિકારનો ઝડપી માર્ગ બનાવે છે. સામાન્ય રીતે તમામ વિદેશીઓ માટે ભારતીય નાગરિકતા મેળવવા ભારતમાં ઓછામાં ઓછાં ૧૨ વર્ષનો વસવાટ આવશ્યક ગણાય છે પરંતુ, આવા ઈમિગ્રન્ટ્સ માત્ર છ વર્ષના વસવાટ પછી ભારતીય નાગરિકતા મેળવી શકશે.’

હજુ પણ જરા ચિંતા સાથે અઝીઝે પ્રશ્ન કર્યો,‘ આ દેશોમાંથી સ્થળાંતર કરતા મુસ્લિમોનો શા માટે સમાવેશ કરાયો નથી?’ મને આ પ્રશ્ન પૂછાવાની ધારણા હતી અને એક પત્રકાર તરીકે પણ હું આ વિષયે વિસ્તૃત માહિતી મેળવતો રહું છું. આથી, મેં આ પ્રશ્નનો ઉત્તર આપવાનું પસંદ કર્યું. મારો પ્રતિભાવ સ્પષ્ટ હતોઃ આ દેશોમાં મુસ્લિમો લઘુમતીમાં નથી અને તેઓ જુલ્મ, દમન કે અત્યાચારનો સામનો કરી રહ્યા નથી. આપણે મનમાં એ સ્પષ્ટતા રાખવી જ જોઈએ કે CAA ની જોગવાઈ માત્ર ધાર્મિક દમન સંબંધે જ છે. તેમાં જાતિ, લિંગ, ભાષા, વંશીયતા, કોઈ રાજકીય કે સામાજિક જૂથના સભ્યપદ વગેરે સહિતની ભૂમિકાએ જુલ્મના કોઈ પણ પ્રકારને આવરી લેવાતો નથી.’

વિકાસે જજ્ઞાસાથી પ્રશ્ન કર્યો, ‘અન્ય કોઈ દેશના હિન્દુ CAA હેઠળ નાગરિકત્વ પ્રાપ્ત કરી શકે?’

આર્શે ઉત્તર વાળ્યો, ‘ના વિકાસ, એમ નથી. CAAમાં અન્ય દેશોમાંથી આવતા કોઈ પણ ધર્મની કોઈ પણ વ્યક્તિને નાગરિકતા આપવાની જોગવાઈ નથી.’

મને લાગ્યું કે નેચરાલાઈઝેશન અથવા રજિસ્ટ્રેશન પ્રક્રિયા થકી કોઈ પણ દેશ, ધર્મ અને વ્યક્તિની માફક કોઈ પણ દેશના મુસ્લિમો પણ ભારતની નાગરિકતા મેળવી જ શકે છે તેની માહિતી અઝીઝને આપવાનું ઉપયોગી નીવડશે.

વિકાસ ફરીથી આંગળીના વેઢાં ગણવા લાગ્યો,‘ જન્મ, વારસાગત, રજિસ્ટ્રેશન, નેચરાલાઈઝેશન અથવા કોઈ પ્રદેશના ભારતમાં સમાવેશ સાથે ભારતીય નાગરિકતા મેળવી શકાય, સાચી વાત છે ને?’ આરશે પણ સંમતિ દર્શાવતા કહ્યું કે,‘ હા, સિટિઝનશિપ એક્ટ ૧૯૫૫ અન્વયે ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરવાના આ પાંચ પ્રકાર છે. તે કોઈ પણ દેશની, કોઈ પણ ધર્મની વ્યક્તિને લાગુ પડે છે.’

અઝીઝ અને વિકાસ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા ત્યારે મેં તેમને વિશેષ માહિતી આપી કે ભારત-બાંગલાદેશ સરહદના મુદ્દે સમાધાન કરાયું તેના ભાગરુપે ભારતીય વિસ્તારમાં જે પ્રદેશોનો સમાવેશ થયો ત્યાંના આશરે ૧૪,૮૬૪ બાંગલાદેશી નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું હતું. મેં એ પણ સ્પષ્ટતા કરી કે તેમાંના મોટા ભાગના લોકો મુસ્લિમ હતા. આ જ પ્રમાણે, ગત છ વર્ષમાં, આશરે ૨,૮૩૦ પાકિસ્તાની નાગરિક, ૯૧૨ અફઘાની અને ૧૭૨ બાંગલાદેશી નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે તેમાં પણ ઘણા મુસ્લિમનો સમાવેશ થયો છે.

આર્શને પણ આ મહિતી રસપ્રદ જણાઈ. તેનાથી અઝીઝની શંકાઓ કેટલાક અંશે નિર્મૂળ પણ થઈ હતી. તેણે વધુ એક ચિંતા દર્શાવી કે,‘મારી ચિંતા CAA હેઠળ મુસ્લિમોને દેશનિકાલ કરાય તેની છે.’

હું જાણતો હતો કે તેનો આ પ્રશ્ન CAA સંબંધિત કરાતા ખોટા પ્રચારના આધારે જ હતો. પરંતુ, આ કાનૂની મુદ્દાનો પ્રશ્ન હોવાથી મેં આર્શ તરફ નજર કરી. આર્શે સમજાવ્યું, ‘ના અઝીઝ, આવું નથી. CAAમાં ભારતમાંથી કોઈ વિદેશીને દેશનિકાલ કરવા સંબંધે કશું જ નથી. કોઈને પણ દેશનિકાલ કરવામાં આવે ત્યારે ધ ફોરેનર્સ એક્ટ, ૧૯૪૬ અને/ અથવા ધ પાસપોર્ટ (એન્ટ્રી ઈનટુ ઈન્ડિયા) એક્ટ, ૧૯૨૦ના અમલના આધારે જ કરાય છે. સ્પષ્ટપણે આ બંને ઘણા જૂના કાયદા છે. તેના હેઠળ જ ભારતમાં પ્રવેશ, રહેવાસ, દેશની અંદર અવરજવર અને ભારતમાંથી બહાર જવાનું અમલપાલન થાય છે. આ કાયદાનો અમલ કોઈ પણ વિદેશીને તેના મૂળ દેશ કે ધર્મને ધ્યાનમાં લીધાં વિના લાગુ પડે છે. કોઈ પણ ફરિયાદનું નિવારણ કરવાની આ સુસ્થાપિત ન્યાયિક પ્રક્રિયા છે અને તેનો અમલ યથાવત છે.’

કોફીની ચુસ્કી લગાવતા વિકાસે કહ્યું, ‘મને સમજાયું. બરાબર છે પરંતુ, મને કુતુહલ એ વાતનું છે કે ભારત સરકારે જનતાને વિશ્વાસમાં લીધાં સિવાય શા માટે આટલી ઉતાવળથી સિટિઝનશિપ (એમેન્ડમેન્ટ) એક્ટ (CAA)ને અમલી બનાવ્યો?’ હું અને અઝીઝ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા ત્યારે આર્શે વિકાસને વિસ્તૃત સમજ આપતા કહ્યું કે, ‘વિકાસ, CAA ઉતાવળમાં અમલી કરાયો નથી. ધ સિટિઝનશિપ (એમેન્ડમેન્ટ) બિલ (CAB) છેક ૨૦૧૬થી જાહેર ચર્ચા હેઠળ હતું. લોકસભા અને રાજ્યસભાની ૩૦ સભ્યોની બનેલી પાર્લામેન્ટરી કમિટી દ્વારા તેને પસાર પણ કરાયું હતું. આમ, યોગ્ય સંસદીય પ્રક્રિયાના અનુસરણ અને રાષ્ટ્રપતિની સંમતિ પ્રાપ્ત કરાયા પછી જ તે કાયદો બનેલ છે.’

વિકાસ ગણગણ્યો કે,‘આનો અર્થ એ કે CAA ની જોગવાઈઓ વિશે લોકો આગોતરી માહિતી ધરાવતા જ હતા.’ અઝીઝે પણ કહ્યું કે,‘ આનો સ્પષ્ટ અર્થ એ જ છે કે CAA હેઠળ પોતાની નાગરિકતા ગુમાવવા વિશે મુસ્લિમો સહિત ભારતના કોઈ પણ નાગરિક માટે ચિંતા કરવાનું કારણ નથી. પરંતુ, આ NRC તરીકે ઓળખાયેલા નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સનો શો વિવાદ છે? હવે મેં સાંભળ્યું છે કે NPR જેવું પણ કશું છે.’ અઝીઝના પ્રશ્નથી મને લાગ્યું કે તે સોશિયલ મીડિયામાં ફેલાતા મેસેજીસને ધ્યાનથી વાંચી રહ્યો છે અને વાજબી રીતે ચિંતિત છે.

મેં ખુલાસો કર્યો કે,‘અઝીઝ, NRCને કોઈ ધર્મ સાથે કશું લાગતુંવળગતું નથી અને તે સંદર્ભે કોઈ નિર્ણય પણ લેવાયો નથી. બીજું, NPR તરીકે ઓળખાયેલા નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (રાષ્ટ્રીય વસ્તીપત્રક)ની વાત કરીએ તો તે ભારતમાં રહેતા તમામ વ્યક્તિઓ પાસેથી વિગતો-ડેટા પ્રાપ્ત કરવાની સૂચિત પ્રક્રિયા છે, જેનાથી ભારતમાં વસતા સત્તાવાર વિદેશીઓ સહિત તમામ રહેવાસીઓનો સર્વગ્રાહી ડેટાબેઝ ઉભો કરી શકાય. સૂચિત NPRને NRCસાથે સાંકળવાનું વ્યવસ્થિત હેતુપ્રેરિત અભિયાન ચાલી રહ્યું છે. આ બંને મુદ્દા અલગ જ છે. છેલ્લે ૨૦૧૦માં NPR આવ્યું હતું અને હવે ૧૦ વર્ષ પછી તેને ફરી અપડેટ કરાઈ રહ્યું છે.’ મને આનંદ હતો કે અઝીઝ પોતાની બધી શંકાઓ વ્યક્ત કરી રહ્યો હતો અને અમને તેના ખુલાસા કરવાની તક આપતો હતો. ભારતના કાનૂની અને બંધારણીય સિસ્ટમના નિષ્ણાત તરીકે આર્શની હાજરી પણ ખરે જ ઉપયોગી હતી.

અઝીઝે ચહેરા પર બનાવટી હાસ્ય સાથે પૂછી જ લીધું કે,‘ ૯૦ ટકાથી વધુ ભારતીય નાગરિકો પાસે આધાર કાર્ડ છે ત્યારે આવી બેવડી માથાકૂટ કરવાની જરૂર શી? આમાં તો વિકાસે પણ સહમતિ દર્શાવી.

મેં તેમને ઉદાહરણ સાથે સમજાવતા એમ કહ્યું કે, ‘અઝીઝ, તારો પ્રશ્ન મહત્ત્વનો છે. આધાર વ્યક્તિગત ડેટાનો સંગ્રહ કરે છે જ્યારે NPRમાં પરિવારનો ડેટા મેળવાય છે. આથી આ બંને અલગ છે. NPRહેઠળ મેળવાયેલી માહિતી સમાજના આર્થિકપણે વંચિત-કચડાયેલા વર્ગોના લાભાર્થે આયુષ્યમાન ભારત, ઉજ્જવલા યોજના, જન ધન યોજના વગેરે જેવી યોજનાઓના આયોજનમાં સરકારને મદદરુપ બને છે. આધાર થકી સરકારને આવી કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી.’ અઝીઝ અને વિકાસને બંને બાબતની ભિન્નતા અને NPRની જરૂરિયાત પણ સમજાઈ. આર્શ તો આ હકીકત જાણતો જ હતો અને તેણે કોફીની ચુસ્કી લેતા મારી તરફ પ્રશંસાભરી નજર પણ નાખી.

અઝીઝે કોફીનો આખરી ઘૂંટ લેવા સાથે આ ચર્ચા પરત્વે સંતોષ વ્યક્ત કરતા કહ્યું કે,‘આજે આપણે CAA, NRC અને NPRનાં મુદ્દાઓની વગતવાર ચર્ચા કરી તેનો મને આનંદ છે. તેનાથી મારા મનમાં ઘણી શંકાઓ દૂર થઈ છે. કદાચ મને ખોટી રીતે પ્રચારથી ભરમાવાયો હતો અને તેથી ઘણી બાબતો વિશે શંકાઓ ઉપજી હતી. પરંતુ, હવે માકી શંકાઓ નિર્મૂળ થઈ છે અને હું અહીં અને ભારતમાં મારા મિત્રો અને સગાંસંબંધીઓને આ મુદ્દાઓ વિશેની વાસ્તવિકતાની માહિતી આપીશ.’ વિકાસે વેઈટર પાસે કોફીનું બિલ મંગાવ્યું. આર્શને પણ કોફી પસંદ આવી જણાઈ અને તેણે બિલ ચૂકવવાની ઓફર પણ કરી.

મને પણ એ વાતનો આનંદ થયો કે અમે આ સળગતી સમસ્યા વિશે ઊંડાણથી ચર્ચા કરી શક્યા અને તેમની શંકાઓનું સમાધાન પણ થયું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter