નવો લોકનારોઃ ‘મોદી હૈ તો ગેરંટી હૈ’

કપિલ દૂદકીઆ Tuesday 05th December 2023 12:16 EST
 
 

સમગ્ર ભારતમાં ‘મોદી, મોદી, મોદી’નો સામૂહિક લાગણીનાદ સંભળાઈ રહ્યો છે પરંતુ, અમારા જેવા ભારતીય મૂળના લોકો અને બિનનિવાસી ભારતીય (PIO અને NRI) સમુદાય જાણે છે તેમ સમગ્ર વિશ્વમાં પણ આ સમર્થનનો જયનાદ વાગી રહ્યો છે. આવી પશ્ચાદભૂ અને રાહુલ, સોનિયા અને કોંગ્રેસના સતત નીચાજોણું કરાવતા પરાજયો પછી લોકો તો એમ જ વિચારશે કે હવે તેઓ બરાબરનો બોધપાઠ શીખશે અને દેશની નાડને સાચી રીતે પારખી લેશે. પરંતુ, હઠધર્મી લ્યુટેનવાળા અને ખાન માર્કેટ ગેંગ્સના અહંકારનું પરિણામ ભારતના રાજ્યોની તાજેતરની ચૂંટણીઓમાં અકલ્પનીય પરાજયોમાં જોવા મળ્યું છે. આ માત્ર મોદીના જાદુની સફળતા નથી પરંતુ, તળિયાના સ્તરે તેમના સંગઠનાત્મક માળખાના સુધારા, મતદારો સાથે તેમની વિચારધારાને યોગ્યપણે સાંકળવાની ક્ષમતા અને ચોક્કસપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સંનિષ્ઠ સમર્થકોના સ્પષ્ટતાપૂર્ણ ઉપયોગને પણ તેનો યશ જાય છે.

ભાજપના તમામ વિજયોમાં વડા પ્રધાન મોદીની ધ્યાનાકર્ષક નેતાગીરી આધારશિલા બની રહેલ છે. તેમની લોકપ્રિયતા કેવી રીતે પ્રાદેશિક અને રાષ્ટ્રીય સીમાડા વટાવી જાય છે તેના આપણે સાક્ષી છીએ. ગત સપ્તાહે દુબઈમાં આયોજિત COP28 શિખર પરિષદ 2023માં તેઓ વિશ્વનેતાની ઊંચાઈને આંબી ગયા એટલું જ નહિ, અન્ય વિશ્વનેતાઓ તેમની સાથે સેલ્ફી લેવા કેવી પડાપડી કરતા હતા તે પણ આપણે નિહાળ્યું છે. ઈટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની વડા પ્રધાન મોદી પાસે પહોંચી ગયાં અને એક સેલ્ફી લઈ લીધી જે તેમણે ‘X’ (અગાઉ ટ્વીટર તરીકે ઓળખાતું પ્લેટફોર્મ) પર મૂકી દીધી જે વાઈરલ બની ગઈ. ભારતમાં તો પ્રતિસાદ મળ્યો જ પરંતુ, વિશ્વભરમાં તેનો પ્રતિસાદ અભૂતપૂર્વ બની રહ્યો. આ નિર્ણાયક અને ગતિશીલ નેતૃત્વ મતદારોના ‘મનની વાત’ને બરાબર સમજે છે અને ‘મોદી વેવ’ પરિણામો આપવામાં જરા પણ પાછું વળી જોતું નથી.

આ ચાર રાજ્યોમાં ભાજપએ તેની ફૂટપ્રિન્ટ્સને વધારી છે. તેણે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં અભૂતપૂર્વ વિજયી પરિણામો હાંસલ કર્યા છે ત્યારે તેલંગાણામાં માત્ર 1 બેઠક હતી તે વધારી 8 સુધી પહોંચાડી છે. આજે ભાજપ અને તેના સહયોગી પક્ષો 18 રાજ્યો પર શાસન સંભાળે છે. કોંગ્રેસ અને તેના તથાકથિત I.N.D.I.A. (ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ)ના 28 પક્ષોના સાથીદારો સંયુક્તપણે માત્ર 10 રાજ્ય પર કબજો ધરાવે છે. આમાંથી પણ, કોંગ્રેસ માત્ર 3 રાજ્યોમાં શાસન સંભાળે છે!

ભાજપની આ સફળતાના ઘણા કારણો છે. વડા પ્રધાન મોદીની રાહબરી હેઠળ હવે તે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, તળિયાના સ્તરે ઈન્વેસ્ટમેન્ટ, ભ્રષ્ટાચાર સામે આક્રમણ, અત્યાધુનિક ટેકનોલોજીની સર્વગ્રાહી સુલભતા અને તેના ઉપયોગ, મહિલાઓ અને પછાત કોમ્યુનિટીઓના સશક્તિકરણ, સતતપણે માનદંડ બની રહેલો ‘મેઈક ઈન ઈન્ડિયા’નો મંત્ર, 21મી સદીને સુસંગત ટેક્સેશન, તમામ માટે બેન્કિંગ સુવિધા અને આવી ઘણી બાબતો માટે પર્યાયવાચી બની રહેલ છે. વાસ્તવમાં, ભારતમાં કોઈ પણ એવું નથી જેને આ પહેલોમાંથી ઓછામાં ઓછાં એકના પરિણામસ્વરૂપ પ્રત્યક્ષ અસર કે લાભ થયો ન હોય. તેમના સૌથી પ્રખર ટીકાકારો પણ ખચકાટ સાથે સ્વીકારે છે કે વડા પ્રધાન મોદીએ તેમનું રક્ષણ કર્યું છે અને દેશનું પણ રક્ષણ કર્યું છે.

નવાં ભારત, ઈન્ડિયાની આ કલ્પના કે દૃષ્ટિ મતદારોને સીધી હૃદયમાં ઉતરી જાય છે. વિપક્ષોએ આ નવ વર્ષ વડા પ્રધાન સામે તદ્દન હલકા પ્રકારના હુમલાઓ કરવામાં વીતાવ્યા છે ત્યારે તેઓ તો આ બધાથી ઉપર ઉઠીને વિશ્વતખતા પર ભારતની છબી એવી ઉપસાવે છે કે સામાન્ય મતદાર પણ તેના માટે ગૌરવ અનુભવે છે. ભારતમાં મહત્ત્વાકાંક્ષી યુવાવર્ગ એવા નેતાને ઈચ્છે છે જેઓ ‘નવા ભારત’નું વિઝન સ્પષ્ટપણે દર્શાવી શકે.

ભારતમાં 2024માં રાષ્ટ્રીય સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે તેને ધ્યાનમાં લેશો ત્યારે આ ચૂંટણીઓનું મહત્ત્વ વધી જાય છે. શાસનના 9 વર્ષ કરતાં વધુ સમય પછી પણ 2014ની ગતિ ધીમી પડી નથી. આ ધોરણસર આપણે સ્પષ્ટ થઈ શકીએ કે ભારતમાં આગામી સરકાર ફરી વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં જ રચાશે. ભાજપ અને તેના NDA સહયોગી પક્ષો ફરી એક વખત નોંધપાત્ર જનાદેશ હાંસલ કરશે.

ભારતમાં ભાજપ રાષ્ટ્રવાદી પક્ષ તરીકે ઓળખાય છે. આ જ મુદ્દે બહુમતી આંતરરાષ્ટ્રીય રાજકીય નીરિક્ષકો-સમીક્ષકો ગોથું ખાઈ જાય છે. ભારતમાં ‘નેશનાલિસ્ટ’ કે રાષ્ટ્રવાદીનો અર્થ એ છે કે જ્યાં પક્ષ, જૂથ અથવા વ્યક્તિ રાષ્ટ્રના કલ્યાણ માટે કાર્ય કરે છે. આ રાષ્ટ્રભક્તો સમાજના તમામ સ્તર અને તમામ ધાર્મિક પશ્ચાદભૂમાંથી આવે છે. વર્તમાનકાલીન પત્રકારત્વના તોફાની તત્વો ‘નેશનાલિસ્ટ’ને જમણેરી અથવા અતિ જમણેરી વિચારધારાના પાશ્ચાત્ય આદર્શ સાથે સરખાવે છે. આ તદ્દન અસત્ય છે એટલું જ નહિ, આ પાશ્ચાત્ય સામ્રાજ્યવાદી ચશ્મા તેમના નૈતિક ભ્રષ્ટ વિવરણોનાં ઉપયોગ થકી ભારતને ખરાબ ચીતરવાનો જ પ્રયાસ કરે છે. પશ્ચિમનું ડાબેરી, જમણેરી કે મધ્યમાર્ગી રાજકારણ ભારતીય ઉપખંડના રાજકારણ સાથે સુસંગત નથી. આથી, પાશ્ચાત્ય પ્રોફેસરો, શિક્ષણવિદો-વિદ્વાનો અને મીડિયાવાળાઓથી ચેતતા રહેજો જેઓ ઈરાદાપૂર્વક પોતાના સ્થાન-પોઝિશન્સનો ઉપયોગ બનાવટી વિવરણો દ્વારા ભારતને નીચું દેખાડવામાં જ કરે છે.

ભારતમાં તો ‘મોદી હૈ તો મુમકિન હૈ’ પહેલા પણ હતું અને આજે પણ છે.. હવે તો લોકો કહે છે કે ‘મોદી હૈ તો ગેરંટી હૈ’. મારી તો એવી ગેરંટી છે કે 2024માં પણ સર્વત્ર ‘મોદી, મોદી, મોદી’ જ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter