નિરીક્ષણ કરતાં શીખવે તે શિક્ષણ

- મોરારિ બાપુ Wednesday 03rd August 2016 06:55 EDT
 
 

હું શિક્ષક હતો એમ નહીં કહું, પરંતુ આજે પણ શિક્ષક છું, કારણ કે શિક્ષક ક્યારેય ટાયર્ડ કે રિટાયર્ડ થતો નથી. મારી દૃષ્ટિએ ઉત્તમ શિક્ષણનાં સાત લક્ષણો છે.
• રક્ષણઃ શિક્ષણ એવું હોય કે જે શિક્ષણ સૌ પહેલાં તો વ્યક્તિને, પરિવારને, સમાજને, રાષ્ટ્રને સંરક્ષણ આપે. જે સંરક્ષણ ન આપી શકે એ શિક્ષણ શું? જે સંરક્ષણ આપે અને સંરક્ષણની સાથે મને અને તમને સમર્પણ કરતા શીખવે. ત્યાગના બલિદાનના પાઠ શીખવે, આપણી અંદર રહેલાં સદગુણોને વિક્સાવવાનો મોકો આપે એનું નામ શિક્ષણ. જે શિક્ષણ આપણી સલામતીનો ભંગ કરે અથવા આપણી સ્વતંત્રતાને અખંડ ન રાખી શકે તે શિક્ષણનો કોઈ અર્થ નથી. શિક્ષણ એટલે માણસ કેટલી ડિગ્રીઓ ભેગી કરે છે એવો સંકુચિત અર્થ નથી. શિક્ષણ એ તો અનુભવનો અને પરિવર્તનનો વિષય છે. સાચું શિક્ષણ માણસને અભય બનાવે છે. આજે તો શિક્ષણ અને શિક્ષક ક્ષણે ક્ષણે ભયભીત બનાવે છે. જે શિક્ષા સુરક્ષા ન આપી શકે તે શિક્ષા પછી ન્યાયલયમાં શોભે, વિદ્યાલયમાં નહીં.
• નિરીક્ષણઃ શિક્ષણ અંગે મારું બીજું દૃષ્ટિબિંદુ એ છે કે આપણે ગમેતેટલા મોટા થઈ ગયા હોઈએ તો પણ આપણને સતત નિરીક્ષણ કરતાં શિખવાડે એ જ સાચું શિક્ષણ. આપણી કરુણતા એ છે કે આપણે ત્યાં નિરીક્ષકો છે, પણ નિરીક્ષણો ઓછાં છે. જેને નિર્ભીક નિરીક્ષણ કરતાં આવડશે એને તો નદીનો વહેતો પ્રવાહ પણ કંઈક ને કંઈક શિખવાડતો રહેતો રહેશે.
• પોષણઃ શ્રેષ્ઠ શિક્ષણનું ત્રીજું લક્ષણ છે પોષણ. શિક્ષણ પોષણ આપતું હોવું જોઈએ. શિક્ષણ પ્રકાશ આપતું હોવું જોઈએ. ઘણી વાર શિક્ષણક્ષેત્રમાં એવી ઘટનાઓ વિશે સાંભળવા મળે છે ત્યારે એમ થાય છે કે શિક્ષણ રક્ષણ આપવામાં નિષ્ફળ ગયું છે અને ભક્ષણ કરવામાં સફળ થયું છે. વિદ્યાર્થીના તન, મન, બળ, બુદ્ધિ, વિદ્યા અને શીલની રક્ષા કરે તે ઉત્તમ પ્રકારનું શિક્ષણ છે.
• પ્રકાશઃ શિક્ષણનું ચોથું કામ પ્રકાશ એટલે કે અજવાળું આપવાનું છે. દરેક માનવના માનસમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ પ્રગટે, અશ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો તમસ દૂર કરી સાત્વિક શ્રદ્ધાનો અજવાશ પ્રગટે તે શિક્ષણની ફળશ્રુતિ છે. આ ત્રણે ત્રણ કાર્ય - રક્ષણ, પોષણ અને પ્રકાશ મળે તે પ્રેમશિક્ષણ દ્વારા મળે તે ખાસ જરૂરી છે. જો એમ થશે તો શિક્ષણ શિક્ષા મટીને વિદ્યાનો દરજ્જો પ્રાપ્ત કરશે. શિક્ષક એક પગારદાર મટીને ગુરુનો દરજ્જો પ્રાપ્ત કરશે.
• તત્વશિક્ષણઃ તત્વશિક્ષણ એ ઉત્તમ શિક્ષણનું છઠ્ઠું લક્ષણ છે. નરસિંહ મહેતાએ કહ્યું છે કે જ્યાં લગી આત્મતત્વ ચીંધ્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, માટે શિક્ષક જીવનદર્શન કરે અને તત્વદર્શન એટલે અણુ અણુમાં રહેલા પરમતત્વનો પણ પરિચય કરે અને કરાવે તે સાચું શિક્ષણ છે. ટૂંકમાં શિક્ષણનો સાર કેવળ ડિગ્રી હોય એ ખ્યાલ ખોટો છે. શિક્ષણ જીવનદર્શન કરાવે અને તત્વદર્શન એટલે કે જીવનના અણુએ અણુમાં રહેલા પરમતત્વનો પરિચય કરાવે એ સાચું શિક્ષણ.
• પ્રેમવીક્ષણઃ પ્રેમવીક્ષણ એ શ્રેષ્ઠ શિક્ષણનું છેલ્લું અને અનિવાર્ય લક્ષણ છે. શિક્ષણ વિદ્યાર્થીને રક્ષણ આપે, નિરીક્ષણ માટેની દૃષ્ટિ આપે, કર્મકુશળતા આપે, તત્વદર્શનનો બોધ આપે, પણ જો શિક્ષણ પ્રેમવીક્ષણ ન બને તો શિક્ષણ અધૂરું છે. જો વિદ્યાર્થીમાં પ્રેમ, સંવેદના, કરુણા જેવી પવિત્ર લાગણી પ્રગટ ન થાય તો શિક્ષણ અધૂરું ગણાય. પણ જો આ બધું શક્ય બને તો એ શિક્ષણ પ્રેમવીક્ષણ બની શકે.
શિક્ષકનો ધર્મ શું છે? શિક્ષકનો પ્રથમ ધર્મ એનું સત્યનિષ્ઠપણું છે. શિક્ષક સત્યવાન હોવો જોઈએ. શિક્ષકની વાણી, વર્તન અને વિચારમાં ક્યાંય અસત્યનો રણકાર ન હોવો જોઈએ. શિક્ષક અને સેનાપતિ બંનેનું કાર્ય સરખું છે, બંને રખોપા કરે છે અને રક્ષક ક્યારેય અસત્યનો આશ્રિત ન હોઈ શકે. બીજો ધર્મ સેવા છે, કારણ કે શિક્ષણ ધંધો નથી, પણ ધર્મ છે અને ધર્મમાં સેવાની ગાંસડી ઉપાડવી જોઈએ. શિક્ષકનો ત્રીજો ધર્મ અહિંસા છે. મન, વચન અને કર્મથી ક્યારેય કોઈને પીડે નહીં તે સાચી અહિંસા છે અને અહિંસાને આપણે ત્યાં પરમ ધર્મ કહેવામાં આવે છે.

(નોંધઃ શિક્ષણ અને સેવાને સમર્પિત ગુજરાતના એકમાત્ર મુખપત્ર અને ડો. મફતલાલ પટેલના તંત્રીપદે પ્રસિદ્ધ થતા ‘અચલા’ સામયિકમાં પ્રકાશિત આ લેખમાં પૂ. મોરારિ બાપુએ શિક્ષણ અને શિક્ષકનું સુપેરે મહત્ત્વ સમજાવ્યું છે. આ લેખ જેમના સૌજન્યથી પ્રકાશિત થયો છે તે સુરતના અંજની-અવધ ગ્રૂપના શ્રી લવજીભાઇ ડી. દાલિયા (બાદશાહ) તેમના બેટી-બચાવો અભિયાન માટે જાણીતા છે. હાલમાં તેઓ એકલપંડે સમસ્ત પાટીદાર સમાજની બાળાઓને રૂ. બે-બે લાખ રૂપિયાના બોન્ડ આપવાનું અભિયાન ચલાવી રહ્યા છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter