નેશનાલિટી બિલની ચિંતા નિરર્થક છતાં, નાગરિકોને આશ્વસ્ત કરવાની ફરજ છે

લોર્ડ જિતેશ ગઢિયા Wednesday 19th January 2022 04:46 EST
 
 

આજથી ૫૦ વર્ષ અગાઉ ૧૯૭૨માં જેમનો પરિવાર યુગાન્ડાથી યુકે આવી પહોંચ્યો હોય તેવી વ્યક્તિ તરીકે નાગરિકતાની બાબતો કેવી ચિંતા કરાવી શકે તે હું બરાબર જાણું છું. વિન્ડરશ જનરેશનના શરમજનક અનુભવો અને હોમ ઓફિસની માથાભારે વર્તણૂંકથી તેમાં વધારો થવો સ્વાભાવિક છે. તાજેતરના સપ્તાહોમાં નેશનાલિટી એન્ડ બોર્ડર્સ બિલના ક્લોઝ ૯ તેમજ ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા વિઝા જેવી બેવડી નાગરિકતા ધરાવતા લોકો પર તેની અસરોના મુદ્દા ભારે ચર્ચામાં રહ્યા છે. વિવાદિત ક્લોઝ ૯ દૂર કરવા સંબંધિત ઓનલાઈન પિટિશન પર સહી કરનારા ૩૦૦,૦૦૦થી વધુ લોકોમાં એશિયન વોઈસ અને ગુજરાત સમાચારનો બહોળો વાચકગણ પણ સામેલ હશે. આ પરિસ્થિતિની કાળજીપૂર્વક સમીક્ષા કર્યા પછી આવી ચિંતા કે ભય શા માટે અસ્થાને છે તેના કારણો અહીં દર્શાવું છું.

નાગરિકતાનો ઈનકાર કરવાનો રાજ્ય-દેશનો અધિકાર એવી બાબત છે જે કાયદાના પુસ્તકોમાં એક સદીથી વધુ સમયથી અસ્તિત્વ ધરાવે છે. સમયાંતરે આ સત્તાઓમાં સુધારા અને ફેરફાર થતાં રહ્યાં છે. બ્રિટિશ સિટિઝનશિપ મુદ્દો સૌપ્રથમ વખત બ્રિટિશ નેશનાલિટી એક્ટ ૧૯૪૮ અન્વયે કાનૂની-વૈધાનિક સ્તરે મૂકાયો હતો. આના પહેલા નાગરિકો જેવી કોઈ વાત હતી જ નહિ, માત્ર પ્રજાજનો હતા. આપણો નેશનાલિટી કાયદો હાલ બ્રિટિશ નેશનાલિટી એક્ટ ૧૯૮૧ હેઠળ અમલમાં છે જેનાથી હોમ સેક્રેટરીને છેતરપિંડી, અસત્ય રજૂઆત અથવા દેખીતી હકીકતો છુપાવીને મેળવાયેલી બ્રિટિશ નાગરિકતા અથવા આવા પગલાં જનહિતને સુસંગત હોવાનું જણાય તો કોઈ વ્યક્તિની નાગરિકતા છીનવી લેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.

આ પછી, ૨૦૦૨, ૨૦૦૬ અને ૨૦૧૪માં લેજિસ્લેટિવ-વૈધાનિક સુધારા થયા છે. વર્ષ ૨૦૦૫ના લંડન બોમ્બમારાના સંદર્ભે જાહેર હિતની ભૂમિકાએ નાગરિકતા પરત લેવાની વ્યાપક સત્તા હાંસલ કરવાનું ઈમિગ્રેશન, એસાઈલમ એન્ડ નેશનાલિટી એક્ટ ૨૦૦૬માં યોગ્ય ગણાયું હતું.

કોઈ વ્યક્તિને તેની બ્રિટિશ નાગરિકતાથી વંચિત કરતી વેળાએ કાયદાની જરૂરિયાત એ રહે છે કે સંબંધિત વ્યક્તિ રાષ્ટ્રવિહોણો થઈ જાય નહિ તેની કાળજી સાથે જ આવી કાર્યવાહી આગળ વધારી શકાય છે. જોકે, છેતરપિંડીથી નાગરિકતા મેળવાઈ હોય તેવા કિસ્સામાં આવી જરૂરિયાત રહેતી નથી.

જનહિત કે ‘પબ્લિક ગુડ’ કોને કહેવાય તેનો નિર્ણય કાર્યરત હોમ સેક્રેટરી દ્વારા કરાય છે. સરકારનું કહેવું છે કે જાસૂસી, ટેરરિઝમ, યુદ્ધ અપરાધો, ગંભીર અને સંગઠિત ગુનાખોરી, તેમજ ૨૪ ઓગસ્ટ ૨૦૦૫ના દિવસે તત્કાલીન હોમ સેક્રેટરીના નિવેદનમાં સામેલ-ઉલ્લેખિત ‘અસ્વીકાર્ય વર્તણૂંક’ જેવી પ્રવૃત્તિઓ સંદર્ભે યોગ્ય પ્રતિભાવ તરીકેની ભૂમિકામાં નાગરિકતાથી વંચિત રાખવાનું પગલું ‘પબ્લિક ગુડ’માં આવી શકે છે. ‘અસ્વીકાર્ય વર્તણૂંક’ કેટેગરીમાં ત્રાસવાદના મહિમાગાન કરતી, ગંભીર અપરાધોને જન્માવતી અથવા ત્રાસવાદ કે ગંભીર અપરાધને ઉશ્કેરતી લેખિત અથવા જાહેર ભાષણની પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. હોમ સેક્રેટરી આ સત્તાઓનો ઉપયોગ કરવા માગે ત્યારે તેની સામે અપીલ કરવાનો અધિકાર પણ મળેલો છે.

કોએલિશન સરકારે ઈમિગ્રેશન એક્ટ ૨૦૧૪ હેઠળ ‘પરિણામજનક -કન્ડ્યુસિવ’ કેસીસના નાના સમૂહ સંબંધિત નવી સત્તા ઉમેરી હતી જેમાં હોમ સેક્રેટરી બ્રિટિશ નાગરિક તરીકે સ્વીકારાયેલા અને યુકેના મહત્ત્વપૂર્ણ હિતોને પૂર્વગ્રહયુક્ત વર્તન કરનારા વ્યક્તિઓને, તેઓ રાષ્ટ્રવિહોણા બની જાય છતાં, તેમની બ્રિટિશ નાગરિકતાથી વંચિત કરી શકે છે. જો આવી વ્યક્તિ યુનાઈટેડ કિંગ્ડમની બહારના દેશના કાયદા હેઠળ તે દેશની નાગરિકતા મેળવવા સક્ષમ હોય તો જ આવું પગલું લઈ શકાય તેમ હતું.

વ્યવહારુ દૃષ્ટિએ આ સત્તાનો અર્થ એમ છે કે જો વ્યક્તિ વાજબી તાર્કિક રીતે અન્ય દેશની નાગરિકતા હાંસલ કરવા (અથવા પુનઃ હાંસલ કરવા)ની અપેક્ષા હોય અને તે રાષ્ટ્રવિહોણા બનવાનું ટાળી શકે તેમ હોય તેવા સંજોગોમાં હોમ સેક્રેટરી તે વ્યક્તિને રાષ્ટ્રવિહોણી સ્થિતિમાં (જો મહત્ત્વની પરીક્ષાઓ પરિપૂર્ણ થતી હોય અને તે વ્યક્તિ નેચરાલાઈઝેન હેઠળ બ્રિટિશ હોય) પણ મૂકી શકે છે.

આવો વ્યવહાર પરિસ્થિતિજન્ય છે અને તેનો અમલ ઘણો જ નિયંત્રિત અને પાર્લામેન્ટ સમક્ષ વર્તમાન બિલના અગાઉના સમયગાળાને સંબંધિત છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે નાગરિકતા દૂર કરવાના પગલાંને ગંભીર માને છે જેને હળવાશથી લઈ શકાય નહિ. વ્યક્તિને બ્રિટિશ નાગરિકતાથી વંચિત કરવાનું આ પગલું જાહેર કલ્યાણને પરિણામજનક રહેશે કે કેમ તેનો નિર્ણય હોમ સેક્રેટરી અંગત રીતે લેશે તે હકીકત આ મુદ્દો દર્શાવે છે. એક બાબતની નોંધ લેવી આવશ્યક છે કે ૨૦૦૬થી ૨૦૧૮ના સમયગાળામાં નાગરિકતા છીનવાઈ હોય તેવી વ્યક્તિની સંખ્યા ૨૦૦થી પણ ઓછી છે.

વર્તમાન બિલના ક્લોઝ ૯થી ઉપરોક્ત કોઈ જોગવાઈઓમાં ફેરફાર આવતો નથી. વ્યક્તિને તેની બ્રિટિશ નાગરિકતાથી વંચિત કરી શકાય અથવા જેમને આ કાયદો લાગુ પડશે તેના કારણોને વ્યાપક બનાવાયા નથી. આના બદલે, નાગરિકતા રદ કરવાના વર્તમાન ધારાધોરણો લાગુ થતા હોય તેવી કોઈ પણ વ્યક્તિને નોટિસ પાઠવવાની પ્રક્રિયામાં બદલાવ આવશે.

વ્યક્તિ સાથે સંપર્ક વ્યવહારનો કોઈ જ માર્ગ ન હોય, અથવા સંપર્કના કારણે સંવેદનશીલ ઈન્ટેલિજન્સ સ્રોતો જાહેર થઈ જતા હોય તેવા સંજોગોમાં જ આ લાગુ થશે. જો નોટિસ પાઠવી ન શકાય તો પણ વ્યક્તિનો અપીલ કરવાનો અધિકાર યથાવત રહે છે. આ મુદ્દો ઘણો મહત્ત્વનો છે. એક વખત વ્યક્તિ હોમ ઓફિસનો સંપર્ક કરે ત્યારે તેને ડીપ્રાઈવેશન નોટિસની નકલ આપવામાં આવશે અને તે આવા નિર્ણય વિરુદ્ધ અપીલ કરવાના વૈધાનિક અધિકારનો ઉપયોગ કરી શકે છે. આના પરિણામે, નીતિમાં કોઈ મૂળભૂત પરિવર્તન કરાયું નથી, તેના ફલકનો વિસ્તાર કરાયો નથી અથવા પૂરા પડાયેલા સંરક્ષણને ઘટાડી દેવાયું નથી.

ક્લોઝ ૯ સંબંધિત મોટા ભાગની કાગારોળ ભયની ઉશ્કેરણી જ છે. તેનો ઉપયોગ વર્તમાન નીતિમાં નવી પ્રક્રિયાત્મક જોગવાઈઓની ભેળસેળ કરીને સનસનાટીપૂર્ણ હેડલાઈન્સ પેદા કરવામાં અને અનાવશ્યક ભયોને હવા આપવામાં જ થઈ રહ્યો છે. આ તો એક વત્તા એકને અગિયાર બનાવવાનો અથવા ‘આ જે કાંઈ હોય, હું તેના વિરુદ્ધ જ છું’ જેવા ગ્રોઉચો માર્ક્સના વલણનો કિસ્સો છે. આવા સંવેદનશીલ વિષય બાબતે લોકોની ભાવના અને ચિંતાઓ સાથે ખેલવાનો અભિગમ ખરેખર દયનીય અને ખેદજનક છે.

આમ છતાં, આ પ્રકારની ભાવનાત્મકતાથી ઉત્તેજિત ધારણાઓ મજબૂત બને તે પહેલા યોગ્ય પુનઃ આશ્વાસન કે હૈયાધારણ આપવાની સરકારની જવાબદારી બની રહે છે. સ્પષ્ટ ખુલાસાઓ અને લઘુમતી કોમ્યુનિટીઝની ચિંતાઓ પરત્વે પૂરતી સહાનુભૂતિના અભાવનું પણ નિરાકરણ લાવવું જોઈએ. ચોક્કસ કહીએ તો, ટુ-ટિયર સિટિઝનશિપ અંગેના ભયનું પણ નિરાકરણ લાવવું જોઈએ જેથી કોઈને પણ એવી લાગણી ન થાય કે તેમનો મૂળ વારસો નાગરિકો તરીકેના તેમના અધિકારોને જોખમકારક અને અનિશ્ચિત બનાવે છે.

સામાન્ય રીતે લેજિસ્લેશનમાં સ્વાભાવિક વ્યાપક જોગવાઈઓનો સમાવેશ કરાય છે પરંતુ, આવી સત્તાઓનો ઉપયોગ કરી શકાય તેવા સંજોગો બાબતે નિયંત્રણો પણ હોય છે. આ ચોક્કસ કેસમાં કોઈ વ્યક્તિની નાગરિકતા છીનવી લેવા બાબતે કાયદેસર જાહેર હિતની ભૂમિકા હોવી જોઈશે. જો આ ચોક્કસ ક્લોઝ-જોગવાઈ વાસ્તવમાં ‘રંગભેદી’ અથવા ‘ભેદભાવયુક્ત’ જોગવાઈ હોત તો તેના વિરુદ્ધ મત આપવામાં હું પ્રથમ હોઈશ.

હું માનતો નથી કે બ્રિટિશ એશિયન અથવા અનવ્ય કોઈને પણ કોઈ ડર રાખવાની જરૂર નથી સિવાય કે તેમણે યુકેના હિતોની વિરુદ્ધ કોઈ કાર્ય કર્યા હોય. વર્ષ ૨૦૨૨માં ચિંતા ઉપજાવે તેવી ઘણી બાબતો હોઈ શકે છે પરંતુ, આ તેમાંની એક નથી. આથી હું સરકારને તે નૈતિક દલીલો ગુમાવી બેસે તે પહેલા જ લોકોને આવશ્યક ખાતરીઓ-હૈયાધારણ આપવા પ્રોત્સાહિત કરું છું.

(ફાઈનાન્સિયલ ટાઈમ્સના ૧૭ જાન્યુઆરીના તંત્રીલેખમાં નેશનાલિટી એન્ડ બોર્ડર્સ બિલની વિવાદિત જોગવાઈ અને નાગરિકતા વિશે છણાવટ કરવામાં આવી છે. જેનો સારાંશ આ સાથેના અન્ય આર્ટિકલમાં સમાવી લેવાયો છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter