સંસ્કાર નગરી વડોદરાનો ગુજરાતી યુવક રિષભ ઠક્કર અમેરિકામાં અભ્યાસ કરી દેશનું નામ રોશન કરે તો સ્વાભાવિક છે કે આપણને એનું ગૌરવ થાય. ૨૦૨૦-૨૧નું વર્ષ કોવીદ-૧૯ અને લોકડાઉનની ભારે કટોકટીભરી પરિસ્થિતિમાંથી પસાર થયું છે. વિશ્વના ખૂણે ખૂણેથી રોજ-બરોજ કોવીદ-૧૯ને કારણે થયેલ મૃત્યુ આંક કે સંક્રમિત થયેલાઓના મસમોટા આંકડાઓ સમાચાર માધ્યમોમાં પ્રગટ થતા રહ્યાં છે. જેને કારણે દુનિયાભરના લોકોના જીવનમાં ઉથલ-પાથલ મચી ગઇ છે. હતાશાભર્યા માહોલમાં સારા સમાચાર આશા અને ઉમંગના એંધાણ આપે છે. પાંખો હોય તો પંખી ઉડે એ સામાન્ય છે પરંતુ પાંખો વિનાનું પંખી ઉડે તો એ સમાચાર કહેવાય!
ન્યુયોર્કના ફિલ્મ ફેસ્ટીવલમાં એની ડોક્યુમેન્ટરી ફિલ્મ “બર્ડસ વિધ આઉટ વિંગ્સ"ને બેસ્ટ સ્ટુડન્ટ ડાયરેક્ટરનો એવોર્ડ વિજેતા બન્યો રિષભ ઠક્કર. અને એ ગુજરાતી સમાચાર માધ્યમોમાં છવાઇ ગયો. ઓસ્કાર એવોર્ડસની વિવિધ કેટેગરીસમાંની આ એક કેટેગરી છે. લોકડાઉનની મર્યાદાને કારણે ઓનલાઇન આ એવોર્ડ મળવા સાથે સાથે અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એવોર્ડસ એની આ ફિલ્મને મળ્યા. ૧૧મો દાદા ફાળકે એવોર્ડ ફિલ્મ ફેસ્ટીવલ -૨૧માં ય બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો. ૮મા મુંબઇ શોર્ટસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ૨૦૨૦, સ્પોટલાઇટ ડોક્યુમેન્ટરી ફિલ્મ એવોર્ડસ ૨૦૨૦માં સિલ્વર એવોર્ડ વિજેતા બન્યો. એ સિવાય પૂને શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલ ૨૦૨૦, જયપુર ફિલ્મ એવોર્ડ ૨૦૨૧, ગોવા શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલ ૨૦૨૦, ચેન્નાઇ ફિલ્મ એવોર્ડ જેવા સંખ્યાબંધ એવોર્ડસ મળ્યા છે.
એના ઇન્ટરવ્યુ માટે અમે પણ ગુરુવાર ૧૯ ઓગષ્ટના રોજ સંપર્ક સાધ્યો. ૨૫ વર્ષનો આ શરમાળ યુવક આપબડાઇથી કોશો દૂર. પણ પોતાના લક્ષ્ય તરફ આગળ વધવાના અરમાન નક્કી છે. બીઝનેસ કુટુંબના આ યુવાનને કઇ રીતે ફિલ્મ પ્રોડકશનમાં રસ જાગ્યો અને એની આ સિધ્ધિના પરિમાણ કયા? વડોદરાથી સાનફ્રાન્સીસ્કોની એની જર્ની અને મળેલ એવોર્ડોની રોમાંચક સફરની ઝાંખી કરીએ!
"બાળપણથી જ ફિલ્મો જોવામાં રસ. સંયુક્ત કુટુંબમાં ઉછેર. વડોદરામાં મનોરંજન માટે ફિલ્મ જોવા જવા સિવાય ખાસ કોઇ વિકલ્પ નહિ! નાનો હતો ત્યારે દાદા, કાકા જે કોઇ ફિલ્મ જોવા જાય એમની આંગળી પકડી હું જોડાઇ જતો. પપ્પાને તો જેમ્સ બોન્ડની જ ફિલ્મો ગમે એટલે એમની સાથે એ જુએ. એથી એનામાં પણ ફિલ્મ પ્રત્યેની અભિરુચિ વધવા લાગી.
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતો અને શૈશવ સ્કુલમાં શિક્ષણ પૂર્ણ કરી મહેસાણાની કોલેજમાંથી મેકટ્રોનીકસ (મઇકેનીકલ અને ઇલેકટ્રોનીક)એન્જીનીયરીંગમાં ગ્રેજ્યુએટ થયો. "એન્જીનીયર તો બન્યો પણ એ મારા રસનો વિષય નહિ! કોલેજમાં ટાઇમ પાસ માટે નાની નાની ફિલ્મો બનાવતો" એમ જણાવતા રિષભે કહ્યું, "મેં ફિલ્મમેકર બનવાનું મારૂં સપનું મમ્મી-પપ્પા સમક્ષ રજુ કર્યું.”
પિતા રાજેશભાઇ અને માતા પ્રીતિબહેને સંમતિ આપતા જ કઇ યુનિવર્સિટીમાં જવું એનું સંશોધન શરૂ કર્યું.. અમેરિકાના સાનફ્રાન્સીસ્કોની ચેપમેન યુનિવર્સિટી એ માટે ગણના પાત્ર હોવાને કારણે એમાં માસ્ટર ઇન ફાઇન આર્ટસ કરવાનો નિર્ણય લીધો. પરંતુ એ માટે પ્રોફાઇલ જોઇએ. એની તૈયારીઓ આરંભી. પોતાના મિત્ર રોહન જોષી (જે હાલ મુંબઇમાં સિનેટોગ્રાફીનો અભ્યાસ કરી રહ્યો છે) સાથે મળી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનું બીડું ઝડપ્યું. એ માટે રેલ્વે સ્ટેશનના સ્ક્રેપમાંથી બનેલ સ્કલ્પ્ચરનો વિષય પસંદ કર્યો.
વડોદરાના રેલ્વે સ્ટેશનના સ્કલ્પચર સ્ક્રેપમાંથી બનાવ્યા છે એ વિષયક સંશોધન આદર્યું. છ જેટલા આર્ટીસ્ટોનો સંપર્ક સાધ્યો. નકામી ચીજોમાંથી કલાત્મક નમૂનાની રચના કઇ રીતે થઇ એ વિષય પર "સ્ક્રેપ એન્ડ ધ સીટી" નામની નાની ફિલ્મ બનાવી.
આ ફિલ્મના આધારે એને સાનફ્રાન્સીસ્કોની ચેપમેન યુનિવર્સિટીમાં ૨૦૧૭માં એડમીશન મળી ગયું. એના થીસીસના ભાગરૂપે એણે ભારતના નોઇડાના સ્લમ વિસ્તારના બે યુવાનોએ સ્થાપેલ એન.જી.ઓ.ના જીવન અને કાર્ય એને સ્પર્શી ગયા જેથી એના પર ડોક્યુમેન્ટરી બનાવવાનું આયોજન કર્યું.
એ સ્લમ વિસ્તારના દેવ અને ચાંદનીએ ગરીબીમાં ઉછર્યા અને સખત સંઘર્ષ કરી શિક્ષણ મેળવ્યું. પોતાના જેવા અસંખ્ય સ્લમ વિસ્તારના બાળકોને ભણવા માટેનું ઉત્તેજન આપવા તેમણે એન.જી.ઓ. શરૂ કરી. રિષભે જણાવ્યું કે, એ એક એવી વ્યક્તિની સ્ટોરીની શોધમાં હતો જે પોતાની જાતને મદદ કરી બીજાને મદદ કરવા પ્રેરાય એથી એને દેવ, ચાંદનીના પાત્રો પસંદ પડી ગયા. જેનું લક્ષ્યાંક શિક્ષણ હોય જે સારી જીંદગી તરફ દોરી જાય. ભારતની ગરીબી કે અસ્પૃશ્યતા જેવા વિષયો દર્શાવી આંતરરાષ્ટ્રીય સ્તરે આસાનીથી નામના મળી શકે પરંતુ મારે એ રસ્તો પસંદ કરવો ન હતો. ગરીબાઇ તો અમેરિકા, યુરોપ સહિત અનેક દેશોમાં છે, માત્ર ભારતમાં જ છે એવું નથી!
મારે ફિલ્મોમાં પાત્રોને મજબૂર નહિ પણ દરેક સમસ્યાઓ સામે ઝઝૂમતા મજબૂત દર્શાવવા છે. મારા આ લક્ષ્યને કારણે જ મારી ફિલ્મ તમામ અવરોધો પાર કરી દર્શકોના હ્દયને સીધી સ્પર્શી ગઇ.
આ ફિલ્મનું શુટીંગ દિલ્હીમાં ભર ઉનાળામાં કર્યું ત્યારે કેટલીક વખત કેમેરા પણ ગરમ થઇ જાય. આઇ ફોનથી પણ કેટલાક દ્રશ્યો શૂટ કર્યા હતા. જેમાં નોઇડા સ્લમ વિસ્તારના જ બાળકો હતા. દરેક દ્રશ્યમાં વોઇસ ઓવર અપાયો છે. એની સાથે કલાકાર ટીમમાં આદિત્ય, આકાશ, રોહન જોષી, આયુષ માથુર વગેરે હતા. આ ફિલ્મ બનાવવા માટે યુનિવર્સિટી તરફથી ૫૦૦૦ ડોલરનું ફંડ ફાળવાયું હતું. ઓસ્કાર એવોર્ડમાં વિવિધ કેટેગરીસની ફિલ્મોને એવોર્ડ અપાય છે. જેમાં દર વર્ષે ૩૦૦ થી ૫૦૦ જેટલી સ્ટુડન્ટ એકેડેમીસ પણ ભાગ લે છે.
ફ્રાન્સમાં શીખોના ધાર્મિક પ્રતીકો પહેરવા માટે સ્કુલોમાં મૂકાયેલ પ્રતિબંધના કાયદા સામે શીખ લેન્ડસ ફેસ્ટીવલ પ્રોગ્રામ હેઠળloi no 2004-228 રિષભે બનાવેલ ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દર્શકો અને વિવવેચકો બન્ને દ્વારા વખણાઇ હતી અને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં એ ઝળકી હતી.
રિષભે પોતાની સફળતાનું કારણ આપતા જણાવ્યું કે, “મારા મતે દર્શકો સામે પડદા પર કોઇપણ વિષય કે વાર્તા કઇ રીતે પ્રસ્તુત કરવી એ જ દિગ્દર્શનની ખરી કળા છે.”
હાલમાં શોર્ટ ફિલ્મોની લોકપ્રિયતા વધી રહી છે એથી ભાવિ યોજનામાં પ્રોડક્શન હાઉસ ખોલીને નેરેટીવ ફિચર ફિલ્મો બનાવવાનો છે. એનું લક્ષ્ય છે કે સમાજમાં પરિવર્તન લાવતા વિષયને રસિક બનાવી મનોરંજન સાથે સમાજનું સશક્તિકરણ કરવું. જો કે ત્રણ કલાકની મૂવીનું સ્થાન શોર્ટ ફિલ્મો ન લઇ શકે.