આદર્શ ગુરુ કેવા હોય? મળો ટીચર રીટા પિયર્સનને

Friday 31st July 2015 06:31 EDT
 
 

ગુરુપૂર્ણિમા પર્વે આજે અહીં એક એવા આફ્રિકન-અમેરિકન ટીચર રીટા પિયર્સનને અંજલિ અર્પી છે જેઓ સ્ટુડન્ટ્સને હોંશિયાર બનાવવાની સાથોસાથ તેમને માનવસંબંધોનું મૂલ્ય સમજાવીને બહેતર ઇન્સાન પણ બનાવતા હતા.

‘પ્રત્યેક બાળક પાસે એક ચેમ્પિયન હોવો જોઈએ, કોઈ પુખ્ત વયની એવી વ્યક્તિ જે તેમનામાંની શ્રદ્ધા કદી ગુમાવે નહીં, જે સંબંધોની (જોડાયેલા રહેવાની) તાકાતને સમજતી હોય અને જે ખાતરીપૂર્વક કહેતી હોય કે તમે ચોક્કસ શક્ય એટલા ઉત્કૃષ્ટ બની શકશો.’
આ શબ્દો વિખ્યાત આફ્રિકન-અમેરિકન ટીચર રીટા પિયર્સનના છે. રીટા માત્ર ટીચર નહોતાં, એક કુશળ અને જાણકાર શિક્ષણવિદ્ હતાં. તેઓ કહેતાં કે ટીચિંગ મારા લોહીમાં છે. વાત પણ સાચી હતી. મા-બાપ અને નાના-નાની ચારેય શિક્ષક હતાં અને રીટાએ પણ જિંદગીમાં ટીચિંગને જ મિશન બનાવ્યું હતું. ૧૯૭૨થી ટીચિંગ-પ્રોફેશન સાથે સંકળાયેલાં રીટા સામાન્ય ટીચર નહોતાં. કે.જી.નાં બાળકોથી લઈને જુનિયર સ્કૂલના વિદ્યાર્થીઓને તેમ જ સ્પેશ્યલ ચિલ્ડ્રનને તેમણે ભણાવ્યાં એટલું જ નહીં, તે પ્રોફેશનલ એજ્યુકેટર હતાં અને શિક્ષકોને ટ્રેઇનિંગ આપતાં હતાં. તેમનાં હાથ નીચે અમેરિકાના હજારો ટીચર્સે તાલીમ લીધી હતી.
હોંશિયાર અને તેજસ્વી બાળકો તો બધા શિક્ષકોને પ્રિય હોય, પરંતુ રીટા એવા વિદ્યાર્થીઓને પણ પ્રેમ કરતાં જે સામાન્ય હોય, મિડિયોકર હોય. તે તેમને એક પડકાર તરીકે સ્વીકારી લેતાં. તે તેમને એટલો પ્રેમ, વિશ્વાસ અને હૂંફ આપતાં કે એક સમયે તદ્દન આત્મવિશ્વાસવિહોણા અને ભણવામાં બિલકુલ ઢ જેવા લાગતા એ વિદ્યાર્થીઓ રીટાના ક્લાસમાંથી વિદાય લઈને નવા ક્લાસમાં જતા ત્યારે તેમનામાં જમીન-આસમાન જેવો બદલાવ આવી જતો.
રીટા પિયર્સન કહેતાં કે શિક્ષણમાં માનવસંબંધોની મહત્તા સમજાવવી અનિવાર્ય છે. અમેરિકાના ટેક્સાસ રાજ્યની જે સ્કૂલમાં તે વાઇસ પ્રિન્સિપાલ હતાં ત્યાંની એક ટીચરે એક વાર તેમને કહેલું કે ‘આપણને કાંઈ વિદ્યાર્થીઓને ગમાડવાના પૈસા નથી મળતા, તેમને ભણાવવાના મળે છે. આપણે ભણાવીએ એ વિદ્યાર્થીઓએ શીખવાનું. બસ વાર્તા પૂરી.’
રીટાએ તેને જવાબ આપ્યો હતો: ‘તને ખબર છે અપ્રિય વ્યક્તિ પાસેથી સ્ટુડન્ટ્સ કશું શીખતા નથી?’
એ સાંભળીને પેલી ટીચરે છણકો કરતાં કહેલું કે એ બધી વાહિયાત વાતો છે. રીટાએ કહ્યું કે તો પછી તારે માટે આ વર્ષ લાંબું અને કપરું બની રહેવાનું છે એટલું ચોક્કસ.
જે વિદ્યાર્થીઓને ભણાવતા હોઈએ તેમની સમગ્ર પર્સનાલિટીના વિકાસ માટે ખેવના રાખવાનું રીટાને તેનાં મમ્મી-પપ્પા પાસેથી શીખવાનું મળેલું. તેઓ કહે છે કે મારી મમ્મી સ્કૂલની રિસેસમાં ક્યારેક બહાર જઈને દાંતિયા, બ્રશ કે પીનટ બટર ખરીદી આવતી. ક્યારેક તે વિદ્યાર્થીઓના ઘરે જતી. તેના ડ્રોઅર્સમાં હંમેશાં સાબુ, નેપ્કિન, બિસ્કિટ અને એના જેવો કોઈક નાસ્તો પડ્યો જ રહેતો. જે વિદ્યાર્થીઓને ભૂખ લાગી હોય તેને મમ્મી નાસ્તો આપતી. કોઈ વિદ્યાર્થી ગંધાતો હોય તો તેને સાફસૂથરો બનાવવાનો સરંજામ શ્રીમતી વોકરના ડ્રોઅરમાં હાજર રહેતો. વર્ષો પછી એમાંના ઘણા સ્ટુડન્ટ્સ તેમની મુલાકાતે આવતા. તેમની વાતચીતમાં આ વાક્યો અચૂક સાંભળવા મળતાં:
‘મિસિસ વોકર, તમે મારી જિંદગીમાં કંઈક નવું-નોખું પરિમાણ ઉમેર્યું હતું. તમે બતાવી આપ્યું હતું કે એની મારા પર અસર થઈ હતી. ખરેખર તમે મારી જિંદગી બદલી નાખેલી. તમે મને વિશ્વાસ અપાવેલો કે હું પણ કંઈક છું, જ્યારે મનમાં ઊંડે-ઊંડે તો હું જાણતો જ હતો કે હું કાંઈ નથી અને આજે હું તમને બતાવવા આવ્યો છું કે જુઓ, હું ક્યાં પહોંચ્યો છું.’
૯૨ વર્ષે રીટા પિયર્સનનું મૃત્યુ થયું ત્યારે અમેરિકામાં વસતા તેમના સેંકડો સ્ટુડન્ટ્સ તેમની અંતિમયાત્રામાં ઊમટ્યા હતા. રીટાની સામે આવો વારસો પડ્યો છે અને રીટા દૃઢપણે માને છે કે વિદ્યાર્થીઓને માનવસંબંધોનું મૂલ્ય શીખવવું સૌથી જરૂરી છે.
રીટાએ પોતાની કારકિર્દીનો પણ સરસ કિસ્સો નોંધ્યો છે. એક વાર નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું. તેના નવા ક્લાસમાં મોટા ભાગના સ્ટુડન્ટ્સ ભણવામાં નબળા અને ખૂબ જ ઢીલા હતા. રીટાને સમજાઈ ગયું કે તેને માટે તેમનામાં આત્મવિશ્વાસ સીંચવાનું કામ એક આકરો પડકાર બની રહેશે. મનોમન તેને રડવું આવતું કે આ છોકરાઓને કેવી રીતે ઊંચા લાવીશ. પરંતુ રીટાએ તરત જ પ્લાન ઘડી કાઢ્યો. પહેલા જ દિવસે રીટાએ તેમનું સ્વાગત આ શબ્દોથી કર્યું :
‘તમને મારા ક્લાસ માટે પસંદ કરવામાં આવ્યા છે, કારણ કે હું બેસ્ટ ટીચર છું અને તમે બેસ્ટ સ્ટુડન્ટ્સ છો. સ્કૂલવાળાએ આપણને એટલા માટે સાથે મૂક્યા છે કે જેથી આપણે બીજા બધાને બતાવી આપી શકીએ કે આગળ કેમ વધવું.’ સ્ટુડન્ટ્સે પૂછ્યું: ‘ખરેખર?’ અને રીટાએ બમણા વિશ્વાસથી કહ્યું : ‘હા, ખરેખર.’
તેમણે એ સ્ટુડન્ટ્સને એક સૂત્ર આપ્યું: ‘હું સમબડી છું. અહીં આવ્યો ત્યારે હું સમબડી હતો. હું અહીંથી જઈશ ત્યારે હું બહેતર સમબડી બનીને જઈશ. હું શક્તિશાળી છું અને મજબૂત છું. મને અહીં જે શિક્ષણ મળે છે હું એને લાયક છું. મારે ઘણાં કામ કરવાનાં છે. લોકોને અભિભૂત કરવાના છે અને દૂર-દૂર પહોંચવાનું છે.’
રીટાએ કહ્યું કે આ શબ્દો એટલી બધી વાર બોલો કે એ તમારા અસ્તિત્વનો ભાગ બની જાય. અને છોકરાઓ ખુશીથી બોલી ઊઠેલા, ‘યા....હ.’
કહેવાની જરૂર નથી કે વર્ષના અંતે જ્યારે વિદ્યાર્થીઓ રીટાના ક્લાસમાંથી નવા ક્લાસમાં જઈ રહ્યા હતા ત્યારે એ ઘણા બહેતર સ્ટુડન્ટ જ નહીં, બહેતર મનુષ્ય પણ હતા.
આવા ટીચર્સ કે ગુરુ માત્ર શૈક્ષણિક સંસ્થાઓમાં જ મળી શકે એવું નથી. જિંદગીની પાઠશાળામાં એ ક્વચિત મા, બાપ, મિત્ર, પાડોશી, કલીગ કે મેન્ટર બનીને પણ મળી જતા હોય છે. ગુરુપૂર્ણિમાએ વંદન હો આવા પ્રત્યેક ગુરુને.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter