ચૈત્રી નવરાત્ર અને નૂતન સંવત્સર પ્રારંભઃ પ્રકૃતિનું પર્વ, શક્તિની આરાધનાનું પર્વ

Wednesday 18th March 2015 06:46 EDT
 
 

હિન્દુ ધર્મગ્રંથોમાં ચૈત્ર સુદ પડવા (આ વર્ષે ૨૧ માર્ચ)ના રોજ નવ-સંવત્સર ઉત્સવ ઉજવવાનો ઉલ્લેખ છે. આ દિવસે મુખ્યત્વે બ્રહ્માજીનું, કાળ-પુરુષનું સમસ્ત અવયવો સહિત પૂજન કરવાનું વિધાન છે. અથર્વવેદ (૩-૯-૧૦)થી એ જાણવા મળે છે કે નવ-સંવત્સર ઉત્સવ અતિ પ્રાચીન વૈદિક કાળથી જ મહાપર્વ તરીકે ઊજવાતો રહ્યો છે. બધી ઋતુઓના એક આવર્તનને ‘સંવત્સર’ કહેવામાં આવે છે. વસંત ઋતુમાં શરૂ થતું આ સંવત્સર સમસ્ત ઋતુઓની પરિક્રમા કર્યા પછી અંતે વસંત ઋતુમાં સમાપ્ત થાય છે. વસંતને ‘ઋતુરાજ’ માનવામાં આવે છે તેથી સંવત્સરનો પ્રારંભ અને અંત આ ઋતુરાજમાં જ થવાનું સ્વાભાવિક છે.

ચૈત્ર સુદ પડવાથી શરૂ થઇ રહેલા સંવત્સરની કાળગણના બ્રહ્માજી દ્વારા સૃષ્ટિના નિર્માણની તિથિથી કરવામાં આવે છે, આથી તેને સૃષ્ટિની જયંતી પણ માનવામાં આવે છે. મોટા ભાગે બધી જગ્યાએ નવા વર્ષનો ઉત્સવ પહેલી જાન્યુઆરીને ઉજવવામાં આવે છે, પણ ભારતીય જ્યોતિષશાસ્ત્રની ગણના અનુસાર નવા વર્ષની શરૂઆત નવ સંવત્સર ‘ચૈત્ર નવરાત્રિ’થી થાય છે.
નવા શરૂ થઇ રહેલા આ સંવત્સરનું નામ ‘પ્લવંગ’ છે. સંવત્સરનું નામ એટલું મહત્ત્વપૂર્ણ છે કે પ્રત્યેક ધાર્મિક કાર્યમાં લેવાતા સંકલ્પમાં સંવત્સરનું નામ અવશ્ય લેવામાં આવે છે. આની પાછળનું એક કારણ એવું છે કે લેવામાં આવતા સંકલ્પનો સંબંધ દિવસ - મુહૂર્ત - સમય - સ્થાન - વ્યક્તિ વગેરે સાથે હોય છે, આવું કરવાથી વ્યક્તિની અંદર સંકલ્પ અને તેને પૂરો કરવા પ્રત્યે જાગૃતિ આવે છે.

આપણા ઋષિ-મુનિઓએ નવ સંવત્સરના ઉત્સવની શરૂઆત શક્તિ આરાધના સાથે જોડીને કરી છે. શક્તિનો મૂળ સ્રોત પ્રવૃત્તિ છે અને તે જગદંબા રૂપે આખી સૃષ્ટિનું પાલન-પોષણ કરે છે. તેઓ પાર્વતી રૂપે ભગવાન શિવનાં અર્ધાંગની છે અને શક્તિનાં વિભિન્ન દેવી રૂપોમાં સૃષ્ટિનો કાર્યભાર સંભાળે છે.

આપણા સૌનું જીવન પ્રકૃતિ સાથે જોડાયેલું છે. જો તેમાં કોઈ પણ પ્રકારની વિકૃતિનો સમાવેશ થાય છે તો શરીર અને મનમાં રોગ વિકસે છે. આપણે જીવનનો આનંદ ત્યારે જ લઈ શકીએ છીએ, જ્યારે આપણું શરીર અને મન સ્વસ્થ હોય. અને આપણું શરીર અને મન ત્યારે સ્વસ્થ રહી શકે છે જ્યારે તેનું પરિમાર્જન અને પરિષ્કાર થાય. જીવનમાં સંયમનું પાલન થાય. ‘સંયમ’નું પાલન કરવાથી એક બાજુ સ્વાસ્થ્ય વધે છે તો બીજી બાજુ શક્તિનો સંચય થાય છે. આ કારણે નવરાત્રિના ઉત્સવને શક્તિ આરાધના, વ્રત, અનુષ્ઠાન વગેરે સાથે જોડવામાં આવ્યો છે, જેથી આ નવ દિવસોના અભ્યાસ દ્વારા આપણે આપણા જીવનમાં સંયમનું પાલન કરી શકીએ, આપણી ઊર્જાનું સાચું નિયોજન કરી શકીએ.

નવરાત્રિનું પર્વ ‘પ્રકૃતિનું પર્વ’ છે, શક્તિની આરાધનાનું પર્વ છે. પ્રકૃતિ અને શક્તિ બન્નેય આપણા જીવનનો મૂળ આધાર છે, તેના વિના જીવનની કલ્પના સંભવ નથી. આપણું શરીર પ્રકૃતિનાં તત્વોથી મળીને બન્યું છે અને એ સંચાલિત પણ થાય છે. પ્રકૃતિની શક્તિથી શરીરમાં ઊર્જાનો સંચાર પ્રાણવાયુ જ કરે છે જે પ્રકૃતિનો એક ઘટક છે. આપણા શરીરથી જીવાત્મા અલગ થઈ ગયા બાદ શરીર આ પ્રકૃતિમાં વિલીન થઈ જાય છે. આ રીતે જીવાત્માને આકાર આપવાનું કાર્ય પ્રવૃત્તિ કરે છે. એક રીતે એ જીવાત્માનું નિવાસસ્થાન છે, જો તેમાં પ્રકૃતિનાં નિયમ - અનુશાસનનું પાલન થયું તો શરીર સ્વસ્થ રહે છે અને દીર્ઘાયુ પ્રાપ્ત કરે છે. અન્યથા શરીર અસ્વસ્થ થઈને જીવતા રહેવા યોગ્ય પણ રહેતું નથી.

આપણે સૌ આપણા જીવનમાં સફળ થવા માગીએ છીએ, પણ સફળ એ જ થાય છે જેની પાસે શક્તિ છે. આ સંસારમાં શક્તિનો વિજય થાય છે. ભલેને શક્તિ ધર્મ તરફ હોય કે અધર્મ તરફ, વ્યક્તિ ભલે ગમેતેટલો બુદ્ધિમાન હોય, પ્રતિભાશાળી હોય, પણ જો તેની પાસે શક્તિ ન હોય, શક્તિની કૃપા ન હોય તો તે સફળ થઈ શકતી નથી. આથી જ તો ભગવાન શ્રીરામે રાવણ સાથે યુદ્ધ કરતાં પહેલા શારદીય નવરાત્રિનું અનુષ્ઠાન કર્યું હતું. અર્જુને મહાભારત યુદ્ધ કરતાં પહેલા શક્તિની ઉપાસના કરી હતી અને તે પોતાના વિજય અભિયાનમાં સફળ થયો હતો.

આજે આપણે પોતે જ પ્રકૃતિનું સંતુલન બગાડ્યું છે અને તેનું પરિણામ આપણને વિવિધ પ્રકારની કુદરતી આફતો સ્વરૂપે જોવા મળી રહ્યું છે. પ્રકૃતિના નિયમોની અવહેલના કરીને કૃત્રિમ જીવનશૈલી અપનાવીને પણ આપણે અનેક રોગ - વ્યાધિઓને આમંત્રણ આપ્યું છે. હવે જો સંભળાવું હોય, જીવનમાં સુધારો કરવો હોય તો પ્રકૃતિના સંરક્ષણ અને સંતુલનના ઉપાય કરવા પડશે અને આપણું જીવન પ્રકૃતિને અનુરૂપ જીવવું પડશે. જો આમ થશે તો આ નવ સંવત્સર ઉત્સવ આપણા માટે વરદાન રૂપ બનશે. વર્તમાન સમયમાં પ્રાકૃતિક અસંતુલન અને પ્રદૂષણને દૂર કરવા માટે સામુહિક પ્રયાસની જરૂર છે. જેમ કે, ગંગા સ્વચ્છતા અભિયાન. આ અભિયાનને સફળ કરવા માટે સમાજના તમામ લોકોનો ભરપૂર સહયોગ પણ મળી રહ્યો છે, જે પ્રશંસનીય છે.

આમ નવરાત્રિનું આ પર્વ આપણને શક્તિ આરાધનાનો તો અવસર આપે જ છે સાથોસાથ પર્યાવરણનું જતન-સંવર્ધન કરવાનો પણ સંદેશ આપે છે. આવો, આપણે સહુ... જીવનમાં છવાયેલાં તમામ અનિચ્છનીય તત્ત્વોને દૂર કરીએ અને સ્વસ્થ અને સભ્યજીવન તરફ આગેકદમ માંડીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter