શ્રાવણઃ ભોળાનાથની ભક્તિથી ભીંજવતો પવિત્ર માસ

પર્વવિશેષ

Wednesday 31st July 2019 07:32 EDT
 
 

શ્રાવણ માસ (આ વર્ષે ૧ થી ૩૦ ઓગસ્ટ) એટલે શિવશંકર ભોળાનાથની ઉપાસના અને આરાધનાનું પર્વ. આ માસમાં ક્યારેય મંદિરે ન જનારો ભક્ત પણ શિવાલયે જઈને શિવજીની પૂજા-અર્ચના કરે છે. ભક્તજનો અનેક પ્રકારે શિવજીની ઉપાસના કરે છે. સવાર-સાંજ શિવમંદિરોમાં ભક્તો જળાભિષેક, દુગ્ધાભિષેક, ચંદનાભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરીને ભગવાન ભોળાનાથને રિઝવવાનો પ્રયત્ન કરે છે તો વળી ક્યાંક ભક્તો દ્વારા શિવજીને પ્રસન્ન કરવા ગંગાજળથી જળાભિષેક કરાય છે. ઘણાં શિવ મંદિરોમાં પ્રાતઃ કાળથી રુદ્રાભિષેક કરાય છે. રુદ્રાભિષેકમાં ગંગાજળ, દૂધ, પંચામૃત ચઢાવાય છે. આ માસમાં શિવ મંદિરમાં અખંડ દીવો પણ રાખવામાં આવે છે. જે લોકો આધિ-વ્યાધિ- ઉપાધિથી પીડાતા હોય તેમને શિવ-પૂજનથી શાંતિ પ્રાપ્ત થાય છે. આ શ્રાવણ માસમાં ઘણા લોકો આખો મહિનો ઉપવાસ કે એકટાણાં પણ કરે છે. આમ શિવજીની જેમ તેમના ભક્તો પણ અનોખા છે. તમામ માસમાં શ્રાવણ માસનું મહત્ત્વ જ અનોખું છે.

શિવોપાસનાનું મહત્ત્વ

શ્રાવણ માસમાં શિવજીની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. આશુતોષ ભગવાન શિવના ત્રિગુણ તત્ત્વ - સત, રજ, તમ, એમ ત્રણે પર સમાન અધિકાર છે. શિવ પોતાના મસ્તક પર ચંદ્રમાને ધારણ કરીને શશિશેખર કહેવાયા. શિવજી એ ચંદ્રમાના ઈષ્ટદેવ છે. ચંદ્રમા પર તેમને વિશેષ સ્નેહ હોવાને કારણે ચંદ્રવાર અટલે કે સોમવાર તેમને વધારે પ્રિય છે. આથી જ શ્રાવણ માસના સોમવારનું વિશેષ મહત્ત્વ છે. આમ તો ભગવાન શિવને બધા જ સોમવાર પ્રિય છે, પરંતુ શ્રાવણનો આખો માસ અને તેમાં આવતા સોમવાર શિવને અતિ પ્રિય છે. કારણ કે શ્રાવણ માસમાં વાતાવરણમાં જળતત્ત્વ વધારે હોય છે, જે સોમ (ચંદ્ર) તત્ત્વ જ છે.

પૌરાણિક માન્યતા અને ભારતીય સંસ્કૃતિમાં ભગવાન ભોળાનાથની શ્રાવણ માસમાં પૂજા અને આરાધનાનું આગવું મહત્ત્વ છે. અવિવાહિત યુવતીઓ અને યુવકો લગ્નજીવન માટે સારાં જીવનસાથીની પ્રાપ્તિ માટે શિવજી પર જળાભિષેક કરીને બિલ્વપત્ર ચઢાવે છે. નવવિવાહિત દંપતીઓ પોતાના દાંપત્યની મંગલકામના માટે શિવભક્તિ કરે છે. કારણ કે પૌરાણિક કથાઓમાં ભગવાન શિવને શીઘ્ર પ્રસન્ન થઈને ફળ આપનારા યોગેશ્વર, ભૂતેશ્વર, મહાકાલેશ્વર, તત્કાલેશ્વર અને કૈલાસવાસીના નામથી ઓળખવામાં આવે છે.

ભગવાન શિવની ઉપાસના માટે વેદાદિ શાસ્ત્રોમાં વિભિન્ન સ્વરૂપ દર્શાવાયાં છે. શિવજીની મંત્ર ઉપાસનામાં પંચાક્ષરી ‘નમઃ શિવાય’ અથવા ‘ૐ નમઃ શિવાય’ અને મહામૃત્યુંજય વગેરે મંત્રોના જપનો વિશેષ મહિમા છે. મહામૃત્યુંજય મંત્રના જપ-અનુષ્ઠાનથી બધા જ પ્રકારના ભય, તેમાં પણ ખાસ કરીને મૃત્યુનો ભય દૂર થઈને દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ તથા મહામારીથી શાંતિ તથા અન્ય ઉપદ્રવોથી શાંતિ તથા અભીષ્ટ પ્રાપ્તિ માટે રુદ્રાભિષેક વગેરે અનુષ્ઠાન કરાય છે. શિવોપાસનામાં પાર્થિવ પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે. આ સિવાય ભગવાન શિવની માનસ પૂજાનું મહત્ત્વ સર્વોપરી છે.

શ્રાવણ માસ દરમિયાન શિવોપાસનામાં રત્નોથી નિર્મિત રત્નેશ્વર વગેરે શિવલિંગોની પૂજા કરવાથી અપાર વૈભવની પ્રાપ્તિ થાય છે. જ્યારે સરળતાની દૃષ્ટિએ બિલ્વપત્ર, જળ, અક્ષત અને મુખવાદ્ય એવા બમ-બમ ભોલેથી શિવ પ્રસન્ન થાય છે. ભગવાન શિવની કૃપા સહજ પ્રાપ્ત થાય છે. આથી તેમને આશુતોષ, ઉદાર શિરોમણિ કહેવામાં આવે છે. રોજ શિવ આરાધના કરવી શક્ય ન હોય તો સોમવારના દિવસે પણ શિવ પૂજા અવશ્ય કરો અને વ્રત રાખો.

જેમ ભગવાન શંકરને સોમવારનો દિવસ પ્રિય છે તે જ રીતે તમામ માસમાં શ્રાવણ માસ વિશેષ પ્રિય છે. આથી શ્રાવણ માસ અથવા તેના દરેક સોમવારના દિવસે શિવોપાસના કરવી જોઈએ. દરરોજ, સોમવાર તથા પ્રદોષ કાળમાં શિવપૂજા કરવાથી બધાં જ કષ્ટો દૂર થાય છે. શ્રાવણ માસમાં લઘુરુદ્ર, મહારુદ્ર અથવા અતિરુદ્રના પાઠ કરવાનું વિધાન છે.

શ્રાવણ માસમાં જલાધારા પ્રિય શિવ

શ્રાવણ માસમાં શિવ આરાધના અને પૂજાપાઠનું વિશેષ મહત્ત્વ છે. ભારતીય સભ્યતા અને સંસ્કૃતિમાં દરેક વ્યક્તિની કામના હોય છે કે તેમને ઈશ્વરની ભક્તિ પ્રાપ્ત થાય. ઈશ્વર ભક્તિને જાણવાની લાલસા દરેક માણસને હોય છે, પરંતુ તે વ્યક્તિ ધાર્મિક અનુષ્ઠાન, પૂજાપાઠ અને નિયમોથી અજાણ હોવાના કારણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકતો નથી. આવી સ્થિતિમાં નિયમ અને પૂજાપાઠની અજ્ઞાનતાને કારણે ભક્તને અભીષ્ટ ફળની સિદ્ધિ મળતી નથી.

શ્રાવણ માસમાં શિવજી પર જળ ચઢાવવા પાછળ ભારતીય પૌરાણિક કથા રહેલી છે. તે કથા આ મુજબ છેઃ

સમુદ્રમંથન દરમિયાન દાનવ અને દેવતાઓ દ્વારા અમૃત કળશ અને વિષ કળશ નીકળ્યા પછી જ્યારે વિષ પીવાનો વારો આવ્યો ત્યારે દેવતાઓ અને દાનવોએ તે પીવાનો ઇનકાર કર્યો, કારણ કે તે વિષને કોઈ પચાવી શકે તેમ ન હતું. સંસારનાં હિત સાધવા માટે થઈને ભગવાન ભોળાનાથે હળહળતું વિષ પોતાના કંઠમાં ધારણ કરી દીધું. જોકે આમ કરવાથી ભગવાન ભોળાનાથને ચક્કર આવવા લાગ્યા. આથી ભગવાન ભોળાનાથે વિષની ગરમી ઓછી કરવા માટે ગંગા અને ચંદ્રમાને પોતાના શિર પર ધારણ કર્યાં. તેનાથી ભોળાનાથના ચક્કર આવવા ઓછા થયા અને ગરમી પણ ઓછી થઈ. ભગવાન શિવજીની આ ગરમીને શાંત કરવા માટે શ્રાવણ માસમાં ભક્તો તેમના પર જળાભિષેક કરે છે.

કેવી રીતે કરશો શિવપૂજન?

બધાં જ ભોળાનાથને રિઝવવા ઇચ્છતા હોય છે અને તે માટેનો સૌથી મહત્ત્વનો શ્રાવણ માસ આવી ગયો છે. શ્રાવણ માસમાં અહીં જણાવેલી રીતને અનુસરી પૂજા કરવાથી શિવજીની પ્રસન્નતાને પામી શકાય છે.

શ્રાવણ માસની કોઈ પણ તિથિ અથવા દિવસ અને ખાસ કરીને સોમવારે પ્રાતઃ કાળે ઊઠીને સ્નાનાદિ કાર્યથી પરવારી ત્રિદલવાળા સુંદર, સાફ, ક્યાંયથી કપાયેલ ન હોય તેવા કોમળ બિલ્વપત્ર પાંચ, સાત, નવ વગેરે સંખ્યામાં લો. અક્ષત એટલે કે ચોખાના દાણા લો. સુંદર સાફ કળશ કે કોઈ પાત્રમાં જળ, અને જો શક્ય હોય તો ગંગાજળ લો. દૂધ લો. ત્યારબાદ પોતાના સામર્થ્ય અનુસાર ગંધ, ધૂપ-અગરબત્તી, ચંદન વગેરે લો. આ બધો સામાન સ્વચ્છ પાત્રમાં એકત્રિત કરીને શિવ મંદિરમાં જાઓ. જો શિવમંદિર ન હોય તો બિલ્વના વૃક્ષ પાસે જાઓ.

શિવલિંગને સ્વચ્છ જળ અને દૂધથી સ્નાન કરાવો. ત્યારબાદ તેના પર અક્ષત ચઢાવો, પુષ્પ ચઢાવો. હવે હળદર-ચંદન વડે શિવલિંગ પર લેપ કરો. ત્યારબાદ ભગવાનને ધૂપ અર્પણ કરો અને ‘ૐ નમઃ શિવાય’ મંત્ર બોલતાં બોલતાં બિલ્વપત્ર ચઢાવો. સૌથી છેલ્લે પોતાનાં પાપોની ક્ષમાયાચના માગો.

ભોળાનાથ ખૂબ જ ભોળા છે, આથી સાચા દિલથી તેમની પૂજા કરવામાં આવે તો ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. કોઈ વિશેષ મંત્રોચ્ચાર ન જાણતા હો તો પણ સામાન્ય પૂજા કરીને પૂણ્ય ફળ પ્રાપ્ત કરી શકો છો. ભગવાન ભોળાનાથે સ્વયં કહ્યું છે કે કોઈ પણ વેદ મંત્રોના ઉચ્ચારણ વગર પૂરી શ્રદ્ધાથી જે મને પુષ્પ, ફળ કે જળ સર્મિપત કરે છે, તેમના માટે હું ક્યારેય અદૃશ્ય થતો નથી અને તે ભક્ત પણ ક્યારેય મારી દૃષ્ટિથી ઓઝલ નથી હોતો.

શ્રાવણ માસની નોમ તિથિનું મહત્ત્વ દર્શાવતા શિવપુરાણની વિદ્વેશર સંહિતામાં લખ્યું છે કે કર્ક સંક્રાંતિથી યુક્ત શ્રાવણ માસની નોમ તિથિએ મૃગશિરા નક્ષત્રના યોગમાં અંબિકા પૂજન કરો. તે સંપૂર્ણ મનોવાંચ્છિત ભોગો અને ફળો પ્રદાન કરનારી છે. ઐશ્વર્યની ઇચ્છા રાખનારા પુરુષોએ તે દિવસે અવશ્ય માતા અંબિકાની ભક્તિ-ભાવપૂર્વક પૂજા કરવી જોઈએ. આ પ્રકારની વિશેષ પૂજાથી જન્મ-જન્માંતરનાં પાપોનો સર્વનાશ થાય છે.

શ્રાવણમાં વિશેષ પૂજન દિવસ

• ૨ ઓગસ્ટ - જીવંતિકા પૂજન
• ૫ ઓગસ્ટ - નાગ પાંચમ (દક્ષિણ ગુજરાત)
• ૬ ઓગસ્ટ - રાંધણ છઠ્ઠ (દક્ષિણ ગુજરાત)
• ૭ ઓગસ્ટ - શીતળા સાતમ (દક્ષિણ ગુજરાત), ગોસ્વામી તુલસીદાસ જયંતી
• ૧૧ ઓગસ્ટ - પવિત્રા-પુત્રદા એકાદશી (શિંગોડા)
• ૧૪ ઓગસ્ટ - નાળિયેરી વ્રતની પૂનમ
• ૧૫ ઓગસ્ટ - બળેવ, રક્ષાબંધન, સ્વાતંત્ર્ય પર્વ
• ૧૭ ઓગસ્ટ - હિંડોળા સમાપન
• ૧૯ ઓગસ્ટ - બોળ ચોથ, બહુલા ચોથ, ગૌપૂજન
• ૨૦ ઓગસ્ટ - નાગપંચમી
• ૨૧ ઓગસ્ટ - રાંધણછઠ્ઠ, હળષષ્ઠી, બુધ પૂજન
• ૨૨ ઓગસ્ટ - શીતળા સાતમ
• ૨૪ ઓગસ્ટ - જન્માષ્ટમી
• ૨૫ ઓગસ્ટ - નંદ મહોત્સવ
• ૨૬ ઓગસ્ટ - અજા એકાદશી (ખારેક)
• ૩૦ ઓગસ્ટ - દર્શ અમાવસ્યા, પિતૃતર્પણ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter