હોલિકોત્સવઃ આસુરી તત્વોને ભસ્મીભૂત કરી નાખતું પર્વ

પર્વ વિશેષ

Wednesday 04th March 2015 04:26 EST
 
 

રંગોત્સવના પર્વ તરીકે જાણીતા હોળી-ધુળેટીનો તહેવાર (આ વર્ષે પાંચ અને છ માર્ચ) ઊજવવા પાછળ અનેક કથાઓ સંકળયેલી છે. જેમ કે, શંકર-પાર્વતી અને કામદેવની કથા, પૂતનાવધની કથા અને દુષ્ટ રાક્ષસી ઢૂંઢાના વધની કથા, પરંતુ સૌથી પ્રચલિત કથા પ્રહલાદના મોતના મુખમાંથી બચી જવાની છે.

હિરણ્યકશિપુ નામનો એક રાક્ષસ હતો. હિરણ્યનો અર્થ થાય છે સોનું, સુવર્ણ. હિરણ્યકશિપુને સર્વત્ર હિરણ્ય જ દેખાતું હતું. ભોગ જ તેના જીવનનો મુખ્ય હેતુ હતો. રાક્ષસ એટલે માથે શિંગડાં હોય, લાંબા દાંત હોય, લાંબા નખ હોય અને જેનો ચહેરો વિચિત્ર પ્રકારનો હોય તેવી પ્રચલિત છબિ સહુ કોઇના મગજમાં છવાયેલી હોય છે, પરંતુ વાસ્તવમાં રાક્ષસ સામાન્ય મનુષ્ય સમાન જ હોય છે.

રાક્ષસનો અર્થ છે, 'ખાઓ, પીઓ અને મજા કરો'ની મનોવૃત્તિ ધરાવતો મનુષ્ય. જે ભૌતિક ભોગ ભોગવ્યા સિવાય કંઈ કરતો નથી. સ્વાર્થ ન હોય તો તે કોઈ કર્મ કરતો નથી. હિરણ્યકશિપુ આવી જ મનોવૃત્તિ ધરાવતો હતો. પોતાની પ્રજાના ભવિષ્ય તરફ તેણે દુર્લક્ષ્ય જ સેવ્યું હતું. તે પોતાની જાતને જ સર્વસ્વ અને ભગવાન માનતો હતો, તેથી તે બીજા ભગવાનનો કેવી રીતે સ્વીકાર કરે!

જે પ્રમાણે કાદવમાં જ કમળ ઊગે છે તેમ હિરણ્યકશિપુને ત્યાં દેવવૃત્તિ ધરાવતા મહાન વિષ્ણુભક્ત પ્રહલાદનો જન્મ થયો.

પ્રહલાદ જ્યારે માતાના ગર્ભમાં હતો ત્યારે તેની માતા નારદમુનિના આશ્રમમાં રહ્યાં હતાં. જ્યાં ગર્ભમાં જ તેના સંસ્કારોનું સિંચન થવા લાગ્યું. પ્રહલાદ ભગવદ્ભક્તિથી પૂર્ણ હતો. પ્રહલાદનો ઈશ્વરવાદ જો રાજ્યમાં સર્વત્ર ફેલાઈ જશે તો કોઈ પોતાને ભગવાન નહીં માને એમ વિચારીને હિરણ્યકશિપુએ પ્રહલાદને શામ, દામ, અને દંડ દ્વારા પ્રભુભક્તિ છોડવા અને પોતાને ભગવાન માનવા ઘણું સમજાવ્યો છતાં પણ પ્રહલાદમાં લેશમાત્ર પરિવર્તન આવ્યું નહીં. તેણે પ્રભુભક્તિને ન ત્યજી, તેથી હિરણ્યકશિપુએ તેને મારવાના અનેક પ્રયત્નો કર્યા, પરંતુ તેના બધા જ પ્રયત્નો નિષ્ફળ રહ્યા.

આ સમયે હિરણ્યકશિપુની બહેન હોલિકાએ પોતાના ભાઈને એક ઉપાય બતાવ્યો. પ્રહલાદને અગ્નિમાં બાળી નાખવાનો. હોલિકાને વરદાન હતું કે જો તે સદવૃત્તિના મનુષ્યને પરેશાન નહીં કરે તો અગ્નિ તેને બાળી શકશે નહીં. લાકડાં, છાણાં વગેરેમાંથી બનાવેલ પ્રહલાદની મૃત્યુશય્યા પર હોલિકા તેને ખોળામાં લઈને બેસી ગઈ અને ચારે બાજુ આગ પ્રગટાવવામાં આવી.

પરિણામ એ આવ્યું કે ઈશ્વરભક્ત પ્રહલાદને કોઈ વરદાન ન હોવા છતાં પણ અગ્નિ ન બાળી શકી, જ્યારે વરદાન ધરાવતી હોલિકા એ જ અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગઈ.

હોલિકાને અગ્નિએ બાળી એનું કારણ એ હતું કે હોલિકાની ભક્તિ નિષ્કામ નહીં, પરંતુ સકામ ભક્તિ હતી. સકામ ભક્તિથી મેળવેલું કોઈ પણ વરદાન સાર્થક થતું નથી. જ્યારે ઈશ્વરની નિષ્કામ ભક્તિ કરનારો અને સદવૃત્તિ ધરાવતો ભક્ત પ્રહલાદ હસતો-રમતો બહાર આવ્યો. જ્યારે વ્યક્તિ પ્રભુનિષ્ઠ, તપસ્વી કે પ્રભુભક્તિમાં ક્રિયાશીલ હોય તો કોઈ પણ ખરાબ શક્તિ કે વૃત્તિ તેનો સ્પર્શ પણ કરી શકતી નથી એવો સંદેશ આપણને હોલિકાદહન દ્વારા મળે છે.

હોલિકાદહનથી ખુશ થયેલા લોકોએ ઉત્સવ મનાવ્યો. આનંદ-ઉત્સવના માહોલમાં રત બનેલા લોકોએ એકબીજા પર રંગ-ગુલાલ ઉડાવવાનું શરૂ કર્યું તો કોઈકે ધૂળ ઉડાવવાનું શરૂ કર્યું અને તેમાંથી જ જન્મ થયો ધુળેટીની ઉજવણીનો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter