સમગ્ર વિશ્વમાં ક્રિસમસ અને 2026ના નવા વર્ષને આવકારવાનો ધમધમાટ ચાલી રહ્યો છે. ખ્રિસ્તી પરંપરા અનુસાર 25 ડિસેમ્બરને પ્રભુ ઇસુના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. લગભગ 2000 વર્ષ પહેલાં ઇઝરાયેલના બેથલેહેમ ગામમાં પ્રભુ ઇસુનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધી ક્રિસમસની ઉજવણીઓ સદીઓથી સ્વરૂપ બદલતી રહી છે. અગાઉ ખ્રિસ્તી ધર્મીઓ દ્વારા અને મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરનારા દેશોમાં જ ક્રિસમસની ઉજવણી થતી હતી પરંતુ 21મી સદીમાં ક્રિસમસની ઉજવણી ભૌગોલિક અને ધાર્મિક સરહદો પાર કરી ગઇ છે. આજે સમગ્ર વિશ્વના દેશોમાં વિવિધ ધર્મ, માન્યતા અને પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો ક્રિસમસ અને ઇસુના નવા વર્ષની ઉજવણી કરે છે. આધુનિક યુગની ક્રિસમસ સાત્યતતા અને પરિવર્તન બંનેનું પ્રતિબિંબ છે. જેમાં પૌરાણિક પરંપરાઓની સાથે સાથે ટેકનોલોજીની પ્રગતિ, બદલાતા સામાજિક મૂલ્યો અને વૈશ્વિક જોડાણનો સમન્વય જોવા મળે છે.
ક્રિસમસની ઉજવણીના કેન્દ્રમાં આજે પણ દયા, ઉદારતા અને સેવાના ભાવ જોવા મળે છે. કૂદકે અને ભૂસકે પ્રગતિ સાધી રહેલા વિશ્વમાં કામનો તણાવ, ડિજિટલ વ્યસ્તતા અને પ્રાઇવસી જેવા નવા પરિબળો સમાજ પર હાવી બન્યા છે ત્યારે પરિવાર, મિત્રો સાથે ક્રિસમસની ઉજવણી તણાવગ્રસ્ત મનોને એક વિરામ તો આપે જે છે પરંતુ પરિવારો અને સમાજને એકસૂત્રે પણ બાંધે છે.
આમ તો વિશ્વના કરોડો ખ્રિસ્તી લોકો માટે ક્રિસમસમાં ધર્મ જ કેન્દ્રસ્થાને છે. વિશ્વભરના દેવળોમાં વિશેષ પ્રાર્થના સભાઓ અને ઉજવણીનું આયોજન કરાય છે. સંઘર્ષ, અસમાનતા અને અનિશ્ચતતાઓથી ઘેરાયેલા આજના વિશ્વમાં પ્રભુ ઇસુએ આપેલા આશા, દયા, સેવા, વિનમ્રતા અને શાંતિનો સંદેશ પાઠવવામાં આવે છે. ખ્રિસ્તીઓ માટે ક્રિસમસ માત્ર એક તહેવાર જ નહીં પરંતુ આસ્થા અને આધ્યાત્મિકતા સાથે સંકળાયેલ ઉજવણી છે. જોકે આજના બિનસાંપ્રદાયિક સમાજમાં ધાર્મિક કરતાં સાંસ્કૃતિ ઉજવણી અને સહઅસ્તિત્વને વધુ મહત્વ આપવામાં આવે છે.
21મી સદીમાં ક્રિસમસ ફક્ત ધાર્મિક નહીં પરંતુ કોમર્શિયલ બની ગઇ છે. ક્રિસમસની ઉજવણી વિશ્વના તમામ દેશોના વ્યવસાયો અને વેપાર-ધંધા માટે એક આશીર્વાદ સમાન બની રહે છે. ક્રિસમસના કોમર્શિયલાઇઝેશને આધુનિક ગ્રાહક સંસ્કૃતિને એક નવી ઊંચાઇ પર પહોંચાડી દીધી છે. ઘણા આ કોમર્શિયલાઇઝેશનની આકરી ટીકા પણ કરે છે. તેમનો આરોપ છે કે ક્રિસમસનો સાચો અર્થ ભૌતિકવાદ તળે ઢંકાઇ રહ્યો છે. તેમના મતે સરળ અને સાદી ઉજવણી જ ક્રિસમસના તહેવારને વધુ અર્થસભર બનાવી શકે છે.
આધુનિક ટેકનોલોજીએ પણ ક્રિસમસની ઉજવણીઓ પર ઘેરો પ્રભાવ પાડ્યો છે. આધુનિક જમાનાની સૌથી અગ્રણી ટેકનોલોજી ગણાતું સોશિયલ મીડિયા ઉજવણીની તસવીરો, સજાવટો અને શુભેચ્છાનું માધ્યમ બની ગયું છે. તેના કારણે ક્રિસમસ ગ્રિટિંગ કાર્ડ લખવાની પરંપરાનો જાણે કે અંત આવી ગયો છે. જોકે આધુનિક ટેકનોલોજીનું સબળું પાસુ એ છે કે તે દુનિયાભરના લોકોને એકસાથે જોડે છે. વીડિયો કોલ્સના માધ્યમથી દૂર-સુદૂર રહેતા પરિવારજનો અને મિત્રોના સંપર્કમાં રહી શકાય છે. માઇગ્રેશન, ગ્લોબલાઇઝેશનના આ યુગમાં મુસાફરીની મર્યાદાઓના કારણે સોશિયલ મીડિયા ક્રિસમસની ઉજવણીમાં પરિવારો, મિત્રો, સગાસંબંધીઓને એક તાંતણે બાંધવામાં મહત્વની ભુમિકા ભજવી રહ્યું છે. એમ કહી શકાય કે સોશિયલ મીડિયાએ ક્રિસમસની ઉજવણીને એક નવો આયામ આપી દીધો છે.
ઇન્ટરનેટ આવ્યા પછી ઓનલાઇન શોપિંગે ક્રિસમસની ખરીદીનું ચિત્ર જ બદલી નાખ્યું છે. અગાઉ ડિસેમ્બરના પ્રારંભથી જ ક્રિસમસની ખરીદીઓ શરૂ થઇ જતી. આજે ઓનલાઇન શોપિંગના માધ્યમથી ઘેરબેઠા ક્રિસમસની ખરીદીઓ પતી જતી હોય છે. રિટેલર્સના ત્યાં ભીડભાડ ઘટી છે તેથી ઉજવણી થોડી ફિક્કી પડતી જરૂર લાગે પરંતુ ટેકનોલોજીના વિસ્તાર સાથે ઉજવણી નવા સ્વરૂપ ધારણ કરી રહી છે. ઓનલાઇન ચેરિટી અભિયાનો, ડિજિટલ ફંડ રેઇઝિંગ જરૂરીયાતમંદોને મદદમાં મહત્વના પૂરવાર થઇ રહ્યાં છે.
ગ્લોબલાઇઝનેશન પણ ક્રિસમસની ઉજવણીઓને ધરમૂળથી બદલી નાખી છે. આજે ક્રિસમસની ઉજવણીઓ ખ્રિસ્તી દેશોની સરહદો પાર કરીને એશિયા, આફ્રિકા અને મીડલ ઇસ્ટ સુધી પહોંચી ગઇ છે. બિનખ્રિસ્તી દેશોમાં ક્રિસમસને ધાર્મિક રીતે નહીં પરંતુ સાંસ્કૃતિક અને વ્યાવસાયિક પ્રસંગ તરીકે ઉજવવામાં આવે છે. ખ્રિસ્તીઓ લઘુમતીમાં હોય તો પણ શોપિંગ સેન્ટરો, જાહેર સ્થળો ખાતે રોશની, શણગાર અને સજાવટ, ક્રિસમસ કેરલ્સ અને થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરી ઉજવણી કરાય છે. ક્રિસમસનો તહેવાર પ્રતિકાત્મક રીતે સર્વ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.
આજના વિશ્વમાં ક્રિસમસ સામાજિક અને પર્યાવરણીય જવાબદારી અંગે વધતી જાગૃતિનું પણ પ્રતિબિંબ બની રહી છે. ઘણા લોકો આ સમયને સેવા કાર્ય માટે વાપરે છે. આશ્રયસ્થાનોમાં સ્વયંસેવક તરીકે કામ કરવું, દાન આપવું અથવા સામુદાયિક પહેલોને ટેકો આપવો. ઉજવણીની સમૃદ્ધિ અને વૈશ્વિક ગરીબી વચ્ચેનો તફાવત ક્રિસમસ સમયે વધુ સ્પષ્ટ બને છે જેથી લોકો વિચાર અને કાર્ય માટે પ્રેરિત થાય છે. આ બદલાવો દર્શાવે છે કે ક્રિસમસ હવે માત્ર ઉજવણીનો સમય નહીં, પરંતુ નૈતિક વિચારનો પણ સમય બની રહ્યો છે.
સારાંશ એ જ છે કે 21મી સદીમાં ક્રિસમસની ઉજવણી આધુનિક સમાજનું પ્રતિબિંબ પાડે છે. ક્રિસમસની ઉજવણી વૈવિધ્યતાસભર, ગતિશીલ, બિનસાંપ્રદાયિક વૈશ્વિક વ્યવસ્થાને ઉજાગર કરે છે. જોકે આ બધું છતાં ક્રિસમસ સાથે સંકળાયેલા પ્રેમ, દયા, ઉદારતા, આશા અ એકતાના મૂલ્યો એટલાં જ પ્રાસંગિક અને મહત્વના છે. ઝડપથી બદલાઇ રહેલા અને અનેક પડકારોનો સામનો કરી રહેલા વિશ્વમાં ક્રિસમસ અને નવા વર્ષનું આગમન આશાનું એક કિરણ લઇને આવે છે. ક્રિસમસની ઉજવણી સમયની સાથે બદલાતી રહી છે. તેમ છતાં તેનો પ્રેમ અને દયાનો સંદેશો હંમેશા કેન્દ્રસ્થાને રહ્યો છે.


