અષાઢી બીજઃ આનંદ-ઓચ્છવનો ત્રિવેણી સંગમ

- હેમંત વાળા Wednesday 08th July 2026 07:34 EDT
 
 

અષાઢી સુદ બીજ એટલે એ દિવસ કે જ્યારે સ્વયં ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યા માટે નીકળે. અષાઢી સુદ બીજ એટલે ધરતીપુત્રોને અપાર ખુશી અપાવતી વર્ષાઋતુનો પ્રારંભ. અને અષાઢી સુદ બીજ એટલે કચ્છી પરંપરા મુજબ અનેક સંભાવનાઓ લાવતાં નવાં વર્ષની શરૂઆત. અષાઢી સુદ બીજની રથયાત્રાનો દિવસ એટલે ઈશ્વરના આશીર્વાદ, કુદરતની કૃપા અને નવી આશા - નવી સંભાવનાનો ત્રિવેણી સંગમ.

ધાર્મિક ઉત્સવ
રથયાત્રાનો ઉલ્લેખ સ્કંદ પુરાણ, બ્રહ્મ પુરાણ અને અન્ય વૈષ્ણવ ગ્રંથોમાં મળે છે. આ દિવસે ભગવાન શ્રી જગન્નાથજી ભાઇ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી રથમાં બેસીને ભક્તોને દર્શન આપવા નીકળે છે. અષાઢી સુદ બીજના દિવસને ‘દેવદર્શન-દિવસ’ પણ કહેવામાં આવે છે, કારણ કે ભગવાન સ્વયં મંદિરમાંથી બહાર આવીને સર્વ ભક્તોને દર્શન આપે છે. એક તરફ લાખો ભક્તો ઈશ્વર-ત્રિપુટીનું દર્શન કરી ધન્યતા અનુભવે તો બીજી તરફ ઈશ્વર-ત્રિપુટી પણ ભક્તો તરફ જાણે પોતાની કૃતનિશ્ચયતા દર્શાવે. આ દિવસે જાણે સમગ્ર નગર મંદિર બની જાય. આ દિવસે જે લોકો મંદિર સુધી ન જઈ શકે તેમને પણ ભગવાનનાં દર્શનનો લાભ મળે છે. એમ જણાય કે એકબીજાને મળવા આતુર ઈશ્વર અને ભક્ત પોતપોતાનાં સ્થાનેથી બહાર નીકળી વચમાં, રસ્તા વચ્ચે મિલાપ કરે છે. ઈશ્વર-ત્રિપુટી ભક્તને પહોંચવા તેમનાં દ્વાર સુધી પહોંચે તે પહેલાં જ ભક્ત પણ સામે આવીને તેમને વધાવી લે. અહીં દરેક ભક્ત પર સમાનતાના ધોરણે કૃપા વરસે. અહીં કોઈનો પ્રવેશ નિષેધ ન હોય; દરેક ધર્મની, દરેક સંપ્રદાયની, દરેક પંથની વ્યક્તિ મુક્તમને, કોઈપણ પ્રકારની ‘આમ કે તેમ’ વિના, સમયની મર્યાદા સિવાય દર્શન કરી શકે. દર્શન તો સ્વાભાવિક છે પણ દરેક ભક્ત ઈશ્વર-ત્રિપુટી સાથે ચાલી પણ શકે. એક સમયે શ્રીકૃષ્ણએ અર્જુનનો રથ હાંક્યો હતો તો આજે અનેક અર્જુન ઈશ્વર-ત્રિપુટીના રથને પોતાનાં બાહુબળથી દોરી શકે.

રથયાત્રામાં જે મેદની ઉમટે છે તેમાં સામૂહિક શ્રદ્ધા ઉપરાંત સામાજિક શિસ્ત, શારીરિક સામર્થ્ય, દાન-ધર્મની પરંપરા, સકારાત્મક ભાવનાનો ઉભરો, માનવ સમુદાયની સમરસતા, ભક્તિ અને લોકકલ્યાણનો સમન્વય, ઈશ્વર સાથેનો આત્મીય લગાવ, સંસ્કૃતિ પ્રત્યેનું અભૂતપૂર્વ સમર્પણ, વિવિધતા વચ્ચે એકતાની ભાવના અભિવ્યક્ત થતી હોય છે - અને આ બધું અમી છાંટણા વચ્ચે. પ્રતિકાત્મક રીતે જોતાં એમ કહી શકાય કે રથ એટલે આપણું શરીર, રથ સાથે જોડાયેલા અશ્વ એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખનાર લગામ એટલે મન, લગામ જેનાં હાથમાં છે તે સારથી એટલે બુદ્ધિ અને રથમાં વિરાજમાન ભગવાન એટલે આત્મા એટલે કે પરમાત્મા. જીવનરૂપી રથને સત્ય અને ધર્મ દ્વારા નિર્ધારિત માર્ગ પર સંયમ, વિવેક અને શ્રદ્ધાપૂર્વક દોરવામાં આવે તો ચોક્કસ અંતિમ સ્થિતિ - મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. રથયાત્રાના દિવસે આ સત્ય મનમાં પુન સ્થાપિત થવું જોઈએ અને તેનું દૃઢીકરણ પણ થવું જોઈએ.

ભારતમાં રથયાત્રાની પરંપરામાં જગન્નાથ મંદિરની પુરી અને અમદાવાદની રથયાત્રા સૌથી પ્રસિદ્ધ છે. બંને યાત્રાનાં કેન્દ્રમાં ભગવાન શ્રી જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનો રથ-વિહાર છે, પરંતુ તેમની ઐતિહાસિક પરંપરા અને સ્થાનિક વિશેષતાઓ અલગ છે. પુરીની રથયાત્રા એક હજાર વર્ષથી પણ પ્રાચીન પરંપરા છે. ઐતિહાસિક દસ્તાવેજ મુજબ 12મી સદીમાં અનંતવર્મન ચોડગંગ દેવ દ્વારા અહીંના હાલના જગન્નાથ મંદિરનું નિર્માણ થયા પછી આ ઉત્સવને વિશેષ ભવ્યતા મળી. પુરીમાં દર વર્ષે નવાં રથ બનાવવામાં આવે છે. અહીં સૌથી આગળ 14 પૈડાંવાળા તાલધ્વજ નામના રથમાં બલભદ્રજી, વચમાં 12 પૈડાંવાળા દેવદલન નામના રથમાં સુભદ્રાજી અને પાછળ 16 પૈડાંવાળા નંદીઘોષ નામના રથમાં ભગવાન શ્રી જગન્નાથ વિરાજમાન થઈને જ્યારે આશરે ૩ કિમી લાંબી નગરચર્યા માટે નીકળે ત્યારે, સમગ્ર માર્ગમાં વિશ્વભરના લોકો ધન્યતા અનુભવે.
કર્ણાવતી - અમદાવાદની રથયાત્રાનો ઇતિહાસ જોઇએ તો, શરૂઆત વર્ષ 1878માં મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યાત્રામાં એક રથ અને ભક્તો જોડાતાં. ધીમે ધીમે આ ઉત્સવ વ્યાપક બનતો ગયો. લગભગ આખો દિવસ ચાલતી અમદાવાદની યાત્રા આશરે 18 કિમી લાંબી છે જેમાં હાથી, અખાડાઓના વ્યાયામ, ભજન મંડળીઓ, શોભાયાત્રા અને વિવિધ સાંસ્કૃતિક ઝાંખીનો સમાવેશ થતો હોય છે. આ યાત્રાનો વિરામ બપોરે સરસપુરમાં હોય છે જ્યાં દરેક ભક્તને પ્રસાદ મળી રહે છે. સમગ્ર યાત્રા દરમિયાન પણ મગ, જાંબુ અને અન્ય પ્રાસંગિક પ્રસાદ વહેંચવામાં આવે છે. અમદાવાદની યાત્રા રાજ્યના ‘રાજા’ દ્વારા કરાતી પહિંદ વિધિથી શરૂ થાય છે જેમાં સોનેરી ઝાડુ વડે યાત્રાના પ્રારંભિક માર્ગની સફાઈ કરવામાં આવે છે.

કૃષિ મહત્વ
રથયાત્રા એટલે અષાઢ મહિનાની શરૂઆત, ચોમાસાનું આગમન, જીવનચક્રને ટકાવી રાખનાર કુદરતની વ્યવસ્થાની પુનઃ પ્રતીતિ. એમ કહી શકાય કે આ દિવસથી ખેડૂતોનો સાત્વિક તેમજ અગાધ પુરુષાર્થ શરૂ થાય. હવે ખેતર તૈયાર કરી વાવણી શરૂ થશે, એક યજ્ઞ સમાન કૃષિ-કાર્યનો આરંભ થશે, ધરતીપુત્રોની સામાજિક પ્રતિબદ્ધતા ફરીથી ઉજાગર થશે, માનવી ઉપરાંત દરેક પ્રકારનાં સજીવની જીવનની શક્યતા લંબાશે. ધરતી અને પાણીનું મહત્વ ફરીથી ધ્યાનમાં આવશે અને આ બધાં સાથે માનવી તેમજ કુદરત નવી ઊર્જા સાથે કાર્યરત બનશે. અષાઢની શરૂઆત એટલે, માત્ર ખેડૂત માટે નહીં પરંતુ સમગ્ર માનવ સમાજ માટે, પુરુષાર્થનું મહત્વ સમજવાની અને સફળ પુરુષાર્થથી સાત્વિક ખુશી પ્રાપ્ત કરવાની તક. એમ કહી શકાય કે, માત્ર ખેડૂત જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને વિશાળ કુદરત પણ અષાઢના પ્રથમ દિવસની પ્રતીક્ષા કરતાં હોય છે.

કચ્છી નવું વર્ષ
અષાઢી સુદ બીજના દિવસથી નવું વર્ષ મનાવવાની કચ્છી પરંપરા છે. વરસાદનું મહત્વ તો સમગ્ર વિશ્વમાં છે પરંતુ જ્યાં પાણીની અછત હોય ત્યાં જ સ્વાભાવિક રીતે તેનું મહત્વ વધારે રહે. જેનો ઘણો વિસ્તાર રણ પ્રદેશ છે તેવાં કચ્છમાં સામાન્ય સંજોગોમાં વરસાદ ઓછો રહે અને તેથી અહીં વરસાદનું આગમન એક નવી જ ચેતના અને ઊર્જાનું સિંચન કરી દે - કુદરતમાં પણ અને સમાજમાં પણ. પરંપરાગત રીતે કચ્છમાં જીવનનો મુખ્ય આધાર સંભવિત ખેતી તેમજ પશુપાલન રહ્યો છે. આવાં સંજોગોમાં વરસાદથી નવાં વ્યવસાયિક ચક્રનો આરંભ થતો હોય તેમ જણાય. આ દિવસે કૃષિ કાર્ય ઉપરાંત અન્ય શુભ કાર્યની પણ શરૂઆત કરવામાં આવે છે. કચ્છ એ એવો વિસ્તાર છે જ્યાં વરસાદ માટે એકબીજાને ‘અભિનંદન’ આપવામાં આવે. નવાં વ્યવસાયિક ચક્ર સમયે અપાતું આવાં અભિનંદન નવાં વર્ષનાં ‘નૂતન વર્ષાભિનંદન’ સમાન બની રહે તે સ્વાભાવિક છે. આ અભિનંદનની પ્રક્રિયામાં સારા વરસાદની અને સારા વરસાદથી પ્રાપ્ત થનારી સંભવિત સમૃદ્ધિની શુભેચ્છાઓ અપાતી હોય છે. એક સામાજિક શિસ્ત પ્રમાણે અહીં વરસાદના સમયે છત્રી લઈને નીકળવું એ વરસાદના અપમાન સમાન ઘટના ગણાય છે. વરસાદને સ્વીકારવાની અને માણવાની માનસિકતા અહીં સ્પષ્ટ થાય છે. કચ્છનાં લોકો માટે વરસાદ જ નવું જીવન છે - વરસાદની શરૂઆત જ નવું વર્ષ છે.

એકંદરે એમ કહી શકાય કે અષાઢી સુદ બીજના દિવસ સાથે ધાર્મિક અનુભૂતિ, ઋતુચક્રની સ્વીકૃતિ અને નવાં સંકલ્પ સાથે નવાં પુરુષાર્થની માનસિકતા સંકળાયેલી છે - આ દિવસે સાત્વિકતા, પર્યાવરણ અને માનવીય અભિલાષાનો સમન્વય થાય છે. અહીં સંસ્કૃતિ છે, પ્રકૃતિ છે અને નવીનતા માટેની પુરુષાર્થયુક્ત સ્વીકૃતિ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter