ઉત્તરે ઇડરિયો ગઢ ભલો, દખ્ખ્ણે દરિયાની અમીરાત, ખમીર જેનું ખણખણે, એ છે ધમધમતું ગુજરાત...

ગુજરાત સ્થાપના દિન

Wednesday 27th April 2022 07:30 EDT
 
 

પહેલી મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી, અને આ જ દિવસે મહારાષ્ટ્રની પણ સ્થાપના થઈ હતી. વર્ષ 1937માં કરાંચી ખાતે યોજાયેલી એક સભા દરમિયાન ‘મહાગુજરાત’નો વિચાર કનૈયાલાલ મુનશીએ રજૂ કર્યો હતો. વર્ષ 1956માં સ્ટેટ્સ રિઓર્ગેનાઇઝેશન એક્ટ દ્વારા રાજયોની સીમા નક્કી કરવામાં આવેલી. તે સમયે એક બોમ્બે રાજ્ય હતું, જેમાં ગુજરાતી, કચ્છી, મરાઠી અને કોંકણી ભાષા બોલનારા લોકો વસતા હતા.

ગુજરાતી અને કચ્છી બોલનારા લોકોનું એક અલગ રાજ્ય હોય તેવી માંગ સાથે, મહાગુજરાત આંદોલન થયું. અમદાવાદ ખાતે થયેલા આ આંદોલનમાં અમુક વિદ્યાર્થીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો. આંદોલનમાં શહીદ થયેલા વિદ્યાર્થીઓની સ્મૃતિમાં લાલ દરવાજા પાસે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું. ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત આંદોલન ચળવળનું સુકાન સંભાળતા હતા. અંતે પ્રેસિડેન્ટ રાજેન્દ્ર પ્રસાદ, સર્વપલ્લી રાધાકૃષ્ણન્ અને પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ ગુજરાત અને મહારાષ્ટ્ર હવેથી આ બે અલગ રાજ્ય છે, તેમ ઘોષિત કરવા સંમત થયા અને પહેલી મે ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્ય આ રીતે સ્થપાયા.

ગુજરાત એક અનોખું અને અદ્વિતીય અને બેજોડ રાજ્ય છે. અહીંયા સોમેશ્વર મહાદેવ અને નાગેશ્વર મહાદેવ સતત ભક્તોની રક્ષા કરે છે. દરિયાના કિનારે બેઠેલાં ભગવાન દ્વારિકાધીશ ગુજરાતીઓને સાચવે છે. તો ચોટીલાના ડુંગર પર ચામુંડા મા, ગબ્બર પર આદ્યશક્તિ મા અંબાજી, પાવાગઢમાં મા મહાકાળી, કોટડામાં મા ચામુંડા આ તમામ માતાજી ડુંગર પર બિરાજીને પોતાના બાળુડાંઓની રક્ષા કરે છે.
તો આ સાથે જ મોગલમા, ખોડીયારમા, સધીમા, જોગણીમા, પરબના પીર, સત દેવીદાસ, જલારામ બાપા, ડાકોરના ઠાકોર, શામળાજીના શામળીયા ભગવાન, શિવશક્તિ આ તમામ ભગવાન માતાજીમાં આસ્થા ધરાવતાં ગુજરાતીઓની તાસીર બેજોડ છે.

ગુજરાત સતત વિકસતું રહ્યું છે અને રહેશે. અહીં જ દેશને સ્વતંત્રતા અપાવવામાં મોટો ભાગ ભજવનાર મહાત્મા ગાંધીજી પણ જન્મે અને મોહમ્મદ અલી ઝીણાના વંશજો પણ મૂળે પાનેલીના! ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યો હોવાં જોઈએ તેની ચળવળના મુખ્ય નેતા ઈન્દુલાલ યાજ્ઞિક પણ ગુજરાતી અને તેનો વિરોધ કરનાર મોરારજી દેસાઈ પણ ગુજરાતી.
ગુજરાતમાં સરદાર પટેલ જેવા નેતા પણ થયાં અને ચીમનભાઈ પટેલ - નરેન્દ્ર મોદી પણ થયાં જેમણે દિલ્લી દરબારમાં ગુજરાતનું નામ ગૂંજતું અને સંભળાતું કર્યું. તેમાંથી સરદાર પટેલ વડા પ્રધાનપદ સુધી ન પહોંચી શક્યાં પણ નરેન્દ્ર મોદી પહોંચી ગયાં. અને માત્ર દેશમાં જ નહીં, વિશ્વભરમાં છવાઇ ગયા. તેમના સબળ અને દૂરંદેશીભર્યા નેતૃત્વે આંતરરાષ્ટ્રીય તખતે ભારતને મુઠ્ઠીઊંચેરું સ્થાન અપાવ્યું છે.
વિશ્વના ટોપ-૧૦ ધનાઢયોમાં સ્થાન પામતા મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પણ ગુજરાતી. રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાના પૂર્વ ગવર્નર ઊર્જિત પટેલ પણ ગુજરાતી. ક્રિકેટરોમાં જામ રણજીતસિંહજીથી શરૂ કરો તો વિનુ માંકડ, ચંદુ બોરડે, સલીમ દુરાની, કરશન ઘાવરી, અંશુમન ગાયકવાડ, કિરણ મોરે, અતુલ બેદાડે, નયન મોંગીયા, અજય જાડેજા, પાર્થિવ પટેલ, ઈરફાન પઠાણ, યુસૂફ પઠાણ, ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બૂમરાહ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, અક્ષર પટેલ... યાદી બહુ લાંબી થાય એમ છે.

ગુજરાત જ્યારે રજવાડાંઓમાં વહેંચાયેલું હતું ત્યારની વાત કરીએ તો પ્રજાવત્સલ અને ગુજરાતી ભાષા-કળાના જતન-સંવર્ધન માટે સદીઓ સુધી યાદ રહી જાય તેવાં કામો કરનારાં અને સમગ્ર ભારતમાં સૌથી પહેલું પોતાનું રાજ્ય સમર્પિત કરી દેનારા રાજા પણ ગુજરાતી હતાં. ભગવતસિંહજીનો ભગવદ્ ગોમંડળ આજે પણ ગુજરાતી શબ્દકોશ તરીકે પ્રથમ સંદર્ભિત ગ્રંથ છે. તો મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પ્રજાવાત્સલ્યના અનેક દાખલા છે. પરંતુ તે કરતાંય શિરમોર તેમણે સર્વપ્રથમ ભાવનગર રાજ્યને અખિલ ભારતીય સંઘમાં ભેળવી દીધું હતું તે સમર્પણનો ઉત્કૃષ્ટ નમૂનો છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે કળા-સંસ્કૃતિના વિકાસ માટે તો પ્રશંસનીય પ્રદાન કરેલું જ પણ જે સમયે અસ્પૃશ્યતા ચરમસીમાએ હતી તેવા સમયે ભીમરાવ આંબેડકર નામના પ્રચંડ પ્રતિભાશાળી યુવકને શિષ્યવૃત્તિ આપી પરદેશ ભણવા મોકલ્યાં હતાં. ક્રાંતિકારી અને સાધુ મહર્ષિ અરવિંદ ઘોષને ક્રાંતિકારી પ્રવૃત્તિની જાણ છતાં તેમને નોકરીએ રાખ્યા હતા.
હેમચંદ્રાચાર્ય જેવા પ્રકાંડ વિદ્વાન જૈન સાધુએ ગુજરાતી વ્યાકરણનો ગ્રંથ તૈયાર કર્યો. મૂકસેવક રવિશંકર મહારાજે ભટકેલા લોકોને માર્ગ પર પાછા લાવવાની સેવા કરી. પૂ. મોટાએ મૌન મંદિર સ્થાપ્યું. સ્વામી દયાનંદ સરસ્વતી કે જેમણે આર્ય સમાજ રચ્યો તેઓ પણ ગુજરાતી! જલારામ બાપા પણ ગુજરાતી. સંતો જેસલ - તોરલ, પાનબાઈ, ગંગા સતી, બજરંગદાસ બાપા, પ્રમુખ સ્વામી મહારાજ પણ ગુજરાતી. સ્વામીનારાયણ સંપ્રદાય પણ ગુજરાતમાં જ સ્થપાયો. આ સંપ્રદાયે દેશ-વિદેશમાં હિન્દુ ધર્મધ્વજ લહેરાવ્યો છે. આજે મોરારીબાપુ યુએઈથી લઈને રોમ સુધી રામકથાને લઈ ગયા છે તો રમેશભાઈ ઓઝા ભાગવતના સારને દેશવિદેશમાં ફેલાવી રહ્યાં છે.
માત્ર આટલે સુધી જ નહીં, પરંતુ દ્વાપર યુગમાં જઈને એક નજર કરીએ તો ખ્યાલ આવે કે ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ મથુરામાં લીધો, પોતાનું 11 વર્ષ અને 52 દિવસનું બાળપણ ગોકુળમાં વિતાવ્યું, ત્યારબાદ મથુરા ગયા. કંસનો વધ કર્યો અને મથુરાના રાજા બન્યા. ત્યારબાદ પોતાના જીવનની અન્ય સેંકડો લીલાઓને સંકેલ્યા બાદ ભગવાને ગુજરાતના દ્વારિકામાં સ્થાયી થવાનું નક્કી કર્યું. અહીંયા આવ્યાં, સોનાની નગરી બનાવી અને ત્યારબાદ પોતાની 16 હજાર 108 રાણીઓ સાથે અહીંયા રહ્યાં. ભગવાને પણ ગુજરાતને પસંદ કર્યું. આની પાછળનું મૂળ કારણ એ કહી શકાય કે, ભગવાનને પણ કદાચ ખબર હશે કે ગુજરાતની ધરતીમાં જેટલી શાંતિ અને સ્થિરતા છે એવી બીજે ક્યાંય નથી.

ગુજરાતે હંમેશા ભારત દેશને દિશા બતાવી છે. કદાચ સરદાર પટેલ નામના એક મુઠ્ઠીઊંચેરા ગુજરાતી આ દેશને ન મળ્યાં હોત તો આજે પણ આપણો દેશ એક ન થઈ શક્યો હોત. ગુજરાતની તાસીર અલગ છે, ગુજરાતના રીત-રીવાજો, સાહિત્ય, લોકગીતો, બાળગીતો, લગ્નગીતો, કવિતાઓ, ગઝલો, હઝલો, નઝમો, આધ્યાત્મિક સ્થાનો, પ્રાકૃતિક સ્થળો, ઐતિહાસિક સ્થળો સહિત તમામ વસ્તુ ગુજરાત પાસે અદભૂત છે.

ગુજરાત સ્થાપના દિનની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

જય જય ગરવી ગુજરાત...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter