કૃષ્ણ એમના કયા પાસાને લીધે ‘પૂર્ણ’ બન્યા?

જન્માષ્ટમી (16 ઓગસ્ટ)

Wednesday 13th August 2025 06:48 EDT
 
 

કૃષ્ણ એવું વિરાટ વ્યક્તિત્વ છે કે જેમણે સુનિશ્વિત લક્ષણોવાળી કોઇ મહત્તાનો સ્વીકાર નથી કર્યો. ઊલટું આ લક્ષણોને એમણે નવી વિભાવના આપી.

સંખ્યાબંધ દેવદેવીઓ અને લોકોત્તર વ્યક્તિઓથી ભર્યાભર્યા હિન્દુ ધર્મગ્રંથોમાં શ્રીકૃષ્ણ સિવાય કોઇનેય પૂર્ણ પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવ્યા નથી. જેઓને અવતારવાદમાં શ્રદ્ધા છે તેઓ કૃષ્ણને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માને છે. જેઓને આવી શ્રદ્ધા નથી એમને માટે સ્વયં કૃષ્ણે એક વાક્ય કહ્યું છે. સમાધાન માટેના અંતિમ પ્રયત્ન રૂપે જ્યારે કૃષ્ણ ઉપપ્લવ્યથી હસ્તિનાપુર જાય છે ત્યારે અર્જુનને કહે છે: ‘જે કંઇ માનવીય મર્યાદામાં હશે એ બધું જ હું કરીશ, પણ દૈવી કર્મો તો હું કરી શકું નહીં.’ આમ સ્વયં કૃષ્ણે પોતાના માનુષી રૂપનો સ્વીકાર કર્યો છે. તો પછી કુરુક્ષેત્રમાં પ્રગટેલા વિરાટરૂપ દર્શનનું શું?
આ પ્રચંડ રૂપ પ્રગટાવ્યા પછી અહીં કૃષ્ણે કહ્યું જ છે, ‘હું જ મહાકાળ છું. સમગ્ર બ્રહ્માંડ મારામાં વ્યાપ્ત છે.’ આમ કહેવામાં કોઇ માનુષી મર્યાદાઓનો સ્વીકાર નથી. અહીં તો કૃષ્ણ માત્ર પૂર્ણ પુરુષોત્તમ જ નહીં, સ્વયં પરમાત્મા બની જાય છે. તો પછી માત્ર કૃષ્ણને જ કેમ પૂર્ણ પુરુષોત્તમ કહ્યા? કૃષ્ણ જેનો આઠમો અવતાર છે એ સ્વયં વિષ્ણુને પણ પૂર્ણ પુરુષોત્તમ નથી કહ્યા. આમ કેમ? આનો જવાબ શોધવા માટે બહુ દૂર જવું પડે એમ નથી. એક તો વિષ્ણુ એ માનુષી રૂપ જ નથી. જે મનુષ્ય નથી એને પુરુષ જ ન કહેવાય, તો પછી પૂર્ણ પુરુષોત્તમ કહેવાનો પ્રશ્ન જ નથી ઊઠતો.

આ સમાધાન સ્વીકાર્યા પછી પેલો પ્રશ્ન બીજા પરિપ્રેક્ષ્યમાં ઊઠે છે. સંખ્યાબંધ લોકોત્તર વ્યક્તિત્વો અને રામ જેવા બીજા તથાકથિત અવતારો પણ છે જ. આ બધામાં કૃષ્ણ એમના કયા પાસાને લીધે ‘પૂર્ણ’ બન્યા? અહીં પૂર્ણનો અર્થ સમગ્ર સૃષ્ટિના વ્યાપને - એની ભવ્યતા, એની મર્યાદાઓ, એનાં સુખો, એનાં દુ:ખો, એનાં દૂષણો, એની મહત્તા અને એના સંપૂર્ણ રૂપને સહેજેય કચવાટ વિના, એ જેમ છે એમ જ, જ્યારે જે કંઇ સહજતાથી સન્મુખ થયું એનો પૂર્ણ સ્વીકાર એ જ છે આ પૂર્ણત્વનો અર્થ.

રાજસૂયયજ્ઞમાં સમગ્ર આર્યાવર્તનાં પ્રચંડ વ્યક્તિત્વોની ઉપસ્થિતિમાં પહેલા અર્ધ્યનો અધિકાર જે તાટસ્થ્યથી સ્વીકારાય એ જ તાટસ્થ્યથી ગોપીઓનું ચીરહરણ પણ થાય - (જો આ ઘટનાને એના સ્થૂળ રૂપમાં સ્વીકારીએ તો!) ક્યાંય કશો છોછ નહીં. કોઇ કામ નાનું કે મોટું નહીં. સકળ વિશ્વમાં જે કંઇ છે એ ઇશ્વરદત્ત છે - એનો પૂર્ણ પણ સંયમપૂર્વક ઉપભોગ - એનો સ્વીકાર - જે કંઇ આ દેહને અનુકૂળ હોય એનો જ સ્વીકાર અને પ્રતિકૂળ હોય એનો અસ્વીકાર એ કૃષ્ણને માન્ય નથી. સંપૂર્ણ સ્વીકાર એ જ કૃષ્ણત્વ. ગાંધારીના શાપનોય સ્વીકાર અને આપ્તજનોના અંતનોય સહજભાવે સ્વીકાર.

આ સ્વીકૃતિ જ કૃષ્ણને પૂર્ણત્વ બક્ષે છે. બીજાં કોઇ દેવ-દેવી કે ચરિત્રે આ રીતે સકળ સૃષ્ટિનો કશા જ અપવાદ વિના પૂર્ણ સ્વીકાર નથી કર્યો. ક્યાંક ઉપવાસ, ક્યાંક અહિંસા, ક્યાંક તપ, ક્યાંક ત્યાગ, ક્યાંક બ્રહ્મચર્ય - આવાં આવાં અનેક સુનિશ્વિત, લક્ષણોને ત્યાજય કે ગ્રાહ્ય ગણીને મહત્તાનું આરોપણ થયું છે. કૃષ્ણે આવી સુનિશ્વિત લક્ષણોવાળી કોઇ મહત્તાનો સ્વીકાર નથી કર્યો, ઊલટું આ લક્ષણોને એમણે નવી વિભાવના આપી. આ જ થયું કૃષ્ણનું પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ.

કૃષ્ણ એવું વિરાટ વ્યક્તિત્વ છે કે જેનો સ્વીકાર કર્યા વિના કોઇનેય ચાલ્યું નથી. ‘વિરાટ’ શબ્દ જો કોઇ પણ એક વ્યક્તિને લાગુ પાડી શકાય, તો તે વ્યક્તિ શ્રીકૃષ્ણ છે. કંસના કારાગારને તેમણે પોતાના પ્રાદુર્ભાવથી પાવન કર્યું. પશ્ચિમ સાગરના દ્વાર સમી દ્વારકા તેમણે વસાવી. જરાસંઘ, ભૌમ, નરકાસુર, શિશુપાલ આદિ માનવશત્રુઓને તેમણે પરાસ્ત કર્યા. ગાંડિવધન્વા અર્જુનની પડખે ઊભા રહીને આખાયે આર્યાવર્તને એક ધર્મ તંતુએ ગૂંથવાનો વિરલ પુરુષાર્થ તેમણે કર્યો. ઉપનિષદોના પણ ઉપનિષદ સમી ગીતા તેમણે આપી. સ્ત્રી એ પુરુષની મોજનું રમકડું નથી, તેની સમકક્ષ સર્જન સાથી છે એ સત્યનું ભાન તેમણે કરાવ્યું. આથી તેઓ વિરાટ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter