કૃષ્ણ પ્રાગટ્યાષ્ટમી એટલે અંતરમાં દિવ્ય ચેતનાની સ્થાપના

જન્માષ્ટમી (4 સપ્ટેમ્બર)

- હેમંત વાળા Tuesday 01st September 2026 08:19 EDT
 
 

આ કોઈ જન્મની વાત નથી, આ તો ધર્મની સ્થાપના અને અધર્મના વિનાશને સ્થાપિત કરતી ઘટના છે. આ જયંતી નથી, પ્રાગટ્ય દિન છે. જન્મ તો એ ધારણ કરે જેની સાથે શરીરના બંધનની સંભાવના હોય, આ તો ‘અજન્મા’ની લીલા છે. કૃષ્ણ ‘પ્રાગટ્યાષ્ટમી’ એટલે દ્વાપર યુગમાં પૃથ્વી પર વધી ગયેલ અધર્મ, અત્યાચાર, અનીતિ, અસત્ય, દુર્બુદ્ધિ અને દુરાચારના વિનાશનો આરંભ.

ઇતિહાસ તો બધાં જાણે જ છે. દેવકી અને વસુદેવના લગ્ન સમયે આકાશવાણી થઈ હતી કે દેવકીનો આઠમો પુત્ર તેના મામા તથા મથુરાના યુવરાજ કંસનો વધ કરશે. મૃત્યુની સંભાવનાથી ડરીને કંસે દેવકી અને વસુદેવને કારાગૃહમાં કેદ કરેલા. કંસના વધની ભવિષ્યવાણી આઠમા પુત્ર સાથે જ સંકળાયેલી હોવાં છતાં પણ કંસે દેવકી-વસુદેવના અગાઉના સાત પુત્રોની પણ જન્મતાની સાથે જ હત્યા કરી હતી. અંતે માતા દેવકીના ગર્ભ થકી પ્રાગટ્યનો સંકલ્પ કરીએ ભાદરવા વદ આઠમ (આ વર્ષે 4 સપ્ટેમ્બર)ની મધરાતે વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણ અવતરિત થયાં; બાહ્ય અંધકાર મધ્યે પ્રકાશની સંભાવના ઉદ્ભવી, કેદખાના મધ્યે પરમ સ્વતંત્રતાની શક્યતા ઊભી થઈ, અધર્મના સામ્રાજ્યમાં ધર્મનું કિરણ પ્રજ્વલિત થયું, આસુરી વાતાવરણ વચ્ચે દૈવી તત્વ પ્રગટ્યું, ભૌતિકતાવાદી માનસિકતા સામે ચેતનાનું જાગરણ શરૂ થયું, શ્રદ્ધાવિહીન માહોલમાં સાત્વિક શ્રદ્ધાનું બીજ રોપાયું અને સમગ્ર સૃષ્ટિમાં નવાં જ પ્રભાતની સ્વીકૃતિનો પાયો નંખાયો.

જ્યાં પરમના પ્રાગટ્ય સાથે જ મલીન લોકો બેધ્યાન - બેભાન થઈ જતાં હોય, સૃષ્ટિનાં સમગ્ર બંધન તૂટી જતાં હોય તે પ્રમાણે કારાગૃહના દરવાજા તેમ જ તાળા ખુલી જતાં હોય, વરસતા વરસાદમાં બાળકની રક્ષા માટે સ્વયં શેષનાગ ફેણ ધરતાં હોય, પગની એક આંગળી અડવાથી યમુના માર્ગ કરી દેતી હોય, અદલબદલની પ્રક્રિયા શક્ય બને તે માટે માયાની લીલા મુજબ ગોકુળમાં નંદબાબાના ઘરે પણ ‘બાળકી’નો જન્મ થયો હોય અને આવી અનેક રીતે સમગ્ર સૃષ્ટિ દ્વારા તે પરમ દિવ્ય ધર્મ-રક્ષક-તત્વને સૃષ્ટિમાં રક્ષિત કરવાનો પ્રયત્ન કરાયો હોય ત્યારે તે પ્રાગટ્યનું મહત્વ સમજી જ શકાય. સ્વાભાવિક છે કે આ પ્રાગટ્યના બીજા દિવસે મથુરામાં નહીં પરંતુ નંદબાબાના ઘરે નંદોત્સવ ઉજવાયો હોય, જે દિવસથી ગોકુળની કૃષ્ણલીલા શરૂ થાય.

પૂતના દ્વારા રજૂ કરવામાં આવેલી ઝેરથી પ્રભાવિત થયેલી ખોટી મમતાનો અંત લાવનાર, શટકાસુરનો નાશ કરી સમાજમાં સ્થિત અર્થવિહીન જડતા અને બિનજરૂરી વજનને દૂર કરનાર, મનની ચંચળતા જેવા અસ્થિર તૃણાવર્ત નામના વંટોળને નિયંત્રિત કરનાર, બધાંને ગળી જનાર અહંકારના સ્વરૂપ સમાન આઘાસુરને યમલોક પહોંચાડનાર, બગભગતના પ્રતીક સમાન બકાસુરના મુખ્ય હથિયાર તેની ચાંચને જ નષ્ટ કરી તેને નષ્ટ કરનાર, ભયંકર વિનાશક દાવાનળને પોતાની જઠરાગ્નિમાં સમાવી લેનાર, એક મુષ્ટિના પ્રહારથી જ મદમસ્ત હાથી તેમજ કંસ-ચાણુરનો વધ કરનાર; આ બધી વાતો સ્વાભાવિક રીતે બાળગોપાળ સાથે જ જોડાયેલી હોય.

કાનુડાની બાળલીલા કોઈપણ રીતે સંપૂર્ણતામાં વર્ણવી શકાય તેમ નથી. કલ્પવૃક્ષની ડાળીઓમાંથી કલમ બનાવી હોય, સમગ્ર સમુદ્રનું પાણી શ્યાહી તરીકે ઉપયોગમાં લેવાતું હોય, વિશાળ પૃથ્વી કાગળ બની જાય અને માતા સરસ્વતી શાશ્વત કાળથી લખે તો પણ શ્રીકૃષ્ણની બાળલીલાનો વ્યાપ સંપૂર્ણતામાં આલેખી ન શકાય. અહીં તો અસુરના સંહારની રૌદ્રતા છે તો રાસલીલાની મધુરતા, માખણ ચોરીની શરારત છે તો ગૌપાલનનું ઉત્તરદાયિત્વ, યશોદાનો ઠપકો છે તો ગોપીઓનો દુલાર, નંદબાબાની છત્રછાયા છે તો કુબજાનો વિશ્વાસ, વાંસળીની મીઠાશ છે તો માખણનો ચટકો, કાલિન્દીના તટનું વસ્ત્રાહરણ છે તો તે જ કાલિન્દીમાં નાગરાજ સાથેનું દ્વન્દ્વ, કુદરત સાથેની સંવાદિતતા છે. રાધા સાથેની એકતા, ગોવર્ધનનું ઉત્થાન છે તો ઇન્દ્રનું અહંકાર-પતન; શું શું નથી આ બાળલીલામાં, અને તેથી જ યુગોથી તેનું સતત ગાન થતું રહ્યું છે, તે પણ તેટલાં જ ઉત્સાહ, ઉમળકા, પ્રેમ અને તલ્લીનતા સાથે.

પ્રતિકાત્મક રીતે એમ પણ કહી શકાય કે કંસ એટલે અહંકાર અત્યાચાર અને અધર્મની મૂર્તિ, કારાગૃહ એટલે ઇન્દ્રિયોના વિષયો દ્વારા બંધાયેલું મન, કારાગૃહના પહેરેદાર એટલે ઇન્દ્રિયોને નિયંત્રિત રાખનારા પ્રલોભનો, કારાગૃહના દરવાજા એટલે નકારાત્મક સ્થિતિમાં પણ સાત્વિકતાની સંભાવના, રાત્રીનો અંધકાર એટલે અજ્ઞાન અને કૃષ્ણ પ્રાગટ્ય એટલે ધર્મ, જ્ઞાન, સત્ય, પ્રેમ, વિવેક, સંયમ તેમજ પવિત્રતાની ઉત્પત્તિ - કૃષ્ણ પ્રાગટ્યાષ્ટમી એટલે અંતરમાં દિવ્ય ચેતનાની સ્થાપના. જ્યારે સૃષ્ટિ તેમજ અંતરમાં અધર્મનો અંધકાર વધે, ત્યારે જ્ઞાન અને ધર્મરૂપ કૃષ્ણનું પ્રાગટ્ય થવું એટલે જ કૃષ્ણ પ્રાગટ્યાષ્ટમી.

જે પ્રાગટ્ય જ પૃથ્વી પરનો અધર્મનો ભાર ઉતારવા માટે હોય, ધર્મની સ્થાપના માટે હોય, સાધુના રક્ષણ તેમજ દુષ્ટ શક્તિઓના વિનાશ માટે હોય, અર્જુન મારફતે સમગ્ર વિશ્વને - માનવ જાતને ગીતા સંદેશ આપવા માટે હોય, સ્ત્રીલાજની રક્ષા સાથે ન જન્મેલા ગર્ભના રક્ષણ માટે પણ હોય, ક્યારેક રાજનીતિ તો ક્યારેક આધ્યાત્મિકતાના સંદેશ માટે હોય, અભ્યાસ અને વૈરાગ્યનું મહત્વ સમજાવવા માટે હોય, સુદામા અને શિશુપાલ વચ્ચેનો તફાવત બતાવવા માટે હોય, જન્મદાત્રી અને અન્નદાત્રી વચ્ચેનો ભેદ મિટાવવા માટે હોય, પ્રેમ અને ક્રોધ બંનેનું મહત્વ દર્શાવવા માટે હોય, ધર્મની મૂળભૂત દ્રઢતા માટે જરૂરી સાધન શુદ્ધિની વ્યાખ્યા બદલવા માટે હોય, કર્મયોગના ઉત્કૃષ્ટ ઉદાહરણની સ્થાપના માટે, લાલિત્યસભર નિર્દોષતા અને પવિત્ર પ્રેમના સમન્વય સમાન હોય તેમજ જે પ્રાગટ્ય અંતિમ જ્ઞાનના પ્રસાર માટે હોય તે પ્રાગટ્યને સમગ્ર વિશ્વ પ્રેમ અને ઉત્સાહથી ઉજવે તે સ્વાભાવિક છે.
ગોકુળથી કુરુક્ષેત્ર સુધીની શ્રીકૃષ્ણની યાત્રામાં જાણે દરેક વ્યક્તિ એક યા બીજા સ્વરૂપે પોતાના અસ્તિત્વને સાંભળી શકે છે. આ પ્રાગટ્ય એવું છે જેણે નિસંતાન સ્ત્રીને બાળક, સૌભાગ્યવતી ન હોય તેવી સ્ત્રીઓને પતિ, શ્રદ્ધાવાનને શ્રદ્ધાનો આધાર, યોગીને પ્રેરણા સમાન ઉત્કૃષ્ટ વિશ્વાસ, જ્ઞાનીને જ્ઞાનની પરિભાષા તેમજ સામાન્ય માનવીને જીવનનો સંદેશ આપેલો છે.

કૃષ્ણમ્ વંદે જગતગુરુમ્


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter