ગણેશજીના પ્રાગટ્યની કથા અનોખી છે. એક સમયે, નિયતિને વશ થઈ, માતા પાર્વતીએ પોતાનાં શરીરના ઉબટનમાંથી એક બાળ સ્વરૂપ બનાવ્યું અને તેમાં પ્રાણ પૂર્યા. તેમને દ્વારપાળ બનાવીને આજ્ઞા આપી કે તેમની પરવાનગી વિના કોઈને અંદર આવવા ન દે. બનવાકાળે તે સમયે સ્વયં ભગવાન શિવ ત્યાં આવી ચડ્યા. ગણેશે માતાની આજ્ઞાનું પાલન કરતાં શિવને પણ અંદર જવા દીધા નહીં. પરિણામે યુદ્ધ થયું અને શિવે ગણેશનું મસ્તક અલગ કરી નાખ્યું. આ જોઇને માતા દુઃખી પણ થયા અને કોપાયમાન પણ. પાર્વતીજીના ક્રોધને શાંત કરવા ભગવાન શિવે હાથીનું મસ્તક લગાવીને ગણેશજીને પુનર્જીવિત કર્યા અને તેમને ગણોના અધિપતિ - ગણપતિ તરીકે સ્થાપિત કર્યાં; એટલું જ નહીં તેમને પ્રથમ પૂજનીય તરીકેનું સ્થાન પણ પ્રદાન કર્યું. આજે પણ કોઈપણ શુભ કાર્ય, યજ્ઞ, પૂજા કે સંસ્કાર પહેલાં ગણેશજીનું સ્મરણ કરવામાં આવે છે. ગણેશજીની વિશેષતાઓ સમજતાં એમ લાગે છે કે આ પ્રથમ પૂજાનો આધ્યાત્મિક અર્થ એવો છે કે કોઈપણ કાર્ય શરૂ કરતાં પહેલાં બુદ્ધિ, વિવેક અને વિઘ્નોને દૂર કરવાની શક્તિનું સ્મરણ કરવું જરૂરી છે.
સનાતની પરંપરામાં દરેક દેવતાનું ભિન્ન ભિન્ન નામથી સ્મરણ કરવામાં આવે છે. ગણેશજીના પણ પ્રસિદ્ધ 108 નામો છે; તેમાંના કેટલાકનો જ સમાવેશ અહીં શક્ય છે. ગણેશ એટલે ગણોના સ્વામી, ગણપતિ એટલે ગણોના અધિપતિ, વિઘ્નેશ્વર એટલે વિઘ્નોના ઈશ્વર - વિઘ્નોને નિયંત્રણમાં રાખનાર, વિઘ્નહર્તા એટલે વિઘ્નોને હરનાર, વિનાયક એટલે વિશિષ્ટ નાયક, એકદંત એટલે એક દાંત ધરાવનાર, વક્રતુંડ એટલે વક્ર થયેલી સૂંઢ ધરાવનાર, મહોદર એટલે વિશાળ ઉદરવાળા, ધૂમ્રવર્ણ એટલે ધૂમ્ર જેવો રાખોડી વર્ણ ધરાવનાર, ગજાનન અથવા તો ગજમુખ એટલે ગજ જેવું મુખ ધરાવનાર, લંબોદર એટલે લાંબુ ઉદર ધરાવનાર, કૃષ્ણપિંગાક્ષ એટલે ઘેરા કાળા નેત્રવાળા, મૂષકવાહન એટલે જેનું વાહન મૂષક અર્થાત ઉંદર છે તે, વરદ એટલે વરદાન આપનાર, આશાપૂરક એટલે આશાઓને પૂર્ણ કરનાર, સુમુખ એટલે સુંદર અને પ્રસન્ન મુખવાળા, ચતુર્ભુજ એટલે ચાર ભુજાઓ ધરાવનાર, પાર્વતીનંદન એટલે પાર્વતીના આનંદરૂપ પુત્ર, ઉમાપુત્ર એટલે પાર્વતીના પુત્ર, ગૌરીસુત એટલે ગૌરીના પુત્ર, શિવતનય એટલે ભગવાન શિવના પુત્ર, મંગલમૂર્તિ એટલે મંગળનું સાક્ષાત મૂર્ત સ્વરૂપ, હેરંબ એટલે નિર્બળોના રક્ષક, સિદ્ધિવિનાયક એટલે સિદ્ધિ આપનાર વિનાયક, બુદ્ધિનાથ એટલે બુદ્ધિના સ્વામી, વિદ્યાવારિધિ એટલે વિદ્યાનો વિશાળ સાગર સમાન, સ્કંદાગ્રજ એટલે સ્કંદ જેનાં અગ્રજ છે તે, રિદ્ધિ-સિદ્ધિ દાતા એટલે રિદ્ધિ અને સિદ્ધિને પ્રદાન કરનાર, શુભાનન એટલે શુભ અને સુંદર મુખવાળા, બુદ્ધિપ્રિય એટલે જેને બુદ્ધિ પ્રિય છે તે; આવા અનેક નામ ગણેશજીની વિશેષતાઓ, કાર્યક્ષેત્ર તેમજ ક્ષમતાને નિર્દેશિત કરે છે. શાસ્ત્રોમાં જ્યારે જ્યાં જે નામનો ઉપયોગ થયો હોય તેની પાછળ ચોક્કસ ગૂઢ સંદર્ભ અને સંકેત રહેલાં હોય છે.
ગણેશ ચતુર્થી અથવા વિનાયક ચતુર્થી તરીકે ઓળખાતી ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થ તિથિ (આ વર્ષે 14 સપ્ટેમ્બર)ને ગણેશજીના પ્રાગટ્ય સાથે જોડવામાં આવે છે. આ દિવસે ગણેશજીની મોદક, દુર્વા, લાલ ફૂલ વગેરે અર્પણ કરી વિશેષ પૂજા કરવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશોમાં તેમની થતી પૂજામાં અલગ-અલગ લોક પરંપરા અને સાંસ્કૃતિનો રંગ ઉમેરતો રહે છે. મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ઉજવણીનું સ્વરૂપ ભવ્ય હોય છે. જુદાં જુદાં ગણેશ મંડળો દ્વારા ત્રણથી અગિયાર દિવસ સુધી ગણેશજીની મૂર્તિની સ્થાપના થાય છે અને રોજ આરતી, ભજન, લહાણી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થતું હોય છે. અંતિમ અનંત ચતુર્દશીના દિવસે વિશાળ શોભાયાત્રા કાઢી ‘ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યા’ના જયઘોષ સાથે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.
ઇતિહાસ મુજબ વર્ષ 1893થી લોકમાન્ય ટિળકની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ આયોજનની શરૂઆત થઈ હતી. ગુજરાતમાં પણ લગભગ આ જ પરંપરા છે. આ બંને પ્રદેશોમાં અંગત આવાસમાં પણ ગણપતિની મૂર્તિની આ જ પ્રમાણે સ્થાપના કરી પૂજા થતી હોય છે. આંધ્રપ્રદેશ અને તેલંગણમાં આ તહેવારને વિનાયક ચવીથિ કહેવામાં આવે છે, જ્યારે તમિલનાડુમાં તે વિનાયગર ચતુર્થી તરીકે પણ ઉજવાય છે. કર્ણાટકમાં ગણેશ ચતુર્થી સાથે ગૌરી પૂજાનું પણ વિશેષ મહત્વ રહે છે. અહીં ઘણી જગ્યાએ પહેલાં ગૌરીની પૂજા અને ત્યારબાદ ગણેશજીની સ્થાપના થાય છે; જે ગૌરી-ગણેશ પૂજાની પરંપરા ગણાય છે. ગોવામાં ગણેશ ચતુર્થીને ચોવોથ કહેવામાં આવે છે. અહીં ઘરમાં ગણેશજીની સ્થાપના અને કુટુંબ સાથેની પરંપરાગત ઉજવણીનું વિશેષ મહત્વ છે. ભારતના અન્ય પ્રાંતમાં આ દિવસે ગણેશજીની પૂજા થાય છે પરંતુ તેનું જાહેર સ્વરૂપ એટલું નોંધપાત્ર નથી જણાતું, અહીં મંદિરો તેમજ ઘરમાં પૂજાનું મહત્ત્વ વધુ હોય છે. ભારતના દરેક પ્રાંતમાં પૂજનનો હેતુ એક સમાન હોવા છતાં તેનું બાહ્ય સ્વરૂપ પ્રદેશની ભાષા, ભોજન, સંગીત, કલા અને સામાજિક પરંપરા પ્રમાણે બદલાતું રહે છે.
ભારત બહાર પણ ગણેશ ચતુર્થીનો ઉત્સવ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. એ તો સ્વાભાવિક છે કે ભારતીયો જ્યાં જ્યાં વસ્યા છે ત્યાં સાંસ્કૃતિક પરંપરાની નિભાવણી થતી હોય અને તહેવારો શ્રદ્ધા અને આનંદમય માહોલમાં ઉજવાતા હોય. બ્રિટન - અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં સનાતની સમુદાય દ્વારા ગણેશજીની સ્થાપના થાય છે તેની પૂજા કરાય છે અને તેના વિસર્જનનું પણ આયોજન કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ભારતથી ખાસ મંડળીઓને પણ બોલાવવામાં આવે છે. આ જ પ્રકારે યુરોપ અને અમેરિકાના અન્ય દેશોમાં પણ ગણેશ ચતુર્થીની ઉજવણી ઉત્સાહભેર થતી હોય છે.
આ પ્રકારની ઉજવણી ત્યાંના લોકો માટે એક રીતે ‘જોડાણ’ની તક ઉભી કરે છે અને સાંસ્કૃતિક પરંપરા જળવાઈ રહે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે. સ્થળ ગમે તે હોય ભાવ એક સમાન જળવાઈ રહે છે; ગણેશજીની સ્થાપના, વિઘ્નો દૂર કરવાની પ્રાર્થના, બુદ્ધિ અને સિદ્ધિની પ્રાપ્તિની આકાંક્ષા, સાંસ્કૃતિક પરંપરાની જાળવણી, સાંસ્કૃતિક જોડાણ અને શોભાયાત્રા સમાન વિસર્જન - માટીમાંથી બનાવેલી મૂર્તિ અંતે જળ મારફતે પરત માટીમાં વિલીન થઈ જાય છે. જીવનયાત્રાનું આ અંતિમ સત્ય છે.
સૂક્ષ્મ અવલોકન માટે ઝીણી આંખો, દરેક પ્રકારની પરિસ્થિતિ પચાવી શકવા સમર્થ વિશાળ પેટ, સંવેદનશીલતા તેમજ તીક્ષ્ણ બુદ્ધિમતા દર્શાવતું હાથીસમાન વિશાળ મસ્તક, બધાંનો અભિપ્રાય મેળવવાની ક્ષમતા દર્શાવતા વિશાળ કાન, વિશાળતા સાથે હળવાશ હોવાથી ઉંદર જેવા નાના મૂષક-વાહનની પસંદગી, આવશ્યકતા મુજબની જ પ્રાપ્તિ દર્શાવતો એક દાંત; આ અને આવી અનેક વિશેષતાઓ થકી ગણેશજીને પ્રતિકાત્મક રીતે સરળતાથી સમજી શકાય છે. રૂપ ઓછું મહત્વનું છે સંદેશો મહત્વનો છે. આમ પણ ગણેશ ચતુર્થી એટલે સર્જન, સ્થાપના, ઉપાસના અને વિસર્જન દ્વારા જીવનના અનિત્ય સ્વરૂપને સમજાવતો સનાતની પરંપરાનો એક અનોખો ઉત્સવ.


