‘ગરબો’ શબ્દ સંસ્કૃત ‘ગર્ભદીપ’ શબ્દમાંથી બન્યો છે, એવો અભ્યાસીઓનો મત છે. ‘ગર્ભદીપ’ એટલે જેના ગર્ભ - મધ્ય ભાગમાં દીવડો છે, તેવો કોરેલો - છિદ્રોવાળો ઘડો. ગરબે ઘૂમતી ગરવી ગુજરાતણના કંઠેથી ગવાય છેઃ ‘ગરબો... મેં તો કોરિયો, માંય ઝબક દીવડો થાય મારી માવડી...’ નવરાત્રિએ સૌ નારીઓ માથે આવો ઘટ મૂકીને, માતાજીનાં સ્થાનકની આસપાસ વર્તુળાકારે ઘૂમે છે. એમાં લય, સૂર અને તાલની કે ગીત અને નૃત્યની સમરસતા સધાય છે. જગદંબાની ભક્તિ-આરાધનાનો રસોત્સવ જામે છે. ‘ગરબો’ તો દેહરૂપી ઘટમાં પ્રકાશતી આત્મજ્યોતિની પણ અનુભૂતિ કરાવે છે, જે આધ્યાત્મિકતાના પ્રકાશમાં જવાની પ્રેરણા આપે છે. માતાજીના સ્થાનકે વર્તુળાકારનું નૃત્ય પણ ગરબો કહેવાય છે. આનો અર્થ પ્રગટ કરતી એક પંક્તિ ખૂબ જાણીતી છે: ‘ગરબે ઘૂમવા આવો ને માત ભવાની...’ નવરાત્રિએ ગવાતાં ગીત પણ ગરબા તરીકે ઓળખાય છે. વલ્લભ ભટ્ટના ‘આનંદના ગરબા’માં ગરબા છંદનો ઉલ્લેખ થયો છે. ‘આઈ આજ મને આનંદ, વધ્યો અધિ ઘણો મા, ગાવા ગરબા છંદ, બહુચર માત તણા મા...’ વલ્લભ ભટ્ટે બહુચરાજી સ્થાનકે બેસી ઘણા ગરબા લખ્યા છે.
કન્યા પૂજન શા માટે?
હિંદુ ધર્મનો લાંબામાં લાંબો તહેવાર એટલે નવરાત્રિ. નવ દિવસના આ તહેવારમાં મા દુર્ગાનાં નવ સ્વરૂપોનું પૂજન થાય છે. નવરાત્રિના પ્રથમ દિવસે શુભ મુહૂર્તમાં કળશની સ્થાપના કરવામાં આવે છે. આ શુભ દિવસોમાં કન્યા પૂજા અને હવન જેવા શુભ કાર્યોનું મહત્ત્વ વધારે છે. આઠમ અને નોમ પર કન્યા પૂજનની પરંપરા છે. નવરાત્રિમાં નવ દિવસ ઉપવાસ કરનારાઓ પોતાના ઘરે કન્યા પૂજન કરાવે છે. દસ વર્ષથી નાની વયની બાળકીઓને માતા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. કન્યાની પૂજા કરવાથી ઉપવાસનું ફળ મળ છે. આ ઉપરાંત, ઘરમાં સુખ-શાંતિ જળવાય છે. આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા સાથે નવરાત્રિ સમાપ્ત થાય છે.
કન્યાની પૂજા કરવાની રીત જોઇએ તો... કન્યા પૂજામાં કન્યાઓને ઘરે બોલાવી, ચોખ્ખા પાણીથી તેમના પગ ધોવા. તેમને આસન પર બેસાડી, કાંડા પર મૌલી બાંધો અને કપાળે તિલક કરો. એ પછી તેમને ભોજન કરાવવું. કન્યા પૂજા માટે શીરો અને પુરીનો પ્રસાદ તૈયાર કરવો. કન્યાઓને જમાડીને તેમને ભેટ આપો. તેમના પગ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લેવા. ધાર્મિક માન્યતા છે કે ઘરમાં સુખ-શાંતિ માટે ચાર વર્ષની કન્યાની પૂજા શુભ ગણાય છે. છ વર્ષની બાળકીને રોહિણી કહે છે, તેની પૂજા કરવાથી રોગ અને દોષોમાંથી મુક્તિ મળે છે. છ વર્ષની બાળકીને કાલિકાનું સ્વરૂપ મનાય છે. તેમની પૂજા કરવાથી કાર્ય સફળ થાય છે. સાત વર્ષની છોકરીને ચંડિકા કહે છે. તેની પૂજાથી ઘરમાં ધનવૃદ્ધિ થાય છે. આઠ વર્ષની છોકરીનું નામ શાંભવી છે. તેનાં પૂજનથી કાર્યોમાં સફળતા મળે છે. નવ વર્ષની બાળકી મા દુર્ગાનું સ્વરૂપ ગણાય છે. તેની પૂજાથી દુશ્મનો પર વિજય મળે છે. દસ વર્ષની છોકરી સુભદ્રાનું રૂપ છે. આ કન્યાની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
હવનનું ધાર્મિક મહત્ત્વ શું?
આજથી શારદીય નવરાત્રિની શરૂઆત થઇ રહી છે, ત્યારે ‘મા’ના ભક્તો ઉપવાસની સાથોસાથ પૂજા અને હોમ-હવન પણ કરતાં કે કરાવતાં હોય છે. હવન કરવાની પ્રથા પ્રાચીનકાળથી ચાલી આવે છે. સતયુગમાં ઋષિ વિશ્વામિત્ર તથા અન્ય ઋષિઓને હવન દરમિયાન વિઘ્નો ઊભા કરતા રાક્ષસોના સંહાર માટે ભગવાન રામ અને લક્ષ્મણને પોતાની સાથે લઇ ગયા હતા, એવો ઉલ્લેખ વાલ્મિકી રામાયણમાં મળે છે. અલબત્ત, નવરાત્રિમાં હવન કરવાનો હેતુ સુખ અને સૌભાગ્યપ્રાપ્તિનો છે. હવનમાં જે સામગ્રી અર્પણ કરવામાં આવે છે, તે ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. જેના ધુમાડાથી વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા નાશ પામે છે. હવનને કારણે સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થતી હોવાથી ઘરમાં કે હવન થાય ત્યાંની નકારાત્મક ઊર્જા હોય તો નાશ પામે છે.
હવન દરમિયાન કરાતા મંત્રોચ્ચારના ધ્વનિથી પણ સકારાત્મક તરંગો હવામાં ઉત્પન્ન થાય છે, જે માનવસમાજ પર સકારાત્મક પ્રભાવ પાડે છે. હવનમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીમાં જવ, ચોખા, પલાશ, પીપળાની છાલ, ઘી, અશ્વગંધાના મૂળ, મૂલેઠીના મૂળ, બીલી, લીમડો, તલ, કપૂર, એલચી, લવિંગ, ગૂગળ વગેરે જડીબુટ્ટીઓ અગ્નિમાં હોમવામાં આવે છે. આનો ધુમાડો શ્વાસ વાટે લોહીમાં ભળવાથી લોહી શુદ્ધ થાય છે. આયુર્વેદિક દૃષ્ટિએ પણ હવનનો ધુમાડો ઉપયોગી છે. હવનમાં મોટા ભાગે તાંબાના વાસણોનો ઉપયોગ થાય છે, કેમ કે તાંબામાં કોઇ ધાતુની ભેળસેળ હોતી નથી. તેના ઉપયોગથી શરીરની ઇન્દ્રિયો સક્રિય બને છે અને મનમાં પણ સકારાત્મકતા જાગે છે. આમ, નવરાત્રિમાં હવનનું ધાર્મિક મહત્ત્વ તો છે જ, પણ આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદની દૃષ્ટિએ પણ હવન, તેની સામગ્રી, તેનો ધુમાડો માનવજાત માટે ખૂબ લાભદાયક છે.
પ્રસાદ: માતાજીનો ભોગ
માતાજીના વિવિધ સ્વરૂપો પૈકી રોજ એક સ્વરૂપની પૂજા કરી વિવિધ પ્રસાદ ધરાવવામાં આવે છે. માતાજીને ધરાવેલો પ્રસાદ ભક્તો માટે માતાના આશીર્વાદ હોય છે. પ્રસાદનું મહત્ત્વ શાસ્ત્રોમાં પણ છે. પ્રસાદ દેવી-દેવતાને અર્પણ કરીને ભક્તો દ્વારા ગ્રહણ કરાય છે.
પ્રસાદની પવિત્રતા: પ્રસાદ માતાજીને ધરાવ્યા પછી તેને પવિત્ર માનવામાં આવે છે. પ્રસાદથી મન તથા શરીર પવિત્રતા અનુભવે છે. પ્રસાદ ભલે એક દાણો પણ કેમ ન હોય, તે પ્રાપ્ત થયાનો આનંદ જ તૃપ્તિનો અનોખો અહેસાસ કરાવે છે.
નવરાત્રિ અને પ્રસાદની પરંપરા
નવરાત્રિ દરમિયાન સૌપ્રથમ માતાજીની આરતી બાદ પ્રસાદ વિતરણ થાય છે. આ પ્રસાદ તે દિવસની પૂજાનો અગત્યનો ભાગ છે અને દરેક ભક્ત માટે તે માતાના આશીર્વાદ સમાન છે. નવરાત્રિમાં વિવિધ પ્રકારના પ્રસાદનો મહિમા છે. દરેક રાજ્ય અને વિસ્તાર અનુસાર એમાં ફેરફાર જોવા મળે છે. માતાજીનાં નવ સ્વરૂપ છે. દરેક સ્વરૂપને તેમને પ્રિય વસ્તુઓ આસ્થાપૂર્વક ધરાવાય છે. ઘી, દૂધ, ઘઉંનો લોટ, ચણાનો લોટ, કેળા, મધ, શ્રીફળ વગેરેમાંથી માતાજીને ધરાવવા ખાસ ભોગ બનાવાય છે. નવમા દિવસે માતાજીને સંપૂર્ણ થાળ નૈવેદ્ય રૂપે ધરાવાય છે. માતાજીને શીરો ખૂબ પ્રિય છે. ફળાહાર સાથે રવાનો શીરો માતાજીને નૈવેદ્યમાં ધરાવવામાં આવે છે. શ્રીફળનું પણ પ્રસાદ તરીકે ખાસ સ્થાન છે. દૂધ, દહીં, ઘી, મધ અને સાકર સાથે તૈયાર કરાતું પંચામૃત પણ પ્રસાદમાં ખાસ ધરાવાય છે.


