માતા ભારતીનું એક પણ સંતાન એવું નહીં હોય જે ગાંધીજી વિશે માહિતગાર ન હોય. વ્યવહારમાં સત્ય તેમજ પ્રામાણિકતા માટે તેમનો આગ્રહ, અહિંસા આધારિત તેમની વિચારસરણી અને જીવનશૈલી. દરેક પરિસ્થિતિમાં અન્યાયનો વિરોધ કરવાની તેમની રીતિ. આત્મવિશ્વાસ તેમજ આત્મશક્તિ માટે તેમની પ્રતિબદ્ધતા. ખાદીને પ્રતિકાત્મક સ્થાન આપી સ્વદેશી સંસાધનો તેમજ તેને આધારિત રોજગારના ઉત્પાદનનાં પ્રસાર માટે તેમનાં પ્રયત્નો. શિસ્ત તેમજ નૈતિકતા આધારિત વ્યવહાર માટેનો તેમનો આદર્શ. દરેક પ્રકારની સ્વચ્છતા તેમજ જાગૃતિ માટે તેમની દ્રઢતા. દલિતના સામાજિક ન્યાય માટે તેમનાં પ્રયત્નો, સામાજિક સંસ્થાઓની આવશ્યકતા માટે તેમની સ્પષ્ટતા. તેમની જીવનયાત્રામાં સાદગી અને અપરિગ્રહના સિદ્ધાંતને અપાયેલું મહત્વ, બધાં જ ધર્મ માટે તેમનો સમભાવ અને રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ વ્યક્ત થતી તેમની સ્વતંત્રતા માટે તેમની કૃતનિશ્ચયતા; આ બધી બાબતોથી દરેક ભારતીય પરિચિત છે.
ગાંધીબાપુના આ સિદ્ધાંતો આજે પણ આ એટલા જ સાંદર્ભિક છે, જરૂરી છે એમ જણાય છે. આ સિદ્ધાંતો માત્ર સ્વાતંત્ર્ય-સંગ્રામ સુધી સીમિત ન હતાં, તે તો વ્યક્તિગત સાત્વિક જીવન, નૈતિકતા, જીવનના મૂલ્યો અને તેમાં સ્થાપિત થતો અગ્રતાક્રમ, સામાજિક તેમજ રાજકીય સમીકરણો, સામાજિક સમરસતા અને તેને આધારે ઉદભવતી અર્થવ્યવસ્થા તેમજ વૈશ્વિક સંતુલન માટે અતિ આવશ્યક ગણાય તેવાં વિધાન છે.
સત્યની સ્થાપના માટે અફવા, ખોટી અંશતઃ કે વિકૃત માહિતી અને સોશિયલ મીડિયાના ભ્રામક પ્રચાર પર અસરકારક નિયંત્રણની આવશ્યકતા આજે સૌથી વધુ છે. સમાજમાં આજે જે સ્તરે અને જે રીતે હિંસા કરવામાં આવે છે અને તે હિંસાનું જે રીતે અનુમોદન થઈ રહ્યું છે તેનાંથી અહિંસાનું મહત્ત્વ આજે વધુ યથાર્થ જણાય છે. હવે તો હિંસા પરિવારમાં અને પ્રેમમાં પણ પ્રવેશી ચૂકી છે; અહિંસાનું મહત્ત્વ હવે તો સમજાવવું જ જોઈએ. આજે એ સમજી લેવું જરૂરી છે કે કોઈપણ પ્રકારનાં મતભેદનું સંવાદ અને સમાધાનથી નિરાકરણ શક્ય હોય છે. વળી, અહિંસાનું મહત્ત્વ સમજાતાં એ ધ્યાનમાં આવે કે અન્યાય સામે શાંતિપૂર્વકનો સત્યાગ્રહ વધુ અસરકારક બની રહે; હિંસાથી તો માત્ર હિંસાનો જ પ્રસાર થાય.
આજનાં સમયમાં સૌથી વધુ જરૂરી છે દરેક વ્યક્તિની શ્રદ્ધાને સન્માન આપવાની આવશ્યકતા. વિઘટનકારી અને વિભાજિત કરનારી શક્તિઓને નિયંત્રિત કરવાની સૌથી વધુ જરૂરિયાત આજે છે. ‘સર્વધર્મ સમભાવ’ના સિદ્ધાંતનું અનુકરણ આજે ખૂબ જરૂરી છે. આર્થિક અસમાનતા દૂર કરવા તેમજ રાષ્ટ્રની સંપત્તિ રાષ્ટ્રમાં જ સચવાઈ રહે તે માટે સ્વાવલંબન આધારિત સ્વદેશી ઉત્પાદનને વધુ પ્રોત્સાહન આપી દેશમાં જ વધુ રોજગારની તક ઉભી કરવાની આજે તાતી જરૂરિયાત છે. અહીં દલિતોના ઉત્થાન માટેની સર્વોદય યોજનાનું મહત્વ પણ વધુ સમજમાં આવે.
સમાજનાં હિતમાં સમાવેશીય પ્રયત્ન થાય તેવી સામાજિક સંસ્થાઓ વધુને વધુ સ્થપાય તેવી અપેક્ષા આજે સમગ્ર સમાજની છે. દરેક ક્ષેત્રમાં દરેક પ્રકારની સ્વચ્છતાનું મહત્ત્વ સમાજની સ્થાપનાના સમયથી જ સ્થપાયેલું છે. તે બધાં સાથે જીવનમાં જે રીતે તણાવ અને અસંતોષ વધતો જાય છે તેની માટે સાદગી અને સરળતા આધારિત જીવનશૈલી તરફ ડગલાં મંડાવા જોઈએ; ઉપભોક્તાવાદની માત્રા અને દેખાદેખીમાં નિયંત્રણ જરૂરી છે. ગાંધીજીના જીવન સિદ્ધાંતો આજે એટલાં જ, અને ક્યારેક તો વધુ ઉપયોગી બની રહે તેમ છે.
અન્યાય સામે પીટરમેરિટ્ઝબર્ગ રેલવેના જેવો પ્રસંગ, હકની લડાઈ માટે ચંપારણ સત્યાગ્રહ જેવાં પ્રયત્નો, શ્રમિક વર્ગના ઉત્કર્ષ માટે અમદાવાદ મિલ મજૂર હડતાલ જેવી યોજના, મીઠાના કાયદાની લડત સામે સાબરમતીથી દાંડી સુધી કૂચ કરી જવાનો આત્મવિશ્વાસ, અહિંસાના આગ્રહ માટે ચૌરીચૌરાની હિંસાની ઘટના પછી પૂરજોશમાં ચાલતાં વિશાળ રાજકીય આંદોલનને સ્થગિત કરી સૈદ્ધાંતિક બાબતોને જાળવવાનો અભિગમ, અસ્પૃશ્યતા જેવી સામાજિક અન્યાય સમાન વિચારસરણીને નાબૂદ કરી દરેકનું માનવ-ગૌરવ જાળવી રાખવા હરિજન વાસમાં રહેણાંક સ્થાપવાની હિંમત, હિંદુ-મુસ્લિમ એકતા માટે જીવને જોખમમાં મૂકી શાંતિ સ્થાપવા માટે ઉપવાસ અને પ્રવાસ; આ બધાંની પાછળ રહેલાં વૈચારિક અભિગમની સાંપ્રત સમયમાં વધુ આવશ્યકતા છે.
ભારત માતાનું પ્રત્યેક મહા-સંતાન માત્ર જીવન નથી જીવી જતું, પરંતુ એક સંદેશો આપી જાય છે. ક્યારેક આ પ્રકારનો સંદેશો સમય અને સ્થાનની સીમાથી બાધીત હોય, જ્યારે ક્યારેક તે પ્રત્યેક સમયગાળામાં અને પ્રત્યેક સ્થાને તેટલો જ સાંદર્ભિક હોય. એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે ગાંધીજીનો જીવન-સંદેશ દેશ-કાળની મર્યાદાથી મુક્ત છે. સનાતની સંસ્કૃતિમાં આ પ્રકારના સિદ્ધાંતને સાર્વત્રિક સિદ્ધાંત કહેવાય છે. સનાતની સંસ્કૃતિમાં આવા સાર્વત્રિક સિદ્ધાંત તરીકે સત્ય, અહિંસા, ન્યાય, કરુણા, પરોપકાર, સમભાવ, નૈતિકતા, માનવતા, પવિત્રતા, પ્રમાણિકતા, ઉત્તરદાયિત્વ, સરળતા, પારદર્શિતા, વિવેક, સંયમ, સંતોષ, નિર્દોષ પવિત્ર આનંદ, શાંતિ, માનવ કલ્યાણ અને પર્યાવરણ માટેની કૃતનિશ્ચયતા જેવી બાબતોનો સમાવેશ થાય છે. ગાંધીજીના જીવન-સિદ્ધાંતોમાં આની અસર સ્પષ્ટ દેખાય છે; અને તેથી જ ગાંધીજીનાં સિદ્ધાંતો આજે પણ વર્તમાનમાં પણ એટલા જ સાર્થક અને સ્વીકૃત છે.
એમ કહી શકાય કે ગાંધીજીએ પોતાના જીવન દ્વારા એમ સરળતાથી સ્થાપિત કર્યું કે સામાજિક અને રાજકીય જીવન પણ શુદ્ધ, સાત્વિક અને પવિત્ર સિદ્ધાંતોને આધારિત હોઈ શકે. આવા મહામાનવની પ્રતિમા ભારતમાં દરેક શહેર - નગર - ગામમાં હોય એ તો સ્વાભાવિક છે, પરંતુ એક અનુમાન પ્રમાણે આશરે 84 જેટલાં દેશોમાં જાહેર સ્થળોએ ગાંધીજીની મૂર્તિ સ્થાપિત કરાઈ છે. તે ઉપરાંત 75 જેટલાં દેશોમાં ગાંધીજીની ટપાલ-ટિકિટ બહાર પાડવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ માટે આ નાની ઉપલબ્ધિ નથી.


