ગુરુદેવનું સૌથી વિશેષ ઋણ

ગુરુપૂર્ણિમા (આ વર્ષે 29 જુલાઇ)

- હેમુ ભીખુ Tuesday 28th July 2026 02:20 EDT
 
 

સ્થાપિત ઉદાહરણો તો ઘણાં છે. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બધી જ વાતો સાબિત થઈ ચૂકી છે. પરિણામ સામે જ દેખાય છે. છતાં પણ ખબર નહિ કેમ, ‘વિમુખ’ થવાનું સ્વીકાર્યું છે. મૂંઝવણો અપાર છે. એમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. એ પણ ખબર પડી ગઈ છે કે આ રીતે તો પરિસ્થિતિ સુધરવાની કોઈ સંભાવના નથી. ચારે તરફ પ્રપંચ પ્રવર્તમાન છે. અધર્મનું સામ્રાજ્ય છે. અસત્યનું પ્રભુત્વ છે. અજ્ઞાન જ્ઞાનની ભૂમિકા ભજવે છે. જે છે તે વાસ્તવિકતા બહાર આવી શકતી નથી અને આવરણ વાસ્તવિકતા તરીકે પોતાને સ્થાપિત કરે છે. અવિદ્યા અને માયાનું વર્ચસ્વ છે. છતાં પણ ગુરુદેવની કૃપાથી, અપાર નિરાશા વચ્ચે પણ આશાની આશા છે.

શ્વાસનું વિજ્ઞાન ખબર નથી, છતાં પણ તેમાં સંભાવના છે તેની જાણ છે. ઈશ્વરના અસ્તિત્વ વિશે શંકા છે, છતાં પણ એના અસ્તિત્વની પ્રતીતિ પ્રત્યેક ક્ષણે થતી હોય છે. શરૂઆત ક્યાંથી થઈ તેની જાણ નથી અને અંત વિશે અનુમાન કરવાની ક્ષમતા નથી, છતાં પણ ક્યાંક તો ચિંતન-મનન અને સામાન્ય તર્કના સમન્વયથી ઘણી વાતો છતી થતી જાય છે.‌ સંભાવના છે, માત્ર તે પ્રત્યેની નિષ્ઠા અને કટિબદ્ધતા નથી.‌ ગુરુદેવની કૃપાથી તે પણ પ્રાપ્ત થશે જ. ગુરુદેવ ધીરજ ધરીને બેઠા છે, તેમની ધીરજની કસોટી ન થાય તે જોવાની જવાબદારી તમારી છે. ગુરુદેવ પ્રસાદી આપવા તૈયાર છે, તે માટે ‘આરતી’ના સમયે હાજર રહેવું પડે. ગુરુદેવ અધ્યાત્મનો ખજાનો ખોલીને બેઠાં છે, લાયક શિષ્ય બનીને યાચના તો કરવી જ પડે. યાચના વગર પણ ગુરુદેવ આપવા તૈયાર છે, પણ વ્યક્તિએ પોતાનું પાત્ર તો સીધું રાખવું પડે ને.

ક્યારેક કરુણાસભર ગુરુદેવનો ચહેરો યાદ આવે છે અને તેમણે કરેલ સૂચન અસ્તિત્વને રોમાંચિત કરી દે છે. ક્યારેક ગુરુદેવના જીવનની કેટલીક ઘટનાઓ પ્રેરણાની ભરતી લાવી દે છે. ક્યારેક ગુરુદેવ સાથે ગાળેલી તે થોડીક ક્ષણો અમૃત સમાન જણાય છે. આંખો સમક્ષ ન હોવા છતાં ગુરુદેવ ઘણી વાર જાણે પ્રત્યક્ષ થઈ જાય છે. તમારામાં બધાં જ પ્રકારની સાત્વિક અસમર્થતા ભરેલી હોવાં છતાં ગુરુદેવ પોતાની કર્તવ્યનિષ્ઠ આશાનો ત્યાગ નથી કરતાં. ગુરુદેવ બધું જ જાણે છે, ગુરુદેવ બધું જ પરિણામ આપવા સમર્થ છે, એ બધું જ સંપૂર્ણતામાં આપવાની ગુરુદેવની ઈચ્છા પણ છે, છતાં પણ તેઓ સમયને તેનું કામ કરવા દે છે.

મન જ્યાં છલોછલ ભરેલું હોય ત્યાં ગુરુદેવની ચોક્કસ પ્રકારની કૃપા માટે ક્યાંથી જગ્યા હોય. જ્યાં બુદ્ધિ પોતાની જાતને પરિપકવ, સમર્થ અને યોગ્ય સમજતી હોય ત્યાં ‘વાસ્તવિક’ બાબતોનો સમાવેશ ક્યાંથી થઈ શકે. જ્યાં ચિત્તમાં એક જ પ્રકારની ‘પ્રેય’લક્ષી અઢળક વાતો સંગ્રહાયેલી પડી હોય ત્યાં કોઈ એક પણ ‘શ્રેય’લક્ષી બાબતનો સમાવેશ ક્યાંથી સંભવ થાય. જ્યાં ‘હું અને મારું’નો અહંકાર હોય ત્યાં ‘અહમ બ્રહ્માસ્મિ’ની ધારણા ક્યાંથી અનુભવાય.

સંભાવના નથી તેમ નથી. સંભાવના પૂરેપૂરી છે. ધ્યાન બીજી તરફનું છે. ધ્યાન બીજી બાબતોમાં છે. જ્યાં પ્રત્યેક ક્ષણે પ્રતિત થતો ઈશ્વર સમજાતો ન હોય, જ્યાં ગુરુદેવના સૂચનનો મર્મ જાણમાં આવતો ન હોય, જે તે પ્રકારની નકારાત્મક ધારણામાં રચ્યાપચ્યા રહેવું પસંદ હોય, જ્યાં સિદ્ધ થયેલી બાબતો પર વિશ્વાસ રાખવાનું પસંદ ન હોય, ભક્તિની શક્તિની પ્રતીતિ થયા પછી પણ જ્યાં મનની ચંચળતાને પ્રોત્સાહન આપવું વધુ પસંદ હોય, મનની એકાગ્રતા સહજ અને સરળ બની જાય પછી પણ મનના વ્યભિચારમાં વારંવાર પ્રવેશ કરવાની કામના રહેતી હોય, સંત મહાપુરુષોનું વારંવાર રક્ષણ મળવા છતાં અરક્ષિત ક્ષેત્રમાં જવાની ચાહના હજુ દ્રઢ હોય, ક્ષણભંગુર બાબતો વિશે સમજ સ્થાપિત થઈ ગયાં પછી પણ શાશ્વત બાબત પ્રત્યેનો લગાવ સ્થપાતો ન હોય, નિત્યની સામે અનિત્યનું, ધર્મ સામે અધર્મનું, સત્ય સામે અસત્યનું, શુદ્ધતા સામે અશુદ્ધતાનું, પવિત્ર સામે અપવિત્રનું, વિવેક સામે અવિવેકનું, સંયમ સામે ઉત્તેજનાનું, અભ્યાસ સામે પ્રમાદનું અને વૈરાગ્ય સામે માયાનું જોર જ્યાં સુધી વધુ હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની હકારાત્મક સંભાવનાની સંભાવના ન હોય. જ્યાં આજની અપાર દુન્યવી-ભૌતિક સંલગ્નતાના પ્રભુત્વ હેઠળ જીવન પસાર થતું હોય ત્યાં ગુરુદેવ પણ શું કરી શકે.

ચૈતન્યની પ્રકૃતિએ છે કે એક સમયે તે એક બાબત સાથે જ સંકળાઈ શકે. ચૈતન્ય એક પરિસ્થિતિ સાથે જ તાદાત્મ્યતા સ્થાપી શકે.‌ ચૈતન્યની આ મર્યાદા પણ છે અને પસંદ પણ છે.‌ ચૈતન્ય યોગ્ય સ્થાને સંકળાય તે માટે જાગૃતિ રાખવાની જરૂર છે. એકવાર ચૈતન્યનું જો અયોગ્ય સ્થાને સંધાન થઈ જાય તો પછી પરિસ્થિતિમાં બદલાવ લાવવો મુશ્કેલ બની રહે.‌ આગળ જતાં એમ પણ બની શકે કે દરેક પરિસ્થિતિ વાસ્તવિકતાથી વિપરીત જણાવા લાગે. જો એ ઘરેડમાં અસ્તિત્વ અનુકૂળતા અનુભવવા માંડે તો પછી આ આધ્યાત્મિક માર્ગ ભૂલી જવાય.

માનવી સાથે દરેક પ્રકારની સંભાવના જોડાયેલી હોય છે. તે શ્રીરામ પણ બની શકે અને રાવણ પણ. એ આદર્શ પણ બની શકે અને દુષ્ટ પણ. તે શ્રેષ્ઠ પણ બની શકે અને નરાધમ પણ - અને આ તેની પસંદગી હોય છે. ગુરુદેવ અહીં બદલાવ લાવી શકે. પરંતુ સમજવાનું એ છે કે, ગુરુદેવ પ્રાથમિક સમજ આપે, આગળની સમજ વિકસાવી તે દિશામાં પ્રવાસ કરવાનું ઉત્તરદાયિત્વ વ્યક્તિનું છે. દરેક ક્ષણે સૂચન તો થતાં જ રહે છે, જેને મોટે ભાગે, નજરઅંદાજ કરવામાં આવે છે. દરેક ક્ષણે દિશા નિર્દેશન તો થતું જ રહે છે, પણ ભટકાવમાં એક પ્રકારની ખુશી મળવા માંડે છે. ઈશ્વર અને ગુરુદેવની કૃપા તો એક યા બીજા સ્વરૂપે વરસતી જ રહે છે, ષડરીપુનું આવરણ ઓઢીને બેસવાની આદત પડી ગઈ છે. આ બધામાંથી છુટકારો એટલો સહેલો નથી.
પોતાના નિષ્ઠાવાન પ્રયત્ન બાદ પણ, વારંવાર નિષ્ફળતા મળવા છતાં, ગુરુદેવ શિષ્ય પરનો વિશ્વાસ ગુમાવતા નથી. ગુરુદેવનું આ સૌથી વિશેષ ઋણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter