ગુરુપૂજન એટલે જ્ઞાનનું પૂજન, નહીં કે વ્યક્તિનું

ગુરુપૂર્ણિમા (10 જુલાઇ)

Tuesday 01st July 2025 10:40 EDT
 
 

ગુરુ તો જ્ઞાનનું સર્વોચ્ચ શિખર છે. સદ્ગુરુ કંચન, કામિની અને કીર્તિના મોહમાં ન લપેટાય. ‘ગુરુગીતા’માં કહ્યું છે કે સદ્ગુરુના વચનામૃત સંસારના ઝેર ઓગાળી નાખે છે. જેની આંખોનું અમૃત ભાવમાધુર્યનો અનુભવ કરાવે, જેની વાણી પશુતામાંથી માનવતા તરફ પ્રેરે, તેને પુણ્યશ્લોક સંત-ગુરુ કે મહાત્મા જાણવો. આવા ગુરુના પૂજન માટે, ઋણસ્વીકાર માટે ભારતીય સંસ્કૃતિએ દિવસ નક્કી કર્યો છે અને તે દિવસ એટલે ગુરુપૂર્ણિમા - અષાઢી પૂર્ણિમા (આ વર્ષે 10 જુલાઇ). ગુરુપરંપરાને વંદન કરવાની આપણી ભારતીય પરિપાટી છેઃ
सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् ।
अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्।।
અર્થાત્ ‘ભગવાન સદાશિવથી જેનો આરંભ થયો છે, શ્રીશંકરાચાર્યજી જેની મધ્યમાં છે અને અમારા આચાર્ય સુધી જે ચાલી આવી છે, તે ગુરુપરંપરાને હું વંદન કરું છું.’
ગુરુ કોણ કહેવાય?
સંસ્કૃતમાં ‘ગુરુ’ શબ્દનો અર્થ છે: જે જ્ઞાન આપે તે. ‘ગુરુ’ શબ્દના બે અક્ષરોનો અર્થ જોઇએ તો, 'ગુ' શબ્દનો અર્થ છે અંધકાર (અજ્ઞાન) અને 'રુ' શબ્દનો અર્થ છે પ્રકાશ (જ્ઞાન). આમ, જે અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરીને જ્ઞાન આપે તે ગુરુ કહેવાય. ગુરુમાં જ્ઞાનની ગરિમા હોય. જેનામાં જ્ઞાનની, આધ્યાત્મિકતાની અને સદ્ગુણોની એમ બધા પ્રકારની ગુરાઇ-મોટાઇ હોય તે સાચા ગુરુ કે સદ્ગુરુ છે.
ગુરુ-શિષ્યની મીમાંસાના સંદર્ભે જગદ્ગુરુ શંકરાચાર્યજી ‘ગુરુ’ની વ્યાખ્યા આપે છેઃ
यतो भवेत्। तमेव गुरुमित्याहुर्गुरुशब्दे योगिनः।।
અર્થાત્, હૃદયમાં બંધાયેલ અવિદ્યાની ગ્રંથિમાંથી જેના દ્વારા મુક્ત થવાય, તેને યોગપુરુષો ‘ગુરુ’ કહે છે. ગુરુને ‘આચાર્ય’ પણ કહેવાય - જે સદાચારને શિષ્યના ચરિત્રમાં ઉતારી દે છે, તેને આચાર્ય કહે છે. આવા આચાર્ય તો દેવસ્વરૂપ છે आचार्यः परमो देवः ।
‘ગુરુ’ના પ્રકાર
ભારતીય આર્ય પરંપરામાં ગુરુના ત્રણ સ્વરૂપો મુખ્ય મનાયાં છેઃ જ્ઞાનના ઉદ્દાતા તરીકે દક્ષિણામૂર્તિ ભગવાન શિવ, યોગ અને સિદ્ધિના ગુરુ દત્તાત્રેય અને શાસ્ત્રોના માર્ગદર્શક ગુરુ મહર્ષિ વેદવ્યાસજી. જે ગુરુ શિષ્યને દુન્યવી જીવનમાં ગૌરવપૂર્વક જીવવાનું શીખવે છે, દુન્યવી શાસ્ત્રોનું જ્ઞાન આપે છે અને સમાજનો સભ્ય નાગરિક બનાવે છે એ ગુરુ ‘શિક્ષણગુરુ’ કહેવાય. શિક્ષણગુરુ ઘણા હોઇ શકે. આપણે જેટલી વસ્તુ શીખવા માગતા હોઇએ એટલા શિક્ષણગુરુ હોઇ શકે. પ્રાચીન ગુરુકુળોમાં વેદો, આન્વીક્ષિકી, નીતિ તેમ જ જુદાં જુદાં બીજા શાસ્રો શીખવવામાં આવતા. તે તે વિદ્યા શીખવનારને તે તે વિદ્યાશાખાના નિષ્ણાત ગુરુ કહેવાતા હતા.
ભારતીય ગુરુપરંપરામાં મુખ્યત્વે ગુરુકુળમાં કે શિક્ષાસંસ્થાનમાં શિક્ષણ આપનારા શિક્ષક કેન્દ્રસ્થાને છે. ગુરુ-શિષ્ય પરંપરાનો આરંભ ઉપનિષદોથી થાય છે. ઉપનિષદ એટલે શિષ્યે ગુરુ પાસે જઇને, પાસે બેસીને જિજ્ઞાસા અને નમ્રતાપૂર્વક મેળવેલું જ્ઞાન. તે પછી રામાયણ-મહાભારત કાળમાં વાલ્મીકિ, વ્યાસ, વશિષ્ઠ, વિશ્વામિત્ર જેવા શિક્ષકો ગુરુપદ પામે છે અને એ જ પરંપરામાં આજે પણ શાળા-કોલેજોમાં જ્ઞાનનું વિતરણ કરનાર કે શિક્ષણ આપનાર શિક્ષક કે અધ્યાપક ‘ગુરુ’ કહેવાય છે. પાછળના કાળમાં સંપ્રદાયો અસ્તિત્વમાં આવતાં, જે તે સંપ્રદાયમાં શિષ્યોને દીક્ષિત કરનાર ‘દીક્ષાગુરુ’નો એક નવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો.
ગુરુપૂર્ણિમાનો મહર્ષિ વેદવ્યાસ સાથે સંબંધ
ગુરુપૂજન એટલે જ્ઞાનનું પૂજન, નહીં કે વ્યક્તિનું. ચાર વેદોનું સંકલન કરીને, બ્રહ્મસૂત્રો, મહાભારત અને પુરાણોની રચના કરનાર, ભારતીય જ્ઞાનગંગાના ભગીરથ અને સનાતન ધર્મના પ્રવર્તક તેમ જ જ્ઞાનનો દીપક પ્રગટાવનાર (જ્ઞાનમયઃ પ્રતાપ) મહર્ષિ વ્યાસ ‘આદિગુરુ’ કહેવાયા. તેમનો જન્મદિવસ આખા ભારતમાં ગુરુપૂર્ણિમા તરીકે ઊજવાય છે. તેથી ગુરુપૂર્ણિમા ‘વ્યાસપૂર્ણિમા’ પણ કહેવાય છે. આવા આદિગુરુ વ્યાસજીને આપણે મહાકવિ બાણભટ્ટના શબ્દોમાં નમસ્કાર કરીએઃ
नमः सर्वविदे तस्मै व्यासायकधिवेधसे ।
चक्रे पुण्यं सरस्वत्या यो वर्षमिव भारतम् ।।
‘બધું જ જાણનાર તે કવિરૂપી બ્રહ્મા વ્યાસને નમસ્કાર. સરસ્વતી નદી જેમ ભારતવર્ષને પુણ્યકારી બનાવે છે, તેમ વ્યાસે પણ પોતાની સરસ્વતી (વિદ્યા)થી ભારત દેશને પવિત્ર-પુણ્યશાળી બનાવ્યો છે.’ વ્યાસજીનાં બ્રહ્મસૂત્રો ઉપર ભાષ્ય રચનાર વેદાંતી આદિ શંકરાચાર્ય ‘જગદ્ગુરુ' તરીકે સ્થપાયા, પૂજાયા. મહાભારતમાં આવતી ભગવદ્ગીતામાં જ્ઞાન, કર્મ અને ભક્તિની ધારાઓ પ્રવાહિત કરનાર શ્રીકૃષ્ણને પણ આપણે જગદ્ગુરુ કહી વંદન કરીએ છીએ.
ગુરુપૂજા અને ગુરુવાદ
વેદયુગ પછી, પાછળના સમયમાં ભારતીય સનાતન ધર્મમાં અનેક સંપ્રદાયો, પંથો, મઠો વગેરે અસ્તિત્વમાં આવતાં સાંપ્રદાયિક ગુરુઓ, મઠાધીશો વગેરેનું સ્થાન પણ મહત્ત્વપૂર્ણ બન્યું. આ પરંપરાના ગુરુઓએ પણ સમાજને સંસ્કારવાના, ધર્મજાગૃતિ ફેલાવવાના પ્રશસ્ય પ્રયાસો કર્યા કે ગુરુપૂજા ક્યાંક ‘ગુણવાદ’માં ફેરવાઇ જતાં તેમાં આંધળી ભક્તિ પણ પ્રવેશી. લાયકાત ન હોવા છતાં પોતાને ગુરુ કહેવડાવનાર ઢોંગી, સંત-મહાત્માઓ ટીકાપાત્ર પણ થાય છે.
‘ગુરુ-ગોવિંદ દોનોં ખડે’ પદમાં ગોવિંદ કરતાં પણ ગુરુને વિશેષ મહત્ત્વ આપનાર સંત કબીર તેમજ અખા-ભોજા જેવા ભક્ત કવિઓએ એવા કહેવાતા ગુરુઓ ઉપર કટાક્ષવેણ પણ ઉચ્ચાર્યા છે. ગુરુ તો સદ્દગુરુ હોય. તે જ્ઞાનનું સર્વોચ્ચ શિખર છે. કબીરજી સદ્ગુરુનો મહિમા ગાય છેઃ
‘સદ્ગુરુ કી મહિમા અનંત, અનંત કિયા ઉપકાર,
લોચન અનંત ઉઘાડિયા, અનંત દિખાવનહાર.'
ગુરુ અને શિષ્યનાં લક્ષણો
ઋગ્વેદ અનુસાર જ્ઞાનપ્રાપ્તિનાં મુખ્ય બે સાધન છે - જિજ્ઞાસા અને પ્રશ્નપરંપરા. નમ્રતા, પ્રશ્નપરંપરા અને ગુરુની સેવા વડે જ શિષ્ય સાચું શિક્ષણ પ્રાપ્ત કરી શકે. અથર્વવેદમાં ગુરુને શિષ્યનાં માતા-પિતા કહ્યાં છે. ઋગ્વેદમાં જણાવ્યું છે કે ‘મને એવા ગુરુ મળે જે સિદ્ધાંત, કર્મ અને ગૂઢ મર્મના વિશેષજ્ઞ હોય.’ ઋગ્વેદમાં સારા શિષ્યનાં લક્ષણો બતાવ્યાં છે. શિષ્ય આજ્ઞાપાલક, જિજ્ઞાસુ, સહાધ્યાયીઓ સાથે મેળ રાખનારો, જ્ઞાન અને કર્મનો સમન્વય કરી તદ્દનુસાર આચરણ કરનારો હોવો જોઇએ.
જનકના ગુરુ યાજ્ઞવલ્ક્ય હતા, શંકરાચાર્યના ગૌડપાદાચાર્ય ગુરુ હતા, કબીરના ગુરુ રામાનંદ હતા, તો વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા. ગુરુ-શિષ્યના સંબંધનું ઉત્કૃષ્ટ ઉદાહરણ શ્રીકૃષ્ણ અને અર્જુનનું છે. શ્રીકૃષ્ણ અને અર્જુનનાં સખ્યભાવ કરતાં એમનો ગુરુશિષ્યભાવ મહાભારતનું રમણીય શિખર છે. અસ્મિતા ગુમાવેલો અને મૂંઝાઇ ગયેલો અર્જુન શિષ્યભાવે સ્વીકાર કરે છે. અર્જુનના આ શિષ્યભાવમાંથી જ જગતને ભગવાન રૂપી ગુરુના શ્રીમુખેથી કર્મયોગનો અને અનાસક્તિ યોગનો ઉપદેશ પ્રાપ્ત થાય છે. એ એક ગુરુની સમાધિભાષા છે. સદ્ગુરુ તો શિષ્યોનું સર્વશ્રેષ્ઠ તીર્થ છે.
‘ગુરુપૂર્ણિમા’ એટલે ગુરુ-શિષ્યના ભાવભીના સંબંધોને પ્રગટ થવાનું પર્વ. સદ્ગુરુના પૂજનનો દિવસ એટલે અષાઢી પૂર્ણિમા. જ્ઞાનવૈરાગ્યાદિ ઐશ્વર્યસંપન્ન સદ્ગુરુના દિવ્યગુણોનું પૂજન એટલે ગુરુપૂર્ણિમા. આ પવિત્ર પર્વે આપણે પરમાત્માસ્વરૂપ કે બ્રહ્મસ્વરૂપ ગુરુને નમસ્કાર કરીને, એમનો મહિમા ગાઇએઃ
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः ।
गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter