આદિકાળથી ભારતવર્ષમાં અષાઢી પૂનમ (આ વર્ષે 29 જુલાઇ)ના રોજ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ જ દિવસે મહામુનિ વેદવ્યાસજીનો પ્રાગટ્ય દિન હોવાથી ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહેવાય છે.
ગુરુએ આપણા ઉપર અનંત ઉપકારો કર્યા છે. તેથી સૌ કોઈ ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરીને ગુરુપૂર્ણિમાની ઉજવણી કરે છે. આ દિવસે સૌ પોતાની ભક્તિ અને શક્તિ અનુસાર ગુરુનું પૂજન- અર્ચન, વંદન-આરતી કરીને ગુરુને પ્રસન્ન કરે છે. આજના દિવસે શિષ્ય ગુરુના અનંત ઉપકારોમાંથી કિંચિત્ ઋણ અદા કરીને મુક્ત થવાનો પ્રયત્ન કરે છે.
ભારતીય ધાર્મિક પરંપરામાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ શિખરે પ્રસ્થાપિત થયેલું છે. ભગવત્ પ્રાપ્તિનું મનુષ્યનું જે મુખ્ય લક્ષ્ય છે તે ગુરુના માર્ગદર્શનથી જ સરળ રીતે પ્રાપ્ત થાય છે. ગુરુ જ આપણને દિવ્યતાના માર્ગ પર દોરી જનાર માર્ગદર્શક છે. જેના જીવનમાં સદ્ગુરુ નથી તે મનુષ્ય દિશાહીન છે. તેનું જીવન ચંદ્ર વગરની રાત્રિ અને સૂર્ય વગરના દિવસ સમાન છે. તેથી જીવનમાં ગુરુ અવશ્ય કરવા જોઈએ, પરંતુ માત્ર ગુરુ કરવાથી કામ થતું નથી. ગુરુકૃપાની સાથે સાથે તેમને પ્રસન્ન કરવા માટે પ્રયત્નો પણ કરવા જોઈએ. ગુરુના માર્ગદર્શન વગર બધું વ્યર્થ છે - પછી તે સાંસારિક સુખ હોય કે આધ્યાત્મિક.
સમર્થ ગુરુની કૃપાથી આપણે ઘણું બધું પામી શકીએ છીએ અને પામ્યા પણ છીએ. પરંતુ એમાં સમજણ કેળવવાની છે કે, જે કાંઈ આપણી પાસે સંપત્તિ, સુખ-સગવડ, ઐશ્વર્ય, સિદ્ધિ છે એ આપણા ગુરુની દેન છે. તેથી ગુરુ પાસે જઈએ ત્યારે કદી આપણાં ઐશ્વર્યશક્તિનું પ્રદર્શન ન કરવું. ગુરુની પાસે, સંતોની પાસે દાસભાવે વર્તવું જોઈએ. એકવાર યુદ્ધમાં કર્ણ અને અર્જુન સામ-સામે હતા. કર્ણે શક્તિશાળી તીર ચલાવ્યું. જેથી અર્જુનનો રથ ત્રણ કદમ પીછો હટી ગયો. પછી અર્જુને પણ શક્તિશાળી તીર ચલાવ્યું. જેનાથી કર્ણનો રથ સાત કદમ પાછો હટી ગયો.
આથી અર્જુને શ્રીકૃષ્ણ ભગવાન સામે ગર્વથી કહ્યું કે, ‘આજે સાબિત થઈ ગયું કે સર્વ શક્તિશાળી કોણ છે...’ ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને જવાબ આપ્યો કે, ‘હું તારા રથ પર આખા બ્રહ્માંડનો ભાર લઈને બેઠો છું છતાં તારો રથ ત્રણ કદમ પાછો હટી ગયો. જો હું ભારવિહિન થઈ જાઉં તો, કર્ણનું તીર તારા રથને આકાશમાં લઈ જાય.’ આ સાંભળીને અર્જુનને અહેસાસ થયો કે, યુદ્ધમાં તેની જીત તો શ્રીકૃષ્ણ ભગવાનની બલિહારી છે. આમ, આપણને પણ જીવનમાં જે કાંઈ મળ્યું તે આપણાં ગુરુની બલિહારી છે, એવાં ગુરુને આપણાં તરફથી સમર્પણ કરવા માટેનો અવસર એટલે ગુરુપૂર્ણિમા. આપણને આપણા જીવનનો ધ્યેય હવે સ્પષ્ટ કરવો જોઈએ કે, આ ગુરુપૂર્ણિમાથી હું મારા ગુરુએ - ભગવાને જે કહ્યું છે જે જીવન સંદેશો આપ્યો છે, તે પ્રમાણે જ જીવન જીવીશ.
આપણા તો અહોભાગ્ય છે કે, આપણને પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે અને સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી મુક્તજીવન સ્વામીબાપા જેવા ગુરુ મળ્યા છે અને સાધુતાની મૂર્તિ એવા સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી જેવા મૂર્તિનો સાક્ષાત્કાર કરનાર સાચા સંત મળ્યા છે.
તો આવો, આપણે સહુ ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વે તેમનું પૂજન-અર્ચન અને વંદન કરીએ અને તેમના ચરણમાં મસ્તક મૂકી દૃઢ નિશ્ચય કરીએ કે,
તન મન ધન તુજ ચરણે ધરશું,
જીવશું તો તમ કાજ જીવશું.


