‘ભવિષ્ય પુરાણ’માં કહ્યા મુજબ અષાઢ સુદ-11 એટલે દેવશયની એકાદશી. આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે. દેવશયન પર્વ સાથે જ ચાતુર્માસનો પ્રારંભ થઇ ગયો છે. એક સમયે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું, ‘મોક્ષની ઈચ્છા રાખનાર મનુષ્યએ, શ્રી હરિ વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા માટે આ દિવસે દેવશયન વ્રત કરવું અને ચાતુર્માસનો પ્રારંભ થતો હોય આ દિવસો દરમિયાન પાળવાનાં નિયમો અને વ્રતોનો સંકલ્પ પણ કરવો.’
પણ દેવશયન પર્વ એટલે શું?
કર્ક સંક્રાંતિમાં અષાઢ સુદ-11 (આ વર્ષે 6 જુલાઇ)એ શ્રી હરિ વિષ્ણુ ભગવાનને પોઢાડવામાં આવ્યા. અર્થાત્ શ્રી હરિ વિષ્ણુ ભગવાને ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં જઈને બલિરાજા પાસે નિવાસ કર્યો છે અને શેષશય્યા ઉપર સૂતાંસૂતાં યોગ નિદ્રા કરે છે. આ પૂર્વે શ્રી હરિને પંચામૃતથી સ્નાન કરાવી શ્વેત વસ્ત્રથી આચ્છાદિત પલંગ ઉપર સુવાડવામાં આવે છે. પ્રભુને ધૂપ-દીપ-ચંદન-વસ્ત્ર પ્રસાદ અર્પણ કરીને આખો દિવસ ઉપવાસ કરવાનું માહાત્મ્ય છે.
પ્રભુ ક્ષીરસાગરમાં યોગનિદ્રા કેમ કરે છે?
પૌરાણિક કથા એવી છે કે એક સમયે બલિરાજા (અસુરરાજ)એ સમગ્ર સ્વર્ગ પર પોતાનું આધિપત્ય જમાવવા સો યજ્ઞ કર્યા. એ સમયે પ્રભુએ સ્વર્ગ ઉપર ઈન્દ્રનું રાજ્ય કાયમ રહે તે માટે અને બલિરાજાને સ્વર્ગથી દૂર રાખવા માટે શ્રી હરિ ઈન્દ્રના નાનાભાઈ ઉપેન્દ્ર બન્યા. ઉપેન્દ્રએ ખૂબ જ નાના બાળકનું સ્વરૂપ એટલે વામન અવતાર લીધો.
બલિરાજાએ સો યજ્ઞ પૂર્ણ કર્યા અને બલિરાજા ઉપર પ્રસન્ન થયા તે સમયે વામન સ્વરૂપે ભગવાન કંઈક માંગવા આવ્યા. ભગવાને ત્રણ ડગલાંમાં પૃથ્વી - આકાશ એમ બધું જ બલિરાજા પાસે માંગી લીધું. ત્રીજું ડગલું બલિના કહેવાથી તેના મસ્તક ઉપર મૂક્યું અને બલિરાજાને પાતાળનું આધિપત્ય આપ્યું.
બલિરાજા પોતાની સાથે શ્રી હરિ વિષ્ણુ ભગવાનને કાયમ માટે ક્ષીરસાગરમાં - પાતાળમાં લઈ ગયા અને ત્યાં પોતાના છડીદાર બનાવ્યા એ સમયે સૃષ્ટિનું સંચાલન જોખમાયું. મહારાણી લક્ષ્મીજીએ બલિરાજાને ભાઈ બનાવીને રાખડી બાંધી તેની ભેટરૂપે પોતાના સ્વામીને પાછા માંગ્યા. આ રીતે શ્રી હરિને પાતાળમાંથી મુક્ત કર્યા. એ સમયે બલિરાજાની ભક્તિ અને પ્રેમવશ થઈને શ્રી હરિએ આ સમય ક્ષીરસાગરમાં બલિરાજા સાથે ગાળવાનું નક્કી કર્યું. આ સમય એટલે ચાતુર્માસ. પ્રભુ આ માટે અષાઢ સુદ 11 (આ વર્ષે 6 જુલાઇ)એ પોઢી અને કારતક સુદ 11 (આ વર્ષે 2 નવેમ્બર)એ જાગીને ફરી પાછા વૈકુંઠમાં પધારે છે.
ભગવાન ક્ષીરસાગરમાં શા માટે પોઢે છે?
ભગવાને સૃષ્ટિનું નિર્માણ કર્યું. સૌપ્રથમ અતિ શુદ્ધ જળ ઉત્પન્ન કર્યું. અતિ સાત્ત્વિક શુદ્ધ જળ દૂધસમાન પવિત્ર હોવાથી તે જગ્યા ક્ષીરસાગરથી ઓળખાય. ભક્તોની અને શાસ્ત્રકારોની કલ્પના એવી છે કે ભગવાને સૃષ્ટિનું નિર્માણ કર્યું તે સમયે પરિશ્રમ પડ્યો. એ પરિશ્રમથી મુક્ત થવા અને રાહત મેળવવા માટે પ્રભુ ક્ષીરસાગરમાં શેષશય્યા બનાવી તેમાં પોઢ્યા અને આરામ કર્યો. નાર એટલે જળ અને અયન એટલે ગતિ. અર્થાત્ પ્રભુએ જળમાં ગતિ કરીને ત્યાં નિવાસસ્થાન બનાવ્યું ત્યારથી પ્રભુનું એક નામ નારાયણ બન્યું.
ઋતુકાળ મુજબ પ્રભુનું પવિત્ર કર્મ
પ્રભુ યાને કે ઈશ્વર જ્યાં જ્યાં હોય છે ત્યાં પોતાનું અસ્તિત્વ સાબિત કરે છે. શિયાળાની ઋતુમાં અનેક અનેક નવા નવા પાકો ઉત્પન્ન થાય. નવી નવી વનસ્પતિ ઉત્પન્ન થાય, નદી-સરોવરના જળ સ્થિર થાય. આ રીતે પ્રભુ શિયાળા દરમિયાન પૃથ્વી પર પોતાનું અસ્તિત્વ સાબિત કરે છે. ત્યારબાદ ઉનાળામાં સૂર્ય રૂપે તપીને પ્રભુ આકાશમાં વિચરે છે. તેનું કર્મ કરી વાદળાંના રૂપમાં બંધાય છે. ચોમાસામાં એ જ ઈશ્વર વરસાદ રૂપે વરસી પૃથ્વી માર્ગેથી ક્ષીરસાગરમાં જળસ્વરૂપે જતા રહે છે. આ રીતે પ્રભુ ક્ષીરસાગરમાં રહીને યોગનિદ્રા કરતાં કરતાં જીવોની બાબતમાં વિચારમગ્ન રહે છે.
ચાતુર્માસ માહાત્મ્ય
અષાઢ સુદ-11થી જ ચાતુર્માસનો પ્રારંભ થાય. પ્રભુ ક્ષીરસાગરમાં જતા રહે. પાતાળમાં જતા રહે. એ સમયે પૃથ્વી ઉપર અનેક આધિ - વ્યાધિ - ઉપાધિઓ ઉદ્ભવે છે. આ ચોમાસાની ઋતુમાં અનેક પ્રકારના રોગ ઘર કરે છે. બીજા અર્થમાં કહીએ તો ચાતુર્માસ એટલે યમદંડ ઋતુ છે. આ યમદંડ ઋતુમાં માનવે આહાર-વિહાર શયનમાં દરેક રીતે વિવેક બુદ્ધિપૂર્વક વર્તવું જોઈએ. માટે ઋષિમુનિઓએ વધુમાં વધુ ઉપવાસ અને વ્રતો ખાસ આ ચાતુર્માસમાં જ ગોઠવ્યાં. પ્રભુ પણ આ સમયમાં વધુને વધુ માનવશરીરથી અને મનથી તંદુરસ્ત રહી વધુને વધુ આધ્યાત્મિક જીવન અને નીતિ મુજબનો વ્યવહાર કરે તેવું ઈચ્છે છે. ખાસ આ સમયમાં શ્રી હરિ વિષ્ણુ ભગવાનની આરાધના - તુલસીદલ અર્ચના વધુ પુણ્યકારી છે. આ પ્રકારના નિયમોથી વ્રત-ઉપવાસ અને ધર્માચરણથી વ્યક્તિ, માનવી પોતાનું આત્મનીરિક્ષણ કરીને જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ અક્ષયસુખની પ્રાપ્તિ કરે છે.
સુપ્તે ત્વયિ જગન્નાથે જગત્સુપ્તં ચરાચરમ્ ।
વિબુદ્ધે ત્વયિ બુધ્યેત જગત્સર્વ ચરાચરમ્ ॥