ચાતુર્માસનું અનુપમ મહત્વ

- મુનિ રાજસુંદર વિજય Tuesday 15th July 2025 12:13 EDT
 
 

બાદશાહ અકબરે એક વાર ભરસભામાં દરબારીઓને પ્રશ્ન પૂછયોઃ ‘સત્યાવીસમાંથી નવ જાય તો કેટલા બાકી રહે?’ રાજા છે, ગમેત્યારે ગમે તેવો પ્રશ્ન પૂછી શકે. કોઈ તેમને એવું તો ના જ કહી શકે કે સાવ આવો પ્રશ્ન કેમ પૂછ્યો? સૌ દરબારીઓએ ઉત્તર આપ્યો: ‘અઢાર’.

બાદશાહની દૃષ્ટિ બિરબલ ઉપર પડી. બિરબલ મૌન હતા. તેમણે કોઈ ઉત્તર ના આપ્યો એટલે તેમનો વ્યક્તિગત નામોલ્લેખ કરીને અકબરે કહ્યું: ‘બિરબલ! તમારું શું કહેવું છે...?’ બિરબલે ત્વરિત ઉત્તર આપતા કહ્યું: ‘જહાંપનાહ! સત્યાવીસમાંથી નવ જાય તો શૂન્ય બાકી રહે.’ બિરબલના ઉત્તરથી સૌ દરબારીઓ ખડખડાટ હસવા લાગ્યા કે બિરબલ જેવો મંત્રી સાવ મૂર્ખ જેવી વાત કરે છે. નાના બાળકને પણ સમજ પડે કે સત્યાવીસમાંથી નવ જાય તો અઢાર બાકી રહે, અને આ ‘પ્રધાનમંત્રી’ને સમજ નથી પડતી!
જોકે દરબારીઓ હસતા હોવા છતાં અકબર ગંભીર હતા. તેઓને ખ્યાલ હતો કે બિરબલે ઉત્તર આપ્યો છે, એટલે તે ઉત્તરમાં કંઈક તો વિશેષતા હશે જ! તેમણે ઉત્તર પર વિશેષ પ્રકાશ પાથરવા કહ્યું તો બિરબલે સ્પષ્ટતા કરી:
‘આકાશમાં કુલ નક્ષત્રો સત્યાવીસ છે. સત્યાવીસમાંથી નવ નક્ષત્રો ચાતુર્માસનાં છે, અર્થાત્ વરસાદનાં છે. જો એ નવેય નક્ષત્રોને બાકાત કરવામાં આવે તો પૃથ્વી પર વરસાદ નહીં થવાનાં કારણે સમસ્ત જીવસૃષ્ટિનો વિનાશ થાય. હવે પૃથ્વી પર જો જીવો જ ના હોય તો અઢાર નક્ષત્રો રહે તો પણ શું કામના? આ સંદર્ભમાં મેં આપને કહ્યું કે સત્યાવીસમાંથી નવ દૂર કરવામાં આવે તો શૂન્ય જ શેષ રહે!’ બિરબલના ગૂઢાર્થનું શ્રવણ કરીને સૌ દરબારીઓનાં નયનો વિસ્ફારિત થઈ ગયાં.
બાર મહિનામાં ચાર મહિનાનું - ચાતુર્માસનું કેટલુ મહત્ત્વ છે, તે સમજવા જેવું છે. અષાઢ સુદ ચૌદસથી - ચોમાસી ચૌદસથી ચાતુર્માસનો શુભારંભ થાય છે. ચાતુર્માસમાં નિરંતર વરસાદ વરસતો હોવાથી અવની ઉપર અનેક પ્રકારના જીવોની ઉત્પત્તિ થતી હોય છે. વિહારાદિ ગમનાગમનનાં કારણે તે જીવોની હિંસા અથવા કિલામણાની સંભાવના હોય છે, તેથી જ વીતરાગ પ્રભુ શ્રી મહાવીર સ્વામી ભગવાને ચાતુર્માસમાં વિહારનો - ગમનાગમનનો નિષેધ કર્યો છે. જિનાજ્ઞા હોવાનાં કારણે શ્રમણ-શ્રમણી ભગવંતો ચાતુર્માસમાં એક સ્થાને સ્થિર રહે છે.
પૂર્વના કાળમાં વેપારીઓ આઠ મહિના મોટાં શહેરમાં જઈ વ્યાપાર કરતા, પણ ચાતુર્માસ શરૂ થાય ત્યારે ગામમાં આવીને આરાધના કરતા, શક્ય હોય એટલું એક ગામથી બીજે ગામ જવાનું કે ગામમાં પણ ગમનાગમન કરવાનું ટાળતા, સદ્ગુરુવરોનાં સાંનિધ્યમાં વધુ ને વધુ સત્સંગ કરતા. આજે પણ ઘણા શ્રાવકો ચાર મહિના વ્યાપારનો સંપૂર્ણપણે ત્યાગ કરી જ્યાં ગુરુભગવંત વિરાજમાન હોય ત્યાં ચાર મહિનાના પૌષધ આદિ વિરતિધર્મની આરાધના કરે છે. સવાર-સાંજ નિયમિત પ્રતિકમણ, બંને ટાઈમ પ્રવચન-સત્સંગનો પણ લાભ લે છે. કેટલાક વિશિષ્ટ આરાધકો તો માસક્ષમણ, સિદ્ધિતપ જેવા મહાન તપની આરાધના પણ કરે છે.
આપણાંથી શક્ય હોય તેટલી વધુ આપણે આરાધના કરીએ, કદાચ મોટી તપશ્ચર્યા વિગેરે ના કરી શકીએ તો હજી ચાલશે, પણ કમસેકમ સમીપમાં જે પણ ગુરુભગવંત હોય તો તેઓનાં પ્રવચનનો - સત્સંગનો તો અવશ્ય લાભ લઈએ.
ચાતુર્માસમાં પાણી અને વાણીનો વરસાદ વરસશે. પાણીનો વરસાદ માત્ર તનને જ શુદ્ધ કરશે, જ્યારે વાણીનો વરસાદ મનને અને અંતે આત્માને શુદ્ધ કરશે. સતત પાણીનો પ્રપાત થાય તો પથ્થર જેવા પથ્થરનો પણ ઘાટ ઘડાતો હોય છે. તેવી જ રીતે ચાતુર્માસમાં સત્સંગ દ્વારા નિરંતર થતા વાણીના વરસાદમાં ભીંજાવાનું થાય તો તે આપણાં વ્યક્તિત્વને કલાત્મક ઘાટ આપી શકે છે. વરસાદનું પાણી ઘણાં સ્થાને કીચડ પણ ઊભો કરે છે, જ્યારે જિનવાણી રૂપી પાણીના વરસાદથી આત્મા ઉપર જામેલો અનાદિ કાલીન કીચડનો થર દૂર થાય છે.
સંસ્કૃત ભાષામાં એક સરસ સૂક્તિ છે: ‘सत्संगति: कथय किं न करोति पुंसाम्?’ મતલબ કે સત્સંગ મનુષ્યના જીવનમાં શું ના કરી શકે? તે પ્રશ્ન છે. તો ચાતુર્માસમાં અનેકવિધ આરાધના સાથે સદરુવરનોનાં પ્રવચનમાં જઈએ - સત્સંગ કરીએ.
પ્રાય: પ્રત્યેક ધર્મોમાં ચાતુર્માસનું મહત્ત્વ છે. આ મહત્ત્વને આપણે સમજીએ, અને જે પણ માર્ગ દ્વારા આપણાં આત્માની ઉન્નતિ થતી હોય, તે માર્ગમાં અગ્રેસર બનીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter