જે હંમેશા આપણા હિતમાં રહે તે મિત્ર

ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે (02 ઓગસ્ટ)

- હેમંત વાળા Wednesday 22nd July 2026 07:59 EDT
 
 

આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ એટલે મિત્રો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને માનવી-માનવી વચ્ચે એક સશક્ત સંબંધ બાંધવાની તક આપતો મહામૂલો અવસર. યુએન દ્વારા ભલે 30 જુલાઇને આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ જાહેર કરાયો હોય, પરંતુ વિશ્વના અનેક દેશો ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે (આ વર્ષે બીજી ઓગસ્ટે) મિત્રતા પર્વની ઉજવણી કરતા હોય છે, મિત્રો એકમેકને શુભેચ્છાની આપલે કરતા હોય છે. મિત્રતા બે સમલિંગી વ્યક્તિ વચ્ચે, પુરુષ-સ્ત્રી વચ્ચે, બે રાષ્ટ્ર વચ્ચે, બે સમાજ વચ્ચે, કુટુંબનાં સભ્યો વચ્ચે હોઈ શકે અને બે સંસ્કૃતિ વચ્ચે પણ હોઈ શકે. એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે મિત્રતા સમાજની સમરસતા અને એકતાનો પાયો છે. મિત્રતાના બંધન વચ્ચે દરેક પ્રકારની ભિન્નતા, મતભેદ, સ્વાર્થ તેમજ સ્વ-કેન્દ્રિતતા ક્ષીણ થાય. સદભાવના અને સહયોગની ભાવના સ્થાપિત કરવા મિત્રતા એક શક્તિશાળી સાધન ગણાય છે. વિશ્વની પ્રત્યેક સંસ્કૃતિમાં મિત્રતાને અત્યંત ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે.

કહેવાય છે કે ‘હિતે રત: સ મિત્ર:’ અર્થાત્ જે હંમેશા આપણા હિતમાં રહે તે મિત્ર. એમ પણ કહેવાય છે કે ‘આપદ્ગતં ન જહાતિ ય: સ મિત્રં’ અર્થાત જે આપત્તિના સમયે સાથ ન છોડે તે મિત્ર. વિદુરનીતિ મુજબ મિત્ર એટલે એ વ્યક્તિ કે જે હિત માટે કડવું સત્ય પણ કહી દે. નીતિશતકમાં જણાવ્યા પ્રમાણે પાપકર્મ તેમજ અધર્મથી રોકનાર અને સદાય હિત ઇચ્છનાર વ્યક્તિ એટલે મિત્ર. ચાણક્યની સમજ પ્રમાણે જે દરેક પ્રકારનાં સંકટમાં સાથ આપે અને નિષ્ઠા તેમજ વિશ્વાસનીયતા જાળવી રાખે તે મિત્ર. પંચતંત્રની એક વાર્તાના સાર મુજબ મિત્રતાનો આધાર વિશ્વાસ અને વિશ્વાસનીય જાગ્રતતા છે. અન્ય એક શાસ્ત્રના મંતવ્ય અનુસાર મિત્ર સજ્જન સાથેનાં સંગનું નિમિત્તે બને, જેનાથી મુક્તિના માર્ગ તરફ પ્રયાણ કરવાની સંભાવના શક્ય બને. પુત્ર એટલે ‘પુ’ નામના નર્કમાંથી તારનાર, મિત્રમાં ‘મિ’નો આવો કોઈ અર્થ નથી; છતાં પણ કહી શકાય કે મિત્ર એટલે જેની સાથે પ્રેમ, આનંદ અને અર્થપૂર્ણ જોડાણ થાય તે વ્યક્તિ. મિત્રતા એટલે અન્યની વિચારસરણી અને મૂલ્યોની સ્વીકૃતિ, ભિન્નતા વચ્ચે માનવીય ગુણોને મળતી પ્રધાનતા, ભેદભાવ કે દ્વેષ કે વિખવાદ ઘટવાથી પરસ્પરના સમજણની વધતી સંભાવના, શાંતિ અને સહકારને અપાયેલું મહત્વ, સંસાધનો તેમજ ખુશીને વહેંચવાની તત્પરતા અને તે બધાં સાથે પરસ્પર સન્માન અને સહયોગને અપાતી માન્યતા.
મિત્ર ખુશી તો આપે જ પરંતુ સાથે સાથે હંમેશા સત્ય જણાવે, સત્ય અને ધર્મ તરફ દોરી જાય, પાપ અને અધર્મથી રોકે, દુર્ગુણોથી રક્ષણ કરે, સદગુણોને નિખારવાના સંનિષ્ઠ પ્રયત્ન કરે, ગમે તેવી કઠિન આપત્તિમાં સાથ ન છોડે, આપે, સહકાર અને સહયોગની ભાવના જતાવે, પરસ્પરના ઉત્કર્ષની અપેક્ષા રાખે, સ્વાર્થ કરતાં મિત્રનાં હિતને પ્રાધાન્ય આપે, ગેરહાજરીમાં પણ હિતની રક્ષા કરે, સુખ-દુઃખ કે સફળતા-નિષ્ફળતા જેવી દરેક પરિસ્થિતિમાં સાથ આપે, હંમેશા યોગ્ય માર્ગદર્શન આપે, ગુપ્ત વાતોની ગુપ્તતા જાળવે, કડવી પણ હિતકારી વાત કહે, ક્ષમતાનો વ્યાપ વધારવા તત્પર હોય, નિસ્વાર્થ સંબંધ નિભાવે, તે સંબંધ માટે સમર્પિત હોય, જરૂરિયાત સમયે જરૂરિયાત મુજબની મદદ કરે અને જે આત્મ કલ્યાણનો માર્ગ બતાવે તે મિત્ર, બાકીનાં બધાં જ ઓળખીતા.

મિત્ર ક્યારેય અહિત ન કરે અને અહિત કરવા પ્રેરણા પણ ન આપે, વિશ્વાસઘાત ન કરે, સ્વાર્થી ન બને, અંગત વાત જાહેર ન કરે અને અયોગ્ય માર્ગે ન લઈ જાય. જે મિત્ર વ્યસન, જુગાર, પાપ વ્યભિચાર જેવી બાબતો માટે પ્રેરે તે મિત્ર નહીં પરંતુ દુશ્મન છે એમ કહેવાય. કોઈપણ પ્રકારના વ્યસનથી અંતે તો મહા નુકસાન જ થાય અને મિત્રથી ક્યારેય નુકસાન ન થાય. હસી મજાકમાં સમયનો વ્યય કરનાર, કોઈપણ પ્રકારની મૂલ્યવૃદ્ધિ વિના સાથે બેસીને માત્ર સમય પસાર કરનાર, વ્યવહારને કારણે જન્મદિવસની ભેટ આપનાર કે એવી કોઈ પણ ભાવ વિનાની પ્રવૃત્તિ કરનાર મિત્ર નથી.

વચ્ચે ગરીબી અને વૈભવની મોટી ખાઈ હોવા છતાં સુદામા અને શ્રીકૃષ્ણની અખંડ મિત્રતા નિસ્વાર્થ સંબંધનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીં અપેક્ષા પણ ન હતી અને અહંકાર પણ ન હતો. અહીં સમજાવ્યાં વિના બધું સમજી જવાતું. સંપૂર્ણ મિત્રતા ત્યારે કહેવાય જ્યારે એક પણ શબ્દના વિનિમય વગર વાત પહોંચી જાય, અને તેને એક પણ શબ્દનાં પ્રયોગ વગર સકારાત્મ પ્રતિભાવ પણ મળી જાય. અહીં પ્રેમસભર દિલ દ્વારા પ્રેમસભર દિલ સાથે ધ્વનિ વિનાનો સુંદર સંવાદ સ્થાપિત થાય. આમ તો શ્રીરામ અને સુગ્રીવ વચ્ચે પણ મિત્રતા હતી પણ તેની સાથે ચોક્કસ પ્રકારની અપેક્ષા સંકળાયેલી હતી. સુગ્રીવને વાલીના મૃત્યુ બાદ વાનર-સામ્રાજ્ય જોઈતું હતું અને શ્રીરામને માતા સીતાજીની ભાળ મેળવવી હતી. આ પ્રકારની મિત્રતા, જો અપેક્ષા પૂરી ન થાય તો ખંડિત થવાની પૂરેપૂરી સંભાવના રહે. મિત્રતા તો કર્ણ અને દુર્યોધન વચ્ચે પણ હતી પરંતુ તેનો આધાર અધર્મ તેમજ સ્વાર્થ હતો. દુર્યોધન દ્વારા કર્ણને સન્માન અપાયું તો કર્ણે તેની સામે પોતાનું બલિદાન આપ્યું. મિત્રતામાં વફાદારી પૂરતી નથી તે વફાદારી ધર્મસંગત પણ હોવી જોઈએ, નહિતર એ મિત્રતા નહીં પણ વિનિમય કહેવાય. આ માપદંડથી જોવામાં આવે તો કૃષ્ણ–સુદામાની મિત્રતા ભારતીય પરંપરામાં સૌથી નિર્મળ અને આદર્શ મિત્રતા માનવામાં આવે છે, કારણ કે તેમાં પ્રેમ હતો, સન્માન હતું, નિઃસ્વાર્થતા હતી અને ધર્મ સ્થાપિત સમીકરણ હતું.
 
ભારતીય સંસ્કૃતિમાં મિત્ર એટલે માત્ર લાગણીનો નહીં પરંતુ ધર્મ, વિવેક, સંયમ, ઉત્તરદાયિત્વ, આત્મ કલ્યાણ, નૈતિકતા, સત્ય, પવિત્રતા તેમજ સાત્વિકતા આધારિત લોહીના સંબંધ વિનાનો પ્રગાઢ સંબંધ. જરૂર જણાય તો કડવી વાતો પણ અહીં કહેવામાં આવે, દોષ પણ જણાવવામાં આવે, પતનના માર્ગે જતાં અટકાવવામાં આવે અને અંતે મિત્રતા સાત્વિકતા તેમજ આધ્યાત્મિકતા તરફ દોરી જાય. આ પરિપ્રેક્ષ્યમાં અર્જુન અને શ્રીકૃષ્ણની મિત્રતાનું ઉદાહરણ આપી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter