જૈનોના ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ

પૂ. પાર્શ્વનાથ પ્રભુ જન્મ કલ્યાણક

Tuesday 09th December 2025 09:56 EST
 
 

આજથી બરાબર 2902 વર્ષ પહેલાં માગશર વદ દસમ (આ વર્ષે 14 ડિસેમ્બર)ના દિવસે પ્રભુનો જન્મ થયેલો. વારાણસી નગરીમાં એ સમયે અશ્વસેન મહારાજા રાજ્યધુરા સંભાળતા હતા. એમનાં મહારાણી વામાદેવી હતાં, જેમને આજે વામામાતાના નામથી આપણે ઓળખીએ છીએ. ભગવાનના જન્મ પછીની એક ઘટના છે. એ સમયે એ રાજકુમાર પાર્શ્વકુમાર તરીકે બનારસમાં પ્રખ્યાત હતા.

એક વખત રાજકુમાર પાર્શ્વકુમાર ગવાક્ષમાં બેસીને નગરની શોભા જોઈ રહ્યા હતા. લગભગ સવારના દશ-અગિયાર વાગ્યાનો સમય હશે. કેટલાક માણસો પોતાના કામધંધે જઈ રહ્યા હતા. કેટલાક માણસો ભગવાનની પૂજા કરવા માટે હાથમાં પૂજાની સામગ્રી લઈને જઈ રહ્યા હતા. કેટલાક માણસો ઘરનાં કામ માટે ફરી રહ્યા હતા. કેટલાક રાજપુરુષો રાજમહેલ તરફ આવી રહ્યા હતા તો કેટલાક માણસો નગરના મુખ્ય દરવાજામાંથી અંદર આવી રહ્યા હતા. કેટલીક પનિહારીઓ માથા પર પાણીના ભરેલાં બેડાં લઈને આવી રહી હતી તો કેટલીક પનિહારીઓ પાણીનાં ખાલી બેડાં લઈને પાણી ભરવા માટે ભાગીરથી તરફ જઈ રહી હતી.
નગરનું મનોરમ દૃશ્ય જોવામાં પાર્શ્વકુમાર મશગૂલ છે. સમય આગળ વધી રહ્યો છે. નગરનું દૃશ્ય બદલાઈ રહ્યું છે.
નગરના કેટલાક માણસો નગરના મુખ્ય દરવાજાની બહાર જઈ રહ્યા છે. એમના હાથમાં પૂજાની થાળી છે. એમાં ફળો છે. નૈવેદ્ય માટે તરહ તરહની મીઠાઈ છે. પૂજા માટે અબીલ અને ગુલાલ છે. કંકુની કટોરીઓ છે. બધા ઉતાવળા ઉતાવળા ચાલી રહ્યા છે.
પાર્શ્વકુમાર ગવાક્ષમાં બેઠા બેઠા વિચારી રહ્યા છે. આ બધા ક્યાં જઈ રહ્યા હશે? અંગરક્ષક બાજુમાં જ હતો. એને પૂછ્યું આ બધા ક્યાં જઈ રહ્યા છે? આજે કોઈ પર્વનો દિવસ તો નથી. પૂજાની સામગ્રી લઈને જઈ રહ્યા છે તો શું વાત છે? તપાસ કરીને જવાબ આપો.
અંગરક્ષક ‘જી’ કહીને રવાના થયો. માલિકનો આદેશ થાય એ કામ એણે તો કરવાનું જ હોયને! બે-ચાર માણસોને પૂછીને એ આવ્યો. પોતાના માલિકને કહે છેઃ અન્નદાતા, આપની આજ્ઞા પ્રમાણે હું તપાસ કરવા ગયો કે આ માણસો ક્યાં જઈ રહ્યા છે. બે-ચાર જણાને ઊભા રાખીને મેં પૂછ્યું આપ લોકો ક્યાં જઈ રહ્યા છો? એ લોકોએ જવાબ આપ્યો. નગરની બહાર એક યોગી આવ્યા છે. એ મહાચમત્કારી છે અને તપ પણ કેવું ઉત્કૃષ્ટ કરી રહ્યા છે. પોતાની ચાર દિશામાં લાકડાં સળગાવેલાં છે અને વચ્ચે એ પોતે ધ્યાનમાં બેઠા છે. ઉપરથી સૂર્યની ગરમી અને ચાર દિશામાં સળગી રહેલા લાકડાંની ગરમી. બધી ગરમીને સહન કરે છે, પણ પોતાના ધ્યાનમાં સ્થિરતા કેવી અનુપમ છે. અહા...હા...! જોયા જ કરીએ. આવા યોગીઓનાં દર્શન કરીએ તો આપણું જીવન જ ધન્ય બની જાય. આપ આજ્ઞા આપો તો મારી પણ એમનાં દર્શન કરવા જવાની ઉત્કંઠા છે.
પાર્શ્વકુમાર કહે છે તમારી ભાવના હોય તો ચાલો હું પણ તમારી સાથે આવું.
ઘોડા ઉપર બેસીને પાર્શ્વકુમાર પેલા સેવકની સાથે નગરની બહાર જાય છે. તપ તો અદ્ભુત છે. ગરમી સહન કરે છે, પણ આવી ગરમી શા માટે સહન કરવાની? પ્રાકૃતિક ગરમીને સહન કરવી એ અલગ વાત છે, પણ ગરમી સહન કરવા લાકડાં સળગાવીને અગ્નિના જીવોને આપણે દુઃખી કરવાના?
પોતાને આવેલો વિચાર પેલા યોગીને જણાવ્યો તો એણે જવાબ આપ્યો. આ વિષય અમારો છે. તપ કેવી રીતે કરવું એ તપસ્વી યોગીઓનો વિષય છે. તમે રાજકુમાર છો અશ્વસવારી કરવાની - ઘોડા દોડાવવા જેવી ક્રિયાઓ તમારો વિષય છે. આમાં માથું મારીને અમારા તપમાં અંતરાય કરવાની કોઈ જરૂર નથી.
એમણે વિચાર્યું આમની સાથે વધારે ચર્ચા કરવાનો અર્થ નથી. એ સમયે પોતાની સાથેના અંગરક્ષકને કહ્યું, ‘ભાઈ, આ લાકડું બહાર કાઢ. જરા જલદી કરજે.’
એણે એ લાકડું બહાર કાઢ્યું. એ લાકડાના સાચવીને બે ભાગ કરાવ્યા તો એમાંથી એક નાગ નીકળ્યો. ગરમીના કારણે આકળવિકળ થયેલો નાગ અંતિમ શ્વાસ લઇ રહ્યો હતો. જીવ નાનો હોય કે મોટો, તેનો અંતિમ સમય સાચવવો ઘણો અગત્યનો હોય છે. શાસ્ત્રો એવું કહે છે, ‘અંતિમ સમયની તમારી મન:સ્થિતિ જેવી હોય એવી તમારી ગતિ થાય.’
પાર્શ્વકુમાર આનો વિચાર કરીને તરત જ સાપની પાસે જાય છે ને એને નવકાર મંત્ર સંભળાવે છે. પાર્શ્વકુમારના સદબોધ અને નવકાર શ્રવણના કારણે પેલો નાગ મરીને ધરણેન્દ્ર યક્ષરાજ થાય છે.
આમાં એક વાત વિચારણીય છે. સર્પ-નાગ ઘણી જગ્યાએ પોતાનું મહત્ત્વ પ્રસ્થાપિત કરે છે. જાણેઅજાણે પણ.
આજે પણ ઘણાનાં જીવનમાં ક્ષેત્ર દેવના રૂપે કે ગોગા બાપજી રૂપે નાગદેવતાનું સ્વરૂપ પામે છે. જોકે, આપણે તો આમાં માત્ર એટલું જ સમજવાનું છે કે સાપ-નાગની હિંસા આપણાથી થાય નહીં.
એ પછી પાર્શ્વકુમારની ઉંમર જ્યારે ત્રીસ વર્ષની થાય છે ત્યારે એ દીક્ષા લે છે. એમની સાથે એમનાં માતા-પિતા, સાસુ-સસરા અને એમનાં ધર્મપત્ની પ્રભાવતીએ પણ દીક્ષા લીધેલી. એમની સાથે ત્રણસો જણાએ દીક્ષા લીધી હતી. ચોર્યાસી દિવસનો એમનો સાધનાકાળ હતો અને ફાગણ વદ ચોથના દિવસે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું.
અત્યારના સમયમાં પાર્શ્વનાથ ભગવાનની આરાધના સવિશેષ થાય છે. પાર્શ્વનાથ ભગવાનનાં 108 નામ પ્રચલિત છે. બધાં નામની પાછળ કંઈક ને કંઈક ઇતિહાસ છે. જોકે, શાસ્ત્રોમાં 1008 નામ પણ મળે છે.
કેવલજ્ઞાન મળ્યા પછી ભગવાન બને છે. ભગવાનના પ્રથમ સમવસરણમાં ભગવાનના અધિષ્ઠાયકની સ્થાપના થાય છે. એ સમયે આ જ ધરણેન્દ્ર યક્ષ ભગવાનના શાસનના અધિષ્ઠાયક બને છે.
પાર્શ્વનાથ ભગવાનની આરાધના કરનારાઓની સમસ્યાઓનું સમાધાન કરવામાં આ ધરણેન્દ્ર યક્ષ સહાય કરતા હોય છે.
યાદ કરો, ભગવાને એના અંતિમ સમયે સાંત્વન સાથે બોધ આપેલો એના કારણે એ ભગવાનની સાથે જોડાઈ ગયો. પરસ્પરના એક ભક્ત અને ભગવાનનો સંબંધ બતાવી દીધો જે નાગના ભવિષ્યને બદલનારો બન્યો.
ભગવાન પાર્શ્વનાથના બે જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક સાથે સાથે આવતા હોવાના કારણે આ દિવસોમાં ઘણા બધા જૈનો અને જૈનેતરો પણ ત્રણ દિવસના ઉપવાસ કરે છે. જે ગામનાં દેરાસરોમાં પાર્શ્વનાથ ભગવાન મૂળ નાયક સ્વરૂપે હોય છે. લગભગ એવાં ગામોમાં અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) તપની આરાધના - જાપ વગેરે થતાં હોય છે. કદાચ ઉપવાસ ન થઈ શકે તો ત્રણ દિવસ માત્ર એક ટાઈમ એક આસન ઉપર બેસીને ભોજન કરીને જાપ પણ કરી શકાતા હોય છે. આવી રીતે આરાધના કરીને આપણે પણ આપણું કલ્યાણ કરીએ.

ભગવાન પાર્શ્વનાથનો સંક્ષિપ્ત પરિચય

પિતાઃ અશ્વસેન મહારાજ
માતાઃ વામા દેવી
પત્નીઃ પ્રભાવતી દેવી
ભગવાનનું ચ્યવન કલ્યાણઃ ફાગણ વદ 4 - વારાણસી
જન્મ કલ્યાણકઃ માગશર વદ 10 - વારાણસી
દીક્ષા કલ્યાણકઃ માગશર વદ 11
કેવલજ્ઞાન કલ્યાણકઃ ફાગણ વદ 4
નિર્વાણ કલ્યાણકઃ શ્રાવણ વદ 8 - સમેતશિખર
ભગવાનના પ્રથમ ગણધરઃ શુભ સ્વામી
ભગવાનનું આયુષ્યઃ 100 વર્ષ
---------------


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter