થોડા કલાકો ભારતની આઝાદીના આરંભના, ૧૪ ઓગસ્ટે મધરાતે સમયે કરવટ બદલી હતી

ભાસ્કર મહેતા Thursday 13th August 2020 02:16 EDT
 
 

૧૬મા શતકમાં એક પ્રચંડ શક્તિશાળી, સાંસ્કૃતિક રીતે સુગ્રથિત અને વિશાળ વિકસિત દેશ હતો કે જેનું એ વખતે વિશ્વના વિશાળ વિસ્તાર પર પ્રભુત્વ હતું. આ અરસામાં એક અન્ય અવિકસિત દેશ પણ હતો, જે સામંતશાહી અને ધાર્મિક વાડાઓમાં કેદ થઈને પોતાની અશિક્ષિત અને પ્રમાણમાં દરિદ્ર જનતાને પૂરતું ખાવાનું પણ પૂરું પાડી શકતો નહોતો. આ વિકસિત દેશ એશિયા ખંડમાં આવેલો ભારત હતો અને અવિકસિત દેશ યુરોપ ખંડમાં આવેલ ઇંગ્લેન્ડ હતો. કાળક્રમે આ ક્રમ બદલાયો. બે સૈકા બાદ ઈંગ્લેન્ડ એક શક્તિશાળી રાષ્ટ્ર બનીને વિશ્વનું એક વિશાળ સામ્રાજય બન્યું અને ભારત તેના સામ્રાજ્યનું એક તાબેદાર રાષ્ટ્ર બન્યું હતું.
ફરી એક વખત કાળે કરવટ બદલી. તેણે આ ક્રમને ફરી એક વખત ઉલટાવ્યો, ૧૯૪૭ના ઓગસ્ટ માસની એક રાત્રિએ આ મહાન બ્રિટીશ સામ્રાજ્યના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના બની. બીજા, વિશ્વયુદ્ધમાં વિજેતા બનેલા, કુશળ નેતૃત્વ ધરાવતા અને દુનિયાના મોટા ભાગ પર શાસન કરતા આ મહાન બ્રિટીશ સામ્રાજ્યના ઇતિહાસે ફરી એક વાર પડખું બદલ્યું.
યુદ્ધ કે રક્તરંજિત વિપ્લવ વિના ૧૯૪૭ના ઓગસ્ટ માસની ૧૪મી તારીખે મધ્યરાત્રિના ૧૨ના ટકોરે આ સામ્રાજયમાંથી અલગ થઈને એક સ્વતંત્ર અને સાર્વભૌમ નવોદિત રાષ્ટ્ર ભારતનો જન્મ થયો. લંડનમાં એ વખતે સાંજના ૮.૩૦ વાગ્યા હતા. વિશ્વના અધિક હિસ્સા પર શાસન કરતા આ વિશાળ સામ્રાજયની રાજધાનીના વિશાળ ક્ષિતિજ પરથી બ્રિટીશ સામ્રાજ્યનો સૂરજ ગણતરીના કલાકોમાં કાયમ માટે અસ્ત થવાનો હતો.
નવી દિલ્હીમાં વર્તમાન પાર્લામેન્ટ હાઉસના મધ્યસ્થ ખંડમાં ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ની મધ્યરાત્રિએ ભારતની બંધારણસભા એકત્રિત થઈ હતી. તેના સભ્યો, અન્ય રાજકારણીઓ તથા દેશી રાજ્યોના રાજવીઓ વગેરે તમામ ગણમાન્ય હસ્તીઓ નવોદિત સ્વતંત્ર ભારતના જન્મની ઐતિહાસિક ઘટનાના પ્રત્યક્ષ સાક્ષી તરીકે ઉપસ્થિત હતી. માત્ર બે જ મહત્ત્વની વ્યક્તિ ગેરહાજર હતી. એક હતા મહમ્મદ અલી ઝીણા, જેમની અનુપસ્થિતિ ભારતના ભાગલાની કટુ વાસ્તવિકતા પર મહોર લગાવતી હતી. તે વખતે વિભાજનના પગલે ઉદભવેલા નવોદિત પાકિસ્તાનની ‘આઝાદી’નો જશન કરાચીમાં મનાવી રહ્યા હતા. બીજી મહત્ત્વની વ્યક્તિ હતા મોહનદાસ કરમચંદ ગાંધી. એ વખતે કોમી તોફાનગ્રસ્ત કલકત્તામાં ગાંધીજી એક જર્જરિત મકાનમાં ઘસઘસાટ નિંદ્રાધીન હતા. તત્કાલીન બંગાળમાં નોઆખલી ખાતે હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને તેના પ્રત્યાઘાતરૂપે કલકત્તા તથા અન્યત્ર પ્રસરેલા કોમી હિંસાના દાવાનળને શાંત કરવાનો પ્રયાસ કરવા માટે તેઓ ત્યાં હતા.
ભારતને વિભાજિત કરે એવી લોહી ટપકતી સ્વતંત્રતા ગાંધીજીને અસ્વીકાર્ય હતી. જ્યારે ૨૦ જુલાઈ, ૧૯૪૭એ દેશના વિભાજન સાથેની ભારતની સ્વતંત્રતાની તારીખ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ની વિધિવત્ ઘોષણા એક પ્રકારની અસહાયતા અને ખેદ સાથે સાંભળી ત્યારે નવી દિલ્હીમાં પોતાની પ્રાર્થનાસભામાં મહાત્માજીએ કહ્યું હતું, ‘હું ૧૫મી ઓગસ્ટનો આનંદ નહીં માણી શકું. હું તમને કોઈને છેતરવા માગતો નથી - ભારતના વિભાજનથી હું તમારા સૌના કરતા વધુ દ્રવિત છું... આજે જે સ્વતંત્રતા આપણને મળનાર છે, તેમાં હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના ભવિષ્યના સંઘર્ષનાં બીજ સમાયેલાં છે. (આથી) આપણે રોશની કરીને જશન કઇ રીતે મનાવી શકીએ?’ સ્વાતંત્ર્ય માટેના સંઘર્ષના મુખ્ય સૂત્રધાર જ સ્વતંત્રતાની વૈધિક ઘોષણા સાથે થનાર સત્તાપલટાની ઐતિહાસિક ઘડીએ અનુપસ્થિતિ હતા.
સ્વતંત્રતાના ઇતિહાસનું એ પ્રખ્યાત પ્રવચન આપવા માટે જ્યારે જવાહરલાલ નેહરુ ઊભા થયા ત્યારે સમગ્ર સભાખંડમાં નિરવ શાંતિ વ્યાપી ગઈ. પોતાના આ ઐતિહાસિક પ્રવચનના આરંભમાં નહેરુએ કહ્યું, ‘વર્ષો પહેલાં આપણે નિયતિ સાથેના મિલનનો એક સંકલ્પ / સંકેત (Tryst with destiny) નિર્ધારિત કર્યો હતો. આજે એ સમય આવ્યો છે કે આપણે એ સંકેતને વાસ્તવિકતામાં બદલી રહ્યા છીએ. અત્યારે થોડી વારમાં જ્યારે ઘડિયાળ મધ્યરાત્રિના ટકોરા મારશે અને જ્યારે સમગ્ર વિશ્વ નિંદ્રામાં હશે ત્યારે, ભારત એક મુક્ત અને સ્વતંત્ર જીવન માટે જાગૃત થશે.’
થોડી જ વારમાં ઘડિયાળે મધ્યરાત્રિના ટકોરા માર્યા અને આ ઐતિહાસિક ક્ષણે નવોદિત રાષ્ટ્રનો જન્મ થયો. જવાહરલાલ નેહરુ આ નવોદિત રાષ્ટ્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા. અચાનક આ જ સમયે સભાગૃહમાં એક અણધાર્યો પ્રચંડ અવાજ સંભળાયો. આ અવિસ્મરણીય ક્ષણે સભાના એક હિન્દુ સભ્ય આનંદના અતિરેક સાથે શંખનાદ દ્વારા ઇશ્વરની સ્તુતિ કરી રહ્યા હતા. આ અણધારી ઘટનાથી નેહરુ જરાય વિસ્મિત કે વિચલિત ન થયા. પરંતુ ત્યાં ઉપસ્થિત મિલ્ડ્રેડ ટાલ્બોટ નામના એક પત્રકારે નોંધ્યું હતું તેમ, ‘નેહરુ પોતાના હાથથી મુખ ઢાંકીને પોતાનું સ્મિત સંતાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.’
જોકે આ સમય રાષ્ટ્રપ્રેમી નેતાઓ તેમજ દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણની પણ આહૂતિ આપનારા નામી - અનામી તમામ લોકોના જીવનભરના સંઘર્ષની સંતોષપ્રદ પૂર્ણાહૂતિ જેવો હતો, છતાં નેહરુ અંતરમાં અત્યંત ચિંતિત અને ગમગીન હતા.
થોડા જ સમય પહેલાં તેના પર હવે પાકિસ્તાનમાં સમાવિષ્ટ થયેલા લાહોરથી આવેલા એક ટેલિફોન અનુસાર, લાહોરમાં મુસલમાનોના શીખો પરના આક્રમણના પ્રતિકારના પરિણામે બંને કોમ વચ્ચે કોમી હિંસા ભડકી ઊઠી હતી અને હિંસાની આ ભયાનક જ્વાળા વ્યાપક પ્રમાણમાં સર્વત્ર ફેલાઈ જવાની દહેશત હતી. નવોદિત રાષ્ટ્રના નવોદિત વડા પ્રધાનના કાર્યકાળનો આરંભ કોમી સંઘર્ષ અને હિંસાના દારુણ દાવાનળને શાંત કરવાની વિકટ સમસ્યાથી થયો હતો. કારણ કે લાહોરની આ ચિનગારીની આગ રક્તપાત અને સાર્વત્રિક વિનાશરૂપે સમગ્ર ભારતીય ઉપખંડમાં પ્રસરી જવાની હતી; કમનસીબે આખરે આમ જ બન્યું.
દિલ્હીના માર્ગો પરથી પસાર થઈ રહેલા નેહરુનું ઠેર ઠેર અભિવાદન કરવામાં આવતું હતું. મંદિરોના ઘંટારવ, લાખો નાગરિકોના સહર્ષ ચિત્કાર તેમજ રોશની અને આતશબાજીથી દિલ્હી ઝળહળી ઊઠ્યું હતું. લાખોની મેદનીમાં મુશ્કેલીથી માર્ગ કાઢતા કાઢતા નેહરુ તથા બંધારણ સભાના નેતા બાબુ રાજેન્દ્રપ્રસાદ અંતિમ બ્રિટીશ વાઇસરોય અર્લ માઉન્ટબેટન ઓફ બર્માના કિંગ્સ્વે પરના નિવાસસ્થાને (હાલનું રાષ્ટ્રપતિભવન) પહોંચ્યા. માઉન્ટબેટન તથા તેમનાં પત્ની કાઉન્ટેસ એડવિનાએ સ્વાભાવિક રીતે જ આ ઉજવણીથી અંતર જાળવ્યું હતું. વાઇસરોય તરીકેના છેલ્લા ગણતરીના કલાકોમાં તેઓએ Bob Hopeનું ચલચિત્ર My favourite Brunette જોયું.
બરાબર ૧૧.૫૮ કલાકે બ્રિટીશ સરકારના સર્વસત્તાધીશ વાઇસરોય તરીકે છેલ્લી બે મિનિટ બાકી હતી ત્યારે માઉન્ટબેટને એક અંતિમ અધિકૃત આદેશ પર હસ્તાક્ષર કર્યાં. જેના થકી તેમણે પાલનપુરના નવાબનાં ઓસ્ટ્રેલિયન બેગમને ‘Her Highness’નો અધિકૃત દરજ્જો આપીને છેક છેલ્લી ક્ષણ સુધી King Maker તરીકે રહેવાના પોતાના જન્મસિદ્ધ અધિકારનો સિલસિલો ચાલુ રાખ્યો.
બાબુ રાજેન્દ્રપ્રસાદ અને પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ થવા માટે માઉન્ટબેટનને વિધિસર આમંત્રણ આપ્યું, જે તેમણે સહર્ષ સ્વીકાર્યું. જગતના ઇતિહાસમાં આવી અન્ય ઘટનાનો જોટો જોવા મળતો નથી કે જ્યારે કોઈ નવા સ્વતંત્ર રાષ્ટ્ર તરફથી પોતાના દોઢ સૈકા સુધી ગુલામીની બેડીમાં જકડી રાખનાર સામ્રાજ્યના જ હાકેમને નવોદિત રાષ્ટ્રના સર્વોચ્ચ સ્થાન પર સ્વેચ્છાથી આરુઢ કરવામાં આવેલ હોય!
બીજા દિવસના (૧૫ ઓગસ્ટ)ના પ્રભાતના સૂર્યના સિંદુરી પ્રકાશમાં ભારતવાસીઓએ દિલ્હીના લાલ કિલ્લે બ્રિટનના યુનિયન જેકના સ્થાને ભારતીય તિરંગો લહેરાતો જોયો. વિરાટની ઉષા ઉગી હતી. (લેખક ભૂતપૂર્વ પ્રોફેસર અને જાણીતા શિક્ષણશાસ્ત્રી છે) (સૌજન્યઃ ‘નવગુજરાત સમય’)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter