દશેરા એટલે ભક્તિ અને શક્તિનું પવિત્ર મિલન

Wednesday 24th September 2025 08:55 EDT
 
 

પ્રભુ રામચંદ્રના સમયથી વિજયાદશમીનો દિવસ વિજયપ્રસ્થાનનું પ્રતીક બન્યો છે. ભગવાન શ્રી રામચંદ્રે રાવણને માત કરવા આ જ દિવસે પ્રસ્થાન કર્યું હતું. છત્રપતિ શિવાજીએ પણ ઔરંગઝેબને ઝબ્બે કરવા આ જ દિવસે પ્રસ્થાન કરી હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું હતું. ‘જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે તેમ જ જ્યાં ધનુર્ધર પાર્થ છે ત્યાં જ વિજય છે, લક્ષ્મી છે, કલ્યાણ છે તેમ જ શાશ્વત નીતિ છે એવો મારો મત છે’ એમ મહર્ષિ વ્યાસ ગીતાના અંતિમ શ્લોકમાં કહે છે. યોગેશ્વર કૃષ્ણ એટલે ઈશકૃપા અને ધનુર્ધર પાર્થ એટલે માનવ-પ્રયત્ન. આ બન્નેનો જ્યાં સુયોગ સધાય ત્યાં શું અસંભવિત રહે? ચડતો માનવ-પ્રયત્ન અને અવતરતી ઈશકૃપાનું મિલન જ્યાં સર્જાય ત્યાં વિજયનો જ ઘંટનાદ સંભળાય એ નિર્વિવાદ ઘટના છે.

દશેરાનો ઉત્સવ એટલે ભક્તિ અને શક્તિનું સમન્વય સમજાવતો ઉત્સવ. નવરાત્રિના નવ દિવસ જગદંબાની ઉપાસના કરી શક્તિ પ્રાપ્ત કરેલો મનુષ્ય વિજયપ્રાપ્તિ માટે થનગની ઊઠે એ તદ્દન સ્વાભાવિક છે. આ રીતે જોતાં દશેરાનો ઉત્સવ એટલે વિજયપ્રસ્થાનનો ઉત્સવ.
ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે, શૌર્યની ઉપાસક છે. વ્યક્તિ તેમ જ સમાજના લોહીમાં વીરતા પ્રગટે એ માટે તેણે દશેરાનો ઉત્સવ રાખ્યો. જો યુદ્ધ અનિવાર્ય જ હોય તો શત્રુના હુમલાની રાહ જોયા વગર તેના ઉપર ચડાઈ કરી તેનો પરાભવ કરવો એ કુશળ રાજનીતિ છે. શત્રુ આપણે ત્યાં ઘૂસણખોરી કરે, લૂંટફાટ કરે ત્યાર પછી લડવાની તૈયારી કરે એવા આપણા પૂર્વજો નામર્દ નહોતા. એ તો શત્રુની બદદાનત કળી જઈ તેમના સીમાડા પર જ ત્રાટકી પડતા. રોગ અને શત્રુને ઊગતાં જ ડામવા જોઈએ, એક વાર જો એમનો પગપેસારો થઈ ગયો તો પછી એમના પર કાબૂ મેળવવો મુશ્કેલ બને છે. પ્રભુ રામચંદ્રના સમયથી જ આ દિવસ વિજયપ્રસ્થાનનું પ્રતીક બન્યો છે. આપણા ઇતિહાસમાં આવા અનેક દાખલા છે કે જ્યારે હિન્દુ રાજાઓ આ દિવસે વિજયપ્રસ્થાન કરતા હતા.
વર્ષાની કૃપાથી માનવ ધનધાન્યથી સમૃદ્ધ બન્યો હોય, તેના મનનો આનંદ માતો ન હોય, નસેનસમાં ઉત્સાહના ફુવારા ઊછળતા હોય ત્યારે તેને વિજયપ્રસ્થાન કરવાનું મન થાય એ સ્વાભાવિક છે. વળી વરસાદ ચાલ્યો ગયો હોવાથી રસ્તા પરનો કાદવ સુકાઈ ગયો હોય, હવામાન અનુકૂળ હોય, આકાશ સ્વચ્છ હોય એવું વાતાવરણ યુદ્ધમાં સાનુકૂળતા સર્જનારું ગણાય. નવ-નવ દિવસ જગદંબાની ઉપાસના કરી મેળવેલી શક્તિ પણ શત્રુનો સંહાર કરવા પ્રેરતી હોય છે.
રઘુરાજાને પણ સીમોલ્લંઘન કરવાનો પ્રસંગ આવ્યો હતો. રઘુરાજાને ત્યાં વરતંતુનો શિષ્ય કૌત્સ આશ્રમ માટે ગુરુદક્ષિણાના રૂપમાં 14 કરોડ સોનામહોર લેવા આવ્યો. સર્વ દક્ષિણાદાન આપી શરદના મેઘની જેમ રઘુરાજા ખાલી થઈ ગયા હતા. રઘુરાજાને લાગ્યું કે વેદવિદ્યા વ્રતસ્નાતક ગુરુદક્ષિણા માટે આવે અને ખાલી હાથે મારે આંગણેથી પાછા ફરે તો - તો મારી સાત પેઢી લાજે, એ અપયશ હું નહીં લઉં.
રઘુએ કુબેર, જે હંમેશાં ધન સંગ્રહીને જ બેઠો છે તેને સીમોલ્લંઘનનું ‘અલ્ટિમેટમ’ આપ્યું. ગભરાઈને કુબેરે શમી વૃક્ષ પર સોનામહોરોનો વરસાદ વરસાવ્યો. શમી વૃક્ષે વૈભવ આપ્યો તેથી એનું પૂજન થવા લાગ્યું. પાંડવોએ પોતાનાં દિવ્ય અસ્ત્રો શમી વૃક્ષ પર સંતાડી રાખ્યાં હતાં તેથી પણ એનું માહાત્મ્ય વધ્યું.
રઘુએ શમી વૃક્ષ પર વર્ષારૂપે પડેલી સોનામહોરો કૌત્સને આપી. 14 કરોડથી વધુ ન લઉં એવો તેણે આગ્રહ રાખ્યો અને તારા નિમિત્તે આવી છે તેથી વધારાની મારી તિજોરીમાં રખાય નહીં એવો આગ્રહ રઘુએ સેવ્યો. વૈભવ ન લેવા માટેનો આગ્રહ કદાચ ભારતમાં જ માત્ર જોવા મળશે. વધેલી સોનામહોરો લોકોમાં લુંટાવી.
સુવર્ણમહોરના પ્રતીક તરીકે જ આજે પણ આપણે શમીપૂજન પછી શમીનાં પાન પરસ્પર એકબીજાને આપીએ છીએ. જે વૈભવ મળ્યો છે એ હું એકલો ભોગવીશ નહીં; આપણે સાથે ભોગવીશું, આપણે વહેંચીને ખાઈશું. કેવો ઉદાત્ત ભાવ!
આજે પણ જડવાદ અને ભોગવાદ માનવવિકાસના અવરોધ શત્રુઓ બનીને બેઠા છે. સાંસ્કૃતિક વીરોએ ઈશ્વરવાદની ગર્જના કરતાં - કરતાં આ શત્રુઓને મારી હટાવવા જોઈએ.
બાહ્ય શત્રુઓની માફક આપણા આંતરશત્રુઓ પણ ઘણા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ માનવમાત્રના ષડ્રિપુ છે. આજના વિજયપ્રસ્થાનના શુભ દિવસે એમની ચાલ ઓળખી લઈએ અને એ આપણા પર હુમલો કરે એ પહેલાં આપણે એમના પર હુમલો કરી આપણી સીમમાં આગળ વધતાં અટકાવીએ.
એ જ રીતે આળસ એ પણ આપણો એક મહાન શત્રુ છે. દૃઢ સંકલ્પથી આપણે એ કાયમના શત્રુ ઉપર કાબૂ મેળવીએ.
આજે નૈતિક મૂલ્યો ભયમાં મુકાયાં છે. ભવ્ય અને મહાન સંસ્કૃતિ મૃત્યુશય્યા પર છેલ્લા શ્વાસ લઈ રહી છે ત્યારે હું ચૂપચાપ કેમ બેસી શકું? વધતી જતી આસુરી વૃત્તિને યથાશક્તિ ખાળવા પ્રયત્ન કરીશ. યોગેશ્વર મારી જોડે છે. મારામાં રહેલું સર્વ સામર્થ્ય શત્રુને ડામવામાં ખર્ચી નાખીશ અને પાછો ફરીશ તો જયમાળા પહેરીને જ આવીશ. આ દૃઢ સંકલ્પ સાથે રણે ચડવાનો દિવસ એટલે દશેરાનો દિવસ!
ટૂંકમાં દશેરાનો દિવસ એટલે સમાજમાં રહેલી દીન, હિન, લાચાર તેમજ ભોગની વૃત્તિને સંહારવા કટિબદ્ધ થવાનો દિવસ. ધન અને વૈભવને વહેંચીને ભોગવવાનો દિવસ. બાહ્ય શત્રુની સાથે-સાથે અંદર બેઠેલા ષડ્રિપુ પર વિજય મેળવવા કૃતનિશ્ચયી બનવાનો દિવસ. દશેરા એટલે વીરતાનો વૈભવ, શૌર્યનો શૃંગાર અને પરાક્રમની પૂજા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter