માનવીને પ્રકાશના પર્વની જરૂર પડે. તે વિવિધ પ્રકારના અંધકારમાં જીવન વ્યતિત કરતો રહે છે. આ અંધકાર અજ્ઞાન સ્વરૂપે હોય કે અધર્મ સ્વરૂપે કે અસત્ય સ્વરૂપે, આ બધાથી દૂર જઈ જ્ઞાન, ધર્મ અને સત્ય તરફ પ્રયાણ કરવા માટે પ્રોત્સાહક બળરૂપે દિવાળીના ઉત્સવની જરૂર જણાય. કામ-ક્રોધ-લોભ-મોહ અને અહંકાર જેવા દુશ્મનો પણ માનવીને અંધકારમાં રાખવાનો પ્રયત્ન કરે. આની સામે સાત્વિકતાની તથા આધ્યાત્મિકતાની જ્યોતની જરૂર રહે. દિવાળીનું પર્વ આ બધી બાબતોને પ્રતિકાત્મક રીતે તો રજૂ કરે જ પણ સાથે સાથે વાસ્તવિકતામાં પણ પ્રકાશનું મહત્ત્વ સમજાવે. અમાસની અંધારી રાતે એક નાનકડી પ્રકાશિત દીવડી શું કરી શકે તે દિવાળીના પર્વથી પ્રત્યક્ષ અનુભવી શકાય.
જન્મ એટલે જ અંધકારની હયાતી છે તેની સાબિતી. જન્મ એટલે જ હજી સુધી બધા જ સમીકરણો વ્યવસ્થિત રીતે પૂર્ણ નથી થયા તે દર્શાવતું અસ્તિત્વ. જન્મ એટલે જ હજુ સુધી બાકી રહેલા કર્મ ફળોને ભોગવવાનું સ્થળ. આ બધી જ પરિસ્થિતિથી ઉપર ઉઠવા પ્રકાશની જરૂર છે. માનવી માટે દિવાળીનું પર્વ એક તક છે પણ દેવતાઓ માટે દેવદિવાળીના પર્વનું શું આવું કોઈ મહત્ત્વ હોય?!
વાત મજાની છે. એક સંભાવના એ છે કે દેવતાઓ સાથે તાદાત્મ્યતા ત્યારે વધુ સારી રીતે સ્થાપિત શકાય જ્યારે આપણે તેમને આપણામાંના એક અથવા આપણા સમાન માનીએ. સમાનતાનું ધોરણ સ્થપાયા પછી વાર્તાલાપ વધુ સારી રીતે સ્થાપિત થઈ શકે. જો કોઈ અસ્તિત્વ આપણા સમાન હોય તો તેની સાથે ભાવાત્મક સંબંધ વધુ દૃઢ બની શકે. જ્યારે દેવતાઓને આપણા સમાન ગણવામાં આવે ત્યારે આ સંભવિત અંતર લુપ્ત થતું જણાય. જો સમાનતાનો ભાવ સ્થાપવામાં આવે તો સ્વાભાવિક છે કે દેવતાઓ પણ દિવાળી ઉજવે - મોટી દિવાળી ઉજવે.
શ્રીકૃષ્ણને મધુરતા સ્થાપવા માટે રાસ રમવાની જરૂર જ ન હતી. માનવજાત સાથે એક પ્રકારનો દૃઢ સંબંધ બાંધવા માટે રાસ જરૂરી હતો. ભીષ્મનો પ્રતિકાર કરવા સુદર્શન ચક્ર કાયમી સાથે હોવા છતાં શ્રીકૃષ્ણએ રથના પૈડાંનો હથિયાર તરીકે ઉપયોગ કરવા ચાહ્યો હતો. મહાદેવને ત્રિપુરાનો નાશ કરવા માટે કોઈપણ પ્રકારના આડંબર ની જરૂર ન હતી, છતાં પણ સામાન્ય માનવીની જરૂરિયાત હોય તે પ્રમાણેના સાધનો એકત્રિત કરી પોતાની લીલા દર્શાવી. શ્રીરામે પણ રાવણના વધ માટે માનવીય ક્રિયાનો સહારો લીધો હતો. દેવતાઓ પણ એવું સ્થાપવા માંગે છે કે ‘હું તમારી જેવો જ છું’ અને તમે જે કરો તે પ્રમાણે હું પણ કાર્યરત થવું છું. તો પછી દેવતાઓ પણ દિવાળી ઉજવે.
માનવી દેવતાઓને પોતાનાથી ઉચ્ચ સમજે જ છે. મનોવૈજ્ઞાનિક રીતે એમ કહેવાય કે માનવી પોતાની જે પ્રમાણેની ક્ષમતા સમજી શક્યો છે તેના કરતાં વધુ ક્ષમતા દેવ પાસે હોય એમ તે માનતો હશે. પોતાના ચૈતન્યના સ્વરૂપ કરતાં દેવનું ચૈતન્ય વધુ અર્થપૂર્ણ હશે. આપણે એક દીવાથી દિવાળી મનાવતા હોઈશું તો દેવતાઓ હજાર દીવાથી દિવાળી મનાવતા હશે. દિવાળીના પર્વમાં આપણે અમુક પ્રમાણમાપમાં ઉત્સવ મનાવતા હોઈશું તો દેવતાઓ તેના કરતા અનેકગણાં પ્રમાણમાપમાં આવો ઉત્સવ મનાવતા હશે. અંતે તો તેઓ પણ પોતાની દિવાળી મનાવતા હશે.
પ્રશ્ન એ છે કે દેવદિવાળી આવે છે તો દેવ-મકરસંક્રાંતિ કે દેવ-હોળીધૂળેટી કેમ નથી આવતાં? સામાન્ય તર્ક એમ કહે કે દિવાળી એ સનાતન ધર્મનો સૌથી અગત્યનો તહેવાર છે. આ તહેવાર થકી જ અંધકારનો નાશ થાય છે અને પ્રકાશની સંભાવનાઓ પ્રગટે છે. બીજા કોઈ પણ તહેવારનું દિવાળીના પર્વ જેટલું મહત્ત્વ નથી. તેથી જ દેવતાઓને સૌથી મહત્ત્વના પર્વ સાથે જોડવાનો પ્રયત્ન કરાયો હશે.
એક રીતે જોવા જઈએ તો દિવાળીના દિવસે શ્રીરામ અયોધ્યા પરત પધાર્યા હતા. દિવાળીનું પર્વ ઉજવવાનું આ એક અગત્યનું કારણ છે. સ્વર્ગમાં જઈને પણ કદાચ તેમણે આ પ્રકારના ઉત્સવની પરંપરા ચાલુ રાખી હોઈ શકે. પોતાનું માનવજાત સાથેનું સમીકરણ કાયમ રાખવા આ પ્રકારની પરંપરા ચાલુ રખાઈ હોય. પૌરાણિક ગાથા તો ઘણી છે. અહીં સામાન્ય વ્યક્તિની સામાન્ય સમજ પ્રમાણે વાત કરવાનો પ્રયત્ન થાય છે.
નાના બાળકો પોતાના જન્મદિવસે જે ચોકલેટ ખાય તે જ ચોકલેટ દાદાનો જન્મદિવસ હોય ત્યારે લઈ આવે. આ દિવસે પોતે જે કરતો હોય તે પ્રકારની અપેક્ષા દાદા પાસે રાખે. ક્યારેક એમ પણ બને કે દાદા સમક્ષ ન હોય તો પણ તેમના નામની ચોકલેટ ખરીદવામાં આવે અને ભગવાન સમક્ષ એક દીવો પ્રગટાવવામાં આવે. આવું જ કંઈક માનવ અને દેવતા વચ્ચેના સંબંધ માટે પણ કહી શકાય. જેમ દાદાને ચોકલેટ આપવી જરૂરી ગણાય તેમ દેવતાઓ સાથે એક આગવા પ્રકાશના પર્વની ઉજવણી જરૂરી ગણાય.
તર્ક ગમે તે હોય, અગત્યનું એ છે કે દેવતા સાથે - ઈશ્વર સાથે વધુ અને દૃઢ જોડાણ અનુભવવું. દિવાળીના પર્વમાં અનુભવાતો જીવનનો એક શ્રેષ્ઠ સમયની પ્રતીતિ દેવને પણ કરાવવી. આપણી પાસે જે કંઈ શ્રેષ્ઠ છે તે દેવને ધરાવવું. બાકી દેવતા સામે અન્નકૂટનું શું મહત્ત્વ છે? દિવાળીના તહેવારમાં માનવી જે પ્રકારની ઉત્સવીયતા માણે છે તેમ દેવતા પણ માણે જ ને!


