નમો નમો હે પુરુષોત્તમરાય, શરણે લો...

પુરુષોત્તમ માસ (આ વર્ષે પ્રારંભ 17મે)

Wednesday 13th May 2026 06:56 EDT
 
 

અધિક જેઠ સુદ એકમ (આ વર્ષે 17 મે)થી આરંભાતા ‘અધિક આસો’ના અધિષ્ઠાતા ભગવાન પુરુષોત્તમને આપણે ભાવભીના નમન કરીએ: નમસ્તે પુંડરીકાક્ષ, નમસ્તે પુરુષોત્તમ, નમસ્તે સર્વલોકાત્મને, નમસ્તે તિગ્મચક્રિણે... આ શ્લોકનો અર્થ છેઃ કમલનયન નમસ્કાર! હે પુરુષોત્તમ, નમસ્કાર, હે સર્વ લોકોના આત્મા, હે તીક્ષ્ણ ચક્રધારી! તમને નમસ્કાર...

‘મલમાસ’ બન્યો ‘પવિત્ર પુરુષોત્તમ માસ’

અધિક માસ સહુ કોઇને ભગવાન વાસુદેવના શરણે જવાનો બોધ આપે છે. અધિક માસ એટલે દર ત્રણ વર્ષે ખગોળશાસ્ત્રીય કાળગણના પ્રમાણે આવતો વધારાનો માસ. પૌરાણિક કથા અને માન્યતા પ્રમાણે દરેક માસનું નામ હોય છે, પણ મલમાસના કોઈ દેવ નહોતા. તેથી નામ અને દેવ વિનાના આવા તેરમા ‘અધિક’નો સર્વત્ર તિરસ્કાર થવા લાગ્યો. આ માસમાં સૂર્યની સંક્રાંતિ થતી નથી. તેથી લોકો તેને મલિનતા અને કાળાશથી ભરેલ ‘મલમાસ’ કહીને તેને હડધૂત કરવા લાગ્યા. આવો માસ શુભ કર્મો માટે પણ વર્જિત ગણાયો. આવી ઉપેક્ષિત દયાપાત્ર સ્થિતિમાં તે અધિક માસ નારાયણ વિષ્ણુ કે વાસુદેવ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણને શરણે જઈને કરગરી પડે છે. પોતાનું નામકરણ કરવા ભગવાનને પ્રાર્થના કરે છે. શ્રીકૃષ્ણ તેને શરણમાં લે છે અને વરદાન આપતાં કહ્યું: ‘હે અધિક! તું પણ કાળદેવતા છે, આજથી તને મારું નામ આપું છું. હવે તું ‘પુરુષોત્તમ માસ’ તરીકે ઓળખાઇશ. તું વિશેષ પવિત્ર માસ તરીકે ઓળખાઈશ અને તારા સમયમાં જે કોઈ સ્નાન-દાન-પુણ્ય-ઉપવાસ-જપ-પૂજન કરશે, તેનું સૌથી અધિક ફળ મળશે.

લક્ષ્મી-નારાયણ: જરા કહો તો લક્ષ્મીજી અને અમૃત કોને ન ગમે?! બંનેની પ્રાપ્તિ માટે દેવો અને દાનવોએ સમુદ્રનું મંથન કર્યું, તો લક્ષ્મીદેવી પ્રગટ થયાં. લક્ષ્મી કોને પસંદ ન હોય? લક્ષ્મી મેળલવા સૌ તલપાપડ થયા, પરંતુ લક્ષ્મીએ તો વિષ્ણુમાં ગુણિયલ પુરુષોત્તમના દર્શન કરીને, વરમાળા એમના ગળામાં આરોપી દીધી! લક્ષ્મી તો ગુણીજનોને વરે છે, એ હંમેશા યાદ રાખવા જેવું છે, સમુદ્રનું મંથન કરતાં કરતાં અંતે એમાંથી હાથમાં ‘અમૃતકુંભ’ લઈને ભગવાન ધન્વંતરી પ્રગટ થયા. આ અમૃતકુંભ તેમના હાથમાંથી ઝૂંટવી લેવા દેવ-દાનવોમાં ઝપાઝપી થઈ, પરંતુ ભગવાન વિષ્ણુએ તો મોહિની સ્વરૂપ ધારણ કરી દાનવોને મોહિત કરી નાખ્યા ને બધું અમૃત દેવોને પાઈ દીધું. દેવો અમર થઈ ગયા. લક્ષ્મી અને અમૃત મેળવવા દાનવ જેવા નહીં, દેવ જેવા થવું પડે.

પુરુષોત્તમ માસ માહાત્મ્ય

વ્રત-ઉપવાસ-સ્નાન-દાન વગેરે સાત્ત્વિક કર્મો દ્વારા જીવનને સંસ્કારવાનો મહિનો એટલે ભગવાન પુરુષોત્તમને પ્રાણ પ્યારો એવો અધિક માસ. ‘પદ્મપુરાણ’માં મહર્ષિ નારદ રાજા અંબરિષને અધિક માસનું માહાત્મ્ય સંભળાવે છે. જે શ્રદ્ધા-ભક્તિપૂર્વક ધ્યાન-પૂજન કરતાં કરતાં પુરુષોત્તમ-માસનું સેવન કરે, તે ઇચ્છીત ફળ પ્રાપ્ત કરે છે. ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયનું નામ ‘પુરુષોત્તમ યોગ’ આપ્યું છે. પુરુષોત્તમ યોગ એટલે ભગવાન પુરુષોત્તમના મન-હૃદય જોડીને, એમાં કેન્દ્રિત કરીને, એ પરમ તત્ત્વ પુરુષોત્તમ સાથે એકરૂપ થવું, તેમાં તલ્લીન થવું. અધિકમાં વિષ્ણુપ્રિયા તુલસીનાં પણ દર્શન-પૂજન કરીએ. ભગવાન પુરુષોત્તમ શ્રી હરિ-વિષ્ણુએ તુલસીને હૃદયેશ્વરી રૂપ સ્વીકાર્યાં, તે ‘વિષ્ણુપ્રિયા’ તરીકે ઓળખાયાં. ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરનાર ગરૂડધ્વજ ભગવાન પુરુષોત્તમ તો પ્રકૃતિના પૂજારી છે. આ સંદર્ભમાં જ આપણાં પુરાણોમાં અધિક માસમાં વાવ, કૂવા, તળાવ જેવાં જળાશયો બાંધવાનો, પંખીઓ અને વટેમાર્ગુઓ માટે પરબડીઓ બાંધવાનો તેમજ વૃક્ષારોપણ, અન્નદાન, વૃક્ષદાન, ગૌદાન વગેરેનો મહિમા ગવાયો છે. આવાં સત્કર્મ કરનાર ભક્તને ભગવાન હૈયે ચાંપે છે. અધિકમાં તો ભાગવતાદિ ધર્મગ્રંથોનો સ્વાધ્યાય પણ અધિક કરવાનો હોય.

અધિક માસનાં વ્રત અને કથાઓ

ભવિષ્યપુરાણમાં અધિક માસનાં કેટલાંક વ્રત સમજાવ્યાં છે. ‘અધિક’માં કયું વ્રત કરવું’ એવા લક્ષ્મીજીના પ્રશ્નના ઉત્તરમાં શ્રીકૃષ્ણ કહે છે: અધિકમાં મને ઉદ્દેશી વ્રત કરવું, તે સમયનું મારું નામ ‘પુરુષોત્તમ’ છે. આ માસમાં પ્રતિદિન પ્રાત: કાળે ઊઠી, વાસુદેવના સ્મરણ સાથે ઉપવાસ-એકટાણું કરવું. લક્ષ્મી-નારાયણની સ્થાપના કરી પૂજા કરવી. નૈવેદ્ય અર્પણ કરવું, સ્તુતિ કરવી. અધિકમાં કરાયેલ સ્નાન, દાન, હોમ, પૂજા વગેરે સઘળું અક્ષય થાય છે. આવું જ બીજું એક વ્રત માર્કણ્ડેય ઋષિ યુધિષ્ઠિરને સમજાવે છે. એમાં કહ્યું છે કે, અધિક માસમાં સંધ્યોપાસના, તર્પણ, દાન વગેરે નિત્યકર્મો કરવાં, પરંતુ ગૃહપ્રવેશ, વાસ્તુ, લગ્ન, જનોઈ, પ્રતિષ્ઠા જેવાં માંગલિક કાર્યો ન કરવાં.

વેદપરાયણ અને વિષ્ણુભક્ત વિપ્ર કૌશિકે નારદના કહેવાથી અધિકનું વ્રત કરીને પોતાના દુર્ગુણી અને દુરાચારી પુત્રને નરકની યાતનામાંથી બચાવ્યો, એવી એક પૌરાણિક કથા છે.
બીજી એક પુરુષોત્તમ - માસની કથા પ્રમાણે, નિ:સંતાન બ્રાહ્મણ દંપતિ પોતાનો પુત્ર કાશીએ ભણવા ગયો છે એવું કહીને એક ‘પુત્રવધૂ’ ઘરમાં લાવ્યા! અધિક માસમાં અપૂર્વ ભક્તિભાવથી પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી ભગવાન પુરુષોત્તમ સ્વયં પુત્ર રૂપે તે ઘરમાં પ્રગટ થયા!
અધિક માસની બંને એકાદશીઓમાં લક્ષ્મીજીનો મહિમા ગવાયો છે. તેથી આ બંને કમલા (પદ્મિની) એકાદશી કહેવાય છે. શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કમલા એકાદશીનું વ્રત સંભળાવેલ હતું. આ દિવસોએ પણ લક્ષ્મી-નારાયણનું પૂજન કરવું, ઉપવાસ-વ્રત કરવાં અને પુરુષોત્તમ માસની કથા સાંભળવી.
ભગવાન પુરુષોત્તમ તો નિત્ય ‘અક્ષર’ (જેનો ક્ષય ન થાય તે) અને ‘અજ’ (જેનો જન્મ ન થાય તે) છે, બ્રહ્મસ્વરૂપ છે, છતાં ‘પુરુષોત્તમ’ રૂપે મનુષ્યોમાં પ્રગટ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter