નવરાત્રિઃ આદ્યશક્તિના નવ સ્વરૂપની આરાધનાનું પર્વ

Tuesday 05th October 2021 05:38 EDT
 
 

નવરાત્રિ એટલે માતા નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાનું મહાપર્વ. આવો નવલા નોરતે આપણે જાણીએ ક્યા નોરતે ક્યા માતાજીનું વિશેષ પૂજન અર્ચન થાય છે...

• પહેલું નોરતું - શૈલ પુત્રી સ્વરૂપ: શૈલપુત્રી હિમાલય પુત્રી છે. આ દેવી સર્વત્ર વિદ્યમાન છે. આ સ્વરૂપ એટલે દેવોમાં શ્રેષ્ઠ એવા દક્ષની પૂર્વ જન્મની પુત્રી. નોરતાના પ્રથમ દિવસે આ શૈલપુત્રીના સ્વરૂપને આરાધવાનો પવિત્ર દિન છે. શ્રીમદ્ ભાગવતમાં, બ્રહ્માજીના પ્રશ્નના ઉત્તરમાં દેવી ભગવતી સ્વયં કહે છે કે હું ન નર છું, ન નારી છું અને ન તો કોઇ એવું પ્રાણી, જે નર યા માદા હોય કે કોઇ પણ વસ્તુ કે વ્યક્તિ એવી નથી જેમાં હું વિદ્યમાન ન હોઉ. નારી શક્તિની ભક્તિનું ભાવભર્યુ સ્વરૂપ એટલે પ્રથમ નોરતાના શૈલપુત્રી.

• બીજું નોરતું - બ્રહ્મચારિણી સ્વરૂપ: બ્રહ્મચારિણી માની ઉપાસના થકી તપ, જ્ઞાાન, ભક્તિ ભાવ અને વૈરાગ્યના ઉદય થઇ તેનો વ્યાપ વધે છે. બ્રહ્મચારીનું સ્વરૂપ બહુ રમ્ય, ભવ્ય છે. આ તપના ચારિણી એટલે કે તપના આચરણ કરવાવાળી, તપ વિના તૃપ્ત ન થવાય, કસોટી વિના સોના - સુવર્ણ જેવા ન થવાય એવું દર્શાવતાં મા અણિશુદ્ધ બનવાની પ્રેરણા આપે છે. શાસ્ત્રોમાં બ્રહ્મને તપ પણ કહેવામાં આવેલ છે. સર્જનના દેવતા બ્રહ્મ દ્વારા ઉત્પન્ન કરાવાયેલી સર્જનહારી, અજ્ઞાનના અંધકારને દૂર કરી આત્માને ઉજાળી અજવાળું કરનારી સચ્ચિદાનંદમયી બ્રહ્મને પ્રાપ્ત કરનારી મા એટલે જ બ્રહ્મચારિણી મા.

• ત્રીજું નોરતું - ચંદ્રઘટા સ્વરૂપ: મા અંબાનું ત્રીજુ સ્વરૂપ ચંદ્રઘટાનું છે. તેની આરાધના ત્રીજે નોરતે કરવામાં આવે છે. ચંદ્રઘટામાની સાચા હૃદયથી એક ચિત્તે આરાધના ભક્તને પરાક્રમી અને નિર્ભયી બનાવે છે.

• ચોથું નોરતું - કુષ્માન્ડા સ્વરૂપ: ચોથે નોરતે મા કુષ્માન્ડાના સ્વરૂપની આરાધના કરવાની હોય છે. માતા રોગમુક્તિ, દુ:ખમુક્તિ, શોકમુક્તિ, ભયમુક્તિ કરાવે છે અને આનંદ અર્પણ કરે છે. માનું આ સ્વરૂપ આહલાદક મનોહર છે. મા તો હંમેશા મલકતા મુખડે જોવા મળે છે.
• પાંચમું નોરતું - સ્કંદમાતા સ્વરૂપ: નવદુર્ગા અંબામાનું આ પાંચમું સ્વરૂપ છે, જે આપણી માતા છે અને તે આપણને પોતાનું સંતાન ગણી આપણું કલ્યાણ અને ઉર્ધ્વગતિ કરનારી છે. એ જીવનદાતા, ભાગ્યદાતા, વિધાતારૂપે માતૃત્વ શક્તિને ઉજાગર કરે છે. માતા ભગવતી દ્વારા અવતાર પામનાર ભગવાન કાર્તિકેયનું બીજું નામ સ્કંદ છે. આથી આ મૈયા સ્કંદમાતા તરીકે પ્રસિદ્ધ છે. સ્કંદકુમાર એટલે કે સનતકુમાર દેવ - અસુરના સંગ્રામમાં દેવોના સેનાપતિ હતા. પુરાણોમાં એમને શક્તિધર કહી તેમની મહત્તા અને મહિમા ગાવામાં આવી છે. એમનું વાહન મોર છે. આવા સપુતની માતા સ્કંદમાતા પણ મહાશક્તિશાળી જ હોય એવી આ માતા-પિતાના પુત્રને પોતાના ખોળામાં વહાલથી બેસાડી રહી છે. આ સ્કંદમાતાનું રૂપ સૌમ્ય, નવલું, નમણું છે. એ પુત્રદાયી છે.
• છઠ્ઠું નોરતું - કાત્યાયનીમાતા સ્વરૂપ: મા દુર્ગા અંબાનું આ છઠ્ઠું સ્વરૂપ છે. જેની આરાધના - સાધના છઠ્ઠે નોરતે કરવાથી રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થાય. દેવો, ઋષિઓ, મહર્ષિઓના કાર્યો સિધ્ધ કરવા વિશે આ માએ અવતરણ કર્યું છે. આ સર્વ મંગલમય કરનારું સ્વરૂપ કાત્યાયની માતાનું છે. મહિષાસુરના મહાઆતંક - અત્યાચારથી ત્રાહિમામ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે આ અસુરોનો ધ્વંશ કરવા પોતાના તેજોઅંશ એકત્રિત કરીને એક મહાશક્તિનું અવતરણ કરાવ્યું અને એ સાથે અન્ય અસુરોને હણવા દરેક દેવોના અંશમાંથી અવતરિત એવી મહાશક્તિની પૂજા - આરાધના. સર્વપ્રથમ પૂજા મહર્ષિ કાત્યાયનીએ કરી હતી અને આ મા મહર્ષિ કાત્યાયની પુત્રીરૂપે હોવાથી તેને કાત્યાયની કહેવામાં આવે છે.

• સાતમું નોરતું - કાલરાત્રીનું સ્વરૂપ: સાતમા નોરતે મા દુર્ગાનું કાલરાત્રી સ્વરૂપ રૂદ્ર - ભયાનક સ્વરૂપ છે. છતાં એ અસુરોના સંહાર અર્થે છે. એ રાત્રીની દેવી છે. માર્કન્ડેય પુરાણખંડ ૮૧-૯૩માં દુર્ગા સપ્તસતીમાં કાલરાત્રીની કથા છે. તે ઉપરાંત સ્કંદપુરાણમાં શિવ-પાર્વતી (કાલરાત્રી) તરીકે કથા છે.
• આઠમું નોરતું - મહાગૌરી સ્વરૂપ: આઠમે નોરતે માના મહાગૌરી સ્વરૂપની આરાધના - પૂજા - સાધના કરવી જોઇએ. આ શુભદિને મા જગદંબા શ્રી રામને પ્રસન્ન થયાં હતાં અને રાવણનો વધ કરીને વિજય પ્રાપ્ત કરવાના આશિષ આપ્યા હતા. આસો સુદ આઠમ હવનાષ્ટમી તરીકે ઉજવાય છે કારણ કે આ દિવસે દરેક માનાં નવરાત્રિ સ્થાને માતાના મંદિરે શતચંડી હવન થાય છે. આજના દિવસે દક્ષના યજ્ઞનો વિનાશ કરનારી મા ભદ્રકાળી રૂદ્ર સ્વરૂપે કરોડો યોગિનીઓ સાથે પ્રગટ થયાં હતાં.
• નવમું નોરતું - સિદ્ધદાત્રી માતા સ્વરૂપ: નવમે નોરતે માના સિદ્ધદાત્રી સ્વરૂપની આરાધના પૂજાસાધના કરવી જોઇએ. મા અષ્ટસિધ્ધિ પ્રદાન કરતી દેવી છે. માર્કન્ડેય પુરાણ મુજબ સિદ્ધદાત્રી મા અષ્ટસિદ્ધિદાત્રી છે. એ મહિમા (મોટી ઉંચાઈ), ઇશિત્વ (પરમેશ્વરમ્), વાકસિદ્ધિ (મહાવાણી), કલ્પવૃક્ષ (અજર), સૃષ્ટિ, સામર્થ્ય, અમરતત્વ અને ભાવના પ્રદાન કરે છે. દેવી પુરાણ અનુસાર, શિવે માતા સિદ્ધિદાત્રીની કૃપાથી જ સર્વે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી આથી તેઓ અર્ધનારીશ્વર તરીકે ઓળખાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter