નીસડન મંદિરઃ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની અખૂટ, અખંડ શ્રદ્ધાનું પ્રતીક અને સ્વયંસેવકોના પ્રેમ - પરિશ્રમ, એકતા તથા સેવાનું કેન્દ્ર

સાધુ બ્રહ્મવિહારીદાસજી Tuesday 25th August 2020 14:58 EDT
 
૧૯૯૫માં મંદિર પ્રવેશ પ્રસંગે પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ સાથે બીએપીએસના વરિષ્ઠ સંતગણ - હરિભક્ત
 

યુકેસ્થિત લંડન ખાતેનાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર - નીસડનનું રજતજયંતી વર્ષ ચાલી રહ્યું છે. ગત ૨૦મી ઓગસ્ટના રોજ આ ‘નીસડન મંદિર’ની રજતજયંતી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મંદિરની મુલાકાતના પોતાની વર્ષ-૨૦૦૩ની મુલાકાતના સંસ્મરણોને ટ્વિટના માધ્યમે વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘આ મંદિરે સૌને સાથે જોડ્યા, માનવતા માટે કાર્ય કરવા પ્રેરિત કર્યા છે.’ જ્યારે યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ ઈન્સ્ટાગ્રામ તથા ટ્વિટર પર નીસડન મંદિરને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે ‘નીસડન મંદિર ગૌરવપૂર્ણ બ્રિટિશ સીમાચિહ્ન છે અને હિન્દુ સમુદાય દ્વારા યુકેને અપાયેલી મહાનતમ ભેટમાંથી એક છે.’
ધ પ્રિન્સ ઓફ વેલ્સ દ્વારા રજતજયંતી પ્રસંગે વિશેષ શુભકામના પાઠવતાં જણાવાયું કે ‘નીસ્ડનના આ મંદિરની ૨૫મી રજતજયંતી નિમિત્તે શુભેચ્છા પાઠવતાં હું ખૂબ આનંદ અનુભવી રહ્યો છું. નીસડન મંદિર દ્વારા થઈ રહેલી સામાજિક પ્રવૃત્તિઓ આવકારદાયક છે.’ જ્યારે લંડનના મેયર સાદિક ખાને નીસડન મંદિરની રજતજયંતી ઊજવણી પ્રસંગે ટ્વિટ કરતાં જણાવ્યું કે ‘નીસડન મંદિર વિવિધતામાં એકતા-શક્તિનું પ્રતિક છે.’ આ રીતે વર્તમાન સમયમાં નીસડન મંદિર સ્વયંસેવકોના પ્રેમ - પરિશ્રમ, એકતા અને સેવાનું કેન્દ્ર બની ચૂક્યું છે.
જોકે, વર્તમાન કોરોના મહામારીના વિકટ સંજોગો કહેતાં કે વિપરીત સંજોગોમાં પણ ભગવાનની ભક્તિ અખંડ રાખવાની વાત આવે ત્યારે ભારતીય સંસ્કૃતિના સંવર્ધક સત્પુરુષો અને ગુરુપરંપરા યાદ આવે. આવી જ ગુરુપરંપરાના વિરક્ત, વિશ્વવંદનીય સંતવિભૂતિ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના ભક્તિમાં અખંડ અનુસંધાનના અસંખ્યા કાર્યોમાંનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણરૂપ કાર્ય એટલે લંડનનું નીસડન - બીએપીએસ સ્વામિનારાયણ મંદિર.
આ મંદિરનું મહત્ત્વ કંઈ રાતોરાત વધી નથી ગયું, પરંતુ આ મંદિર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની અખૂટ, અખંડ શ્રદ્ધાનું પ્રતીક છે. આજથી ૩૦-૪૦ વર્ષ પૂર્વેનો સમય એવો હતો કે કોઈ નીસડન જેવા નિર્જન વિસ્તારમાં મંદિર બનાવવાનું વિચારે પણ નહીં. તે સમયે એવું કહેવાતું હતું કે લંડનનો ખાડે ગયેલો વિસ્તાર હોય તો એ છે નીસડન. લંડનના ઈતિહાસમાં એક જ વાર નીસડનનો ઉલ્લેખ થયો હતો અને તે એ રીતે કે વિનસ્ટન ચર્ચિલ જ્યારે કારમાં જતા હતા ત્યારે તેમણે પોતાની સિગારેટની રાખ અહીં નાંખી હતી.
જે નીસડન મંદિરની રજતજયંતીની ઉજવણીની સ્મૃતિ વિશ્વભરમાં નામાંકિત મહાનુભાવો કરી રહ્યા છે ત્યારે તેના પાયાનો ઈતિહાસ જાણવા અત્યંત રસપ્રદ છે. જેને જાણીને આપણા સૌની ભગવાન અને ગુરુ પ્રત્યેની ભક્તિમાં નિષ્ઠા વધુ અચળ બનતી જશે.
આ નીસડન મંદિરના રસપ્રદ ઈતિહાસ પૂર્વે એક વાત એ પણ કહેવી ઘટે કે ક્યારેક કોઈ શ્રદ્ધાળુને એવું લાગતું હોય કે અમને વારંવાર પ્રયત્ન કરવા છતાં ય નિષ્ફળતા મળે છે. અમારી પ્રાર્થના કોઈ સાંભળતું નથી અથવા તેને દ્વિધા અનુભવાય કે ધીરજ ખૂટે ત્યારે આ લંડનના નીસડન મંદિરની વાત સંભારવી પડે એવો તેનો ચિરસ્મરણીય ઈતિહાસ છે. આ મંદિર નિર્માણની સત્યકથામાં સફળતા કરતાં બહુધા નિષ્ફળતા વધુ દેખાય છે.
નીસડન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બન્યું વર્ષ ૧૯૯૫માં, પરંતુ વર્ષ ૧૯૭૦માં પ.પૂ. યોગીજી મહારાજે પોતાના લંડનના પ્રવાસ દરમિયાન એક રવિવારે ધૂન સમયે એવું કહ્યું હતું કે ‘આપણે અહીં આરસનું મંદિર બનાવવું છે અને તે યુરોપનું મથક બને.’ એ સમયે ન તો હરિભક્તો કે સંતો માટે કોઈ રહેવાનાં ઉતારા.
યોગીજી મહારાજનાં સંકલ્પના બે જ વર્ષ બાદ એટલે કે વર્ષ ૧૯૭૨માં પીપલાણામાં પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે પણ સંકલ્પ કર્યો હતો કે, લંડનમાં આરસનું મંદિર બને, ૧૦૦ સંતો પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહે.
એ સમયે આપણા સંપ્રદાયના ૧૦૦ સંતો પણ ન હતા અને લંડનમાં જે હરિભક્તો હતા, તેઓ સ્વયં નિરાશ્રિત તરીકે રહેતા હતા. છતાં શ્રદ્ધાથી સ્વીકારવું પડે કે પ.પૂ. યોગીજી મહારાજ અને પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજનો સંકલ્પ પૂર્ણ થયો, કેમ કે પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે ક્યારેય પ્રાર્થના છોડી નથી, સતત ધૂન કરતાં રહ્યા. આ છે, ભગવાન અને ગુરુમાં અખંડ નિષ્ઠા તથા ધૂન-પ્રાર્થનાની તાકાત.
આ સમયગાળાની જ એક સત્યઘટના છે. એક વાર લંડનના હરિભકતોએ વિનંતી કરતા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે ત્યાં મંદિર બનાવવાની ‘હા’ પાડતાં જમીન શોધવાનું કામ શરૂ થયું. નીસ્ડનમાં આપણી જમીન હતી, પણ સૌની ઈચ્છા મંદિર નીસડનમાં નહીં, પણ બીજે કરવાની હતી. એટલે નવી જમીન જોવાનું શરૂ કર્યું. પહેલી જમીન મળી નહીં, બીજી જમીન જોઈ, તે પણ જતી રહી. ત્રીજી જમીન જોઈ તો મોંઘી પડી, ચોથી જમીનના કાગળીયાં ન થયા, પાંચમી જમીન માટે બધા ભેગા થયા, પણ મનમેળ ન થયો. છઠ્ઠી જમીન લેવા ગયા તો બીજે વેચાઈ ગઈ. આ રીતે આવી ૨૮ જમીનો ન મળી તે ન જ મળી.
છેલ્લે એક જમીન મળી તો આપણે જમીનના નક્શા બનાવી કાગળ મૂક્યાં, પણ પરમિશન ના મળી. બધાને હતું કે આપણે કેસ જીતી જઈશું.
મંદિર નિર્માણ માટે નિયમિત કલાકો સુધી ધૂન કરતાં સૌને જોયાં છે. પરવાનગી માટે તરફેણમાં સ્થાનિકોની ૮૦,૦૦૦ સહીઓ લેવામાં આવી હતી, લગભગ એક વર્ષ જેટલો પ્રયત્ન ચાલ્યો અને થયું એવું કે અંતમાં ચુકાદો આપણી વિરુદ્ધ આવ્યો.
સૌની ઊંઘ હરામ થઈ ગઈ, પણ વિરક્ત, સ્થિતપ્રજ્ઞ સંતવિભૂતિ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે અત્યંત નિર્લેપતાથી જે પ્રત્યુત્તર પાઠવ્યો તે કદાચ વિપરિત પરિસ્થિતિમાં સ્થિરતા જાળવી રાખવાનું આદર્શ ઉદાહરણ બની રહ્યું.
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજને જ્યારે આ ચુકાદાની જાણ કરાઈ ત્યારે પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે શાંતચિત્તે ચુકાદાના સંદર્ભમાં કહ્યું કે સઘળું ભગવાન પર છોડી દો. આપણે પ્રત્યેક પળે ભગવાનનો આભાર માનવો જોઈએ. સૌએ ભગવાન અને ગુરુમાં અખંડ નિષ્ઠા રાખવી. ત્યારબાદ સ્વામીશ્રીએ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલાવી. આટલા મોટા વિપરિત ચુકાદાનો આટલો સરળતાથી સ્વીકાર થતો જોઈને સૌને નવાઈ લાગી.
બીજી તરફ, જો આપણી સાથે વિપરિત સ્થિતિ ઉદ્ભવે તો આપણે માનવસહજ ભાવે ખુદની નિષ્ફળતા સ્વીકારી શકતા નથી અને ભગવાન ઉપર છોડી શકતા નથી. આપણે કોઈ પણ દુઃખ, આપત્તિ, વિઘ્ન આપણા માથે ઓઢીને જાણે બેબાકળાં બની જઈ છીએ. આપણે કદાચ બે-ચાર નિષ્ફળ ગયા હોઈશું, પણ સતત ૨૮ - ૨૮ વખત નિષ્ફળ ગયા છીએ? તો પછી શાંતિ રાખીએ અને ભગવાન અને ગુરુમાં પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની જેમ દૃઢ વિશ્વાસ રાખીએ. પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે નિષ્ફળતા ઉપર નિષ્ફળતા પાર કરીને ભગવાન અને ગુરુ પર અખંડ અખંડ શ્રદ્ધા અકબંધ રાખી હતી.
બીજા દિવસે પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ અત્યંત સહજતાથી સૌ સંતો - હરિભક્તો સમક્ષ અત્યંત નિર્માનીપણે, સ્થિતપ્રજ્ઞભાવે જાણે વાક્પુષ્પ રજૂ કર્યા કે, આપણે જ્યાં મંદિર નથી કરવું ત્યાં જ ભગવાનને કરવું છે.
ભગવાનની નીસડનમાં બેસવાની ઈચ્છા લાગે છે માટે ચાલો! આપણે આ મંદિર નીસ્ડનમાં બનાવીએ. આ છે હકારાત્મક્તા, આ છે અખંડ શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેની દૃઢતા. જ્યારે આ અદ્ભૂત મંદિર બન્યું ત્યારે સૌ કોઈ કહેવા લાગ્યા કે એક સમયે કહેવાતું કે નીસડનમાં મંદિર ન બનાવવું જોઈએ અને આજે આ મંદિર કેવળ નીસડનનું નહીં પણ સમગ્ર ઈંગ્લેન્ડના મુગટ સમાન બની ગયું છે. આમ ભગવાનમાં સાચી શ્રદ્ધા હોય અને ગુરુના વચનોમાં અખંડ નિષ્ઠા હોય તો કોઈ દિવસ આપણું મન કોઈપણ કાર્યમાં પાછું નહીં પડે અને સફળતાના શિખરો સર કરી શકાશે.

(‘પારસમણિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ’ વિષય પર અપાયેલા પ્રવચનમાંથી સંકલિત)

-----


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter