પુરુષોત્તમ માસઃ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવાનું અણમોલ પર્વ

Wednesday 12th July 2023 07:29 EDT
 
 

પુરુષોત્તમ માસ ભગવાન વિષ્ણુનું પૂજન, અર્ચન, સત્સંગ, કીર્તન અને પ્રભુભક્તિ દ્વારા ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ માસ છે. આપણા સહુના જીવનમાં અંધારાં-અજવાળાની જેમ દિવસ અને રાત સુખદુઃખની ઘટમાળ ચાલતી રહે છે. કેટલાંક પુનિત પાવન પર્વો એને ઊંચેનીચે લઇ જવાનું કાર્ય કરે છે. આવાં પુનિત પર્વોમાં પતિત પાવન પુરુષોત્તમ માસ સુવિચાર, પુનિત વાણી અને સુકર્મો જાણવાની જ્ઞાનરૂપી વાવ સમાન છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે મહિનામાં સૂર્યનું રાશિ સંક્રમણ ન થાય તે માસને અધિક માસ કહેવામાં આવે છે. પ્રાચીન સિદ્ધાંતોની ગણના પ્રમાણે આશરે 30 માસ બાદ એક અધિક માસ આવે છે. દર બત્રીસ દિવસ, ચંદ્રમાસ, 16 તિથિ, 3 ઘટિકા અને 55 પળ પછી એક અધિક માસ આવે છે. ભૃગુસંહિતા અંતર્ગત -
શકુન્યાદિ ચતુષ્કં તુ રવેર્મલમુદાહતમ્ ।
તદ્દઉધ્ર્વે ક્રમતે માનોર્માસઃ મલિમ્લુચઃ ॥
જે કરણોમાં જે સંક્રાતિ શરૂ થાય છે જેમ કે, શકુનિ, ચતુષ્પાદ, નાદ અને કિંસ્તુઘ્ન આ ચાર સંક્રાતિનો સમય મળમાસ કહેવામાં આવે છે. આ મળમાસમાં શુભ કર્મો કરવાનું વર્જિત છે જ્યારે સત્સંગ, ભજન, કીર્તન, સત્કર્મ, ઈશ્વર આરાધન, યોગ, જપ, તપ, પૂજાપાઠ, દાન આ સર્વે ક્રિયાઓ શ્રેષ્ઠ છે. અધિક માસમાં શાસ્ત્રોનું વાંચન-પઠન-શ્રવણ કરવું અતિ શ્રેષ્ઠ ગણાય છે. આ વર્ષે અધિક માસ શ્રાવણમાં આવ્યો છે તેથી શાસ્ત્રોના કથન અનુસાર શ્રાવણ અધિક માસ આવતો હોય ત્યારે લોકો સુખી રહે છે.

પુરુષોત્તમ માસ માહાત્મ્ય ગ્રંથ અનુસાર અધિક માસ (મળમાસ)ની મહત્ત્વતા સમજીએ. એક સમયે નારદજીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને પૂછ્યું કે - હે પ્રભુ! કળિયુગનો જીવ ન તો બરાબર તમારી ભક્તિ કરી શકે છે, ન પૂજાપાઠ કરી શકે છે, કળિયુગના દોષથી ગ્રસિત થઈ મનુષ્ય પાપ તરફ પ્રેરાય છે. આ જીવો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકારને પ્રેરિત થઇ પાપાચાર કરે છે. આ બધાં જીવોનો ઉદ્ધાર કઈ રીતે થાય અને તેઓ પાપવૃત્તિ ત્યજીને જીવનમાં મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરે તેવું કોઈ સરળ સાધન બતાવો.
આ વૃત્તાંતના સંદર્ભમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુએ નારદજીને મહાભારતનો એક પ્રસંગ સંભળાવ્યો.
એક વાર અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે પ્રભુ! તમને પ્રસન્ન કરવા માટેનો વર્ષમાં કોઇ માસ, સમય કે શ્રેષ્ઠ મુહૂર્ત હોય તો તે જણાવો. અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યુંઃ હે અર્જુન! એક સમયે અધિક માસની ઉત્પત્તિ થઇ તે મહિનો સૂર્યના સંક્રમણના અથવા રાશિપ્રવેશથી રહિત રહ્યો તેથી તે અયોગ્ય ગણાયો. એમ સહાય વિનાના તે મહિનાને લોકોએ `મળમાસ ' તરીકે ઓળખાવ્યો. તે મહિનાને બધા લોકો નીંદવા લાગ્યા. તે માસ શુભ કર્મોમાંથી વર્જિત થયો, લોકો તેનો ઉપહાસ કરવા લાગ્યા, લોકોથી અપમાનિત થયેલો તે મળમાસ મારી શરણમાં આવ્યો. મળમાસે મારી સ્તુતિ કરી પ્રાર્થના કરીને પોતાની વ્યથા મને કહી. તેણે કહ્યું કે ક્ષણ, લય, મુહૂર્તો, પખવાડિયાં, મહિના, દિવસો તથા રાત્રીઓ એ બધાં જ પોતાના સ્વામીઓના અધિકારને લીધે સદા નિર્ભય તેમજ આનંદિત રહે છે, પરંતુ મારું કોઈ નામ નથી, મને મળમાસ કહે છે તેમજ દેવતાઓ સહિત સર્વે લોકોએ મને સારાં કામમાંથી દૂર કર્યો છે. આમ, દરેક જનસમુદાય મારું અપમાન કરે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુએ મળમાસને ગોલોકનાં દર્શન કરાવ્યાં. ત્યારબાદ ભગવાને મળમાસને પોતાના જેવો સર્વોપરી કરવાનું વરદાન આપ્યું અને કહ્યું, મારામાં જે ગુણો છે તે તમારામાં વિદ્યમાન થશે અને તમે ‘પુરુષોત્તમ માસ’ના નામથી વિખ્યાત થશો. તમારા માસનું સ્વામીત્વ હું આજથી સ્વીકાર કરું છું. મારી સમાનતા પામીને આ અધિક માસ બીજા બધા મહિનાઓનો પણ અધિપતિ બનશે. જે મનુષ્ય ભક્તિભાવ અને શ્રદ્ધા સહિત આ અધિક માસમાં મારું પૂજન, ભક્તિ, કીર્તન, સત્સંગ, મંત્ર, જાપ કરશે તે વ્યક્તિનાં સર્વ પાપ બળીને ભસ્મ થશે અને તે વ્યક્તિને મારી ભક્તિનું હું દાન આપીશ. જે મનુષ્ય આ પુરુષોત્તમ માસમાં મારી ભક્તિ કરીને મારું પૂજન કરશે તે ધન અને પુત્રનું સુખ ભોગવી મૃત્યુ બાદ ગોલોકમાં નિવાસ કરશે.
શ્રી હરિ વિષ્ણુના વરદાન પ્રમાણે એ મળમાસને બારે મહિનાઓમાં અતિ શ્રેષ્ઠ બનાવ્યો. પુરુષોત્તમ માસનું વિધિવત પૂજન વાલ્મીકિ ઋષિએ દૃઢધન્વા રાજાની સમક્ષ કરવું તે વર્ણન કરે છે. વાલ્મીકિ ઋષિએ કહ્યું કે રાજન, પુરુષોત્તમ માસ શરૂ થતાં પહેલાં શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ બનાવી એક બાજોઠ પર સફેદ વસ્ત્ર પાથરી તેના પર ચોખાથી અષ્ટદલ બનાવવું. તેના પર કળશ અને નાગરવેલનાં પાન (પંચપલ્લવ) મૂકીને ત્રાંબાના તરભાણા પર ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવી. ત્યારબાદ ભગવાન પુરુષોત્તમનું ધ્યાન કરવું.
શ્રી વત્સવક્ષસં શાન્તં નિલોત્યલદલચ્છવિમ્ ।
ત્રિભંગલલિતં ધ્યાયેત્ સર્વદા શ્રી પુરુષોત્તમમ્ ॥
આ મંત્ર દ્વારા ધ્યાન કરી ભગવાન પુરુષોત્તમનું ધ્યાન કરી આવાહન કરવું. ત્યારબાદ પંચોપચારે પૂજન કરીને ભગવાનની મૂર્તિને પંચામૃત સ્નાન કરાવી, ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવ્યા બાદ વસ્ત્ર અર્પણ કરવાં. યજ્ઞોપવિત અર્પણ કરીને ચંદન-ચોખાનું તિલક કરવું. ઋતુ પ્રમાણે ફળ અને ફૂલ ચઢાવવાં. ધૂપ, દીપ અને નૈવેદ્ય ધરાવવાં. નૈવેદ્યમાં તુલસીદલ અર્પણ કરવું. ત્યારબાદ યથાશક્તિ દક્ષિણા અર્પણ કરીને ભગવાન શ્રી પુરુષોત્તમ પ્રભુને પ્રાર્થના કરવી.
આ માસ દરમિયાન અભક્ષ્ય ભોજનનો ત્યાગ કરવો, મદિરા તથા વ્યસનથી મુક્ત થવું. સાત્ત્વિક ભોજન ગ્રહણ કરવું. ત્યારબાદ ભગવાનની સામે 1008 તુલસીદલ વિષ્ણુમંત્ર બોલીને ચઢાવવાં. ભગવાન સમક્ષ મંત્ર, જાપ, સત્સંગ, કીર્તન કરવાં. ત્યારબાદ વ્રત પૂર્ણ થતાં ઉથાપન કરવું. તેમાં મનનો મનોરથ પ્રભુ સમક્ષ કહેવો અને વિદ્વાન બ્રાહ્મણોને શ્રીમદ્ ભાગવત પુસ્તકનું દાન કરવું.
આમ, અધિક માસમાં શ્રદ્ધાસહિત પૂજન કરનાર પર શ્રી હરિ વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તેમજ તેના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પદાર્થ સિદ્ધ થાય છે.
મહાભારત અંતર્ગત કૌરવોએ જુગારમાં કપટ કરીને પાંડવપુત્ર યુધિષ્ઠિરને હરાવી દીધા ત્યારે પાંડવોએ બાર વર્ષ માટે વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસમાં રહેવું પડ્યું હતું. એક વાર શ્રીકૃષ્ણ પાંડવોને મળવા કામ્યક વનમાં આવ્યા. પાંડવપુત્ર યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને આ બધી મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર નીકળવું તેનો માર્ગ બતાવવા કહ્યું. તે સમયે શ્રીકૃષ્ણએ અધિક માસમાં વિધિવત્ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરીને સમસ્ત દુઃખોમાંથી મુક્તિ મેળવવા જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter