બોલ માડી અંબે, જય... જય અંબેઃ આદ્યશક્તિ અંબે માતનો પ્રાગટ્યોત્સવ

પર્વવિશેષઃ ૧૭ જાન્યુઆરી

Wednesday 12th January 2022 05:35 EST
 
 

આદ્યશક્તિ મા અંબાજીનું પાવનધામ ૫૧ શક્તિપીઠોમાં મુખ્ય છે. આરાસુરવાળી, ગબ્બરના ગોખવાળી, અરવલ્લીના ડુંગરમાં બિરાજમાન... મા અંબાના માહાત્મ્યનું વર્ણન કરવામાં ગુજરાતી ભાષામાં શબ્દો પણ ઓછા પડે. આદ્યશક્તિની આરતીના બીજા પદના શબ્દો ‘શિવશક્તિ જાણું’ આપણને સૂચવે છે કે શિવ અને શક્તિના બે રૂપો અહીં સમાયેલાં છે. શિવજીનાં પત્ની મા સતીના બાવનરૂપ પૈકી મા અંબા સતીના હૃદયરૂપ હોઇ મુખ્ય રૂપે છે, તેથી અંબાજી શક્તિપીઠ મુખ્ય છે.

જગવિખ્યાત અંબાજી યાત્રાધામ ઘણું જ પ્રાચીન અને એક પવિત્ર ભૂમિ છે. પોષ માસની સુદ પુનમનો દિવસ - પોષી પૂનમ (આ વર્ષે ૧૭ જાન્યુઆરી) મા અંબિકાનો પ્રાગટય દિવસ છે. અહીં હજારો-લાખ્ખોની સંખ્યામાં ભક્તજનો શ્રદ્ધાપૂર્વક દર્શનાર્થે આવે છે અને માનાં ગુણગાન ગાઇને ધન્ય બને છે. મા અંબાનું પ્રાગટય એક રહસ્યપૂર્ણ ઘટના મનાય છે.
ડુંગરાળ પ્રદેશમાં કેટલાંય વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડયો હતો ત્યારે અહીં વસતાં ભલા ભોળા લોકો, પશુધન અને પ્રાણીઓ દુષ્કાળથી ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારી ગયાં હતાં. આ બધા લોકો ભેગા થયા અને શક્તિની દેવી મા અંબાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરીને કરગરવા લાગ્યા અને કારમા દુષ્કાળમાંથી ઉગારવા અનેક વિનવણીઓ કરી. વિષમ પરિસ્થિતિમાં સપડાયેલા લોકોને ઉગારી લેવા કરાયેલી વિનંતી છેવટે કામ કરી ગઇ અને મા અંબા ભક્તોના વહારે આવ્યા.
માએ કૃપા કરતાં જ ધરતીમાતાની ગોદમાં પુષ્કળ પ્રમાણમાં શાકભાજી અને ધન-ધાન્ય ઉત્પન્ન થયાં. માની અમીદ્રષ્ટિથી દુષ્કાળની પરિસ્થિતિ દૂર થતાં લોકોમાં મા પ્રત્યેના અહોભાવમાં અનેક ઘણો વધારો થયો. જેથી પોષી પૂનમ પહેલાં પોષ સુદ આઠમથી પવિત્ર શાકંભરી નવરાત્રિનો પ્રારંભ થયો. આમ માના પ્રાગટય દિનને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઊજવવામાં આવે છે. મા અંબાનો પ્રાગટય દિને અંબાજીના નગરજનોથી માંડીને દેશ-વિદેશમાંથી માઇભક્તો ભાવવિભોર બની જાય છે. સુવર્ણકળશ અને દૂધ જેવા આરસથી શોભતા મંદિર પરિસરને રંગબેરંગી ઝગારા મારતી રોશનીથી શણગારાય છે. મંદિરનાં દ્વારને ફૂલોથી આકર્ષક રીતે સજાવાય છે. આ દિવસે સવારે શણગારેલા રથમાં માતાજીની શાહી સવારી નગરની પરિક્રમાએ નીકળે છે ત્યારે ભાવિકો ‘જય અંબે... જય અંબે...’ના ગગનભેદી નારા સાથે નાચી ઊઠે છે. માતાજીના રથ આગળ બેન્ડવાજા અને ભજન મંડળીઓની સુરાવલી સાથે ભક્તજનો ઉમળકાભેર જોડાય છે.
ભજન મંડળીઓ માનાં ગુણલાં ગાય છે ત્યારે સમગ્ર નગરમાં પવિત્ર અને સકારાત્મક માહોલ સર્જાય છે. માના ભક્તો પુષ્પવર્ષા કરીને માના પ્રાગટય દિવસની આનંદ અને ઉત્સાહથી વધામણી કરે છે. આકાશમાં ઉડતી ગુલાલની છોળો એક અવિસ્મરણીય દૃશ્ય નિર્માણ કરે છે.
શક્તિની ઉત્પત્તિ અંગે પુરાણોમાં પણ કરાયેલા ઉલ્લેખ મુજબ પ્રજાપતિ દક્ષે ‘બૃહસ્તપતિસક’ નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા દેવોને આ યજ્ઞમાં આમંત્રણ આપ્યું હતું, પરંતુ જમાઇ ભગવાન શંકરને આમંત્રણ આપ્યું ન હતું. જ્યારે પિતાને ત્યાં યજ્ઞ હોવાના સમાચાર દક્ષપુત્રી સતીદેવીને મળ્યા ત્યારે શિવજીનો વિરોધ હોવા છતાં તેઓ પહોંચી ગયાં.
આ મહાયજ્ઞમાં શિવજીને આમંત્રણ ન હોવાથી અને પિતાના મોઢે પતિની નિંદા સાંભળીને સતી અત્યંત દુઃખી થઇ ગયાં હતાં. જેથી તેમણે યજ્ઞકુંડમાં પડીને પોતાનો દેહ ત્યજી દીધો હતો. જેથી શિવજીએ સતીદેવીનો નિશ્ચેતન દેહ જોઇને તાંડવ કર્યું અને સતીદેવીના દેહને ખભે ઉપાડી ત્રણેય લોકમાં ઘૂમવા માંડયા.
શિવજીના કોપથી સમગ્ર સૃષ્ટિનો ધ્વંસ થઇ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શનચક્ર દ્વારા સતીદેવીના નિશ્ચેતન દેહના ટુકડે ટુકડા કરી નાંખ્યા. આ ટુકડા પૃથ્વી ઉપર ચારેબાજુએ વેરાઇ ગયા. સતીદેવીના શરીરના ભાગ અને આભૂષણો ૫૧ સ્થળોએ પડયાં હતાં. આ સ્થળોએ એક-એક શક્તિપીઠ તથા એક-એક ભૈરવ સ્વરૂપે ધારણ કરીને ત્યાં સ્થિર થયા હતા.

મૂર્તિની નહીં, યંત્રની પૂજા
અંબાજીનું મૂળ મંદિર બેઠા ઘાટનું છે. મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે. મંદિરની સામેની બાજુમાં ચાચર ચોક છે. તેથી માતાજીને ચાચરના ચોકવાળી કહેવામાં આવે છે. આ ચાચર ચોકમાં યજ્ઞયજ્ઞાદિ કરવામાં આવે છે. અહીં મંદિરમાં માતાજીની મૂર્તિ નહીં, પરંતુ વીસા યંત્રનું પૂજન થાય છે.
વીસા યંત્રના શણગારને મુગટ તથા ચૂંદડી સાથે એ રીતે ગોઠવવામાં આવે છે કે તેનાથી ભક્તોને સાવજ ઉપર આરૂઢ માતાજીની મૂર્તિ હોવાનો ભાસ થાય છે. આ વીસા યંત્ર શુદ્ધ સોનામાંથી બનાવેલ છે. દરરોજ વિવિધ વાહનો જેવાં કે સિંહ, વાઘ, હાથી, નંદી, ઐરાવત, ગરુડ વગેરે સાથે વિવિધ ઉત્સવ અનુસાર શણગાર કરવામાં આવે છે. ભારતવર્ષમાં માત્ર આ એક જ એવું મંદિર છે જ્યાં સાતેય દિવસ માતાજીની સવારી જોવા મળે છે. એક માન્યતા અનુસાર આ યંત્ર ઉજ્જૈન અને નેપાળની શક્તિપીઠના મૂળ યંત્ર સાથે સંકળાયેલું છે.

અંબાજી શક્તિપીઠમાં મંત્ર-શાસ્ત્રોક્ત રીતે યંત્રપૂજન કરવામાં આવે છે. આ યંત્રમાં ૫૧ અક્ષરો હોવાનું પ્રમાણ મળે છે. માતાજીના યંત્રસ્થાનમાં નજરથી જોવાનો નિષેધ હોવાથી પૂજારી પણ આંખે પાટા બાંધી માતાજીની પૂજા કરે છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે.
સિદ્ધપુર ગામના માનસ ગોત્રના બ્રાહ્મણો વર્ષોથી માતાજીની પૂજા-અર્ચના કરે છે. આવો આપણે સૌ પણ મા અંબાના પ્રાગટય દિને તેમનું પુજન-અર્ચન કરીને કૃતકૃત્ય થઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter