દેવાધિદેવા મહાદેવને પ્રસન્ન કરવાનો મહામૂલો અવસર એટલે મહાશિવરાત્રી. મહા વદ ચૌદશના દિવસે એટલે કે મહાશિવરાત્રી (આ વર્ષે 15 ફેબ્રુઆરીએ)ની મધ્ય રાત્રીએ શિવલિંગ પૂજનનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે શિવાલયો બમ બમ ભોલે અને ૐ નમ: શિવાયના નાદથી ગુંજી ઉઠશે. ભકતો નિર્જળા ઉપવાસ, અભિષેક જપ-પૂજન કરીને શિવજીની કૃપા પામશે.
શિવલિંગ પૂજનનો આગવો મહિમા છે. શિવલિંગ મૂળભૂતરૂપે તો બ્રહ્માંડની જ પ્રતિકૃતિ છે. પ્રાચીન સમયથી સમગ્ર વિશ્વમાં શિવલિંગની પૂજા, ઉપાસના અને આરાધના પ્રચલિત છે. શિવલિંગ આકાશરૂપ બ્રહ્મ છે. તેની પીઠિકા પૃથ્વીરૂપિણી માતા જગદંબા છે. શિવલિંગ સમસ્ત દેવોનું સ્થાન છે. શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે. મધ્યમાં ભગવાન વિષ્ણુ છે અને ઉપરના ભાગમાં ઓમકારરૂપ ભગવાન સદાશિવ બિરાજે છે. શિવલિંગની વેદી એ આદ્યશક્તિ જગદંબાનું પરમ પવિત્ર પ્રતીક ગણાય છે.
શિવલિંગની ઉપાસનામાં પ્રકૃતિ અને પરમાત્માનો સુભગ સમન્વય થયો હોવાથી દેવ અને દેવીનું એકી સાથે એટલે કે શંકર-પાર્વતીનું અર્ચન-પૂજન કર્યું હોવાનું માની લેવાય છે. આ ઉપરાંત મુખ્ય ત્રણ દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમજ ઉમા, લક્ષ્મી, શચિ વગેરે દેવીઓ, સમસ્ત લોકપાલ, પિતૃગણ, મુનિગણ, યક્ષ, ગંધર્વ, કિન્નર અને પશુ-પક્ષી સર્વનો સમાવેશ થઈ જાય છે.
શિવલિંગ વિશે કે શિવની પ્રતિમા વિશે દૃઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે. જે વ્રતી બ્રહ્મરૂપ થઈને શિવલિંગનું પૂજન કરે છે કે મહેશ્વરને ભજે છે તે જ શ્રેષ્ઠ વ્રતધારી છે. વ્રતીએ નવધા ભક્તિ દ્વારા મનને જીતી લેવું જોઈએ અને વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ આ ચાર સાધનો દ્વારા ઇન્દ્રિયોને જીતી લેવી જોઈએ. વ્રતીને શ્રાવણ માસ તથા શિવરાત્રિના વ્રત દરમિયાન કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવી પડે તો સદાશિવ ભોળાનાથની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા વગેરેમાંથી વિચલિત ન થવું જોઈએ. શિવજીના લિંગનું પૂજન ઓમકાર મંત્ર વડે અને મુર્તિનું પૂજન પંચાક્ષર મંત્ર ‘નમઃ શિવાય’ વડે કરવું જોઈએ.
ત્ર્યંબકમ્ યજામહે... શિવ ઉપાસનાનો વેદમંત્ર છે. ઐતિહાસિક દૃષ્ટિએ સૌથી પહેલા શિવમંદિરોનો ઉલ્લેખ જ જોવા મળે છે. જ્યારે ભગવાન શ્રીરામે લંકા પર ચઢાઈ કરી ત્યારે સૌથી પહેલાં રામેશ્વરમાં તેમણે ભગવાન શિવની સ્થાપના અને પૂજન કર્યું હતું.
આવો, મહાશિવરાત્રીના પાવક પર્વે 12 જ્યોર્તિલિંગની યાત્રાએ જઇએ...
ઝળહળતી આસ્થાનું પ્રતીક છે જ્યોતિર્લિંગ
જ્યોતિર્લિંગ એટલે શું? ભગવાન શિવ જ્યાં જ્યોતિ સ્વરૂપે એટલે કે દિવ્ય પ્રકાશ સ્વરૂપે બિરાજમાન છે તેવું લિંગ એટલે જ્યોતિર્લિંગ. ‘જ્યોતિ’ એ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે તેજ રેખા, પ્રકાશપુંજ. લિંગ એટલે અગ્નિપુંજ સ્તંભ અથવા પ્રકાશપુંજ સ્તંભ. વધારે સરળ રીતે કહીએ તો જ્યોતિ એટલે પ્રકાશ અથવા અગ્નિની જ્યોતિ. જ્યોતિર્લિંગ એટલે વ્યાપક બ્રહ્નાત્મક લિંગ અથવા વ્યાપક પ્રકાશપુંજ. જ્યોતિર્લિંગ આપણને સૌને અનંતના મૂળભૂત તત્વોથી જ્ઞાત કરાવે છે અને જીવનની યથાર્થતા પણ સમજાવે છે.
શા માટે દ્વાદશ જ્યોતિર્લિંગ?
જ્યોતિર્લિંગ બાર જ શા માટે છે? વિદ્વાનોએ આ અંગે ભિન્ન અભિપ્રાયો આપ્યા છે. તૈત્તરીય ઉપનિષદમાં બ્રહ્મ, માયા, જીવ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને પંચમહાભૂતો એમ બાર તત્વોને જ્યોતિર્લિંગ તરીકે વર્ણવ્યાં છે. શિવલિંગના 12 ખંડોને પણ જ્યોતિર્લિંગ માનવામાં આવ્યા છે. શિવપુરાણમાં 12 જ્યોતિસ્વરૂપ મનાયા છે. અમુક ગ્રંથોમાંના ઉલ્લેખ અનુસાર 12 મહિનાના 12 આદિત્ય એટલે 12 જ્યોતિર્લિંગ. જ્યોતિર્લિંગ અને વેદોમાં દર્શાવાયેલી સૂર્યની ઉપાસનાને સીધો સંબંધ છે.
શિવજીનું નિવાસસ્થાન
વિશ્વમાં અનેક સ્થળોએ શિવલિંગો આવેલાં છે. શિવજીના પ્રતીક સમાન આ શિવલિંગો પ્રત્યેક શ્રદ્ધાળુને જ્ઞાનરૂપી પ્રકાશ પૂરો પાડે છે અને જીવનની યથાર્થતા સમજાવે છે. જ્યોતિર્લિંગો દ્વાદશ એટલે કે 12 છે અને પોતાની આગવી વિશેષતાઓ ધરાવે છે. જ્યોતિર્લિંગ અંગેની સરળ સમજ એવી રીતે આપી શકાય કે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે ભક્તોએ ભક્તિભાવપૂર્વક શિવજીનું સ્મરણ કર્યું, ત્યારે ત્યારે તે સ્થળે શિવજી ભક્તોનાં કાર્યો કરવા જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટીને કાયમી સંસ્થાપિત થયા.
જ્યોતિનાં વિવિધ સ્વરૂપો
સૂર્ય, અગ્નિ અને દીપકની જયોત એમ બધા જ્યોતિનાં જ સ્વરૂપો છે. હિન્દુ ધર્મ કહે છે કે અગ્નિ પણ મહાન જ્યોતિ છે. પૃથ્વીલોકમાં બધા ધર્મ આ જ્યોતિ સમક્ષ નતમસ્તક છે. દીપકની જયોત એ સૂર્ય અને અગ્નિનું લઘુરૂપ છે. આ જ્યોતિથી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે અને જ્ઞાનનો ઉદય થાય છે. આમ, દ્વાદશ જ્યોતિર્લિંગનાં દર્શનથી સુખ, શાંતિ અને સમાધાનની પ્રાપ્તિ થાય છે. જયોત પ્રગટે એટલે અંધકાર, અજ્ઞાનનું દ્રવણ થાય અને ઉજાસ, પ્રકાશ, જ્ઞાન પ્રગટે છે. જે મૂળગત રીતે અગ્નિતત્વના સૂક્ષ્મતમ સ્વરૂપ સંકલ્પના અસ્ખલિત એક્સૂત્રી વિકાસથી પ્રગટેલું સમજાય છે.
જ્યોતિર્લિંગ-તાત્વિક અર્થઘટન
વિદ્વાનોએ જ્યોતિર્લિંગનું તાત્વિક દષ્ટિએ કરેલું અર્થઘટન પણ રસપ્રદ છે. વિજ્ઞાનસિદ્ધ સત્ય છે કે પૂર્ણત: સ્થિર પદાર્થોમાં પણ શક્તિ છે, જેને સ્થિતિશક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થિતિશક્તિ ક્ષણાર્ધમાં ગતિશક્તિમાં પણ ફેરવાઇ શકે છે. આવી આદર્શ સ્થિતિ એટલે સ્થિતિશક્તિ અને ગતિશક્તિનું પારસ્પરિક રૂપાંતરણ તે તર્ક, જ્ઞાન અને વિજ્ઞાનથી ‘પર’ છે. આમ, જ્યારે ‘પર’ બને છે ત્યારે તે ‘પરાશક્તિ’ કહેવાય કે જેને શબ્દ દ્વારા વર્ણવી શકાય નહીં. ‘પરાશક્તિ’ જ્યારે સર્જનાત્મકતામાં રૂપાંતરિત થવાની હોય ત્યારે તે એક એવા અગ્નિ મૂળમાં ફેરવાય કે જ્યાંથી સંકલ્પ પ્રગટે. સંકલ્પ થકી સંગર્ભિત સ્થિતિને ‘હિરણ્યગર્ભ’ કહેવાય છે. તેનું અન્ય અર્થઘટન ‘આત્મન’ તરીકે કરાય છે. આવા સંકલ્પિત ‘હિરણ્યગર્ભ’થી રચનાત્મક ભૂમિકા સર્જાય, જેમાંથી ‘સ્ફૂર્તિ’ ઉદ્ભવે.
‘સ્ફૂર્તિ’માં તત્વનું પરિવર્તન કરી તેને અનંત સત્ય સાથે જોડવામાં આવે છે. અનંતમાં વ્યાપ્ત ઋતુની સાથે માનવીને સંયોજિત કરવાની શક્તિ રહેલી છે. આવી સ્થિતિ અવર્ણનીય છે, કારણ કે તે ‘પરમ સત્ય’ છે, જેની વર્ણનાત્મક અભિવ્યક્તિ અશક્ય છે. તે માત્ર અનુભૂતિ દ્વારા જ જાણી શકાય છે. આમ, આ ગર્ભિત સત્યનું સ્તર શબ્દોથી પર છે, જેના ફલકમાં સજીવ માત્ર સમાવિષ્ટ છે. સમસ્ત જીવન તેના દ્વારા જ સુયોજિત રીતે વહી શકે છે. આ મૂળ સ્ત્રોત છે, જ્યાંથી અનંતશક્તિનો પ્રવાહ વહી રહ્યો છે.
આ પ્રવાહ આપણને સૌને પ્રકાશિત કે ઓજસ્વી કરે છે. આ પ્રવાહનું એકમાત્ર દર્શન હોઇ શકે, માટે ઋષિમુનિઓએ ‘જ્યોતિર્લિંગ’ જેવો શબ્દપ્રયોગ કર્યો છે. આ શક્તિસ્ત્રોતની ગતિવિધિ જ્યારે તાદૃશ્ય થાય છે, ત્યારે તે એક અગ્નિસ્તંભ સમાન દેખાય છે અને તે પ્રકાશનું નિરૂપણ છે. શિવપુરાણ, સ્કંદપુરાણ તથા અન્ય હિન્દુ સાહિત્યમાં ઉલ્લેખ પ્રમાણે દ્વાદશ જ્યોતિર્લિંગનું સ્મરણ માત્ર માનવીને પવિત્રતા તરફ દોરી જાય છે. જ્યોતિર્લિંગનાં દર્શનથી માનવી મોક્ષ તરફ ગતિ કરે છે.


