મહાન ગુરુ આદિ શંકરાચાર્ય

આદિ શંકરાચાર્ય જયંતી (21 એપ્રિલ)

- હેમંત વાળા Wednesday 15th April 2026 08:00 EDT
 
 

ગુરુ તો અનેક થઈ ગયા, પરંતુ સર્વ ગુરુમાં આદિ શંકરાચાર્યનું સ્થાન ઘણું ઊંચું છે. તેમણે માત્ર આધ્યાત્મિક અને ધાર્મિક ઉત્કર્ષ માટે કામ નહોતું કર્યું, તેમણે સામાજિક વ્યવસ્થા, રાજકીય સ્થિરતા, રાષ્ટ્રીય એકરાગતા, ધાર્મિક શુદ્ધિકરણ તથા દેશની ચેતના તેમજ અસ્મિતા માટે કામ કરેલું. તેઓ માત્ર ધાર્મિક ગુરુ ન હતા, પણ સંપૂર્ણતામાં પરમ-ગુરુ હતા.

એક સંશોધન પ્રમાણે આ મહાન આચાર્યનો જન્મ વૈશાખ સુદ પાંચમ (આ વર્ષે 21 એપ્રિલ)ના દિવસે થયો હતો. એક અભ્યાસ મુજબ તેમનો જન્મ ઈસ.પૂર્વે 500ની આસપાસ હતો. આ વિશે વિવિધ મત પ્રવર્તમાન છે. પણ આ પ્રકારનાં મતમતાંતરથી આ મહાન આચાર્યના ભારતીય સંસ્કૃતિના પુનુરુત્થાન માટે કરેલા પ્રયત્નનું મહત્ત્વ ઓછું નથી થતું. વાસ્તવમાં આ ચર્ચા જ તેમનું મહત્વ દર્શાવે છે.
 
કેરળના નાનકડા ગામ કાલડીમાં નમ્બૂદરી કુળમાં જન્મેલ, માત્ર ત્રણ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવનાર, આ મહાન આચાર્યનું આયુષ્ય 32 વર્ષનું હતું તેમ કહેવાય છે. આટલી ઓછી આયુમાં તેમણે જે કાર્ય કર્યું છે તે અદભુત, અકલ્પનીય અને અતિ-માનવીય છે. ગોવિંદપાદાચાર્યના આ મહાન શિષ્યે બહુ નાની ઉંમરે - આશરે 16 વર્ષની ઉંમરે દરેક શાસ્ત્ર પામી લીધાં હતાં. વિદ્યાની પ્રાપ્તિ પછી તેનાં પરનાં ચિંતન દ્વારા તેમણે અનેક ભાષ્ય લખ્યા છે, જેમાં પ્રસ્થાનત્રયી અર્થાત્ - ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર પરના ભાષ્યનો પણ સમાવેશ થાય છે. આજે પણ શંકરાચાર્યની પદવી માટે પ્રસ્થાનત્રયી પર ભાષ્ય આવશ્યક ગણાય છે. એમ કહેવાય છે કે તેમના દ્વારા લખાયેલ બ્રહ્મસૂત્રના ભાષ્યને સ્વયં વેદવ્યાસે સ્વીકૃતિ આપી હતી.

કોઈપણ આચાર્યને સમજવા યથાર્થ વિશેષણની જરૂર પડે. આ મહાન વિભૂતિ માટે જેટલાં સુ-વિશેષણ વાપરવામાં આવે તેટલાં ઓછા પડે. આદિ શંકરાચાર્ય એટલે મહાન દાર્શનિક, અદ્વૈત વેદાંત વિચારધારાનું પ્રખર અનુમોદન કરનાર, સનાતની સંસ્કૃતિ તથા ધર્મના મહાન સંરક્ષક, ભાષા-રંગ-વર્ણ-માન્યતાને આધારે અપાર વિવિધતામાં ગુંચવાયેલ ભારત વર્ષને એક સૂત્રમાં બાંધનાર, તે માટે દરેક પ્રકારની કઠિન પરિસ્થિતિ વચ્ચે ત્રણ ત્રણ વાર સમગ્ર ભારત ભૂમિનું પગપાળા ભ્રમણ કરનાર, માયાવાદનો સિદ્ધાંત સ્થાપિત કરી તેનો પ્રસાર કરનાર, માયા અને પ્રપંચને એક સાથે જોડનાર, જ્ઞાન ભક્તિ તથા કર્મના ઉત્કૃષ્ટ ત્રિવેણી સંગમ સમાન, મહાન તત્વજ્ઞાની, નિર્ગુણ અને નિરાકાર બ્રહ્મમાં દ્રઢતાથી માનતા હોવા છતાં ઈશ્વરના સગુણા-સાકાર સ્વરૂપની ભક્તિને પણ પ્રોત્સાહિત કરનાર, વેદ આધારિત તર્કમાં પારંગત અને સ્વાભાવિક બ્રહ્મચારી. આદિ શંકરાચાર્ય એટલે ભૂતકાળમાં ન થયેલ અને ભવિષ્યમાં સંભવી ન શકનાર ‘અતિ-માનવીય’ ઘટના.

સર્વ વંદનીય આદિ શંકરાચાર્ય એટલે આત્માના જ્ઞાનના પર્યાયસમું ‘નિર્વાણષટકમ્’, ભક્તિને કેન્દ્રમાં રાખીને આલેખાયેલું ‘ભજગોવિંદમ્’, દૈવી-શક્તિ પ્રત્યેના સમર્પણની પરાકાષ્ઠા સમાન ‘સૌંદર્યલહેરી’, શબ્દ અને ભાષાની દેવીની સ્તુતિ માટે ‘પ્રાત સ્તુવે પરશિવામ્ ભૈરવી’, બધાં જ ઉપનિષદના સાર સમાન ‘વિવેકચુડામણી’ અને તે ઉપરાંત ‘અપરોક્ષાનુભૂતિ’ જેવાં અનેક ગ્રંથ તેમજ સ્તુતિના રચયિતા, જ્ઞાનના તેજસ્વી પૂંજ સમાન, શાસ્ત્રોક્ત ભક્તિના સમર્થક, મહાન કર્મયોગી, કુમારીલ ભટ્ટના મહાન શિષ્ય મંડનમિશ્ર તથા તેમના ધર્મપત્ની ઉભય ભારતીને શાસ્ત્રાર્થમાં પરાસ્ત કરનાર, આ શાસ્ત્રાર્થ માટે નિર્ણાયક તરીકે તે જ ઉભય ભારતીનું ચયન કરનાર, આ મંડનમિશ્ર ઉપરાંત પદ્મપાદાચાર્ય, સુરેશ્વરાચાર્ય, હસ્તામલક, તોટકાચાર્ય જેવા મહાન તત્વજ્ઞાનીઓના ગુરુ, શરીરની રચનાને વ્યવસ્થિત રીતે સમજી તેની ઊર્જાના પાંચ પ્રકાર - પ્રાણવાયુ, સમાનવાયુ, અપાનવાયુ, ઉદાનવાયુ અને વ્યાનવાયુને સ્પષ્ટતાથી શિષ્યો સમક્ષ વ્યક્ત કરનાર, સંન્યાસ-ધર્મ સામે માતૃ-ધર્મને વધુ મહત્વ આપનાર અને છતાં સન્યાસ ધર્મને સંપૂર્ણતામાં પાળનાર આદર્શ યોગી.

આદિ શંકરાચાર્ય એટલે તે વખતે જાતજાતની માન્યતામાં ઘેરાયેલ દેશમાં સાંસ્કૃતિક એકતાની સ્થાપના કરનાર, ભારતવર્ષમાં જ્ઞાન તથા પૂજા પદ્ધતિને વ્યવસ્થિત માળખામાં ગોઠવનાર, ભારતવર્ષના ધર્મસ્થાનોની રક્ષા કાજે નાગાબાવાની વિચારધારાને વાસ્તવિકતાનું સ્વરૂપ આપનાર, દશનામી સંન્યાસી અખાડાને દેશની રક્ષા માટે તૈયાર કરનાર, દેશના ધાર્મિક ઉત્થાન સાથે દેશના સીમાડાઓની રક્ષા માટે પણ ચિંતિત રહેનાર એક આચાર્ય. તેમની સામે તો આચાર્યની પદવી પણ તુચ્છ જણાય.

વિશાળ ભારત વર્ષનું પગપાળા ભ્રમણ કરી સનાતન ધર્મને સુનિયોજિત રીતે રક્ષણ આપનાર આદિ શંકરાચાર્યે ધાર્મિક વ્યવસ્થા ઊભી કરવા માળખાગત સંસ્થાઓની સ્થાપના કરી હતી. આ સંસ્થાઓની ભૂમિકા એટલી સ્પષ્ટ અને દ્રઢ રખાઈ હતી કે આજે પણ તે કાર્યરત જોવાં મળે છે. આદિ શંકરાચાર્યના આવા એક કાર્ય તરીકે ચાર મઠની સ્થાપના ખાસ મહત્વ ધરાવે છે. બ્રહ્માના ચાર મુખથી ચાર વેદની ઉત્પત્તિ થઈ છે. આ દરેક વેદ એક એક મઠ સાથે સંકળાયેલા છે - ઋગ્વેદ અર્થે પૂર્વમાં જગન્નાથ પુરીનો ગોવર્ધન પુરી મઠ, યજુર્વેદ અર્થે દક્ષિણમાં રામેશ્વરનો શૃંગેરી મઠ, સામવેદ અર્થે પશ્ચિમમાં દ્વારકાનો શારદા મઠ અને અથર્વવેદ અર્થે ઉત્તરમાં બદ્રીનાથનો જ્યોતિર્મઠ. આ મઠો દ્વારા વેદોનું સંરક્ષણ પણ થયું છે, તેમને સમાજ સુધી પહોંચાડવાના પ્રયત્નો પણ થયા છે અને વેદ અભ્યાસ માટેની શાસ્ત્રીય પરંપરા પણ જાળવી રખાઈ છે. આ મઠ દ્વારા જેમ વેદનું સંરક્ષણ કરાયું તેમ તેને સંલગ્ન દરેક આધ્યાત્મિક તેમજ ધાર્મિક બાબતોનું પણ સંરક્ષણ તે માટે અન્ય સંસ્થાકીય વ્યવસ્થા પણ તેમના દ્વારા ઊભી કરાઈ હતી, જે આજ પર્યંત કાર્યરત છે.
આદિ શંકરાચાર્યનો મઠ તેમજ અન્ય સંસ્થાકીય માળખું સ્થાપવાનો હેતુ માત્ર ધાર્મિક ન હતો, તેની સાથે સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, ભૌગોલિક તેમજ રક્ષા વિષયક સમીકરણો પણ જોડાયેલાં હતાં. સનાતની ભૂમિ પર આ એક નવનિર્માણનો તબક્કો હતો, જેની અસર આજ સુધી જોવા મળે છે.
એક વાક્યમાં કહીએ તો, આદિ શંકરાચાર્ય એટલે આદિ શંકરાચાર્ય. ન તેમની તોલે કોઈ આવી શકે, કે ન તેમની તોલે આવવા કોઈ પ્રયત્ન પણ કરી શકે.
----


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter