આજકાલના દરેક માતા-પિતા સાધુ-સંતો પાસે આશીર્વાદ માંગે છે કે, અમારી તકલીફો દૂર થઈ જાય. ધંધો વધુ સારો ચાલે, વ્યવહાર વધુ સારો ચાલે. દીકરા કે દીકરીને સારી જગ્યાએ એડમિશન કે નોકરી મળી જાય વગેરે, પરંતુ માતા-પિતાઓ એવા આશીર્વાદ માંગે કે, અમારી આવનારી પેઢી સદાચારી અને સંસ્કારી બને તો તે ખૂબ જ પ્રશંસીય કહેવાય. કારણ કે, બાળકો અને યુવાનોમાં શિક્ષણની સાથે સાથે સંસ્કારની ખૂબ જ જરૂર છે.
એવું કહેવાય છે કે, સત્શાસ્ત્ર દ્વારા સજ્જન માણસનું નિર્માણ થાય છે અને સજ્જન માણસ દ્વારા અનેક સદાચારી વ્યક્તિઓ બને છે. તેથી જ શ્રી સ્વામિનારાયણ ભગવાને ઈ.સ. 1882ના વડતાલમાં સ્વહસ્તે શિક્ષાપત્રી ગ્રંથ રચી જનસમાજને ભેટમાં આપ્યો. એ પણ વસંતઋતુમાં. સંયમની શિક્ષા આપતો આ શિક્ષાપત્રી ગ્રંથ પ્રમાણે જે માણસો જીવન જીવે એનું જીવન સદાચારમય બને અને એનાં સદાચારની સુગંધ દૂર દૂર સુધી પ્રસરે. શિક્ષાપત્રીમાં કુલ 212 શ્લોકો છે. દરેકમાં સરસ સરસ નાના સદ્ઉપદેશો આપેલા છે. આ શિક્ષાપત્રીના 139મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે, જે ગૃહસ્થ હોય તેમણે માતા-પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવનપર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી.
એક નાની બાલિકા શાળાએથી ઘેર આવતી હશે ત્યારે તેને એક દુકાનમાંથી રમકડું ગમ્યું એટલે તેણે પોતાની પાસે જે પૈસા હતા તેમાંથી તેણે ખરીદ્યું. એ બાલિકા રમકડું ખરીદી થોડી આગળ વધી ત્યાં જ તેણે એક બિમાર વ્યકિતને જોયો. તેથી બાલિકાએ તેને ખાવાપીવા અને દવા અંગે પૂછ્યું તો તેને જાણવા મળ્યું કે, બિમાર વ્યક્તિએ ત્રણ દિવસથી પૈસાના અભાવે ખાધું નથી. તરત જ આ બાલિકાએ દુકાનદાર પાસે આવીને વાત કરી અને રમકડું પાછું આપીને પૈસા લઈને આવી અને તે પૈસામાંથી તેણે બિમાર વ્યક્તિને ભોજન અને થોડી દવા લાવી આપી. બિમાર વ્યક્તિની આંખમાંથી આસું સરી પડ્યા. તેણે બાલિકાને આશીર્વાદ આપ્યા.
વર્ષોના વહેવા સાથે આ ગરીબ અને બિમાર વ્યક્તિના આશીર્વાદ બાલિકા ઉપર ઉતર્યા અને તેઓ મહારાણી વિક્ટોરિયા થયા. આમ, ભગવાને આપણને જે કાંઈ તન, મન અને ધન આપ્યું હોય તેનાથી બીજાને મદદ કરવી જોઈએ. આમ, શિક્ષાપત્રી ગ્રંથ તે અતિ ઉપયોગી ગ્રંથ છે.
આ શિક્ષાપત્રી ઉપર ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા છે કે, ‘આ જે શિક્ષાપત્રી તે અમારું સ્વરૂપ છે. માટે તેને પરમ આદર થકી માનવી. અને જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્વે પામશે.’
આવી અણમોલ શિક્ષાપત્રી રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને મુંબઈના અંગ્રેજ અધિકારી ગર્વનર જ્હોન માલ્કમને 26 ફેબ્રુઆરી 1830ના રોજ ભેટ આપી હતી. તે ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોડ્લીયન લાયબ્રેરીમાં સાચવવામાં આવેલી છે. આજે પણ જે મુમુક્ષુજનો ત્યાં જઈને તેનાં દર્શન કરવા ઈચ્છે છે તેને તે શિક્ષાપત્રીનાં દર્શન કરાવવામાં આવે છે.
આ દિવ્ય સ્થળે આ શિક્ષાપત્રી ગ્રંથના દર્શન કરવા માટે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ઈ.સ. 1996માં પધાર્યા હતા. તેવી આ પ્રસાદીભૂત શિક્ષાપત્રી છે.
આવા અદ્ભૂત અને અલૌકિક ગ્રંથને 23 જાન્યુઆરીના રોજ 200 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તે મહાઆનંદની વાત છે. આપણે પણ આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે આ શિક્ષાપત્રી ગ્રંથનું પઠન કરીએ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના શાશ્વત દિવ્ય સુખને પામીએ.


