ગાંધીજી માટે અનેક વિશેષણો વપરાયા છે. મોહનલાલ કરમચંદ ગાંધી ‘ગાંધીજી’ના નામે ઓળખાયા. ‘બાપુ’ના નામે ઓળખાયા ‘મહાત્મા’ના નામે ઓળખાયા. કોઈએ તેમને સદીના ‘મહામાનવ’ કહ્યા તો કવિવર રવીન્દ્રનાથ ટાગોરે તેમને ભિખારીના વેશમાં ‘મહાન આત્મા’ પણ કહ્યા. બિટનના એ વખતના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે તેમની પોતડી જોઈ ગાંધીજીને ‘અર્ધ નગ્ન ફકીર’ કહ્યા હતા.
કહેવાતા ઘણા સંસ્કારી માણસોએ ગાંધીજીના પોશાકની મજાક ઉડાવી હતી. અલબત્ત, પોતાની પોતડીના ટીકાકારોને જવાબ આપતાં ગાંધીજીએ કહ્યું હતું કે, ‘પોતડીની સંસ્કૃતિનો તો અહીં પ્રશ્ન જ નથી. મારા માટે પોતડી ધારણ કરવી તે જરૂરિયાત બની હતી. મારી પોતડી જેટલે અંશે સાદાઈ વ્યક્ત કરે છે તેટલે અંશે તે ભારતીય સંસ્કૃતિની પ્રતિનિધિ પણ છે.’
વર્ષો પહેલા ગાંધીજીએ ટોપી અને કુરતાનો ત્યાગ કર્યો અને ગરીબો સાથેની એકરૂપતા સાધવા જ તેમણે પોતડી અને ઉપર એક ચાદર જેવું વસ્ત્ર અપનાવ્યું હતું. ‘યંગ ઇન્ડિયા’ના 29 સપ્ટેમ્બર, 1921ના અંકમાં ‘ગરીબોનો ઈલાજ’ એવા મથાળા હેઠળ લખેલા લેખમાં ગાંધીજીએ ભારતની પ્રજાને વિદેશી કાપડનો ત્યાગ કરી તેના સ્થાને ખાદી અપનાવવા અનુરોધ કર્યો હતો, પરંતુ એ લેખમાં તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે જયાં સુધી તેમનું ખરેખર પોતાના કામ માટે જરૂરી લાગે એ સિવાય સહકાર્યકરો પણ પોતડી ધારણ કરે એવી અપેક્ષા હું રાખતો નથી.’
એ જ રીતે ગુરુકુલના વિદ્યાર્થીઓને સંબોધતા ગાંધીજીએ એમ પણ કહ્યું હતું કે, ‘આપણી પોશાકની પદ્ધતિને, બેશક, આપણી આસપાસના સંજાગો સાથે સંબંધ છે. પાયજામા-પેન્ટ પર ખમીસ-શર્ટ પહેર્યું હોય અને ફરફરતા શર્ટ પર નેકટાઈ વિના જ જાકીટ પહેયું હોય તો તેવો ભારતીય બહુ સોહામણો લાગતો નથી.’ ગાંધીજી સાદગીને વર્યા હતા છતાં રસહીન નહોતા. તેઓ સંગીતને ચાહતા હતા. એક વાર તેમણે સંગીત માટે કહ્યું હતુંઃ ‘સંગીત એટલે જ સંવાદિતતા, સુવ્યવસ્થા. એની અસર વીજળીક છે. એ તત્ક્ષણ મનની શાંતિ પ્રેરે છે.’
ગાંધીજીના સાબરમતી આશ્રમમાં સંગીત પણ કેળવણીનું મહત્ત્વપૂર્ણ અંગ હતું. સાબરમતી આશ્રમમાંથી વિદાય લેતી વખતે તેઓ બોલ્યા હતા: ‘શ્રી મધુરીબહેન ખરેએ સંગીતમાં જે રસ લગાડયો છે તે ચાલુ રાખજો.’ એ ઘટનાના વર્ષો પછી મધુરીબહેન ખરે બાપુને પ્રિય એવા ભજનો અહીં ગાતાં.
ગાંધીજી કહેતા: ‘હું ઈશ્વરને કોઈ પુરુષ વિશેષ માનતો નથી. મારે મન તો સત્ય એ જ પરમેશ્વર છે. જેમને હાજરાહજુર ઈશ્વર જોઈએ છે તેમને મન ઈશ્વર પુરુષરૂપ છે. જેમને એમનો સ્પર્શ જોઈએ છે તેમને મન ઈશ્વર શરીરધારી છે. જેને જેવો જોઈએ તેવો તે છે.’
અલબત્ત, ગાંધીજીએ પોતાની ધર્મશ્રદ્ધા વિશે જે સુંદર ઉચ્ચારો કાઢયા હતા. તે આ પ્રમાણે છે: ‘મેં કરેલાં અગણિત પાપોની ખુલ્લા દિલે મેં કબૂલાત કરેલી છે. મને લાગે છે કે હું દરેક ક્ષણે ઈશ્વરની સમીપ જઈ રહ્યો હોઉં તો મારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ઈશ્વરની નિકટ વસીને એનો પ્રકાશ અને એની હૂંફ હું પ્રતિક્ષણે અનુભવું છું. મારા વતો, મારા ઉપવાસો, મારી પ્રાર્થનાઓ મને તારશે તેમ માનીને હું બધું એમની પર નાંખી દઉં તો એથી એથી મારો કશો અર્થ સરે નહીં એ હું જાણું છું. પરંતુ પોતાના સર્જનહારના ખોળામાં થાકેલું મસ્તક મૂકીને નિર્ભયપણે સૂવાની આત્મઝંખના રૂપે એ સર્વ થતું હોય તો એમની કિંમતનો કોઈ પાર રહેતો નથી.’
ગાંધીજીને એ સ્પષ્ટ રીતે સમજાઈ ગયું હતું કે સાચો ધર્મ માત્ર શાસ્ત્રજ્ઞાનમાં કે અમુક સંપ્રદાયનો બુદ્ધિથી સ્વીકાર કરવામાં કે ધાર્મિક ક્રિયાકાંડમાં આવી જતો નથી. એ તો જે સત્ય છે તે જ પોતે જ ઈશ્વર છે - તેને પોતાનું જીવન સોંપી દેવામાં, એની કૃપાનો સંપૂર્ણ વિશ્વાસ રાખવામાં અને તેની ઈચ્છાનું પાલન કરવામાં રહેલો છે. સઘળા શાસ્ત્રોને સથળા મસીહાઓ, અવતારોને જે કહેવાનું છે તે બે મહાન આદેશોમાં આવી જાય છે: (1) ‘ઈશ્વરને, તારા સ્વામીને તારામાં હોય તેટલી શક્તિથી, બુદ્ધિથી, હૃદયથી ચાહજે. (2) અને તારી જાતને ચાહે છે તેટલી જ પડોશીને પણ ચાહજે.’
બાપુએ કહ્યું હતું: ‘ઈશ્વર કોઈ યાત્રાધામમાં જ છે તેવું નથી. એ તો આપણા સૌમાં વસે છે. જો આપણે વિષયોમાંથી મન પાછું વાળીએ તો ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકાય. આપણા અંતરમાં વસીને પ્રત્યેક ક્ષણે તે આપણને કાંઈક કહી રહ્યા હોય છે તેનો પ્રશાંત ક્ષીણ સ્વર સાંભળવા માટે આપણે શક્તિમાન થઈએ તે જ મૌનનું રહસ્ય છે.’
ગાંધીજી કહે છે: ‘કોઈ એમ આક્ષેપ કરે કે હું બહારની કોઈ શક્તિની પ્રાર્થના કરી રહ્યો છું તો હું વાંધો ના ઉઠાવું. હું અનંત ઈશ્વરનો એક અંશ છું. પણ અણુથીયે નાનો હોવાના લીધે મને એમ જ લાગે છે કે એ મારાથી પર છે. જો હું જાનના જોખમે પણ દુવૃત્તિઓ સામે ઝઝમું નહીં તો ઈશ્વરને કદીયે પામી શકું નહીં, જેમ જેમ હું શુદ્ધ થતો જાઉં છું તેમ તેમ એની સમીપ ગયાનો અનુભવ કરું છું. ઈશ્વરના તેજોમય સિંહાસનની નજીક અશુદ્ધ હૃદય લઈને કોઈક સ્ત્રી કે પુરષ જઈ શકે નહીં. દીન દુઃખિયાં અને નિરાધારની સેવા એ જ ધર્મ છે. ઈશ્વર પણ પોતાનું આસન માનવબંધુઓની સેવા કરનારના હૃદયમાં જ સ્થિર કરે છે.’
ગાંધીજીએ કહ્યું હતું: ‘પરસ્પરના સંપર્ક દ્વારા વધુ સારી પ્રજા બનાવવા માટે જગતભરના જુદા જુદા ધર્મના સઘળા મનુષ્યોને મારે ચાહવા જોઈએ. અને જો એમ થાય તો આ જગતમાં જીવવા માટે વધુ સારું સ્થાન બની જાય. હું વધુમાં વધુ ધર્મ સહિષ્ણુતાની હિમાયત કરું છું. હું જે હિંદ-ભારતનું સ્વપ્ન સેવું છું તે કોઈ એક જ ધર્મ, એટલે કે કેવળ હિંદુ, કેવળ ખ્રિસ્તી કે કેવળ મુસલમાન ધર્મ વિકસાવે તેવી અપેક્ષા મને નથી, પરંતુ તેના ધર્મો એકબીજાના પડખે ઊભા રહીને કામ કરતા હોય તેવું પૂર્ણભાવનું સહિષ્ણુ હિંદ (ભારત) ઈચ્છું છું.’
હિન્દી ફિલ્મોના સુપ્રસિદ્ધ લેખક અને પત્રકાર ખ્વાજા અહેમદ અબ્બાસે વર્ષો પહેલાં લખ્યું હતું: ‘જુહૂ કાંઠા પરની પેલી સ્મરણીય સંધ્યાઓમાંની તે પણ એક સંધ્યા હતી. ગાંધીજીની સાથે પ્રાર્થનામાં જોડાવા દસેક હજારની મેદની એકત્ર થઈ હતી. આશ્રમવાસીઓ ભિન્ન ભિન્ન ધર્મોની પ્રાર્થનાઓ સાંભળતા હતા. સંસ્કૃત શ્લોક અને તુલસીદાસનું હિન્દી ભજન તો હાજર રહેલા સૌને પરિચિત હતા જ, પરંતુ એમ એક સંધ્યાનું શાંત વાતાવરણ મંજુલ છતાં સૌમ્ય સાંત્વનભર્યા છતાં પ્રેરણાદાયી એવા નવા અપરિચિત સૂરથી વ્યાપી ગયું. હાજર રહેલી મેદનીમાંથી ભાગ્યે જ થોડા જાણી શક્યા કે કુર્રાન-એ-શરીફની એક આયાત ગવાઈ રહી છે.’
ખ્વાજા અહેમદ અબ્બાસ લખે છે કે ઈસ્લામના ધર્મગ્રંથની કેટલીક આયતોનો સમાવેશ કર્યા વિના ગાંધીજી કદી પોતાની પ્રાર્થનાને સંપૂર્ણ ગણતા નહીં. તા. 9 ઓગસ્ટના રોજ સવારે પોલીસ ગાંધીજીને લેવા માટે આવી ત્યારે ગાંધીજીએ પોતાની પ્રાર્થના પતાવવા માટે સમય માંગ્યો હતો. એમાં કુર્રાનની આયતનો પણ સમાવેશ થતો હતો. ગાંધીજી પોતાની સાથે જેલમાં જે અડધો ડઝન પુસ્તકો લઈ ગયા હતા તેમાં એક કુર્રાન પણ હતું.