શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય મહારાજે જેટલી ગહનતાથી, સચોટ અને સરળતાથી પરમાત્મા તત્વની સમજણ આપી છે, મારી દૃષ્ટિએ એટલે સુધી કદાચ કોઈ પહોંચ્યું હોય તેવું મારા ધ્યાનમાં તો નથી જ. ‘પિંડે ઇતિ બ્રહ્માંડે’ અર્થાત્ પિંડ એટલે કે આપણા દેહમાં તે બધું જ છે જે સમગ્ર બ્રહ્માંડમાં છે. તેનાથી પણ આગળ વધીને તેમણે ‘અહમ્ બ્રહ્માસ્મિ’ એટલે કે ‘હું જ પરમ બ્રહ્મ છું’ એવી ઉદઘોષણા કરીને તો અદ્ભુત રહસ્ય અતિ સરળતાથી ઉજાગર કરેલ છે. શ્રીમદે તો આથી પણ આગળ વધીને આજ બાબત સમજાવવા અનેક સ્તોત્રો રચ્યા છે, તેમાં પણ સૌથી વધુ સરળ અને સ્પષ્ટતાથી આ જ વાત સમજાવવા તેમણે ‘ચિદાનંદ રૂપઃ શિવોહમ્ શિવોહમ્’ સ્તોત્રથી તો આ અતિ ગહન રહસ્ય અત્યંત સરળતાથી ઉજાગર કર્યું છે. આમ શ્રીમદ્ શંકરાચાર્યજીએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે ‘મૂળત: તો આપણે બધા સાક્ષાત શિવ સ્વરૂપ જ છીએ’. પણ આ કેવી રીતે તે સમજવું હોય તો લિંગ પૂજા રહસ્ય સમજવું ખુબ જરૂરી છે.
સમગ્ર ભારતમાં દેશના દેશ ખૂણે ખૂણે અત્યંત પ્રાચીન કાળથી શિવલિંગની પૂજા પ્રચલિત છે. ‘લિંગ પૂજા’ને કેટલાક લોકો સ્થૂળ રૂપમાં લિંગ અને યોની પૂજા માને છે, કેટલાક લોકો નિરાકાર પૂર્ણ બ્રહ્મનું પ્રતિક રૂપે લેખે છે, જ્યારે કેટલાક લોકો શિવ- શક્તિના સમન્વય તરીકે અને કેટલાક લોકો શંકર ભગવાનના સ્વરૂપ તરીકે ગણે છે. આમ, શિવલિંગ અંગે અનેક માન્યતા પ્રચલિત છે. ભારતમાં વેદોના આગમન પહેલાંથી જે પૂજાપદ્ધતિ પ્રચલિત હતી અને શ્રી રામ અને શ્રી કૃષ્ણ જેવા ભગવાનના અવતારોએ લિંગની સ્થાપના અને પૂજા કરીને જે પૂજા પદ્ધતિને અનુમોદન આપ્યું તે ઉપરથી આ ઉપાસના પદ્ધતિ પાછળ અતિ ગહન સત્ય છુપાયેલું હોવાનું સ્પષ્ટ જણાય છે, પરંતુ જ્યાં સુધી આ સત્યને સમજી ન શકાય ત્યાં સુધી કરેલી ઉપાસનાનો અર્થ પણ શો? ખરેખર યક્ષરાજ પુષ્પદંતે પોતાના ‘શિવ મહિમ્ન સ્તોત્ર’માં સાચું જ કહ્યું છે કે, ‘પર્વતોની લેખની કરી, દરિયાના પાણીની શાહી કરી, સુર-તરુવર શાખાઓના પત્રોનો કાગળ કરીને સાક્ષાત સરસ્વતી અવિરત લખે તો પણ ભગવાન શિવના ગુણોનો પાર આવી શકે તેમ નથી.’
ખરેખર તો શિવ મંદિરોમાં શિવલિંગની થતી ઉપાસના પાછળ એક મહાન યોગિક ક્રિયાનું રહસ્ય છુપાયેલું છે. આ રહસ્યને સમજવા યોગ અને તેમાં પણ ખાસ કરીને કુંડલીની યોગનું જ્ઞાન હોવું જરૂરી છે. જો શિવલિંગની આકૃતિનો કુંડલીની જાગરણની પ્રક્રિયા સાથે સૂક્ષ્મતાપૂર્વક વિચાર કરાય તો આપણે પૂજીએ છીએ તે શિવલિંગની ભૌતિક આકૃતિ અને યોગ મત પ્રમાણેની આપણી શરીરરચના બન્ને વચ્ચેની અદ્દભુત એકરૂપતાને યોગ્ય રીતે સમજી શકાય. યોગિક માન્યતા પ્રમાણે, મનુષ્ય શરીરના કરોડરજ્જુના નીચલા છેડા ઉપર આવેલ મુળાધાર ચક્ર આવેલું છે. આ મૂળાધાર ચક્રમાં સ્વયંભૂ લિંગ આવેલું છે જેને સાડા ત્રણ આંટા વિંટળાયેલ કુંડલીની શક્તિ હોય છે. ‘કુંડલે અસ્યા: સ્ત: ઇતિ કુંડલિની.’
યોગકુંડલિની ઉપનિષદમાં દર્શાવ્યા પ્રમાણે:
મુલાધારસ્થ વહયાત્મતેજે મધ્યે વ્યવસ્થિતાં ।
શિવશક્તિ: કુંડલાસ્યા પ્રાણાકારાય તૈજસી ।।
જ્યારે ઘરંડા સંહિતામાં કુંડલીની માટે જણાવ્યા પ્રમાણે:
મૂળાધાર આત્મશક્તિ: કુંડલિ પરદેવતા ।
શાયિતા ભુજગાકારા સાર્ધત્રિ વલયાંવિતા ।।
આમ મુલાધાર ચક્રમાં સ્વયંભુ લિંગને સાડા ત્રણ આંટા વીટળાયેલા કુંડળીની શક્તિનો મહિમા તો યોગશાસ્ત્ર તથા યોગીઓએ એટલો બધો ગાયો છે કે તેના ઉપર જેટલું લખીએ તેટલું ઓછું પડે. હવે આપણે જે લિંગ પૂજા કરીએ છીએ તે અને યોગિક મત પ્રમાણે શરીર રચનાની સરખામણી કરશું, જેથી લિંગ પૂજાનું સાચું રહસ્ય સમજી શકાય.
આપણે જે લિંગ પૂજા કરીએ છીએ તેમાં ચાર ભાગો જોવા મળે છેઃ શિવિલિંગનું થાળું, લિંગ, સર્પ તથા જળાધારી. આ વસ્તુઓ યોગ મત પ્રમાણેની આપણી શરીર રચના સાથે અદભુત એકરૂપતા ધરાવે છે. થાળા આગળનો નાળી જેવો ભાગ હોય છે તેને મનુષ્યના સ્થૂળ પ્રવાહી નિકાલની રચના ગણી શકાય. (જેમાંથી પ્રવાહીનું ઉત્સર્જન થાય છે.) જ્યારે જે લિંગની પૂજા કરાય છે તે તેની સીધાનમાં કરોડરજ્જુના છેડે મૂળાધાર ચક્રમાં આવેલ સ્વયંભૂ લિંગ છે. તેને વિંટલાયેલ સાપ એટલે યોગશાસ્ત્રો જેનું વર્ણન કરતા થાકતા નથી તે સર્પાકાર કુંડલિની શક્તિનું પ્રતીક છે. કુંડલિની સર્પિણી જેવી ચંચળ અતિ તીવ્ર ગતિ ધરાવતી હોવાથી અંગ્રેજીમાં તેને ‘Spirit Fire’ અથવા ‘Serpent Power’ તરીકે પણ ઓળખાય છે. ‘કુંડલિની’ની ગતિ તો પ્રકાશ કરતાં પણ વધારે છે. મેડમ બ્લેવેટસ્કીના મતે ‘Light travels at the rate of 185,000 miles per second but Kundlini travels at 45,000 miles per second.’ કેટલી અદ્દભુત ગતિ! આમ કુંડલિની શક્તિનું સ્વરૂપ લિંગ પૂજામાં દર્શાવાય છે, તે ઘણું યોગ્ય છે. જ્યારે ઉપર લટકાવાતી જળાધારી તે યોગિક પરિભાષા પ્રમાણે મસ્તિષ્કમાં આવેલ ‘સહસ્ત્રદલ કમળ’ કે ‘સહસ્ત્રાધાર ચક્ર’નું પ્રતીક છે. જેમાં ખરેખર શિવ એટલે કે પરબ્રહ્મનો વાસ છે. આમ સહસ્ત્રાધાર ચક્ર એટલે કે શિવની કલ્પના છે, જ્યારે કુંડલિની એ શક્તિનું પ્રતીક છે.
જળાધારીમાંથી એટલે કે શિવ તત્ત્વમાંથી ટપકતું જળ અથવા દૂધ અમૃત છે જેનું પાન યોગિક પ્રક્રિયાથી જાગૃત થયેલ બુભુક્ષિત કુંડલિની શક્તિ કરે છે. કુંડલિની શક્તિને જાગ્રત કર્યા પછી મુળાધાર ચક્ર, સ્વાધિસ્થાન ચક્ર, મણીપુર ચક્ર અને વિશુદ્ધ આખ્યાન ચક્ર વગેરે ચક્રોનું ભેદન કરી અંતિમ લક્ષ સહસ્ત્રાધાર ચક્રમાં આવેલ શિવ સ્વરૂપ પરમાત્મા સાથે કુંડલિની એકતા સાધે છે. (કુંડલિની શક્તિના જાગરણની પ્રક્રિયા અને સહત્રાધાર ચક્રમાંથી ટપકતા અમૃતનું પાન કરવા માટે કેટલી તીવ્ર વૃત્તિ કુંડલિની શક્તિ ધરાવે છે તેનું વર્ણન ‘જ્ઞાનેસ્વરી ગીતા’માં આત્મસંયમ્ યોગના 14 મા શ્લોકની ટીકા વાંચી જવા અનુરોધ છે.)
આપણે જેની ઉપાસના કરીએ છીએ એ સદાય ઉત્તરભિમુખ શિવલિંગ હોય છે. ઉત્તરાભિમુખ બેઠેલા સાધકના શરીરમાંના યોગને લગતા અંગોનું તેમના સ્થાન અને મહત્વ દર્શાવતું અદ્દભુત પ્રતીક છે. આપણા સહસ્ત્રાધાર ચક્રમાં બિરાજમાન શિવ સાથેનું મૂળાધાર ચક્રમાં આવેલ શક્તિનું એકત્વ એ જ માત્ર યોગ સાધના કરતા યોગીઓ, તપસ્વીઓ અને ભક્તોનું ઉચ્ચતમ એક માત્ર ધ્યેય હોય છે. આથી જ શંકર ભગવાન યોગીશ્વર તરીકે પણ ઓળખાય છે. પરંતુ સાચા રહસ્યથી અજાણ આપણે ફક્ત તેની સ્થૂળ પૂજામાં જ રચ્યાપચ્યા રહ્યા છીએ. શિવલિંગ અને તે પ્રમાણેની દર્શાવેલ શારીરિક સંરચના લક્ષમાં રાખી શિવલિંગના રૂપકને સમજી શિવસ્વરૂપ પરમ પરબ્રહ્મને પામવા માટે એક ડગલું પણ આગળ વધી શકીએ અને તે માટે પ્રયત્ન કરીએ તો તેઓ સાચું રહસ્ય સમજવાનો કોઈ અર્થ રહે. આ દ્રષ્ટિથી જોઈએ તો આપણું શરીર પોતે જ જંગમ શિવાલય જ છે.
‘શિવો ભુત્વા શિવમ્ યજેત’


