વાંકે અંબોડે શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરૂપ...

શ્રીનાથજી પાટોત્સવ (8 ફેબ્રુઆરી)

Tuesday 03rd February 2026 11:43 EST
 
 

પંદરમી સદીના શ્રીમદ્ વલ્લભાચાર્યે પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રીવિષ્ણુના લીલાવતાર ઘનશ્યામ શ્રીકૃષ્ણની માધુર્ય-પ્રેમલક્ષણા ભક્તિને કેન્દ્રમાં રાખી શ્રીવૈષ્ણવ સંપ્રદાય પ્રવર્તિત કર્યો, વેદાન્તી ‘શુદ્ધાદ્વૈતવાદ’ તેમજ ‘પુષ્ટિભક્તિ’ના સિદ્ધાંતોનો પ્રચાર-પ્રસાર કર્યો. વલ્લભાચાર્યે પ્રવર્તિત કરેલ વૈષ્ણવી પુષ્ટિમાર્ગમાં ગોવર્ધનધારી શ્રીકૃષ્ણ ‘શ્રીનાથજી’ કે ‘શ્રીજી’ કહેવાયા. શ્રીનાથદ્વારા તેમનું વૈષ્ણવી ધામ પ્રસ્થાપિત થયું. વલ્લભાચાર્યે ‘યમુનાષ્ટક-સ્તોત્ર’માં યમુનાજીને શ્રીકૃષ્ણ (શ્રીનાથ)ના ચરણારવિંદમાંથી પ્રગટેલાં ‘યમુનારાણી’ રૂપે વર્ણવ્યાં છે.

વલ્લભાચાર્યને થયેલો ‘શ્રીનાથજી'નો સાક્ષાત્કાર
કહેવાય છે કે વલ્લભાચાર્યને મથુરા પાસે વૃંદાવનમાં ગોવર્ધન પર્વત પાસે શ્રીનાથજીનાં દર્શન થયાં અને એમની આજ્ઞાથી વલ્લભાચાર્યજીએ ‘પુષ્ટિમાર્ગ’ નામનો ભક્તિસિદ્ધાંત પ્રવર્તિત કર્યો. પુષ્ટિમાર્ગ એટલે ભગવાન પોતાની કૃપા દ્વારા ભક્તોને પોષે છે, એવો ભક્તિસિદ્ધાંત. પુષ્ટિમાર્ગનું લક્ષ્ય મોક્ષ નહીં, પરંતુ શ્રીકૃષ્ણ-ચરણકમળનું સતત સેવન તેમજ શ્રીહરિની દિવ્ય લીલાનું નિત્ય દર્શન છે. જગત મિથ્યા નથી, સત્ય છે. ‘હું’ અને ‘મારું’ એવી ભાવનાના કારણે જીવાત્મા પોતાના બ્રહ્મસ્વરૂપને ભૂલી જાય છે.

વ્રજભૂમિમાં શ્રીનાથજીનું પ્રાગટ્ય
‘જીવાત્માઓના કલ્યાણ માટે કળિયુગમાં હું વ્રજભૂમિમાં શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થઇશ’ - એવું વૈષ્ણવ ભક્તોને આપેલ વચન પ્રમાણે, વ્રજ પ્રદેશમાં મથુરા નજીક જતીપુરા ગામમાં શ્રીગોવર્ધન પર્વતની કંદરાઓમાં ભગવાન શ્રીનાથનાં શ્રીઅંગોનું ક્રમશઃ પ્રાગટ્ય થયું, એવી સાંપ્રદાયિક માન્યતા છે. વ્રજવાસી ગોવાળોની ગાયો ચરવા માટે ગોવર્ધન પર્વત ઉપર જતી. એમાંની એક ગાય દ૨રોજ પોતાનું દૂધ કોઇક સ્થળે વિસર્જિત કરી દેતી. એ સ્થળની શોધ માટે નીકળેલા ગોવાળોને ગોવર્ધન ગિરિરાજની કંદરાઓમાં સર્વપ્રથમ શ્રીનાથજીની પ્રગટેલી ડાબી ઊર્ધ્વભૂજાના દર્શન થયાં. ગોવાળો આનંદમાં નાચી ઊઠ્યા, પૂજાનો આરંભ કર્યો. કહેવાય છે કે તે પછી વિ. સંવત 1535ની વૈશાખ વદ એકાદશીએ મુખારવિંદ સાથે શ્રીનાથજીના સંપૂર્ણ દેહવિગ્રહનું પ્રાગટ્ય થયું. આ સમયગાળામાં મહાપ્રભુ વલ્લભાચાર્ય તે ભૂમિમાં પધાર્યા.
એવી કિંવદન્તી છે કે ભક્તવત્સલ ભગવાન શ્રીનાથજી તો કંદરામાંથી બહાર નીકળીને પોતાના અંશરૂપ ભક્ત વલ્લભને ભેટી પડ્યા. તેમણે ગોવર્ધનગિરિ ઉપર શ્રીનાથજીની પ્રતિમાની સ્થાપના કરી, મંદિરનું નિર્માણ કરાવ્યું, તેમજ શ્રીનાથજીની સેવા-ઉપાસનાની સાચી પદ્ધતિઓનો વ્રજવાસીઓમાં પ્રચાર-પ્રસાર કર્યો.

શ્રીનાથજીની મૂર્તિનું સ્થાનાન્તર 17મી સદીના મધ્યભાગમાં ઔરંગઝેબના આક્રમણોને કારણે, શ્રીનાથજીની મૂર્તિની રક્ષા કરવા માટે ગોવર્ધન પર્વત ઉપરથી તેને અન્યત્ર ખસેડીને મેવાડ-રાજસ્થાનના ઉદયપુર પાસેના સિંહાડ (હાલનું શ્રીનાથદ્વારા) ગામે પ્રસ્થાપિત કરાઇ. નાથદ્વારામાં મંદિરનું નિર્માણ થઇ જતાં, ભગવાન શ્રીનાથજીને મંદિરમાં પધરાવ્યા અને ભવ્ય પાટોત્સવ ઊજવાયો. તે દિવસ હતો મહા વદ સાતમનો. તે પછી તો, પ્રતિવર્ષ મહા વદ સાતમના દિવસે (આ વર્ષે 8 ફેબ્રુઆરી) શ્રીનાથદ્રારા સહિત ભારતભરમાં શ્રીનાથજીનો પાટોત્સવ ભારે ધામધૂમથી ઊજવાય છે. આ દિવસે ફાગ ખેલાય છે, રસિયા ગવાય છે. દર્શનાર્થીઓને અબીલ-ગુલાલથી રંગાય છે. વળી, પુષ્ટિમાર્ગીય શ્રીનાથદ્વારા સાથેનાં તમામ મંદિરો-હવેલીઓમાં ધૂળેટી સુધી ભગવાન શ્રીનાથજીને હોળી રમાડાય છે.

ભગવાન શ્રીનાથજીનું બંને તીર્થસ્થળે આવાગમન
વલ્લભ સંપ્રદાયના ભક્તોની એવી માન્યતા છે કે નાથદ્વારામાં સંધ્યા-આરતી પૂર્ણ થયા પછી શ્રીનાથજી શણગારેલા સુવર્ણરથમાં વિરાજમાન થઇને ગોવર્ધનગિરિની યાત્રાએ નીકળે છે. રાત્રે ગિરિરાજના શિખર ઉપર ચંદનના પલંગમાં શયન કરે છે.
બીજા દિવસે પ્રાતઃકાલીન આરતીના સમયે ભગવાન શ્રીનાથજીના રથ અને બળદની જોડીનાં દર્શન શ્રીનાથદ્વારામાં કરાવાય છે. આમ, ભલે શ્રીનાથજી ભગવાન નાથદ્વારાના થયા, પરંતુ એમનું મૂળ પ્રાગટ્યસ્થાન તો ગોવર્ધન પર્વત છે, તેથી જ શ્રીનાથજી બંને તીર્થો સાથે કાયમ સંબંધ રાખે છે.

ગોવર્ધનધારણ-લીલા અને અન્નકૂટ મહોત્સવ
શ્રીનાથજીનું પ્રાગટ્ય ગોવર્ધન પર્વત પર થયું અને એ જ પર્વતને ટચલી આંગળીએ ઊંચકીને તો ‘ગોવર્ધનધારી’ બન્યા અને વ્રજવાસીઓની રક્ષા કરી, ગોવર્ધનપર્વતની પૂજાનો આરંભ કર્યો. ‘ભાગવત’, ‘વિષ્ણુ પુરાણ’ વગેરેમાં પ્રાપ્ત થતી આ કથા પ્રસિદ્ધ છે.
શ્રીનાથદ્વારા તેમજ ગુજરાત વગેરેનાં વૈષ્ણવ મંદિરોમાં ધામધૂમથી ઊજવાતો અન્નકૂટ મહોત્સવ તો પુષ્ટિમાર્ગીય યજ્ઞ ગણાય છે. નાથદ્વારામાં ઊજવાતા અન્નકૂટ મહોત્સવનો પ્રભાવ ગુજરાતનાં દ્વારકા, ડાકોર, શામળાજી વગેરે કૃષ્ણમંદિરોમાં ઓછાવત્તે અંશે વર્તાય છે. શ્રીકૃષ્ણે વ્રજવાસીઓ દ્વારા ગોવર્ધનને અન્નકૂટનો ભોગ ધરતાં પૂર્વે ગોવર્ધનનું પૂજન કરાવ્યું હતું. તદનુસાર આજે પણ નાથદ્વારા વગેરેમાં અન્નકૂટનો ભોગ ધરતાં પહેલાં ગોબરથી બનાવેલ અને વૃક્ષ-ડાળખીઓથી આચ્છાદિત ગોવર્ધનપર્વતનું દૂધ, જળ, કંકુ, તુલસી વગેરેથી પૂજન થાય છે.

વૈષ્ણવ ભક્તો વગેરે દર્શનાર્થીઓને પ્રસાદ-ઉપરણાં અપાય છે. ગાયની પૂજા કરી તેની પ્રદક્ષિણા કરાય છે અને પછી અન્નકૂટનો ભોગ ધરાય છે. આ ભોગની વાનગીઓ પડિયા, ફૂલડાં, છાબ વગેરેમાં કલાત્મક રીતે સજાવાય છે. આ બધાની વચ્ચે સખડી (રાંધેલો ભાત)નો કોટ (ડુંગર જેવો ઢગલો) કરાય છે. શ્રીનાથદ્વારામાં તો 159 મણ ભાતનો કોટ કરાય છે! કોટની ટોચ ઉપર ચતુર્ભુજ ભગવાનના સ્વરૂપની ભાવનાથી શંખ, ચક્ર, ગદા અને પદ્મની આકૃતિના ચાર ‘ગુંજા’ રચાય છે. દર્શન ખૂલતાં શ્રીનાથજી સૌને ભોગ આરોગતાં દર્શન આપે છે. ચાંદીની થાળીમાં દીવડાની આરતી કરાય છે. નાથદ્વારામાં કુલ નવ આરતી થાય છે. ચોથી આરતી પછી ભીલ લોકો અન્નકૂટ લૂંટે છે. છેલ્લી આરતી પછી સૌને ભોગ-મહાપ્રસાદનું વિતરણ કરાય છે. મંદિર સંકુલ ભક્તોથી ઊભરાતું હોય છે.

શ્રીજી-શ્રીનાથજીનું રસાત્મક સ્વરૂપ
વલ્લભ સંપ્રદાયનો પુષ્ટિમાર્ગીય ગ્રંથો પ્રમાણે, ભક્તોને પોતાના સ્વરૂપાનંદની અનુભૂતિ કરાવવા ભગવાન શ્રીવિષ્ણુ કોઇ અવતાર સ્વરૂપે પ્રગટ થાય છે. ભાગવત (1-3-28)ના ઉલ્લેખ પ્રમાણે શ્રીકૃષ્ણ સ્વયં ભગવાન છે ને ૫૨મતત્ત્વ તો રસસ્વરૂપ છે: રસ્તો થૈ સઃ તેમને જ ‘ગોપીજનવલ્લભ ઘનશ્યામ શ્રીનાથજી’ કહ્યા છે.
ઘનશ્યામ સ્વરૂપમાંથી શ્રીકૃષ્ણ-શ્રીનાથજીનું શ્રૃંગાર-રસ-સ્વરૂપ પણ સૂચવાય છે. તેથી જ કાવ્યશાસ્ત્રીઓએ શ્રૃંગારનો વર્ણ શ્યામ બતાવ્યો છે. વૈષ્ણવી પુષ્ટિમાર્ગની માન્યતા છે કે ભગવાન શ્રીનાથજી વ્રજનારીઓનો સેવા-ભાવથી સ્વીકાર કરે છે. શ્રીનાથજી તો પુષ્ટિપુરુષોત્તમ છે, ભક્તવત્સલ છે. અકિંચન- દીનભાવે જીવાત્મા શરણે આવે તો શ્રીનાથજી પોતાના સ્વરૂપાનંદનો તેને અનુભવ કરાવે છે. ભગવાન પોતાની લીલાઓ દ્વારા ભક્તોને દુન્યવી પ્રપંચલીલાઓથી મુક્ત કરે છે. એક ગુજરાતી ગીતની બે પંક્તિ નોંધીએ
‘વાંકે અંબોડે શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરૂપ,
શ્રીવલ્લભ સુત સેવા કરે, એ શ્રીગોકુળના ભૂપ...’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter