વિજયાદશમી એટલે કે આસો મહિનાની શારદીય નવરાત્રી પછી આવતું દશેરા પર્વ સનાતની સંસ્કૃતિનો એક મહત્ત્વપૂર્ણ ઉત્સવ છે; તેની મુખ્ય ભૂમિકા તરીકે અધર્મ પર ધર્મના, અસત્ય પર સત્યના, દોષ પર પવિત્રતાના, અન્યાય પર ન્યાયના, અહંકાર પર વિવેકના, વાસના પર સંયમના તથા અપવિત્રતા પર પવિત્રતાના વિજયને ગણવામાં આવે છે. વિજયાદશમીનો અર્થ સમજવો સરળ છે - વિજય અપાવતી દસમી તિથિ.
અશ્વિન માસના શુક્લ પક્ષની દશમીના દિવસે (આ વર્ષે 20 ઓક્ટોબરે) આવતો આ ઉત્સવ દશેરા નામે પણ ઓળખાય છે જેનો અર્થ થાય છે દશ+હરા એટલે કે દસ પ્રકારનાં અધર્મના, મસ્તકના, અહંકારના નાશની ઉજવણી. સનાતન દૃષ્ટિએ આ કોઈ ઐતિહાસિક વિજયની ઉજવણી માત્ર નથી, પરંતુ ધર્મની સ્થાપના અને શુભ કાર્યના આરંભ માટે જરૂરી ચેતનાની સ્થાપના છે.
પૌરાણિક ઇતિહાસ મુજબ, લંકાના રાજા રાવણે સીતાનું હરણ કર્યું હતું જેથી શ્રીરામે વાનરસેનાની મદદથી લંકા પર ચઢાઈ કરી, રાવણ સાથે યુદ્ધ કરી અશ્વિન શુક્લ દશમીના દિવસે તેનો વધ કર્યો હતો. પ્રતિકાત્મક રીતે રાવણનાં દસ મસ્તક એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અહંકાર, દંભ, અવિવેક, ભય, અસત્ય જેવી માનવીની દસ નકારાત્મક વૃત્તિઓ. આ સૂચિમાં ક્યારેક બદલાવ જોવાં મળતો હોય છે. અહીં અજ્ઞાન, અશ્રદ્ધા, અધર્મ, અવિદ્યા, અન્યાય, અસંયમ જેવી અન્ય નકારાત્મક વૃત્તિઓનો પણ સમાવેશ થઈ શકે.
અહીં પ્રશ્ન સંખ્યા કે યાદીનો નથી, તેની પાછળ રહેલાં ગુઢ અર્થનો છે. હકીકત એ છે કે માનવીની અંદર જો આસુરીવૃત્તિ, અ-સ્થિતપ્રજ્ઞતા, સાક્ષીભાવનો અભાવ જેવી બાબતોનું પ્રભુત્વ હોય તો તેને રાવણ સમકક્ષ કહેવાય. આ નકારાત્મક વૃત્તિઓ, આસુરી સંપત્તિ, અનૈતિક - અમાનવીય દોષો જો વ્યક્તિમાં સ્થાપિત હોય તો જીવનમાં ક્યારેય શાંતિ, સત્ય, પ્રેમ, શુદ્ધિ, અહિંસા, ક્ષમા, પવિત્રતા, નૈતિકતા, પ્રમાણિકતા, દયા, કરુણા, સહાનુભૂતિ, નિસ્વાર્થપણું, નિર્ભયતા, વિદ્યા અને ધર્મ સ્થાપિત ન થઈ શકે. રામાયણ દ્વારા એ સ્પષ્ટતાપૂર્વક જણાવાયું છે બધી જ નકારાત્મક બાબતોમાં અહંકારની નકારાત્મકતા સૌથી વધુ હોય છે. અહંકારી વ્યક્તિ પાસે શક્તિ, સામર્થ્ય, ભક્તિ, પરિવાર અને જ્ઞાન હોય તો પણ અંતે વિનાશને પામે. આ બોધ યાદ રહે તે માટે દર વર્ષે આસુરી શક્તિ ધરાવતા રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવતું હોય છે.
અન્ય એક સાહિત્ય, ‘દેવી મહાત્મ્ય’માં વર્ણવાયેલી કથા અનુસાર અતિ શક્તિશાળી અને માયાવી મહિષાસુર નામના અસુરનો નાશ કરવા દેવતાઓની શક્તિઓના સંયોજનથી મહાદેવી દુર્ગા પ્રગટ થયાં. ધર્મ અને સત્યની સ્થાપના માટે દેવીએ મહિષાસુર સાથે ભયંકર યુદ્ધ કર્યું અને અંતે દેવી દુર્ગાએ આ દિવસે મહિષાસુરનો વધ કર્યો. પ્રતિકાત્મક રીતે એમ કહી શકાય કે મા દુર્ગા એટલે ધર્મ આધારિત દિવ્ય માતૃશક્તિ. મહિષાસુર એટલે અવિદ્યા, અહંકાર, આસુરી તેમજ તામસી વૃતિ, અન્યાય, હિંસા, ક્રોધ, અધર્મ અને અસત્યનું પશુ સમાન ભૌતિક સ્વરૂપ. વિજય એટલે સાત્વિકતાનો, આધ્યાત્મિકતાનો, ધર્મનો અને સત્યનો નકારાત્મક પરિબળો પરનો વિજય.
વિજયાદશમી સાથે મહાભારતના ઇતિહાસની પાંડવોના અજ્ઞાતવાસ સાથે સંકળાયેલી એક ઘટનાનો ઉલ્લેખ પણ કરવો જોઈએ. અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ પોતાનાં શસ્ત્રો છુપાવવાની આવશ્યકતા હતી. આ માટે નિર્જન જંગલમાં તેમણે કોઈ શમીના વૃક્ષની કુદરતી આડશનો ઉપયોગ કર્યો હતો. વિરાટનગરમાં અજ્ઞાતવાસ પૂર્ણ થયાં પછી તેમણે વૃક્ષ પાસે છુપાવેલા શસ્ત્રો વિજયાદશમીના દિવસે પરત લીધાં હતાં. ભારતનાં કેટલાક વિસ્તારોમાં આ કારણથી જ શમીના વૃક્ષનું પૂજન આ દિવસે કરવામાં આવે છે. પછી આ શાસ્ત્રો દ્વારા તેમણે ધર્મના યુદ્ધમાં, ધર્મક્ષેત્રમાં અધર્મ પર વિજય મેળવ્યો હતો. પ્રસંગો જુદા છે, સ્થાન પણ અલગ અલગ છે, કાળખંડ પણ ભિન્ન છે; પરંતુ સંદેશો એક જ છે - અધર્મ પર ધર્મનો વિજય. વિજયાદશમીના ઉત્સવની ઉજવણીનો આ જ આધાર છે.
ભારતની એક વિશેષતા એ છે કે અહીં દરેક ઉત્સવ જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી પરંપરાને અનુસરે છે. અહીં મૂળ તાત્પર્ય તેમજ ભાવના એક સમાન હોય છતાં પણ અભિવ્યક્તિની રીત બદલાતી રહે છે. આ બદલાવ પાછળ મુખ્યત્વે પ્રાપ્ય સંસાધનો, સ્થાનિક આબોહવા, પ્રવર્તમાન જીવનશૈલી, પ્રાપ્ય કૌશલ્ય તેમજ સામાજિક માળખું કારણભૂત હોય છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિજયાદશમીના શુભ દિવસે શસ્ત્ર-પૂજન, વાહન-પૂજન, સરંજામ-પૂજન સાથે નવા કાર્યનો આરંભ પણ થતો હોય છે. ગુજરાતમાં વિજયાદશમીના ઉત્સવને નવરાત્રીની શક્તિ ઉપાસનાના અંતિમ અધ્યાય તરીકે પણ જોવામાં આવે છે. ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં આ દિવસે શુભ-લાભના પ્રતિક તરીકે શમીના પાનને પરસ્પર અર્પણ કરવામાં આવે છે.
ઉત્તર ભારતનાં કેટલાંક વિસ્તારોમાં ભજવાતી વિજયાદશમીની રામલીલા વિશ્વભરમાં પ્રખ્યાત છે. સતત નવ દિવસ સુધી રામાયણના પ્રસંગોનું નાટ્ય-રૂપાંતરણ પ્રસ્તુત કરી દસમા દિવસે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના વિશાળ પૂતળાનું દહન કરવામાં આવે છે. આ પરંપરા પાછળનો મુખ્ય ભાવ ‘અંતે સત્યના વિજય’નો હોય છે. પશ્ચિમ બંગાળમાં નવ દિવસ સુધી સામાજિક સ્તરે દુર્ગાપૂજા કર્યાં પછી વિજયાદશમીના દિવસે સંપૂર્ણ ભાવ અને શ્રદ્ધા સાથે દેવી દુર્ગાની પ્રતિમાનું વિસર્જન કરી તેમને વિદાય અપાય છે. તે દિવસે સ્ત્રીઓ દ્વારા એકબીજાને સિંદૂર લગાવવાની ‘સિંદૂર-ખેલા’ જેવી પરંપરા પણ પ્રચલિત છે. હિમાચલ પ્રદેશમાં આ દિવસને કુલ્લુ દશેરા તરીકે ભગવાન રઘુનાથજીની યાત્રા દ્વારા ઉજવાય છે. કર્ણાટક એટલે કે મૈસુરમાં વિજયદસમીનો ઉત્સવ રાજવી ઠાઠથી, રાજમહેલની સજાવટ, હાથીઓનો ભવ્ય કાફલા સાથેની શોભાયાત્રા, ધર્મ અને સાંસ્કૃતિક વૈભવની પ્રસ્તુતિ દ્વારા ઉજવાતો હોય છે. કેરળમાં વિજયાદશમી સાથે વિદ્યારંભમ્ની પરંપરા જોડાયેલી છે જ્યાં આ દિવસને જ્ઞાનની શરૂઆત માટે યોગ્ય ગણાય છે. છત્તીસગઢના બસ્તરમાં સ્થાનિક આદિવાસી પરંપરાઓ અને તેમના દેવતાઓનું વિધિપૂર્વક પૂજન થતું હોય છે.
એકંદરે એમ કહી શકાય કે વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મના અને આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનો ઉત્સવ. વ્યક્તિગત સ્તરે એ પ્રશ્ન પૂછવો જોઈએ કે ‘શું આ વર્ષે મારા અંદરના રાવણનો નાશ થયો કે નહીં.’


