વિશ્વ સમસ્તની પ્રાણીસૃષ્ટિના જીવન-નિર્વાહ માટે અને પરમાત્મા ચરણે અર્પણ કરાતા અન્નકૂટ કે છપ્પનભોગના વ્યંજનોનું અન્ન પૂરું પાડનારાં દેવી તે વિશ્વમાતા અન્નપૂર્ણા. ભારતીય ધર્મ-સંસ્કૃતિમાં ધન-ધાન્યનાં મુખ્ય બે દેવીઓની પૂજા-ઉપાસના થાય છે. ધનસંપત્તિનાં દેવી લક્ષ્મી અને ધાન્ય-અનાજનાં દેવી અન્નપૂર્ણા. મહાલક્ષ્મીના હસ્તમાંથી સુવર્ણમુદ્રાઓની વર્ષા થાય છે, તો મહાદેવી માતા અન્નપૂર્ણાના હાથમાંના અક્ષય ભિક્ષાપાત્રમાંથી ધાન્યનું વિતરણ થાય છે. ‘નારી તું નારાયણી’ કહીને આપણા ઋષિ-મુનિઓએ નારીશક્તિનું ભારે ગૌરવગાન કર્યું છે. રસોડામાં હરતી-ફરતી અને અન્ન થકી પરિવારનું ભરણ-પોષણ કરતી ગૃહિણીને જ ઘર કહ્યું છે: ગૃહિણી ગૃહં ઉચ્યતે, નારી તો દેવી અન્નપૂર્ણાનો જ અંશ કહેવાય.
અન્નનો પુરવઠો પૂરો પાડનાર વિશ્વમાતા
મહાલક્ષ્મીના હાથમાંથી ખરતી સુવર્ણમુદ્રા અને માતા અન્નપૂર્ણાના ધાન્ય કણ - બંનેમાં બાહ્ય નજરે કેટલો બધો ફેર છે! પરંતુ આપણા વૈદિક મહર્ષિઓએ તો સુવર્ણમુદ્રા કે ધનથી પણ અન્ન-ધાન્યને ચઢિયાતું માન્યું છે. અન્નને સાક્ષાત્ બ્રહ્મસ્વરૂપ સિદ્ધ કર્યું છે.
તૈત્તિરીય ઉપનિષદની ભૃગુવલ્લીમાં ઋષિ વરુણ ભૃગુને કહે છે: વિશ્વમાં સૌથી પહેલું અન્ન ઉત્પન્ન થયું છે. જીવનરસ સ્વરૂપ અન્નરસથી જ સૌ પ્રાણીઓ-મનુષ્યો જન્મે છે અને જીવે છે. अन्नं खलु ब्रह्म, અન્નં ખલુ બ્રહ્મ, અન્ન તો ખરેખર બ્રહ્મ છે. વિશ્વને અનાજનો પુરવઠો પૂરો પાડનાર વિશ્વમાતા દેવી અન્નપૂર્ણા છે.
ધરતીમાતા છે દેવી અન્નપૂર્ણાનું વૈદિક સ્વરૂપ
મહાદેવી અન્નપૂર્ણા વૈદિક અને પૌરાણિક દેવીરૂપે આજે પણ ગુજરાતમાં જ નહીં, ભારતભરમાં વિવિધ સ્વરૂપે પૂજાય છે. અન્નપૂર્ણાનું પ્રાચીન વૈદિક સ્વરૂપ માતા ધરતી (ભૂમિ)માં જોઈ શકાય છે. ખેતર ખેડાઇને અન્નના કણ ધરતીમાં પ્રવેશતાં, એ ખેતરની ધરતી અન્નપૂર્ણા સ્વરૂપ બની જાય છે. ધન-ધાન્યના અખૂટ ભંડાર ખોલી આપતી અને છએ રસોથી ભરેલી ધરતી (વસુધા, વસુંધરા કે રસાલા) માતા તો સાચા અર્થમાં અન્નપૂર્ણા દેવી છે.
ધરતીનાં ધાવણ ધાવીને સજીવ પ્રાણીઓ પોષાય છે; તેથી તો ધરતી ‘વિશ્વંભરી’ કહેવાઈ છે. પૌરાણિક રાજા પૃથુએ ધરતીમાંથી ધન-ધાન્યનું દોહન કર્યું, તેથી ધરતી ‘પૃથ્વી’ પણ કહેવાઈ. આવાં અન્નપૂર્ણા-સ્વરૂપ ધરતી માતાને દેવોએ પણ માથે ચઢાવીને જળપ્રલયમાંથી બચાવ્યાં છે.
ભગવાન વિષ્ણુએ વરાહ અને મત્સ્ય અવતારમાં પ્રલયકાળે જળમાં ડૂબેલી પૃથ્વીને માથે ઊંચકીને બહાર કાઢી. શેષનાગે તો તેને મસ્તકે ધારણ કરી રાખી છે, એવી આપણી પૌરાણિક માન્યતા છે. વૈદિક ધરતીમાતા પુરાણકાળમાં મુખ્યત્વે શિવપત્ની અન્નપૂર્ણા દેવી રૂપે સ્થપાય છે. ધરતીના મુગટ સ્વરૂપ ધરણીધર હિમાલય પર્વતની પુત્રી તે પાર્વતી. શૈવ પુરાણો પ્રમાણે શિવપત્ની પાર્વતીનું એક સ્વરૂપ તે શિવશક્તિ અન્નપૂર્ણા દેવી.
મહાદેવી અન્નપૂર્ણાનું ભારતભરમાં પ્રખ્યાત એવું સૌથી પ્રાચીન મંદિર ભગવાન વિશ્વનાથ શિવજીની લીલાભૂમિ મોક્ષપુરી કાશી (વારાણસી)માં છે. કાશીમાં ભગવાન શિવ પોતાની હૃદયેશ્વરી ભગવતી અન્નપૂર્ણા સાથે કાયમી નિવાસ કરીને રહે છે, તેથી કાશીતીર્થ ‘અવિમુક્તેશ્વર’ પણ કહેવાય છે. કાશીમાં વિશ્વનાથ જ્યોતિર્લિંગના ભવ્ય મંદિરની પડખે જ અન્નપૂર્ણાનું મંદિર છે. એમાં ચાંદીના સિંહાસન પર વિરાજમાન અન્નપૂર્ણા દેવીનાં દર્શન થાય છે.
પૌરાણિક કથાઓ પ્રમાણે, પહેલાં ભગવાન ભોળાશંકર શ્વસુરગૃહે હિમાલયના કૈલાસમાં રહેતા હતા, પરંતુ દેવીએ હઠ લેતાં, તેમને પ્રસન્ન કરવા માટે મહાદેવજી હિમાલયમાંથી કાશીમાં આવીને વિશ્વનાથ રૂપે રહેવા લાગ્યા. પુરાણોની કથાઓ પ્રમાણે, મહાદેવજી ભિક્ષુકનો અવતાર ધારણ કરીને ભિક્ષા માટે મહાદેવી અન્નપૂર્ણા પાસે ‘ભિક્ષામ્ દેહિ’ કહીને ઊભા રહેલા! દેવીએ તેમને પ્રેમથી પોતાના ભિક્ષાપાત્રમાંથી ભિક્ષા આપેલી. ભિક્ષુક શિવજી જે કંઈ ભિક્ષા ભેગી કરે, તે બધી જ દેવી અન્નપૂર્ણા પ્રજાને વહેંચી દે છે. અન્નદાનનો મહિમા આમાંથી પ્રગટ થાય છે.
અન્નપૂર્ણા વ્રતકથાનો સાર
બ્રહ્મસ્વરૂપ અન્નનો ક્યારેય તિરસ્કાર, ઉપેક્ષા, અવગણના કે બગાડ ન કરાય. અન્નનો અનાદર કરીએ તો કેવી વિપત્તિ આવે એ અંગેની અન્નપૂર્ણા - વ્રતકથા અગસ્ત્ય ઋષિ દંડકારણ્યમાં રામ-લક્ષ્મણને સંભળાવે છે. એ કથાનો સાર એ છે કે અન્નનો આદર કરનાર રાજકુમાર દેવદત્ત સુખ-સંપત્તિ મેળવે છે, જ્યારે અન્નનો તિરસ્કાર કરનાર એનો મિત્ર નિર્ધન થઈને દુઃખી થઈ જાય છે. અન્નપૂર્ણાનું વ્રત કરવાથી અને તે પ્રમાણે અન્નદાન કરવાથી ધનધાન્યસંપન્ન થઈને સર્વ વાતે સુખી-સમૃદ્ધ થવાય છે.
અન્નપૂર્ણા વ્રતની વિધિ
અન્નપૂર્ણાનું વ્રત માગશર સુદ છઠથી વદ અગિયારસ સુધી 21 દિવસનું એકટાણું કરીને કરાય છે. આ વ્રતમાં સૂતરના 21 તાર લઈને કંકુથી તેને વધાવીને 21 ગાંઠો મારવી. તે પછી અક્ષત (આખા ચોખા)ના 21 દાણા લઈને ‘હે માતા અન્નપૂર્ણા, મને અન્ન, પુત્ર, પશુ અને સુખશાંતિ પ્રદાન કરો’ એવા સંકલ્પવાળા કોઈ પણ મંત્રથી વધાવીને દોરાને પુરુષે જમણા હાથે અને સ્ત્રીએ ડાબા હાથે બાંધવો. દરરોજ એકાગ્ર ચિત્તે અન્નપૂર્ણાની વાર્તા સાંભળીને દોરાની પૂજા કરવી અને છેલ્લા એકવીસમા દિવસે અન્નપૂર્ણાની મૂર્તિની કે ફોટાની સ્થાપના કરવી. સ્તુતિ, પૂજન, આરતી અને પ્રદક્ષિણા કરીને હાથે બાંધેલો દોરો દેવીને અર્પણ કરવો. યથાશક્તિ દક્ષિણા આપવી, અન્નથી ભરેલાં 21 પાત્રોનું દાન કરવું અને બીજા દિવસે સવારે અન્નપૂર્ણા માતાનું પૂજન કરી વિસર્જન કરવું. આ પ્રસંગે અન્નપૂર્ણાનાં મંદિરોમાં માગસર સુદ છઠથી 21 દિવસનો ભવ્ય મેળો ભરાય છે, ધામધૂમથી ઉત્સવ ઊજવાય છે.
આંગણે આવેલ અતિથિ કે ભિક્ષુકને પ્રેમથી ભિક્ષા આપે તો આખા પરિવારના યોગક્ષેમનું વહન કરનાર ગૃહિણી પણ અન્નપૂર્ણા સ્વરૂપ બની જાય. ભગવતી અન્નપૂર્ણાને આપણે નમન કરીએ-
નમઃ કણ્યાદે દેવિ નમઃ શંકરવલ્લભે ।
નમો મુક્તિપ્રદે દેવિ હયન્નપૂર્ણે નમોસ્તુ તે ।।
‘હે ભગવાન શંકરના પ્રાણપ્રિયા, ધાન્યના કણ પ્રદાન કરનારા દેવી, તમને નમસ્કાર. હે મુક્તિ આપનારાં અન્નપૂર્ણા દેવી, તમને વારંવાર નમસ્કાર.’
અન્નદાનનો મહિમા
માગશર મહિનાની પૂર્ણિમા (આ વર્ષે 4 ડિસેમ્બર)એ દેવી અન્નપૂર્ણાની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે પૂજા પછી અનેક પ્રકારના ભોગ બનાવીને દેવી અન્નપૂર્ણાને નૈવેદ્ય ધરાવવામાં આવે છે. તે પછી અન્નદાન કરવું જોઇએ. જરૂરિયાતમંદ લોકોને પેટભરીને ભોજન કરાવવું જોઇએ. જોકે, માગશર મહિનાના દરેક દિવસે અનાજદાન કરવાની પરંપરા છે. પરંતુ કોઇ કારણે માગશરમાં આખો મહિનો દાન ન કરી શકો તો આ પૂર્ણિમાએ જ અન્નદાન કરવાથી આખા મહિનાનું ફળ મળે છે.


