આસો સુદ - પૂનમને શરદપૂર્ણિમા (આ વર્ષે 6 ઓક્ટોબર) કહેવાય છે. આ પૂર્ણિમાએ ચંદ્ર સંપૂર્ણ રીતે ખીલી ઉઠે છે. તેનો પ્રકાશ શીતળ લાગે છે. આકાશ નિર્મળ હોય છે. શ્વેત ચાંદની રેલાતી હોય છે. આ રાત્રિએ ચંદ્ર પણ પૃથ્વીની વધુમાં વધુ નજીક હોય છે. ચંદ્રના આ શાંત - શીતળ પ્રકાશથી અનેક પ્રકારની વનસ્પતિ - ઔષધિને અત્યંત પોષળ મળે છે. આ શરદપૂર્ણિમાને માણેક - ઠારી પૂનમ પણ કહેવાય છે. આવા ધવલરંગી ઉત્સવે લોકો દૂધ - પૌંઆનો પ્રસાદ જમીને ખુશાલી વ્યકત કરે છે.
આ શરદપૂર્ણિમાના દિવસે શ્રી કૃષ્ણ ભગવાને કરેલી રાસલીલાને સૌ યાદ કરે છે. ચીરહરણ લીલા વખતે શ્રી કૃષ્ણના વચને ગોપીઓએ પોતાનાં વસ્ત્રો લેવા માટે લોકલાજ મૂકી હતી, ત્યારે શ્રી કૃષ્ણે પ્રસન્ન થઈને શરદપૂર્ણિમાએ મહારાસનું મહાસુખ આપવાનું વચન આપ્યું હતું. શરદપૂર્ણિમાએ ગોપીઓ પણ રાસનું અલૌકિક સુખ માણવા વ્રજ છોડી વૃંદાવનમાં આવી ગઈ હતી. આ વચનને પૂર્ણ કરવા શ્રીકૃષ્ણે શરદપૂર્ણિમાની રાત્રિએ યમુનાના કાંઠે બંસરીના સૂર એવા તો વહેતા મૂક્યા કે, તેમાં ગોપીઓ પ્રેમમાં ઘેલી બની ગઈ હતી. રાસમંડળના મધ્યમાં રાધાને પોતાની પડખે રાખી એક ગોપી અને એક કૃષ્ણ એ રીતે ભગવાને અનેક રૂપો ધારણ કર્યા. ગોપીઓને મહારાસનું દિવ્ય સુખ આપ્યું હતું.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ શરદપૂર્ણિમાનું આગવું મહત્વ છે. સ્વામિનારાયણ ભગવાન પણ જ્યારે મનુષ્ય સ્વરૂપે આ પૃથ્વી ઉપર હતા ત્યારે તેઓએ ઘણી જગ્યાએ શરદપૂર્ણિમાનો શરદઉત્સવ ઉજવ્યો છે અને સંતો - ભક્તોની સાથે રાસે રમ્યા છે.
આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો દેશમાં હોય કે, વિદેશમાં દરેક જગ્યાએ તેની ઉજવણી કરાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનને રાસ રમતાં શણગાર સજવામાં આવે છે. સંતો અને હરિભક્તો અરસપરસ રાસ રમે છે અને ત્યારબાદ દૂધ અને પૌઆનો પ્રસાદ સૌને વ્હેંચવામાં આવે છે.
આપણે પણ ઉત્સવ ઉજવવા જોઈએ. ઉત્સવની ઉજવણીના કારણે આપણી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો ટકી રહે છે. આપણે પણ અવશ્ય આવા ઉત્સવોમાં ભાગ લેવો જોઈએ. જો મંદિરમાં ના પહોંચી શકાય તો આપણા ઘરે પણ ભગવાનને શણગાર કરીને - દૂધ પૌઆનો થાળ ધરાવી ઉત્સવ ઉજવવો જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિ સંતોના આધારે ટકી રહી છે. સંતોના વિચરણથી સંસ્કારોનું પોષણ થાય છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી કોઈ પણ સંતે વિદેશની ભૂમિ ઉપર પદાર્પણ નહોતું કર્યુ, એવા સમયે શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને તેમના પ્રથમ પટ્ટશિષ્ય શાસ્ત્રી
શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ વિદેશની ભૂમિ ઉપર જઈને ભારતીય સંસ્કારોની પુષ્ટી માટે વિચાર્યું અને તેઓ સૌ પ્રથમ ઈ.સ. 1948માં આફ્રિકા પધાર્યા. પછી ઈ.સ. 1970મા યુરોપના લંડન ખાતે પધાર્યા. ત્યારપછી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો લંડન આવતા થયા. જેના કારણે આજે યુરોપ અને લંડનમાં અનેક મંદિરો સ્થપાયા છે ને હજારોની સંખ્યામાં સત્સંગીઓ વસે છે.
સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો 104મો પ્રાગટ્યોત્સવ
આનંદની વાત એ છે કે, આ ભગીરથ કાર્યનો પ્રારંભ કરવામાં સાથ-સહકાર આપનાર સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો પ્રાગટ્ય દિન પણ શરદપૂર્ણિમાનો જ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શરદપૂર્ણિમાનો પ્રસંગ જ્યારે નીકળી ત્યારે સૌ આ સદ્ગુરુ સ્વામીને યાદ કરે છે. કારણ કે, તેઓશ્રીએ પોતાનું 80 વર્ષનું સાધુ જીવન અને 100 વર્ષનું આયખું ધર્મના પ્રવર્તન માટે સંપ્રદાયને સમર્પિત કર્યું છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને આ શરદપૂર્ણિમાના રોજ 104 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં ત્યારે એમણે જે જીવન સંદેશો આપ્યો છે કે, “જીવનમાં જેટલું ભગવાનને પ્રાધાન્ય આપશો, તેટલાં વધુ સુખી થશો. તેને આપણે આપણા જીવનમાં ઉતારીને કૃતાર્થ બનીએ."
•••
ચાંદો ચમકે છે
- શશિકાંત દવે, ટૂટીંગ, લંડન
આવી શરદ પૂનમની રાત ચાંદો ચમકે છે
આજ ઉજળું છે આકાશ ચાંદો ચમકે છે
ગાજે મીઠા નાદ બંસરીના ચાંદો ચમકે છે
સાથે ઢોલ નગારાંનાં તાલ ચાંદો ચમકે છે
ભાલે ચાંદલો ચમકે લાલ ચાંદો ચમકે છે
ઝણકે ઝાંઝરનો ઝણકાર ચાંદો ચમકે છે
ઉર ઉમંગ આજ અપાર ચાંદો ચમકે છે
બધી ધરતી ધમધમ થાય ચાંદો ચમકે છે
શશિ લઈને દાંડિયા જોડી ચાંદો ચમકે છે
થશે રમવાની હોંશ પૂરી ચાંદો ચમકે છે
સહુ નાચે કૂદે હરખાય ચાંદો ચમકે છે
છે આનંદ મંગળની રાત ચાંદો ચમકે છે
•