શા માટે ઊજવાય છે ફાધર્સ ડે?

ફાધર્સ ડે (15 જૂન)

Wednesday 11th June 2025 09:20 EDT
 
 

વિશ્વભરમાં 15 જૂને પિતાના પ્રેમની ઊજવણી થશે. આખું વિશ્વ ઊજવે છે એટલે આપણે પણ ઊજવવાનું. કંઈ સેલિબ્રેટ કરવા માટે તો કોઈ પણ બહાનું ચાલે. જોકે મધર્સ ડેની જેમ ફાધર્સ ડેનું પણ એટલું જ મહત્ત્વ છે, કારણ કે સંતાનોના ઉછેરમાં માતાની જેમ પિતાની કુરબાનીઓ પણ ઘણી હોય છે. ફરક ફક્ત એટલો કે એ કુરબાનીઓ એક પિતા કોઈ દિવસ બહાર આવવા જ નથી દેતા. તેઓ સંતાનો માટે શક્ય હોય એનાથી પણ વધુ કર્યે જાય છે અને કોઈને કહેતા સુધ્ધાં નથી. ભારતીય સંસ્કૃતિમાં તો પિતૃ દેવો ભવઃ એટલે કે પિતાને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. આખા વિશ્વનાં સંતાનો 15 જૂને પોતાના પિતાનો પ્રેમ ઊજવશે તો ચાલો જાણીએ પિતૃપ્રેમભર્યા આ દિવસની શરૂઆત વિશે.

તમે તમારા પપ્પાને કેટલો પ્રેમ કરો છો એ જણાવવા માટેનો દિવસ એટલે ફાધર્સ ડે. આજે ભલે આ દિવસ ન્યુ યર જેટલી જ સ્ફૂર્તિથી ઊજવાતો હોય, પણ સદી પહેલાં આવી પરિસ્થિતિ નહોતી. ભૂતકાળમાં ડોકિયું કરીએ તો, 1909માં વોશિંગ્ટનની સોનોરા સ્માર્ટ ડોડ નામની 27 વર્ષની એક યુવતીના મનમાં પોતાના પિતાને તેમની કુરબાનીઓ બદલ ધન્યવાદ કહેવાનો વિચાર આવ્યો.
સોનોરા એક દિવસ ચર્ચમાં મધર્સ ડે વિશેનું વક્તવ્ય સાંભળી રહી હતી. લેક્ચરમાં મમ્મીની મહાનતા વિશે સાંભળીને તેને પોતાના પપ્પા વિલિયમ જેક્સન સ્માર્ટની યાદ આવી અને તેને થયું કે હું મધર્સ ડેની જેમ ફાધર્સ ડે નામનો એક દિવસ પપ્પાને સમર્પિત કરું.

27 વર્ષની સોનોરાની મમ્મીનું તેના જન્મ સમયે લેબર કોમ્પ્લિકેશનને કારણે મૃત્યુ થયું હતું. પત્નીના મૃત્યુ પછી વિલિયમે બીજાં લગ્ન કર્યા વગર જ સોનોરા અને તેનાથી મોટાં બે ભાઈ-બહેનનું જતન કર્યું. ખૂબ મુશ્કેલીઓ વેઠીને એકલે હાથે મોટાં કર્યા. સોનોરાએ પોતાના પપ્પાની આ કુરબાનીઓ, પ્રેમ અને હિંમત માટે થેન્ક્સ કહેવું હતું. એ માટે તેણે પપ્પાના આવનારા બર્થ-ડે એટલે કે 1910ની 19 જૂનને ફાધર્સ ડે સેલિબ્રેટ કર્યો અને આ રીતે તેણે ફાધર્સ ડે સેલિબ્રેટ કરવાની શરૂઆત કરી.

સોનોરાની ઇચ્છા તો ફાધર્સ ડેના કન્સેપ્ટને રાષ્ટ્રીય નામના અપાવવાની હતી, પરંતુ મધર્સ ડે જેવા જ કોન્સેપ્ટ ધરાવતા આ ફાધર્સ ડેને લોકોએ એટલી ઝડપે ન અપનાવ્યો. એનાથી વિરુદ્ધ ફાધર્સ ડે પ્રત્યે અણગમો, રમૂજ, વિરોધ વગેરેનો સામનો કરવો પડ્યો.

એનાથી ડગ્યા વિના સોનોરાએ પોતાની કોશિશો ચાલુ જ રાખી. 1913માં અમેરિકામાં ફાધર્સ ડેને ઓફિશ્યલ બનાવવાના પ્રસ્તાવ સાથે એક બિલ રજૂ કરવામાં આવ્યું. આ બિલ 1916માં અમેરિકાના ત્યારના પ્રેસિડન્ટ વુડ્રો વિલ્સને અપ્રૂવ કર્યું. ત્યાર બાદ 1924માં પ્રેસિડન્ટ કેલ્વિન કોલિજે ફાધર્સ ડેના આ કન્સેપ્ટને વધાવ્યો. 1926માં ન્યુ યોર્કમાં નેશનલ ફાધર્સ ડે નામની કમિટી નીમવામાં આવી અને એનાં 30 વર્ષ બાદ કોન્ગ્રેસે ફાધર્સ ડેને નામ આપ્યું. પ્રેસિડન્ટ રિચર્ડ નિક્સને 1972માં જૂન મહિનાના ત્રીજા રવિવારને (આ વર્ષે 15 જૂન) કાયમી ધોરણે નેશનલ ફાધર્સ ડે બનાવવાનું એલાન કર્યું ત્યારે વધુ 16 વર્ષનો સમયગાળો પસાર થઈ ચૂક્યો હતો.

આ દિવસ બધા જ સારા ફાધર્સને માન આપવા માટેનો હતો જેમણે પોતાની ફેમિલી અને બાળકો માટે એક માતા જેટલું યોગદાન આપ્યું છે. ત્યાર બાદ અમેરિકાની સાથે વિશ્વભરમાં જૂન મહિનાનો ત્રીજો રવિવાર ફાધર્સ ડે તરીકે સેલિબ્રેટ થવા લાગ્યો.

એક બીજી થિયરી એ પણ કહે છે કે સોનોરા ડોડ પહેલાં સૌપ્રથમ ફાધર્સ ડેના પાયા વેસ્ટ વર્જિનિયાના ડો. રોબર્ટ વેબે 1908માં ફેરમાઉન્ટ ટાઉનના સેન્ટ્રલ ચર્ચમાં નાખ્યા હતા, પરંતુ સોનોરા ડોડની કોશિશોને લીધે જ આજના દિવસને રાષ્ટ્રીય નામના મળી શકી. ફાધર્સ ડેની ઉજવણી માટે લાલ અને સફેદ ગુલાબનાં ફૂલોને ઓફિશ્યલ ફ્લાવર માનવામાં આવ્યાં છે, જેમાં સફેદ ગુલાબ મૃત પિતાને જ્યારે લાલ ગુલાબ હયાત પિતાને ધન્યવાદ કહેવા માટે આપવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter