આપણા હિંદુ મહિનાનું કંઇક ને કંઇક વિશેષ મહત્વ રહ્યું છે. જેમ કે, માગશર એટલે કૃષ્ણ આરાધના, આસો એટલે શક્તિ આરાધના, શ્રાવણ એટલે શિવ આરાધના એવી જ રીતે કારતક, ચૈત્ર અને ભાદરવો પિતૃ આરાધનાના મહિના છે. ખાસ કરીને પિતૃકાર્ય આ ત્રણ માસમાં જ થઇ શકે છે, જેમાં ભાદરવા મહિનાનું વિશેષ મહત્વ છે. ભાદરવા મહિનાનો કૃષ્ણ પક્ષ એટલે શ્રાદ્ધના દિવસો (આ વર્ષે 8થી 21 સપ્ટેમ્બર). શ્રાદ્ધના દિવસો એટલે પૂર્વજોને યાદ કરીને તેમનું સ્મરણ કરીને તેમને તૃપ્ત કરવાના દિવસો.
શ્રદ્ધાપૂર્વક જે અંજલિ આપવામાં આવે છે તે શ્રાદ્ધ કહેવાય છે. જે પિતૃઓએ, પૂર્વજોએ આપણા ઉછેર, વિકાસ અને કલ્યાણ માટે પોતાના દેહને ઘસી નાખ્યો છે. આખી જિંદગી આપણા વિકાસ માટે ખર્ચી નાખી છે. પોતાનાં લોહીનું પાણી કરી નાખ્યું છે. તે સૌ પૂર્વજોનું-પિતૃઓનું શ્રદ્ધાથી સ્મરણ કરી તેઓ જે યોનિમાં હોય તે યોનિમાં તેઓને દુ:ખ ન પડે, અને સુખ-શાંતિ મળે તે માટે પિંડદાન અને તર્પણ કરવું એ જ શ્રાદ્ધનું મહાત્મ્ય છે.
તર્પણ કરવું એટલે પિતૃઓને-પૂર્વજોને તૃપ્ત કરવા, સંતુષ્ટ કરવા. આપણા પૂર્વજો-પિતૃઓ-વડીલો જે વિચારસરણીથી રહ્યા, જે વિચારો માટે, જે ધર્મ માટે તેમણે પોતાનું જીવન ખર્ચી નાખ્યું હોય તે પૂર્વજોના સંસ્કારને, તેમની વિચારસરણીને, તેમના ધર્મને ટકાવી રાખવાના પ્રયત્નો આપણે કરીએ. વડીલોની પ્રતિષ્ઠા-આબરૂ વધે એવું વર્તન રાખીને, તેમના જેવું પ્રતિષ્ઠાભર્યું જીવન જીવીએ તો જરૂર આપણા પૂર્વજો-પિતૃઓ તૃપ્ત થાય છે જ તેમાં શંકા નથી. આપણે પિતૃઓ અને પૂર્વજો તૃપ્ત રહે એવું જીવન જીવવું જોઇએ. આખા વર્ષમાં આ શ્રાદ્ધપક્ષમાં તેમની તિથિએ એક દિવસ માટે જે પિતૃઓ છે તેમના શ્રાદ્ધ નિમિત્તે આપણે આપણા જીવનનું આત્મપરીક્ષણ કરવું જોઇએ. આપણા પૂર્વજોની સરખામણીમાં આપણે કેટલા આગળ છીએ કે પાછળ એ વિચારવું જોઇએ.
શ્રાદ્ધના દિવસો એટલે કૃતજ્ઞતાપૂર્વક પિતૃઓનું સ્મરણ કરવાના દિવસો. આ દિવસે શ્રાદ્ધ પરંપરા જાળવી રાખીને આપણા સાંસ્કૃતિક વારસાને જીવંત રાખીએ છીએ. કુદરત જેને શરીરથી લઇ જાય છે તેમને આપણું શ્રદ્ધામય સ્મરણ અમર બનાવે છે. કાળે ભલે તેનો નાશ કર્યો છે, પરંતુ તેમનાં કર્મોએ અને તેમની વિચારસરણીએ, તેમના સિદ્ધાંતોએ એ પિતૃઓને જીવંત બનાવ્યા છે. આવા પૂર્વજોનું કૃતજ્ઞભાવે શ્રાદ્ધના દિવસોમાં સ્મરણ કરવું અને પૂજન કરવું જ પડે.
માનવજીવન હંમેશાં વિવિધ ઋણમુક્તિ માટે જ રહ્યું છે, કારણ કે આપણા ઉપર દેવોનું ઋણ છે. આપણા પૂર્વજોએ પોતાનો વારસો જાળવી રાખવા પોતાની નીચેની પેઢીને સુખી કરવા, શાંતિપૂર્ણ રહી શકે તે માટે બલિદાન આપ્યું છે. તેવા પૂર્વજોનાં ઋણમાંથી મુક્ત થવાનો વિચાર આ શ્રાદ્ધના દિવસોમાં કરવો જોઇએ. જે રીતે દેવોનું સતત સ્મરણ, ધ્યાન, પૂજન કરવાથી વ્યક્તિ દેવોના ઋણમાંથી મુક્ત થાય છે તેવી રીતે પિતૃઓનું શ્રાદ્ધના દિવસે સ્મરણ કરવાથી પિતૃઓના ઋણમાંથી મુક્ત થવાય છે. કોઇ કારણવશ પિતા અથવા માતા પોતાના જીવનનું નિશ્વિત ધ્યેય સિદ્ધ ન કરી શકે તો તે સિદ્ધ કરવાની અને પિતા-માતાની અભિલાષા પૂર્ણ કરવાની જવાબદારી પુત્રની રહે છે. જે અભિલાષા સંતુષ્ટ કરી શકે એ જ સાચો પુત્ર.
શ્રાદ્ધના દિવસો એટલે આ અટલ મૃત્યુનો વિચાર કરવાના દિવસો. મૃત્યુને અમાંગલિક ગણીને, પિતૃઓને યાદ કરવાના દિવસોને - શ્રાદ્ધને પણ અમાંગલિક માની લીધા છે. આપણા સહુની સમજ ભ્રામક છે. આનાથી ઊલટું વિચારીએ તો ‘મારે પણ મારા પિતૃઓની માફક જવાનું છે. હું પણ ભવિષ્યમાં પિતૃ બનીશ.’ આ બાબતનું શ્રાદ્ધના દિવસે સતત સ્મરણ કરીને સત્કૃત્યોનું ભાથું બાંધવું જોઇએ. શ્રદ્ધાપૂર્વક જે કાર્ય થાય તે ‘શ્રાદ્ધ’ પરંતુ આજના આધુનિક યુગમાં આપણે શ્રદ્ધાનું પણ શ્રાદ્ધ કરી નાખ્યું છે.
આજે લોકો પિતૃઓને માનતા નથી. આવા લોકો માનવજીવનનો મર્મ સમજયા નથી. ઘણા નાસ્તિકો કહે છે કે અહીં બ્રાહ્મણને જમાડેલું જો પિતૃઓને પહોંચતું હોય તો અમદાવાદમાં જમાડેલું જામનગરના બ્રાહ્મણને કેમ નથી પહોંચતું? પરંતુ શું આપણે બ્રિટનની બેન્કમાં ભરેલાં નાણાં ભારતની બેંકમાંથી નથી મળતાં? લંડનથી બોલેલો અવાજ આપણા સ્નેહીઓ અમદાવાદમાં સાંભળી જ શકે છે ને... તો પછી શ્રદ્ધાથી કરેલું શ્રાદ્ધ પણ જરૂર પિતૃઓની સુધી પહોંચે જ છે. આપણે અગાશી ઉપર જઇને ‘કાગવાસ’ બોલીને એમને જમાડીએ છીએ તેનો અર્થ એ છે કે કાકભુશંડીનો અવતાર ગણાતો કાગડો આ અન્ન લઇને - પિતૃઓનો ભાગ લઇને તેમના સુધી પહોંચાડે છે.
આ બાબત ઉપરથી એટલું ચોક્કસપણે સાબિત થાય છે કે પિતૃઓ હોય છે. જે લોકો અભિમાનમાં રાચવા લાગે છે અને પિતૃ જેવું તત્વ હોવાનું નથી માનતા તેવા લોકો કે અપલક્ષણ ધરાવતાં પુત્ર દ્વારા પિંડદાન કે તર્પણક્રિયા કરવામાં આવે તો તે નાશ પામે છે અને પિતૃઓ મોક્ષ પામ્યા વિના ભટક્યા કરે છે.
ટૂંકમાં શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધના દિવસોમાં પિતૃઓને યાદ કરીને તેમનું સ્મરણ કરીએ, પિતૃઓની અધૂરી રહેલી ઇચ્છાઓને પૂર્ણ કરીને તેમને સંતુષ્ટ કરીએ અને આપણી આ પરંપરાને જાળવી રાખીને શ્રાદ્ધને શ્રદ્ધાપૂર્વક ઊજવીએ એ જ શ્રાદ્ધ છે.