શ્રાદ્ધઃ પિતૃણાં પ્રીતિકારણાત્ પ્રજા સુખં લભતે

પિતૃપક્ષ (27 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર)

- હેમંત વાળા Wednesday 23rd September 2026 05:31 EDT
 
 

ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષને પિતૃપક્ષ (આ વર્ષે 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર) કહેવામાં આવે છે. એમાં પણ આ પક્ષની અમાસનું વિશેષ મહત્ત્વ છે, જેને સર્વપિતૃ અમાસ કે મહાલય અમાસ કહેવાય છે. અહીં પંચાંગનો એક તફાવત સમજવા જેવો છે. ઉત્તર ભારતની પૂર્ણિમાંત પદ્ધતિ, એટલે કે પૂનમને મહિનાનો અંત ગણવામાં આવતો હોવાને કારણે આ સમયને આશ્વિન કૃષ્ણ પક્ષ કહેવામાં આવે છે; તો ગુજરાત સહિત કેટલાક અન્ય પ્રદેશમાં અમાસાન્ત પદ્ધતિનું અનુસરણ થાય છે જેમાં અમાસને મહિનાનો છેલ્લો દિવસ ગણવામાં આવે છે તેથી અહીં આ સમયને ભાદરવા કૃષ્ણ પક્ષ કહેવામાં આવે છે; શ્રાદ્ધનો સમય એ જ રહે છે. શાસ્ત્રીય સાહિત્યમાં આ સમયગાળાને પિતૃઓના સ્મરણ અને તર્પણ માટે વિશેષ માનવામાં આવ્યો છે.

મનુસ્મૃતિના ત્રીજા અધ્યાયમાં પિતૃયજ્ઞ અને શ્રાદ્ધવિધિનું વિસ્તૃત વિવરણ છે તો મહાભારતમાં શ્રાદ્ધ, તર્પણ, પિતૃકર્મ, અને અન્નદાનનું મહત્વ ઘણાં પ્રસંગોમાં જોવાં મળે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિના આચારાધ્યાયમાં શ્રાદ્ધ, પિતૃઓ, અન્નદાન વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે જ્યારે ગરુડ પુરાણમાં તો મૃત્યુ પછીની સંભવિત સ્થિતિને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવી છે, જેમાં પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધનું મહત્વ પણ જણાવાયું છે. શ્રાદ્ધ પાછળનો મુખ્ય ધાર્મિક હેતુ પિતૃઋણમાંથી મુક્ત થવાનો છે.

આ સમયગાળામાં શ્રાદ્ધ તરીકે પિતૃઓને ‘કાગવાસ’ આપવામાં આવે છે. અહીં સામાન્ય પરંપરા પ્રમાણે ખીર, ઘી, દાળ-ભાત, પૂરી અથવા રોટલી, પૂર્વજોને પસંદ હોય તે શાક અને જો મીઠાઈ હોય તો તે અર્પણ કરવામાં આવે છે. પ્રદેશ અને કુટુંબની પરંપરા પ્રમાણે અહીં અર્પણ કરાતાં ભોજનમાં બદલાવ હોઈ શકે. અહીં જે અર્પણ કરવામાં આવે છે તે ભૌતિક અન્ન માત્ર નથી પરંતુ ભાવના, શ્રદ્ધા અને કૃતજ્ઞતાનો ભાવ છે; જેને પરિણામે સંભવત: ભુલાઈ જતી વંશપરંપરાગત બાબતો ફરીથી સ્મૃતિપટ પર ઉભરી આવે. આ ભોજન માટે ‘કાગવાસ’ નામની સાદ પાડીને અહીં જાણે કાગડાઓને આમંત્રણ આપવામાં આવે છે.

સનાતની શ્રદ્ધા પ્રમાણે કાગડાઓને પિતૃઓના દૂત કે પ્રતિનિધિ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો કાગડો આવીને અન્ન ગ્રહણ કરે તો તે પિતૃઓએ સ્વીકાર કર્યો છે તેમ કહેવાય. અહીં એનો અર્થ એવો નથી થતો કે મૃત વ્યક્તિનો આત્મા કાગડામાં પ્રવેશી જાય છે, આ તો પિતૃઓ પ્રત્યેની લાગણી તથા કૃતજ્ઞતાને વ્યક્ત કરવાની એક ધાર્મિક પરંપરા છે. જોકે સાંપ્રત સમયમાં જ્યારે શહેરી વિસ્તારમાંથી ચકલીની જેમ કાગડા પણ લુપ્ત થતાં રહ્યાં છે ત્યારે કુતરા, ગાય વગેરેને આ અન્ન આપવાની પરંપરા પણ સ્થાપિત થતી જાય છે.

સનાતની વિચારધારા અનુસાર પિતૃલોક એ એક સૂક્ષ્મ લોક છે જ્યાં, જેમને પૃથ્વીથી મુક્તિ મળી ગઈ છે પણ હજુ સ્વર્ગમાં સ્થાન નથી મળ્યું તેવાં, જીવનમાં સાત્વિકતાને ધારણ કરી ચૂકેલાં, પૂર્વજો વાસ કરે. આત્મા શરીર છોડ્યાં પછી પોતાનાં કર્મ અનુસાર જે તે લોકમાં જાય. જો આત્મા પૂર્ણ મુક્તિ ન પામે, હજુ પણ ‘સંબંધો’ અને ‘સંબંધીઓ’ સાથે ઋણાનુબંધ પૂર્ણ ન થયું હોય, તો પૂર્વજ બંધનમુક્ત થાય ત્યાં સુધી પિતૃલોકમાં વાસ કરે. આ બંધનમુક્તિ માટે પૃથ્વી પર જીવિત વંશજ દ્વારા તર્પણ, પિંડદાન, સત્કર્મ, ચોક્કસ શાસ્ત્રીય ક્રિયાકાંડ, શ્રાદ્ધ, પારાયણ તથા સંકીર્તન જેવી કેટલીક ક્રિયાઓ કરવામાં આવતી હોય છે. વંશજ માટે આ ઋણ ઉતારવાની પ્રક્રિયા સમાન છે.

શાસ્ત્રોક્ત વિધાન પ્રમાણે પિતૃઓનું અસ્તિત્વ જીવન પર અજાણતાં પણ પ્રભાવ પાડે. જીવંત માતાપિતા જેમ સંતાનની સંભાળ રાખે તેમ પિતૃઓ પણ સંતાનની સંભાળ રાખે. માતાપિતાની જેમ પિતૃઓ પણ ક્યારેય નડતરરૂપ ન બને. તેઓ હંમેશા સંતાનના સ્વાસ્થ્ય, સુખાકારી, શાંતિ અને સંપન્નતા માટે આશીર્વાદ આપે. ક્યારેક તેમના આશીર્વાદ તત્કાળ પસંદ ન પડે તેવા પણ હોય, પરંતુ લાંબાગાળે તેની સકારાત્મક સંભાવના હંમેશા સ્થાપિત થયેલી હોય. એમ કહેવાય છે કે માનવીને સૌથી સરળતાથી, સૌથી વધુ આશીર્વાદ પિતૃઓ તરફથી મળી રહે, જાણે કૃપા કરવા પિતૃઓ તત્પર જ હોય. શાસ્ત્રમાં કહેવાયું છે કે ‘પિતૃણાં પ્રીતિકારણાત્ પ્રજા સુખં લભતે’ અર્થાત પિતૃઓની પ્રીતિ પ્રાપ્ત થાય તો, પિતૃઓ તૃપ્ત થાય તો, વંશજ સુખી રહી શકે.

‘પુત્ર’ અથવા ‘પુત્રી’ ઉપપદ સમાસ છે. આ શબ્દોનો અર્થ થાય છે - ‘પુ’ નામના નર્કમાંથી તારનાર અથવા તારનારી. આ શબ્દ એમ સ્થાપિત કરે છે કે પિતૃઓને અમુક પ્રકારની નકારાત્મક સ્થિતિમાંથી બહાર કાઢવાનું ઉત્તરદાયિત્વ પુત્ર અથવા પુત્રીનું છે. જોવાની વાત એ છે કે અહીં પુત્ર અને પુત્રી વચ્ચે કોઈ ભેદભાવ નથી. જેમ પુત્ર શ્રાદ્ધ કરી શકે તેમ પુત્રી પણ કરી જ શકે. શ્રાદ્ધ શબ્દ શ્રદ્ધા પરથી આવ્યો હોય તેમ લાગે છે. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતી ક્રિયા. પિતૃઓના - પૂર્વજોના આત્માને શાંતિ અને તૃપ્તિ મળે તે માટે આ જરૂરી છે તેમ કહી શકાય.

અહીં ભાવના પહોંચે, પિંડ નહીં. અહીં લાગણી પહોંચે, ખોરાક નહીં. અહીં વ્યક્તિને એ અનુભૂતિ થઈ શકે કે પોતે એક વિશાળ શૃંખલાનો ભાગ છે અને જ્યારે વ્યક્તિ આ સમજતો થાય ત્યારે તેનો અહંકાર પણ ક્ષીણ થતો જાય. શ્રાદ્ધની પરંપરાનું પાલન કરવાથી માનવીને જીવનનું અસ્થાયીપણું ફરીથી ધ્યાનમાં આવે, જીવનની કેટલીક વાસ્તવિકતા સમજમાં આવી શકે તેમ હોવાથી આધ્યાત્મિક પ્રગતિ માટે જરૂરી નિર્લેપતા તરફ ડગલાં માંડી શકાય, પિતૃઓને યાદથી સંસ્કાર અને પરંપરા તાજા થાય, પોતાનાં ઇતિહાસ માટે ગૌરવ અનુભવાય, ભૂતકાળમાં સ્થાપિત થયેલી સામાજિક શીખને આધારે જીવન સુગમ બની શકે, કૌટુંબિક મૂલ્યો માટે ફરીથી સમજ સ્થાપિત થાય અને તે મુજબ નૈતિક વ્યવહાર શક્ય બને અને આ બધાં સાથે પિતૃઓ સાથે જોડાયેલાં રહેવાની, જોડાયેલાં હોવાની ભાવના સ્થાપિત થઈ શકે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ પ્રકારનો ભાવનાત્મક સંબંધ સકારાત્મક પરિણામ લાવી શકે. આ બધાંને કારણે ક્યાંક સંતોષ અને શાંતિનો ભાવ પણ પ્રાપ્ત થઈ શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter