શ્રીરામ એટલે શ્રીરામ

પર્વવિશેષઃ રામનવમી (26 માર્ચ)

- હેમંત વાળા Wednesday 18th March 2026 05:36 EDT
 
 

શ્રીરામ અનંત છે અને શ્રીરામની કથા પણ અનંત છે, શ્રીરામની કૃપા અનંત છે, શ્રીરામનો પ્રભાવ અનંત છે, શ્રીરામનું સામર્થ્ય અનંત છે, શ્રીરામની કરુણા અનંત છે, શ્રીરામનું તેજ અનંત છે, શ્રીરામ શબ્દનાં બ્રહ્માંડમાં પ્રસરેલા ધ્વનિ તરંગો અનંત છે, શ્રીરામની ભક્તિનો પ્રતાપ અનંત છે, શ્રીરામના જીવનનું સત્ય અનંત છે, શ્રીરામના આદર્શમાં શ્રદ્ધા અનંત છે, શ્રીરામ સાથે જ્ઞાન અને કર્મનો સમન્વય અનંત છે, શ્રીરામની આભા અનંત છે અને તેથી તેમની સાથે સંકળાયેલ બધી જ વાસ્તવિકતા અનંત છે - અને આ બધી અનંતતા સાથે આ બધી જ બાબતો શાશ્વત છે, સાત્વિક છે, પવિત્ર છે અને પ્રતીતિજન્ય પણ છે.
શ્રીરામ વાચા છે, શબ્દ છે, શબ્દ સાથે સંકળાયેલ અર્થ છે અને શબ્દનાં ઉચ્ચારણથી સ્થાપિત થતી અભિવ્યક્તિ પણ છે. શ્રીરામ મૌન છે, મૌનનું કારણ છે અને મૌનનું પરિણામ પણ છે. સાધન તરીકે મૌનને ગણવામાં આવે તો તેમાં શ્રીરામનું અસ્તિત્વ છે અને સાધ્ય તરીકે જો મૌનને લેવામાં આવે તો તેમાં શ્રીરામની વાસ્તવિકતા છે. શબ્દમાં શ્રીરામનું પ્રતિબિંબ છે તો મૌનમાં શ્રીરામનો પડઘો સ્થાપિત છે. બંધ આંખ શ્રીરામનું સ્મરણ છે અને ખુલ્લી આંખ શ્રીરામના અસ્તિત્વની સાબિતી છે.
સમયની દૃષ્ટિએ શ્રીરામ ભૂતકાળનો આધાર છે, વર્તમાનની વાસ્તવિકતા છે અને ભવિષ્યની કલ્પના છે. સ્થાનની દૃષ્ટિએ શ્રીરામ અંતરમાં છે, બહાર છે અને અંદર-બહારનું ક્ષેત્ર નિર્ધારિત કરતી સીમા પણ છે. શ્રીરામ રક્ષિત સાત્વિક સૂક્ષ્મ વિસ્તાર છે, તે વિસ્તારની હદ છે અને સાથે તે વિસ્તાર બહારનું ક્ષેત્ર પણ છે. શ્રીરામ દૃષ્ટા છે, દર્શન છે અને દૃશ્ય પણ છે. શ્રીરામ ભોક્તા છે, ભોગ છે અને ભોજન પણ છે. શ્રીરામ સાધન છે, સાધ્ય છે અને સાધક છે. શ્રીરામ આધાર છે, આધારિત છે અને આધારની પ્રક્રિયા પણ છે. એક સ્વરૂપે શ્રીરામ સર્જન છે, અન્ય સ્વરૂપે વિસર્જન છે અને સાથે સાથે પ્રવર્તમાન સ્થિતિ પણ છે. અહીંતહીં સર્વત્ર જ્યાં નજર પડે ત્યાં શ્રીરામ છે.
શ્રીરામ પંચમહાભૂતમાં વ્યાપક ઉર્જા છે અને સાથે તે ઊર્જાનું કારણ પણ છે. શબ્દો દ્વારા વ્યક્ત થતી જીભની મીઠાશ શ્રીરામ છે, આંખો દ્વારા છલકાતો પ્રેમ શ્રીરામ છે, શ્રવણ દ્વારા તરંગ સ્વરૂપે મન સુધી પહોંચતો ધ્વનિ શ્રીરામ છે, વાતાવરણમાં પ્રસરતી સાત્વિક સુગંધ શ્રીરામ છે અને પ્રકૃતિના સ્પર્શમાં અનુભવાતો પ્રેમ પણ શ્રીરામની જ દેન છે. હાથ દ્વારા કરાતાં કાર્ય પાછળ શ્રીરામની પ્રેરણા છે અને પગ દ્વારા ભરાતું પ્રત્યેક ડગલું શ્રીરામ તરફની ગતિ છે. શરીર દ્વારા કરાતાં પ્રત્યેક ગ્રહણ અને ત્યાગમાં શ્રીરામની વ્યવસ્થા છે.
શ્રીરામ મિત્ર માટે પરમ મિત્ર છે, પિતા માટે આજ્ઞાંકિત પુત્ર છે, માતા માટે પ્રેમાળ સંતાન છે, અગ્રજ માટે વિશ્વાસુ અનુજ છે, અનુજ માટે આદરણીય અગ્રજ છે, ભાઈ માટે આદર્શ ભાઈ છે, ગુરુ માટે પરિપક્વ શિષ્ય છે, પુત્ર માટે દૃષ્ટાંતરૂપ પિતા છે, પત્નીના પરિપ્રેક્ષ્યમાં શ્રીરામ પરમ ઈશ્વર સમાન આદર્શનો સંપૂર્ણતામાં સંપૂર્ણ પર્યાય છે, વડીલ માટે નિષ્કપટ અનુયાયી છે, સેના માટે નિર્ભય અને સક્ષમ સેનાપતિ છે, પ્રજા માટે પાલક રાજા છે, ગુનેગાર માટે તટસ્થ ન્યાયાધીશ છે અને મંત્રી માટે ન્યાયપૂર્ણ નિષ્કામ કર્મના આગ્રહી છે. દુઃખી માટે શ્રીરામ પરદુઃખભંજન છે, નાગરિક માટે શ્રેષ્ઠ વ્યવસ્થાપક છે, પાપી માટે ઉદ્ધારક છે, પુણ્યશાળી માટે સુખદાતા છે, ભક્ત માટે પરમ ઈશ્વર છે, જ્ઞાની માટે પરમ જ્ઞાન છે, યોગી માટે પરમ યોગ માટેનો આધાર છે, કર્મી માટે નિષ્કામ કર્મ માટેની પ્રેરણા છે, ગુણાતીત માટે ત્રણે ગુણોથી મુક્તિ માટેનું માધ્યમ છે, સ્થિતપ્રજ્ઞ માટે સ્થિરતાનું પ્રમાણ છે, આદર્શવાદી માટે અકલ્પનીય આશા છે, સત્યનિષ્ઠ માટે આશીર્વાદ છે, શ્રદ્ધાવાન માટે વિશ્વાસ છે ને સાત્વિક વ્યક્તિ માટે શ્રીરામ આધાર છે.
શ્રીરામ શબરી માટે વિશ્વાસ છે, ગૂહ માટે મિત્રતા છે, વિભીષણ માટે વરદાન છે, હનુમાનજી માટે શ્રદ્ધા છે, ભરત માટે પૂર્ણ આદર્શ છે, લક્ષ્મણ માટે હુંફાળું સાનિધ્ય છે, રાવણ માટે મોક્ષ છે, કુંભકર્ણ માટે આશ્ચર્ય છે, મેઘનાદ માટે પડકાર છે, સુગ્રીવ માટે રક્ષણ છે, વાલી માટે દંડક છે, માતા કૌશલ્યા માટે પ્રેમ છે, સતી સીતા માટે પ્રતિબિંબ છે, લવકુશ માટે સૂક્ષ્મ સાનિધ્ય છે, અહલ્યા માટે કૃપા છે, કાગભુષંડી માટે જીવન છે, વાલ્મિકી માટે મુક્તિ છે, તુલસીદાસ માટે સમાજને સંદેશો પહોંચાડવાનું માધ્યમ છે, વશિષ્ઠ માટે ખાતરી છે, વિશ્વામિત્ર માટે કર્મ છે, જનક માટે આનંદ છે, તાડકા માટે કાળ છે અને સમગ્ર માનવજાત માટે વરદાન છે. શ્રીરામ સત્યનું પ્રતિબિંબ છે, ધર્મનો આધાર છે, નૈતિકતાનું કારણ છે, સાત્વિકતાનો પર્યાય છે, પવિત્રતાનું મૂળ છે, આધ્યાત્મિકતાનું પ્રતિબિંબ છે, જીવનનો શ્વાસ છે, મૃત્યુની વાસ્તવિકતા છે, જીવનમાં થતી વિવિધ અનુભૂતિના સાક્ષી છે, બ્રહ્મનું સાકાર સ્વરૂપ છે, અહંકારનો ક્ષય છે, મોહમાયાનું મારણ છે, અજ્ઞાન અને અવિદ્યા સામે પ્રકાશક દીવડો છે, નિરાશ અને નાસીપાસ વ્યક્તિ માટે આશાનું કિરણ છે, પાપી માટે ડર છે, પુણ્યાત્મા માટે આશા છે અને સામાન્ય માનવી માટે એક ઐશ્વરિય સ્વરૂપ છે.
પ્રત્યેક સર્જન શ્રીરામની નિષ્કલંક લીલાનો ભાગ છે. બ્રહ્માંડ શ્રીરામના વિશાળ સામર્થ્યનું સાક્ષી છે. પૃથ્વી શ્રીરામ દ્વારા અપાયેલ અભૂતપૂર્વ આધાર છે, પાવક અગ્નિ શ્રીરામની પાવકતાનું પ્રતીક છે, જળ અને વાયુનું અસ્તિત્વ શ્રીરામના વરદાનના કારણ સમાન છે, પ્રત્યેક વનરાજી શ્રીરામની પવિત્ર કૃપા છે અને પ્રત્યેક સજીવ શ્રીરામના અસ્તિત્વની સાબિતી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter