સંત કબીરઃ ક્રાંતિકારક સમાજસુધારક - કવિ અને ફિલસૂફ

પર્વવિશેષઃ સંત કબીર જયંતી

Wednesday 08th June 2022 16:23 EDT
 
 

ભારતવર્ષમાં સંત અને કવિ કબીરનું નામ ખૂબ સન્માન સાથે લેવાય છે. તેઓના વિચારોના અનેક સમર્થક છે. કબીર 15મી સદીના રહસ્યવાદી કવિ અને સંત હતા. તેઓ હિન્દી સાહિત્યના ભક્તિકાલીન યુગના પ્રવર્તક હતા. તેઓ બિનસાંપ્રદાયિક વિચારધારામાં માનતા હતા. તેમની રચનાઓની ઊંડી અસર પડી હતી. કબીરના શિષ્યોએ તેમની વિચારધારાના પંથની શરૂઆત કરી હતી. જેને કબીર પંથ તરીકે ઓળખવામાં આવે છે. લગભગ એકાદ કરોડ લોકો આ પંથ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. જોકે, હવે આ પંથ અનેક ફાંટામાં વહેંચાઈ ચુક્યો છે.
વિશ્વના સર્વશ્રેષ્ઠ કવિઓમાં જેમની ગણના થાય છે એવા ફિલસૂફ, સૂફી સંત કબીર ભારતના આધ્યાત્મિક આકાશમાં ચમકતો સિતારો છે એમ કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી. ભારતના સંત સાહિત્યમાં એમનું પ્રદાન ખૂબ જ મહત્વનું છે. કહત કબીર સુનો ભાઈ સાધો... શબ્દોથી પૂરા થતાં એમનાં અનેક પદો અને ભજનોથી તેઓ આધ્યાત્મિક જનસમાજમાં ઓતપ્રોત થઇ ગયા છે. સંત કબીરને શીખ, હિંદુ અને ઈસ્લામ ધર્મના લોકો એકસમાન આદરથી પૂજે છે. તેમના અનુયાયીઓ કબીરપંથી તરીકે ઓળખાય છે.
આજથી લગભગ સવા છસો વર્ષ પૂર્વે સંત કબીરનો જન્મ બ્રાહ્મણ વિધવાના ગર્ભથી કાશીમાં 1440માં થયો હતો. લોકલાજને કારણે બ્રાહ્મણીએ પુત્રને વારાણસી નજીકના લહરતારા તળાવ પાસે ત્યજી દીધો. આ સ્થળેથી વણકર મુસ્લીમ દંપતી નીરુ અને નીમાએ બાળક કબીરને ત્યાંથી એમના ઘેર લઇ જઈને એક પાલક માતા-પિતા તરીકે ઉછેર કર્યો. નાની વયમાં કબીર સંત રામાનંદના શિષ્ય બન્યા હતા.
લોકવાયકા પ્રમાણે એક દિવસ રામાનંદ વહેલી સવારે ગંગામાં સ્નાન કરીને આવી રહ્યા હતા ત્યારે એમના પગનો સ્પર્શ કબીરને થયો અને એમના મુખમાંથી રામનામ નીકળી પડ્યું. જોયું તો એક નાનો બાળક, એમના ચરણમાં હતો. રામાનંદે કબીરને પુત્રવત્ ગણી આશ્રમમાં લાવી એમનો શિષ્ય બનાવ્યો. અધ્યાત્મના પાઠ ભણ્યા પછી કબીરે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. એમનાં પત્નીનું નામ લોઈ, પુત્રનું નામ કમાલ અને પુત્રીનું નામ કમાલી હતું.
એમની જ્ઞાનભરી વાતોથી એમણે અનેક લોકોને પોતાની તરફ આકર્ષ્યા પરંતુ કેટલાક લોકો એમને સાંખી ન શક્યા. તે સમયના વારાણસીના મુસ્લિમ રાજાએ એમને નગરપાર જવાની આજ્ઞા કરી. તે પછી તેમણે પોતાના શિષ્યો સાથે ભારતભ્રમણ કર્યું. પાછલું જીવન તેમણે નગરબહાર વીતાવ્યું.
લોકવાયકા પ્રમાણે ભારતભ્રમણ દરમ્યાન ગુજરાતમાં કબીરનો સંપર્ક તત્વા અને જીવા નામના બે ભાઈઓ સાથે કબીરવડ મુકામે થયેલો. કબીરના અનુયાયીઓ પરથી ગુજરાતમાં રામકબીર પંથ ચાલ્યો આવે છે. ઇતિહાસકારોના મતાનુસાર કબીર 78 વર્ષ જીવ્યા પછી 1518માં ગોરખપુર નજીક આવેલ મગહરમાં એમણે દેહત્યાગ કર્યો. એમના અંતિમ સંસ્કાર માટે એમના હિંદુ અને મુસલમાન અનુયાયીઓ વચ્ચે ઝઘડો થયો. ભક્તોએ એમના આશ્ચર્ય વચ્ચે કબીરના મૃત શરીરને બદલે પુષ્પોનો ઢગલો જોયો. એમણે એને સરખે ભાગે વહેંચી પોતપોતાની રીતે અંતિમ વિધિ કર્યો.
ભારતના વિશ્વવિખ્યાત નોબેલ પારિતોષિક વિજેતા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે કબીર સાહેબની એક સો કવિતાનો પરિચય આપતાં કહ્યું છે: કબીર ભારતના ઇતિહાસમાં સૌથી ઉત્કૃષ્ટોમાંના એક રહસ્યવાદી વ્યક્તિત્વ ધરાવતા કવિ છે. કબીર કવિતા દ્વારા તેઓ ઇસ્લામ તેમજ દ્વૈતવાદને એક સ્તરે લાવી શક્યા હતા.
મહાત્મા ગાંધીએ પણ પંડિત મોતીરામને લખેલા એક પત્રમાં જણાવ્યું હતુંઃ ખરેખર હું કબીરનો પુજારી છું. મેં મારી આશ્રમ ભજનાવલીમાં કબીર સાહેબનાં ઘણાં ભજનોનો સમાવેશ કર્યો છે. તેઓ અદભુત ધર્મોપદેશક હતા. કબીર જગતને માટે પૂજ્ય છે.
સંત કબીરે ભક્તિ અને સૂફી માર્ગ - બંનેના સારતત્વને અપનાવ્યું અને કુરાન કે વેદ બંનેથી પર એવો સહજ માર્ગ પ્રબોધ્યો. મૂર્તિપૂજા અને હિંદુઓમાં વ્યાપ્ત વર્ણવ્યવસ્થાના તથા વિધિવિધાનોના તેઓ સખ્ત વિરોધી હતા. કબીર સાહેબે આપણા અખા ભગતની જેમ એમની સંગ્રહિત થયેલી વાણી મારફતે સમાજમાં ચાલતા સ્થૂળ, મિથ્યાચાર ઉપર કટાક્ષનો કોરડો વીંઝ્યો છે. સંત કબીર એમના સર્વમાન્ય અને ભોગ્ય દુહા, સાખી શબ્દ સાહિત્ય દ્વારા આપેલ ઉપદેશ હાલમાં નજરે પડતી ધાર્મિક અસહિષ્ણુતાના માહોલમાં ખુબ જ પ્રસ્તુત બની રહે છે.
વ્યવસાયે વણકર એવા સંત કબીરે પોતાના આધ્યાત્મિક તત્વજ્ઞાનને પદો, ભજનો અને દોહા દ્વારા સમાજમાં વહેતું કર્યું છે. આવા સર્વમાન્ય સંત કબીર એક ક્રાંતિકારક રેશનલ સમાજસુધારક અને બિનસાંપ્રદાયિક સંત હતા એ એમના દુહા અને પદોમાં અને ભજનોમાં દેખાઈ આવે છે. એમનાં દુહાઓમાં નાના બે વાક્યોમાં ખુબ જ ઊંડું તત્વજ્ઞાન અને પ્રેરણાત્મક સંદેશ સમાયેલો હોય છે. ઉદાહરણ તરીકે આ દોહો જોઈએ.
કબીરા અપને જીવ તો યે દો બાતેં ધોય
માન બડાઈ કારને આછ્ન મૂલ ખોય.
(અર્થાત્ કબીર કહે છે કે દરેકે પોતાનાં જીવનમાંથી માન અને બડાઈ બન્ને દુર કરવાં જોઈએ. એ બન્નેને કારણે જીવ માણસાઈનું મૂળ ધન ગુમાવી બેસે છે.)
કબીર દોહાની બીજી એક ખૂબી એ છે કે તેઓ રોજબરોજના દૃશ્યોમાંથી દોહાનો વિષય શોધીને એનો ઉપયોગ કરે છે. જેમ કે, આ બે દુહા જૂઓ. એમાં દળવાની ઘંટીને એમના દુહામાં ખૂબીથી વણી લઈને જીવનનું કેટલું ઊંડું તત્વજ્ઞાન રજુ કર્યું છે!
 ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોય
 દુઈ પાટન કે બીચમે સાબુત ભયા ન કોય
 પત્થર પુજે હરિ મીલે, તો મૈ પૂજું પહાડ
 ઇસસે તો ચક્કી ભલી, પીસી ખાય સંસાર.
કબીરના આવા તો ઘણા અર્થ અને આધ્યાત્મિક તત્વથી ભરપુર અને પ્રેરક અનેક દોહા પ્રચલિત છે અને અવારનવાર લોકો એનો સંદર્ભ તરીકે ઉપયોગ કરતા રહે છે.
પ્રેમ અંગે જુઓ કબીરસાહેબ એમના દોહામાં શું કહે છે?
પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોય
ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય.
પ્રેમ ન બાડી ઉપજે, પ્રેમ ન હાટ બિકાય
રાજા-પરજા જેહી રુચે, સીસ દેઈ લે જાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter