સમસ્ત લોકમાં વંદનીય અને પૂજનીય નારદજી

નારદ જયંતી (13 મે)

Wednesday 07th May 2025 09:16 EDT
 
 

ભગવાન વિષ્ણુના અનેક ભક્તોમાં નારદજીનું નામ સૌથી પહેલાં લેવાય છે. એટલે સુધી કે શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ગીતાના દશમા અધ્યાયમાં કહ્યું છે કે, ‘અશ્વત્થ: સર્વવૃક્ષાણાં દેવર્ષીણાં ચ નારદ:’ અર્થાત્ દેવર્ષિઓમાં હું નારદ છું. નારદજી સમસ્ત લોકમાં વંદનીય અને પૂજનીય છે.
શાસ્ત્રો અનુસાર નારદ મુનિ બ્રહ્માજીના સાત માનસપુત્રોમાંથી એક છે. તેઓ ભગવાન વિષ્ણુના અનન્ય ભક્તોમાંથી પણ એક છે. તેઓ સ્વયં વૈષ્ણવ છે અને વૈષ્ણવોના પરમાચાર્ય તથા માર્ગદર્શક છે. દરેક યુગમાં ભગવાનની ભક્તિ અને તેમના મહિમાનો વિસ્તાર કરતાં તેમણે લોકકલ્યાણ માટે હંમેશાં વિચરણ કર્યું છે. ભક્તિ તથા સંકીર્તનના તેઓ આદ્ય-આચાર્ય છે. તેમની વીણા મહતીના નામથી વિખ્યાત છે. તેમાંથી સતત ‘નારાયણ... નારાયણ...’નો ધ્વનિ નીકળતો રહે છે. તેઓ અજરઅમર છે. ભગવદ્ ભક્તિની સ્થાપના તથા પ્રચાર માટે જ તેમનો આવિર્ભાવ થયો હતો. તેમણે કઠોર તપસ્યા કરીને બ્રહ્મર્ષિનું પદ મેળવ્યું છે. દેવર્ષિ નારદ ધર્મના પ્રચાર અને લોકકલ્યાણ માટે હંમેશાં પ્રયત્નશીલ રહે છે. તેથી જ બધા યુગોમાં, સમસ્ત લોકમાં, સમસ્ત વિદ્યાઓમાં, સમાજના દરેક વર્ગમાં નારદજીને હંમેશાં માન મળ્યું છે. માત્ર દેવતાઓ જ નહીં, પરંતુ રાક્ષસ, મનુષ્ય અને ઋષિ-મુનિઓ પણ હંમેશાં તેમને આદર આપતા હતા. જરૂર પડે આ બધાએ તેમનો પરામર્શ લીધો છે. દેવતા હોય કે રાક્ષસ કોઈપણ તેમને પોતાના શત્રુ નહોતા માનતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ તેઓ વાતનું વહન કરતા હતા. તેઓ ફરી ફરીને સંવાદદાતાની ભૂમિકા અદા કરતા હતા, તેથી એમ કહી શકાય કે તેઓ માત્ર દેવર્ષિ જ નહીં, પરંતુ દિવ્ય પત્રકાર પણ હતા. દેવર્ષિ નારદ સમગ્ર સંસારને જ્ઞાન આપનારા વ્યાસજી, વાલ્મીકિ તથા મહાજ્ઞાની શુક્રદેવ વગેરેના ગુરુ પણ છે.
પૂર્વ કલ્પમાં નારદજી ઉપબર્હણ નામના ગંધર્વ હતા. તેમને પોતાના રૂપ પર ઘણું અભિમાન હતું. એક વાર જ્યારે બ્રહ્માજીની સેવામાં અપ્સરાઓ તથા ગંધર્વ ગીત અને નૃત્ય દ્વારા જગત્સૃષ્ટાની આરાધના કરી રહ્યા હતા, ત્યારે ઉપબર્હણ સ્ત્રીઓ સાથે શૃંગારભાવથી ત્યાં આવ્યો. ઉપબર્હણનું આ અશિષ્ટ આચરણ જોઈને બ્રહ્માજી કોપાયમાન થયા અને તેમણે તરત જ તેને શૂદ્ર યોનિમાં જન્મ લેવાનો શાપ આપ્યો. તેના ફળસ્વરૂપે તે શૂદ્ર દાસીનો પુત્ર થયો.
માતા-પુત્ર સાધુ-સંતોની નિષ્ઠાપૂર્વક સેવા કરતાં હતાં. પાંચ વર્ષનું બાળક સંતોના પાત્રમાં વધેલું એંઠું ભોજન ખાતો હતો. તેનાથી તેનાં બધાં જ પાપ ધોવાઈ ગયાં. બાળકની સેવાથી પ્રસન્ન થઈને સાધુઓએ તેને નામજાપ અને ધ્યાનનો ઉપદેશ આપ્યો. બાળકની માતા (દાસી)નું સર્પદંશથી મૃત્યુ થયું. હવે બાળક સંસારમાં એકલો રહી ગયો. જોકે આ બાળક માતાના વિયોગને પણ ભગવાનનો અનુગ્રહ માનીને અનાથોના દીનાનાથનાં ભજન કરવા લાગ્યો. એક દિવસ આ બાળક પીપળાના વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠો હતો.
આ દરમિયાન વીજળીના ચમકારાની જેમ તેને ભગવાનની એક ઝલક જોવા મળી, પરંતુ તે પળવારમાં જ અદૃશ્ય થઈ ગઈ, તેથી તેના મનમાં ભગવાનનાં દર્શનની વ્યાકુળતા વધી ગઈ. જેને જોતાં આકાશવાણી થઈ, ‘હે દાસીપુત્ર, હવે આ જન્મમાં ફરી તને મારાં દર્શન નહીં થાય. આગળના જન્મમાં તું મારા પાર્ષદ રૂપે ફરીથી મને પ્રાપ્ત કરીશ.’ સમય આવ્યે નારદજીનું પંચભૌતિક શરીર છૂટી ગયું અને કલ્પના અંતમાં જ વૈશાખ વદ એકમ (આ વર્ષે 13 મે)ના દિવસે તેઓ બ્રહ્માજીના માનસપુત્ર તરીકે અવતર્યા.
નારદજીનું વ્યક્તિત્વ
શાસ્ત્રોમાં પારંગત, આત્મજ્ઞાની, બ્રહ્મચારી, દક્ષ, મેધાવી, નિર્ભય, પ્રભુભક્તિના પ્રચારક, વિનયશીલ, સ્થિતપ્રજ્ઞ, તપસ્વી બધા જ યુગો તથા લોકોમાં વિચરણ કરનાર, નિ:સ્વાર્થ પ્રીતિ રાખનારા, બધા જ લોકોમાં સન્માન મેળવનાર ઋષિત્વ પ્રાપ્ત એકમાત્ર નારદજી જ હતા. નારદ મુનિને વૃત્તાંતોનું વહન કરનારા વિચારક માનવામાં આવે છે. નારદજીના હાથમાં વીણા છે. ઊભી શિખા છે. મુખ દ્વારા નિરંતર ‘નારાયણ... નારાયણ...’નો જાપ કરનારા દેવર્ષિ નારદ દેવતાઓમાં પૂજ્ય છે. તેઓ ઇતિહાસ તથા પુરાણોના વિશેષજ્ઞ, ત્રિકાળજ્ઞાની, વેદ-ઉપનિષદોના મર્મજ્ઞ, ન્યાય તથા ધર્મના તત્ત્વજ્ઞ, સંગીત વિશારદ, નીતિજ્ઞ, કવિ, પ્રભાવશાળી પંડિત, વિદ્વાનોની શંકાઓનું સમાધાન કરનારા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષના જ્ઞાતા છે. સાંખ્ય તથા યોગને જાણનારા, સમસ્ત લોકોના સમાચાર જાણી લેવામાં સમર્થ, દેવો-દૈત્યો ને વૈરાગ્યના ઉપદેશક, પરમ તેજસ્વી, બધાના હિતકારી, સદાચારના આધાર તથા આનંદના સાગર માનવામાં આવે છે.
નારદજી અને વિવિધ ગ્રંથ
નારદજીનો ઉલ્લેખ અનેક ગ્રંથોમાં જોવા મળે છે. નારદજીના જ્ઞાનસંબંધી અનેક ધર્મગ્રંથ જોવા મળે છે. જેમ કે, નારદ પાંચરાત્ર, નારદ મહાપુરાણ, નારદનાં ભક્તિસૂત્ર, નારદ પરિવ્રાજકોપનિષદ, બૃહન્નારદીય ઉપપુરાણ સંહિતા, અઢાર મહાપુરાણોમાં એક નારદોક્ત પુરાણ બૃહન્નારદીય પુરાણના નામથી વિખ્યાત છે. નારદ સંહિતા નામના ગ્રંથમાં જ્યોતિષશાસ્ત્રના બધા જ વિષયોનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. જેનાથી એક વાત સાબિત થાય છે કે દેવર્ષિ નારદ ભક્તિની સાથે-સાથે જ્યોતિષશાસ્ત્રના પણ પ્રધાન આચાર્ય રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter