સમાજસેવાના હિમાયતી સ્વામિનારાયણ ભગવાન

સ્વામિનારાયણ જયંતી (27 માર્ચ)

- સાધુ પ્રેમવત્સલદાસ કુમકુમ Friday 27th March 2026 12:54 EDT
 
 

હિન્દુ ધર્મના અનંત શાસ્ત્રોના સેવા કરવાનું મહાત્મ્ય દર્શાવાયેલું છે. તેથી આપણી પ્રજામાં સેવાના સંસ્કારો ઓછાવત્તા સૌને સાંપડ્યા છે. પરંતુ ઘણી વખત આપણે મનગમતી સેવા મળે તો જ કરીએ એવું પણ બને છે. જો કોઈ સામાન્ય ગણાતી સેવા મળે, તો ઘણા માણસો તે કરવા તૈયાર થતા નથી. જોકે સેવાનું યથાર્થ ફળ તો નીચા પ્રકારની સેવા કરવાથી જ મળે છે. તેથી આપણને જે સેવા મળે તે પરમ અવસર મળ્યો છે તેમ માનીને કરવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાને સ્વયં સેવાનો મહિમા વચનામૃત ગ્રંથમાં જણાવતાં કહ્યું છે કે, ‘દેહની ક્રિયા ભગવાન અને સંતની સેવામાં જોડી રાખવી, એને કરીને અંતઃકરણ શુદ્ધ થાય છે અને અંતઃકરણ શુદ્ધ થવાથી અનેક પ્રકારના દોષો અને વાસના નાશ પામે છે.’
શ્રીજી મહારાજે ફક્ત સેવાનો મહિમા કહી બતાવ્યો છે એવું નથી, પોતે સેવા કરીને સૌને સેવાની રીત શીખવી છે, કારણ કે વર્તન વગરની વાતો બીજાને અસર કરતી નથી. એક વાર માણાવદર ગામમાં રહેતા મયારામ ભટ્ટને શ્રીજી મહારાજે કહ્યું કે, ‘ચાલો! ભટ્ટજી ગઢપુર જઈએ. ત્યાં સમૈયો આવે છે તો સત્સંગ કરીશું.' મયારામ ભટ્ટ કહે કે, ‘મારે આ બાજરો લણવાનો બાકી છે, બાકી તો તરત આવું.’ શ્રીજી મહારાજે તરત ગામના હરિભક્તોને બોલાવ્યા અને દાતરડાં મંગાવ્યાં. ભરઉનાળે દાતરડું લઈ પોતે પણ બાજરો લણવા લાગ્યા. સંતો અને હરિભક્તો બધાએ ભેળાં થઈને સાંજ સુધીમાં આખું ખેતર લણી નાંખ્યું. પછી શ્રીજી મહારાજે મયારામ ભટ્ટને કહ્યું, ‘બોલો! હવે બીજું કંઈ કામ હોય તો કહો.’ ત્યારે તેમણે કહ્યું કે, ‘ના પ્રભુ! કામ પૂરું થઈ ગયું છે. ચિંતા મટી ગઈ છે. હવે હું તમારી સાથે ગઢપુર આવું જ છું.’ આમ, સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને વ્યવહારમાં પણ કોઈ તકલીફ ન પડે અને પરલોક સંબંધી ભગવાન ભજવાનું કાર્ય પણ થાય, એ રીતે આવાં અનોખા કાર્યો કરતાં હતા.
સ્વામિનારાયણ ભગવાનના યોગમાં આવનાર મહિલાઓ પણ કેવી અદ્ભુત સેવા કરતાં હતાં, તેનો ઐતિહાસિક પ્રસંગ છે. વરજાંગ જાળિયા ગામમાં રહેતાં પ્રેમબાઈ નામનાં મહિલાને નાનપણથી સેવા- ભક્તિનો સંસ્કારનો વારસો સાંપડયો હતો. મોટાં થઈને તેઓ અમરેલી જિલ્લામાં રહેવાં આવ્યાં. ત્યાં કપાસ અને કાલાં વીણવા જતાં અને મજૂરી કરતાં. તેમાંથી તેમનો ગુજારો ચાલતો હતો.
છતાં જે કમાઈએ તેમાંથી ભગવાન અને સંતોની સેવા કરીને તેમને રાજીપો પામવાની હૃદયમાં તમન્ના રહ્યાં કરતી હતી. તેઓ નિત્ય થોડો કપાસ ભેગો કરી રાખતાં. રેંટિયો કાંતી, તેમાંથી કાપડ બનાવે. પછી દર વર્ષે સંતો ગામડે સત્સંગ પ્રચાર્થે આવે ત્યારે એ કાપડને સાંધી સંતોને પહેરવાનું ગાતડીયું તૈયાર કર્યું હોય તે દાનપેટે મોકલી આપે. એક વર્ષે સ્વામિનારાયણ ભગવાને પ્રેમબાઈને દિવ્યરૂપે દર્શન આપતાં કહ્યું કે, ‘મારા સંતોને તમે જે અર્પણ કરો છો, તે મને પહોંચે છે. તેથી તમે જે ગાતડીયામાં સાંધો કરો છે એ મને બરડામાં વાગે છે. હવેથી જે ગાતડીયાં દાનમાં આપો તે ત્રણ પટ્ટાનું કરજો. જેથી બરડામાં તેનો સાંધો ન આવે ને વાગે નહીં.’ સ્વામિનારાયણ ભગવાને આ રીતે દિવ્ય દર્શન આપ્યાં અને મારી સેવા ભગવાન સુધી પહોંચે છે, તેનો પુરાવો મળતાં પ્રેમબાઈને તો હર્ષનાં આંસુ આવી ગયાં. પછીથી તેમણે દર વર્ષે જે ગાતડીયાં બનાવતાં, તેમાં હરિએ કહ્યું એ પ્રમાણે સુધારો કર્યો અને ત્રણ પટ્ટાવાળું ગાતડીયું બનાવીને સંતોને દાનમાં આપ્યું.આમ, સ્વામિનારાયણ ભગવાન સમાજસેવાના હિમાયતી હતા અને તેમણે સેવા કરવાની રીત શીખવી છે. તેમને આ આલોકમાં પ્રગટ થયે ચૈત્ર સુદ નોમ 27 માર્ચના રોજ 245 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે આપણે સેવાના માર્ગે ડગલાં ભરી, તેમના કૃપાપાત્ર બની શકીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter